મારું ગામડું – બબલભાઈ મહેતા

               લડત દરમિયાન પ્રજાની પારાશીશીનું માપ બાપુના હાથમાં બરાબર આવી ગયું હતું. એમણે જોઈ લીધું કે હવે તલમાંથી વધુ તેલ નીકળે એમ નથી, પ્રજા દમનથી થાકી ગઈ છે, ત્યારે એમણે સત્યાગ્રહની લડત બંધ જાહેર કરી. એમણે એમ પણ કહ્યું કે હવે સ્વયંસેવકોએ ગામડે ગામડે બેસી જવું જોઈએ અને પ્રજાની તાકાત વધારવી જોઈએ. એટલે ગામડામાં જવાની મારી ઇચ્છા તીવ્ર બની હતી. ત્યાંની દુઃખી, અજ્ઞાન, વહેમી પ્રજાની સેવામાં દટાઈ જવાની અંતરની અભિલાષા હતી.
               ગામડામાં જવાનો નિર્ણય કર્યો ત્યારે મેં એક વિચાર કર્યો હતો કે સંપન્ન નહીં પણ વિપન્ન ગામમાં જ સેવા કરવા બેસવું. જ્યાં રસ્તા ન હોય, રેલવે સ્ટેશન ન હોય, પાણીની અગવડ હોય, ગરીબી હોય, અજ્ઞાન હોય, વહેમો હોય એવું કોઈ પછાત નાનું ગામ પસંદ કરવું. 1930-32ની સત્યાગ્રહની લડત વખતે મારે ખેડા જિલ્લામાં કામ કરવાનું આવ્યું હતું અને ત્યાંના કાર્યકરો તથા ગામ સાથે વધુ પરિચય થયો હતો. એટલે સ્વાભાવિક રીતે જ ગામડું પસંદ કરવા માટે હું સર્વ પ્રથમ ખેડા જિલ્લામાં ફરવા નીકળ્યો. પછાત ગણાતા તાલુકાઓમાંથી એકાદ ગામડું પસંદ કરવાનું મેં નક્કી કર્યું. કોઈ ઓળખાણનો આશરો લીધા વિના અજાણ્યા ગામડામાં બેસી જઈને અનુભવ લેવાની પણ એક ઝંખના હતી.
               ફરતાં ફરતાં ઠાસરા તાલુકામાં શેઢી નદીને કિનારે આવેલું મીઠાનું મુવાડું કરીને એક નાનું ગામ મને પસંદ પડયું હતું. પણ એનાથીયે ‘ચડિયાતું’ કોઈ પછાત ગામ મળી જાય તો એની શોધ માટે મેં આ પ્રવાસ લંબાવ્યો. એક દિવસ એક ટેકરી ઉપરના નાના ગામના ઝૂંપડાના આંગણામાં મેં એક બારૈયા ભાઈને એનો પગ પકડીને બેઠેલો જોયો. પગ સાથળ સુધી કોવાયો હતો, ચારે બાજુ સોજો ચડી ગયો હતો અને એની વેદના વધતી જતી હતી. મેં જોયું તો એની ઝૂંપડીમાં કોઈ હતું નહીં. અડોશપડોશવાળાં પણ ખેતરોમાં ચાલ્યાં ગયાં હતાં. એની પાસે ખાવાનાં ઠેકાણાં નહોતાં, ત્યાં દવા તો ક્યાંથી કરાવે ?
