જીવનવાટ-ઝવેરચંદ મેઘાણી

               ગિરનારનાં પગથિયાં પર ઠબ ઠબ લાકડીઓ ટેકા લેતી આવતી હતી. નાનાં છોકરાંને તેડીને બે મજૂરણો ચાલી આવતી હતી. એમના બોલ મોતી જેવા વીણી શકાતા હતા. બેમાંથી એક ડોશીનો બોલ પકડાયો : ‘શું કરું બાઈ ? ગાંડી થઈ જાઉં તો મલક ઠેકડી કરશે કે રાંડ હારીને ગાંડી થઈ ગઈ. એટલે જ રોજ ડુંગરા ચડવા-ઊતરવા રિયા.’

           જુવાનજોધ દીકરાઓના અકાળ મોત પછી સંસારમાં એકલી થઈ પડેલી શ્રમજીવી મા ઉપહાસ ન થાય તે સારુ ઉદ્યમમાં જ મસ્ત છે.

**

               ત્રણ ડોળીવાળા ગિરનારની પહેલી ટૂક પર ચોથાની રાહ જોતા હતા.

              ‘આવ્યા, આવ્યા. બાપુ આ આવ્યા.’ બોકાનીદાર એક ખડતલ મરદ આવી પહોંચ્યો. ‘આહીં ધૂણે આવો. બાપુ, જરા તાપી લ્યો. ચા પી લ્યો.’

            મૂંગા મરદે તાપ્યું. ચા પતાવી ડોળી લઈને ચાર મરદો પગથિયાં ઊતરવા લાગ્યા. અરધો રસ્તો કપાયો તેટલામાં જ ‘બાપુ’નો જીવન-ઇતિહાસ જડી ગયો. ચાર દીકરા, દીકરાના પણ જુવાન પરણાવેલા દીકરા, ચાલી નીકળ્યા હતા. દીકરાની ને દીકરાના દીકરાની વહુઓ જુદાં ઘર માંડી મજૂરીએ ચડી ગઈ હતી. બાપુ એંશી વર્ષની અવસ્થાએ ડોળીઓ ચડાવતા-ઉતારતા રહ્યા છે. એમનો જીવનસંતોષ એક જ હતો : સાઠ વર્ષથી જાત્રાળુ બાયું-બેન્યુંને ગરનાર ચડાવ્યો-ઊતરાવ્યો છે. કોઈની સામે કે’દી ય નજર માંડી નથી. કોઈને કે’દી કષ્ટ દીધું નથી. આઘુંપાછું વેણ કહ્યું નથી.

             ડોળી ઊંચકનાર પચાસ-સો મજૂરોનો નૈતિક આદર્શ આ ઇસ્માઈલબાપુ છે. એમની આપવીતીમાં એ શ્રમજીવીઓની મહાગાથા છે. મૂંગું રહેવામાં જ માનવતાનું ગૌરવ સમજનાર એ ડુંગર જેવડું દુઃખ પચીસ-પચાસ સાથીઓની મૂંગી દિલસોજીથી મધુર બની ટાંટિયામાં જીવન-વાટ ખેંચવાનું જોર મૂકે છે.

ઝવેરચંદ મેઘાણી
[‘જન્મભૂમિ’ દૈનિક : 1939]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.