ધોવા દ્યો – દુલા ભાયા ‘કાગ’

               [હિંદી ભાષાનું કોઈ કાવ્ય સાંભળેલું કે ગુહ ભીલને હોડીમાં બેસારી ઉતારવાનું ભાડું લેવાનું કહેતાં શ્રીરામને નાવિક-ભીલે ઉત્તર આપ્યો કે : “મહારાજ ! આપણે તો ધંધાભાઈ કહેવાઈએ; હજામે હજામ, ધોબીએ ધોબી સામસામું મહેનતાણું લેતા નથી. હું તમોને અહીં તારું છું, અને ‘તુમ કેવટ ભવસાગર કેરે’, એ હિસાબે આપણે બેઉ એક જ ધંધો કરનારા છીએ.”]

પગ મને ધોવા દ્યો રઘુરાય;
પ્રભુ, મને શક પડયો છે દિલમાંય.
રામ લક્ષ્મણ જાનકીજી તીર ગંગાને જાય જી;
નાવ માગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ :
રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી,
તો અમારી રંક જનોની આજીવિકા ટળી જાય….

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાયજી;
પાર ઉતારી પૂછિયું કે શું લેશો ઉતરાઈ ?
નાવિક નવ લીએ નાવિકનું, આપણ ધંધાભાઈ જી;
‘કાગ’ લે નહિ ખારવાની ખારવો ઉતરાઈ.

દુલા ભાયા ‘કાગ’

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.