               મને થયું : આને શી રીતે મદદ કરવી ? થોડી વાર બેસી મેં એની સાથે વાતો કરી. પછી પાંચ માઈલ ચાલીને હું ઠાસરા ગયો. ત્યાંથી ડ્રેસિંગમાં ઉપયોગી થાય એવી થોડી દવાઓ તથા ખાવા માટે લોટ, ગોળ ને તેલ ખરીદતો આવ્યો. સાંજે હું પાછો એના ઝૂંપડે આવ્યો. ગરમ પાણી કરી, એમાં પોટાશ પરમેંગેનેટ નાખી જખમ ધોયો અને ડ્રેસિંગ કરી પાટો બાંધ્યો. ત્યાર પછી રાબડી અને રોટલો બનાવીને અમે બંનેએ ખાધું. બીજે દિવસે મેં એનું ઘર જરા વ્યવસ્થિત કર્યું, આંગણું સ્વચ્છ બનાવ્યું, ફરી ડ્રેસિંગ કર્યું અને ફરી રસોઈ કરીને અમે ખાધું. અડોશીપડોશી અમારે ત્યાં આવીને બેસવા ને વાતો કરવા લાગ્યાં. મારા વિશે એ બધાં ભાતભાતની અટકળો કરવા લાગ્યાં.
               ત્રીજે દિવસે સવારે હું ઊઠયો ત્યારે પેલા ભાઈની પીડા લગભગ મટી ગઈ હતી. જખમ ઉપર પાટો કેમ બાંધવો અને કઈ કઈ દવા લગાડવી, એ મેં એને સમજાવી દીધું હતું. એટલે બપોરે જમીને હું આગળ વધ્યો.
               ઠાસરા કસબો છોડીને ડાકોર તરફ જતાં મને ખબર પડી કે ત્યાંથી પાંચેક માઈલ દૂર માસરા નામે એક ગામ છે. એની શાખ સારી ન હતી. પણ મને થયું : ચાલો, ત્યાં જ જઈએ. કેટલાક ભાઈઓએ મને ચેતવ્યો : “એ તો ધોળા દહાડે લૂંટે એવું છે; ત્યાં જઈને શું કરશો ?” મેં કહ્યું, “અનુભવ તો લઈએ.”
               એ કાળે થામણા અને માસરા વચ્ચે ગીચ બાવળી હતી. એ બાવળીનું વન જ ચોરી-લૂંટની બીક લગાડે એવું હતું. પણ હું તો હિંમતભેર એકલો માસરા તરફ આગળ ધપ્યે જતો હતો. બપોરના બરાબર એક વાગ્યે હું એ ગામમાં પહોંચ્યો. તરસ બહુ લાગી હતી. કોઈકના ઘરેથી પાણી માગી લેવા વિચાર્યું, પણ ગામમાં લગભગ બધાં ઘર બંધ દેખાયાં. બધાં સીમમાં કામે ગયેલાં. એક જગ્યાએ જોયું તો પાંચ-સાત માણસો માટીનું એક પીંઢેરી મકાન ચણતા હતા. ત્યાં જઈને મેં પૂછયું : “અહીં પીવાનું પાણી મળશે કે ?” દૂર તળાવ હતું એના તરફ આંગળી ચીંધીને એક જુવાને જરા કટાક્ષમાં કહ્યું : “એ રહ્યું પેલું તળાવ !” એ સાંભળીને હું તો ચમકી ગયો. મને થયું, પીવાનું પાણી માગનારને તળાવ ચીંધનારા મનુષ્યો પણ ભારત જેવા આતિથ્ય-મશહૂર દેશમાં પડયા છે ! આપણી સંસ્કૃતિનો પારો કેટલો નીચે ઊતરી ગયો છે, એનું મને અહીં દર્શન થઈ ગયું. ગામડામાં દળદર, ગંદકી અને બીજાં ઘણાં અપલક્ષણો સાંભળ્યાં હતાં અને કેટલાંક નજરે પણ જોયાં હતાં, પણ આ દર્શને તો મારી આંખ ઉઘાડી નાખી. મનમાં નક્કી થઈ ગયું કે મારે આ ગામમાં જ બેસવું જોઈએ.
               થોડી વારે મકાન ચણનારાઓમાંથી એક જણ મારે માટે તળાવના ડહોળા પાણીની ડોલ ભરી આવ્યો. મેં થેલીમાંથી પ્યાલો કાઢી રૂમાલ વતી એ ડહોળું પાણી ગાળીને પીધું અને મારી તરસ છિપાવી. આમ, “એ રહ્યું પેલું તળાવ !” એ વાક્યે, હું જે ગામડું શોધતો હતો એ મને શોધી આપ્યું.
