થોડો વગડાનો શ્વાસ – જયન્ત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પિયે ને
પિયે માટીની ગંધ મારાં મૂળ,
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

જયન્ત પાઠક

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.