ખિસકોલી – ઉમાશંકર જોશી/ત્રિભુવન વ્યાસ

રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી
જાણે લંકાનો કો પ્રલયકેતુ ખિસકોલી
કપિ પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી
કપિ સેતુ દિવસરાત બાંધે ખિસકોલી
એક નાની-શી આમતેમ કૂદે ખિસકોલી
કાંઠો સિન્ધુનો આખો દિ ખૂંદે ખિસકોલી
જરા વેળુમાં જઈ એ આળોટી ખિસકોલી
જઈ ખંખેરી સેતુએ રજોટી ખિસકોલી
સહુ વાનર ને રીંછ હસે જોઈ ખિસકોલી
ઘણો દરિયો પૂરવાની વાલામોઈ ખિસકોલી
જોઈ ગમ્મત ત્યાં રામ આવી જુએ ખિસકોલી
આંખે હરખનું આંસુ એક લુએ ખિસકોલી
મારો સૌથી નાનેરો સૈનિક તું ખિસકોલી
હવે પામીશ સીતાને ખચીત હું ખિસકોલી
એમ કહીને પસવારી હાથ મીઠે ખિસકોલી
પામી પટ્ટા તે દા’ડાથી પીઠે ખિસકોલી

ઉમાશંકર જોશી

**

તું અહીંયાં રમવા આવ, મજાની ખિસકોલી !
તું દોડ, તને દઉં દાવ, મજાની ખિસકોલી !
તું કેવી હસે ને રમે, મજાની ખિસકોલી !
તારા કૂદકા તો બહુ ગમે, મજાની ખિસકોલી !

તું જ્યારે ખિલખિલ ગાય, મજાની ખિસકોલી !
તારી પૂંછડી ઊંચી થાય, મજાની ખિસકોલી !
તારે અંગે સુંદર પટા, મજાની ખિસકોલી !
તારી ખાવાની શી છટા, મજાની ખિસકોલી !

તું ઝાડે ઝાડે ચડે, મજાની ખિસકોલી !
કહે, કેવી મજા ત્યાં પડે, મજાની ખિસકોલી !
બહુ ચંચળ તારી જાત, મજાની ખિસકોલી !
તું ઉંદરભાઈની નાત, મજાની ખિસકોલી !

ત્રિભુવન વ્યાસ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.