               માસરા એક હજારની વસ્તીનું એકમાત્ર બારૈયા કોમનું ગામ. ગામમાં નહોતી નિશાળ કે નહોતું કોઈ સંસ્કારકેન્દ્ર. ગામની વચ્ચોવચ એક જ ‘સંસ્કારધામ’ હતું, અને તે દારૂનું પીઠું ! ગામમાં વેપારીઓ આવતા, પણ તે આ ગરીબ માણસો પાસેથી નફો મેળવવા. અમલદારો આવતા તે પણ અંદરઅંદરની લડવાડનો લાભ ઉઠાવવા. વર્ષો સુધી સરકારે કે કોઈ ધર્મ ને સંસ્કારિતાનો ફેલાવો કરનારાઓએ આ ગામ તરફ જોયું નહોતું. પછી દળદર, અજ્ઞાન અને વહેમોમાં સબડતા આ ગામની સંસ્કૃતિનું તળિયું આવી રહે, એમાં શી નવાઈ ? મેં આ ગામમાં જ બેસવાનો નિર્ણય કર્યો.
               ગામ-આગેવાનોને ભેગા કરીને મેં આ વાત એમના કાને નાખી. ત્યારે એમણે કહ્યું, “બહુ સારું. માણહથી રૂડું શું ?” પણ થોડી વાર પછી એમણે કર્યો, “શું તમે દુકાન કાઢવાના છો ?” મેં કહ્યું, ના. એમણે કહ્યું, “તો નિશાળ ખોલવાના છો ?” મેં કહ્યું, ના. ત્યારે એમણે કર્યો, “તો શા માટે અહીં રહેવા આવવાના છો ?” મેં કહ્યું, “મહાત્મા ગાંધીએ ગામડામાં જઈને રહેવા અને ગામલોકોની સેવા કરવા કહ્યું છે, એટલે હું અહીં આવ્યો છું. પણ હું રહેવા લાયક છું કે નહીં એની મારે ખાતરી કરવી છે. જો હું લાયક હોઈશ તો વધુ રોકાઈશ, નહીં તો પંદર દિવસમાં અહીંથી ચાલ્યો જઈશ.”
               આવી વાત કહેનારો આજ સુધી એમને કોઈ મળ્યો ન હતો. એમને થતું હતું કે લાભ વિના કોઈ શા માટે આપણા ગામમાં આવે ? એમના મનમાં એવી પણ શંકા આવી ગઈ કે આ વેશે કોઈ સી. આઈ. ડી.નો માણસ આપણા ગુના પકડવા તો નહીં આવ્યો હોય ? મેં એમને પૂછયું, “અહીં રહેવા માટે કોઈ મકાન ભાડે મળે ખરું ?” એટલે એ લોકો અંદરઅંદર જ વાતો કરવા લાગ્યા : “આપણે ત્યાં એકેય મકાન ક્યાં ખાલી છે ? ઢોર બાંધવાની પણ આપણને મુશ્કેલી નથી પડતી ?” એમની આ વાતોથી મને જવાબ મળી ગયો કે મકાન મળશે નહીં. પણ થોડી વાર પછી એક ભાઈએ કહ્યું, “મારું ઢોર બાંધવાનું એક કોઢારું છે એ હું આપું. પણ ચોમાસામાં મને એ ખાલી કરી આપવું પડે. એ વખતે એમાં ઢોર બાંધવાં પડે છે.” મેં કહ્યું, “બહુ સારું. એનું ભાડું શું લેશો ?” એમણે કહ્યું, “મહિને એક રૂપિયો આપજો.”
