ચાલ જાગીએ !-ધ્રુવ ભટ્ટ

ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ
ક્યાંક વાગે છે ઢોલ – ચાલ જાગીએ !
આઘેના ડુંગરમાં બોલે છે મોર
એનો ઝીણો કલશોર – ચાલ જાગીએ !
ઝરમરતી વાદળીના ઝીણા વરસાદ
ભીનો ચંદરવો ગોળ – ચાલ જાગીએ !
ઝીલી લે ઝીલી લે વરસ્યાં આકાશ
એમાં સપનાઓ બોળ – ચાલ જાગીએ !
ઝીણેરી જાત એના ઝીણેરા ઓરતામાં
રાચે છે કોક – ચાલ જાગીએ !
ઝીણેરી ઝાંઝરીના ઝીણા રણકાર
એમાં પગનો હિલ્લોળ – ચાલ જાગીએ !
ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની
આંખો હિંગોળ – ચાલ જાગીએ !
ઝીણી ઘોડી ને એનો ઝીણો અસવાર
કહે દરવાજો ખોલ – ચાલ જાગીએ !
ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યો
આખોયે ચોક – ચાલ જાગીએ !
ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ
બધી ધારણાઓ ફોક – ચાલ જાગીએ !
આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર
હવે પડછાયા છોડ – ચાલ જાગીએ !
ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર
એમાં દર્પણને તોડ – ચાલ જાગીએ !
ધ્રુવ ભટ્ટ
**
રાજકારણ છે પ્રેમના જેવું – એને વિશે એક અક્ષર પણ જાણ્યા વિના દરેક જણ ઊંધે માથે તેમાં ખાબકે છે.

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.