આસમાનમાંથી ટપકી પડી છે ? – દાદા ધર્માધિકારી

               આજની પરિસ્થિતિનો ઉકેલ અમારી પાસે છે, એવું કહેનારાઓ ઘણા છે; પણ આ પરિસ્થિતિ માટે સૌથી વધુ જવાબદાર આપણે સામાન્ય નાગરિકો છીએ, એવું કોઈ કહેતું નથી. એક મારા સિવાયના બીજા બધા બૂરાઈ માટે જવાબદાર છે, એમ સૌ કોઈ કહે છે; અને છેવટે તો તે જવાબદારી ઈશ્વર ઉપર પણ નાખી દેવામાં આવે છે. નેતાઓને ભય લાગે છે કે જો તેઓ જનતાને જવાબદાર ગણાવશે તો પોતે નેતા નહિ રહે. આજની મોટી મુશ્કેલી એ છે કે જનતાને નિસ્પૃહ રીતે તેની જવાબદારી બતાવનાર કોઈ નથી.
               “તમારી મુશ્કેલીઓનો ઉકેલ અમારી પાસે છે,” એવું કહેનારાઓનો ભરોસો કરશો નહીં – પછી તે કહેનાર ગમે તે હોય, સર્વોદયવાળા પણ ભલે હોય. તમારી પરિસ્થિતિ જે બદલશે, તે તમારા ઉપર કાબૂ પણ ધરાવતો થશે. તેના નચાવ્યા તમારે નાચવું પડશે.
               આજે સામાન્ય નાગરિક ફરિયાદ કરે છે, પણ બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની લગની તેને નથી. દરેકને ફિકર છે એટલી જ કે “મારી” મુશ્કેલી મટવી જોઈએ. દરેક પોતાનું જ વિચારે છે, બીજાની મુશ્કેલીની તેને કાંઈ પડી નથી. વેપારી, ગ્રાહક, ઉત્પાદક સૌ કોઈ પોતપોતાની વાત જ આગળ કરતા હોય છે; “આપણે બધા” મળીને મુશ્કેલીઓ દૂર કરીએ, એમ કોઈ વિચારતું નથી.
               આજની પરિસ્થિતિમાં એક ગંભીર બાબત ભ્રષ્ટાચારની છે. આપણી સાર્વજનિક સંસ્થાઓમાંથી એવી કેટલી હશે કે જેમાં હિસાબ વિશે એકબીજા ઉપર આરોપ ન મુકાતા હોય ? સંસ્થા છોડતી વખતે છોડવાવાળો પવિત્રા, અને તેમાં રહેવાવાળા બધા ભ્રષ્ટ ને નાલાયક ! તેવી જ રીતે સરકારમાં. પણ સરકાર નાલાયક હોય, તો તે ત્યાં છે જ કેમ ? તે કાંઈ આસમાનમાંથી ટપકી પડી નથી ને ? તમારા જ મતથી એ ત્યાં આવી છે. કદાચ પૈસાથી વોટ ખરીદીને આવી હશે, તો પૈસા લઈને વોટ વેચનારા પોતે જ પહેલાં તો ભ્રષ્ટ થઈ ગયાને !
દાદા ધર્માધિકારી

**

God grows weary of great kingdoms,
but never of little flowers.
પરમેશ્વર મોટાં મોટાં સામ્રાજ્યોથી વાજ આવી જાય છે,
પણ નાનકડાં ફૂલોથી કદી કંટાળતો નથી.

રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. નગીનદાસ પારેખ)

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.