નરસિંહનાં પ્રભાતિયાંના પડઘા

               નરસિંહનાં પ્રભાતિયાં સૈકાઓ સુધી ગુજરાતના શિક્ષિત-અશિક્ષિતોના ઊઘડતા પ્રભાતને રસાળું ઉજમાળું કરતાં રહ્યાં છે. એની વાણી કંઈકની સવારને સોહામણું કરતી. ઊઘડું ઊઘડું થતા સૂર્યને આમંત્રાતાં પ્રભાતિયાંના નાદસ્વરો ઘરને ભરી દેતા. પણ તે ફરી ન લખાયાં.
કવિજીવ ‘શશિશિવમે’ – ચંદ્રશંકર ભટ્ટે આ વસમી વાટે પગલાં પાડયાં અને એક એકથી ચડિયાતાં પ્રભાતિયાંથી આ શૂન્ય ખૂણાને અજવાળ્યો. એમાં નરસિંહના વાણી-લહેકા તો છે જ, પણ જાણે નવા ઉમંગથી, પોતીકા અવાજથી કંઈક નવી તાજગીથી તે ગવાયાં છે. આનંદ-ઉમંગ આ પ્રભાતિયાંમાં મૂળ ભાવ છે. કેટકેટલી કડીઓમાં તે ઊભરાય છે !

સકળ આકાશમાં મેઘ ગરજે અને
ઝબકતી વીજ ભરી ગગન ગાજે;
અવનવાં રૂપ સોહામણાં ઊઘડતાં
અણદીઠું નયનમાં કંઈ વિરાજે.

**

શ્વાસના શ્વાસમાં કોણ આ ધબકતો,
રક્તના વહેણમાં કોણ સરકે !
વિરહનાં આંસુમાં કોણ ટપકી રહ્યો !
ઝીલવો કેમ જીવ કંઈ ન પરખે…
આવ હવ આંગણે તરફડે જીવ આ,
રમ્ય કે રુદ્ર રૂપે વધાવું.
એ પરાત્પરને ખોજતાં કવિનું વ્યાકુળ ચિત્ત ઉદ્ગારી ઊઠે છે :
ક્યાં હશો ક્યાં હશો, કૃષ્ણ હે જાદવા !
વ્યોમમાં ભોમમાં ક્યાં નિહાળું ?
વળી કહે છે :
સ્હાય કર સ્હાય કર, શામળા, સ્હાય કર !

ત્રણ ત્રણ વાર ‘સ્હાય કર’ શબ્દ પ્રયોજી કેવા અપાર તલસાટથી કવિ શામળાને પોકારે છે !

સરલ પ્રવાહી આર્ત વાણીમાં જાણે મૃદંગનાં બેઉ પડખાં પડઘાય ! બાહ્ય જગત, વ્યોમ-ભોમ, વૃક્ષ-વેલી-જલ બધું જ પ્રત્યક્ષ અને અંતરનો ઝુરાપો :
નેત્રા વિણ નીરખવો
સ્પર્શ વિણ પરખવો.
એકેય ઇંદ્રિય – મન સુધ્ધાં – કામ ન આવે, અને છતાં તે છે, અંદર છે, બહાર છે, બધે છે. એ અનુભવ પ્રભાતિયાંમાં નરસિંહે ગાયો અને ચંદ્રશંકરે તેને ફરી સજીવ કર્યો. આ પ્રભાતિયાં અર્વાચીન કવિતામાં અનેરું અર્પણ છે.

મનુભાઈ પંચોળી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.