થાયે છે થેઈથેઈકાર – પ્રહ્લાદ પારેખ

થાયે છે થેઈથેઈકાર,
– ધરા ને ગગનમાં
થાયે છે થેઈથેઈકાર !

બોલે છે મોરલા મલ્હાર,
– કે આઘેરી સીમમાં
થાયે છે થેઈથેઈકાર !

વાદળના પડદાની આગળ આ વીજળી
નાચે, ને થાયે ચમકાર;
આવે અવાજ ઓલાં ઝરણાંની ઝાંઝનો
ને ઝાડવાં વગાડે કરતાલ !
– ધરા ને ગગનમાં
થાયે છે થેઈથેઈકાર !

કેવું અજબ છે આ વર્ષાનું જંતર, એને
બાંધ્યા છે લખલખ તાર;
એ રે અનેકમાંથી એક જ ઊઠે છે આ
હૈયાં હલાવતો ઝંકાર !
-ધરા ને ગગનમાં
થાયે છે થેઈથેઈકાર !

વાગે છે પાવા પવન કેરા ધીરા ધીરા,
– વાદળનો ઘેરો ઘમકાર;
શ્યામલના સૂર કેરી, ધરતીને આવરીને
ચાલી રહી છે વણજાર !
– ધરા ને ગગનમાં
થાયે છે થેઈથેઈકાર !

પ્રહ્લાદ પારેખ
[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.