આવકારો મીઠો આપજે – દુલા ભાયા ‘કાગ’

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે
આવકારો મીઠો… આપજે રે જી…
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી…
માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુઃખિયાં આવે રે – આવકારો મીઠો…
આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે…રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો….
આપજે રે…જી…
વાતું એની સાંભળીને… આડું નવ જોજે…રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે – આવકારો મીઠો….
આપજે રે…જી…
‘કાગ’ એને પાણી પાજે… સાથે બેસી ખાજે…રે…,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે – આવકારો મીઠો…
આપજે રે…જી…

દુલા ભાયા ‘કાગ’

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.