ઉબેણને કાંઠે – ઝવેરચંદ મેઘાણી

               “ઉંમર કેટલી હશે, ભાભા ?”
               “એંશી માથે પાંચ.”
               છતાં ત્રાંબાવરણું શરીર ! મોં પર ઊ„મનો એક પણ રંગ નહોતો દેખાતો ઘેટાં ચારનાર વૃદ્ધની વાતોમાં.
               “તયેં ભાઈ, વાત કહી દઉં ?”
               “કહોને બાપા.”
               “ચાર ઘર કર્યાં, પણ પેટે એકેય વીયા ન થયું.”
               “અરે રામ, ચાર ઘર ?”
               “પે’લી હતી પરણેતર. એક દીકરો મેલીને મૂઈ. બીજીને ઘરઘીને લાવ્યો ત્યાં દીકરો મૂઓ. દીકરો ભરખનારી ગણીને કાઢી. ત્રીજી  આણી. આગલા ઘેર સર્યું હાલતી’તી. મારે ઘેર વણકોળેલ રહી, ને પાછી ગઈ. હવે ચોથી બેઠી છે.”
હસીને ડોસો ચાલ્યો. પાછો વળ્યો. બોલ્યો, “તયેં ભેળાભેળ વાત ઠાલવી નાખું. પે’લી મારી પરણેતર બહુ યાદ આવે છે.”
               “આટલાં વર્ષે ?”
               “નથી વીસરાણું. ઈ એની નમણાઈ, એના ગુણ, એની અદબ…” પંચાશી વર્ષના રબારીની આંખોમાથી આંસુની ધારાઓ નીકળી પડી. એ દુઃખનાં નહીં, પ્રેમનાં આંસુ હતાં.
               સાઠ વર્ષોનો સમય જે સ્નેહને વીસરાવી નથી શકતો, આંસુભીનો રાખી જાળવે છે તે શોધ્યો ન જડત. ઉબેણને કાંઠે એક ઓચિંતી પ્રાપ્તિ હતી.

ઝવેરચંદ મેઘાણી

               [જૂનાગઢ જિલ્લામાં વહેતી ઉબેણ નદીને કાંઠે વણથળી ગામે આવેલી જાનોના નવસો મીંઢળબંધા નાઘોરી મુસલમાન વરરાજાઓએ, જૂનાગઢના નવાબની ફોજથી ભાગતા એક હિંદુ કાંધલજી મેરને બચાવવા ઉબેણને કાંઠે ધીંગાણું કરેલું. એ નવસો યે નવસો તેમાં ખપી ગયેલા તેની કથા ‘કાંધલજી મેર’ મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ (ભાગ 2)માં આપેલી 1924માં.]

**

               આપણા નવા યુવાન કવિઓમાં સુંદર ગદ્ય લખનારા બહુ ઓછા નીકળે છે. કારણ કે ગદ્ય લખવાને માટે પોતાની પાસે કશુંક કહેવાનું હોવું જોઈએ. જેની પાસે કહેવાનું કાંઈ નથી, તે પદ્ય વણી શકે છે, તુક જોડી શકે છે, કેમ કે તેમાં એક શબ્દમાંથી બીજો શબ્દ સૂઝે છે.

જોહાન ગયટે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.