ગઝલ-જયંત પાઠક

જૂઠનાં આ દૃશ્ય ચાલે ક્યાં સુધી ?
સાચનો પડદો પડે ના ત્યાં સુધી.
આયનાઓ સાથ આપે ક્યાં સુધી ?
ઘટ્ટ અંધારું ઢળે ના ત્યાં સુધી.
હસ્તરેખાઓમાં શ્રદ્ધા ક્યાં સુધી ?
મુઠ્ઠીઓના બંધ ઊઘડે ત્યાં સુધી.
શબ્દના સૌ ખેલ ચાલે ક્યાં સુધી ?
મૌન ના મૂકે મલાજો ત્યાં સુધી.
તો તમારો સાથ – બોલો ક્યાં સુધી ?
ભૂલા પડયાનું ભાન આવે ત્યાં સુધી.
ખોજ બીજાની કરીશું ક્યાં સુધી ?
આપણે ખોવાઈએ ના ત્યાં સુધી.

જયંત પાઠક
[‘સમર્પણ’ પખવાડિક : સંવત 2031]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.