               આમ મેં એ કોઢારું રહેવા માટે ભાડે રાખ્યું. માટી લાવીને મેં એના ખાડા પૂર્યા અને થાપી-લીંપીને એ રહેવા લાયક બનાવ્યું. આગળના ચોકમાં એક ઉકરડો લાંબો થઈને સૂતો હતો એને પાવડા વતી બેઠો કર્યો, એટલે એના તળે દબાયેલો સુંદર ચોક હતો એ બધાની નજરે ઊપસી આવ્યો. રોજ સાંજે હું ત્યાં બેસતો અને ગામલોકો આ નવતર કોણ છે એ જાણવાની આશાએ વાતો કરવા ભેગા થતા. હું મારો ચોક અને શેરી વાળીને ચંદન જેવાં ચોખ્ખાં કરી નાખતો. કોઈ કોઈ વખત હું પડોશીના ખેતરમાં વાઢવા-લણવા પણ જતો. કામ કરતાં કરતાં જે વાતો થતી એમાંથી મને એમનો સાચો પરિચય થયો.
               મેં એક નિયમ કરેલો : નવરા બેસવું નહીં. કાંઈ કામ ન હોય ત્યારે હું મારો રેંટિયો કાંતતો હોઉં. એ જોવામાં લોકોને બહુ રસ પડવા લાગ્યો. કોઈ કોઈ કહેવા લાગ્યા, “અમને રેંટિયો ના શીખવો ?” મેં કહ્યું, “જરૂર શીખવીશ.” ધીમે ધીમે કરતાં મારા ઓરડામાં માય એટલા 14-15 રેંટિયા ચાલુ થઈ ગયા. હું મારું આંગણું ચોખ્ખું રાખતો એ જોઈ આજુબાજુનાં ઘરવાળાં પણ એમનાં આંગણાં ચોખ્ખાં રાખવા લાગ્યાં. પ્રૌઢો રાતે બેસવા આવતા, એમને હું વાર્તા કહેતો અને લખતાં-વાંચતાં શીખવતો. એમાંથી કેટલાકે બીડી છોડી, કેટલાકે દારૂ છોડયો, કેટલાકે હુક્કો અને ચા પણ છોડયાં.
               એક દિવસ એક હરિજનને વીંછી કરડયો. એ રડતો રડતો મારે ત્યાં આવ્યો. મેં થોડી દવાઓ રાખી હતી. મેં એની દવા કરી, વીંછી ઊતર્યો અને એ હસતો હસતો ઘેર ગયો. પણ પ્રૌઢોએ મને પૂછ્યો, “બબલભાઈ, તમે હરિજનને અડયા પછી નાહ્યા કેમ નહીં ?” મેં કહ્યું, “હું તમને અડીને નાહું છું ? તમારા કરતાં એ કાંઈ વધારે ગંદો દેખાતો નહોતો !”
               પણ આટલી વાત થયા પછી બીજે દિવસે અમારા વર્ગની સંખ્યા સત્તાવીસની હતી તે સાતની થઈ ગઈ અને ત્રીજે દિવસે ત્રણની થઈ ગઈ. હું તો જેમ ચલાવતો હતો એમ મારો વર્ગ ચલાવ્યે ગયો.
               એટલામાં એક દિવસ કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ ત્યાંના ખ્રિસ્તી ભાઈઓને મળવા આવ્યા. ગામના ચોકમાં જ મારો ને એમનો ભેટો થઈ ગયો. એમણે મારી સાથે હાથ મિલાવ્યા અને રાતે એમના વાસમાં મળનારી સભામાં આવવાનું મને આમંત્રણ આપ્યું. મેં એ સ્વીકાર્યું. લોકોને થયું કે આણે તો ગામમાં બોળાવાડો કરી મૂક્યો !
               રાતે હું હરિજનવાસમાં જવા નીકળ્યો. અંધારી રાત હતી. મારી પાછળ પાંચ- સાત ભાઈઓ લાકડીઓ ને ધારિયાં લઈને ચાલવા લાગ્યા. હું સભામાં ગયો ત્યારે એ બધા વાસની બહાર ટોળે વળીને ઊભા રહ્યા. મેં ત્યાં જઈને ખ્રિસ્તી ભાઈઓને આરોગ્યની દૃષ્ટિએ મુડદાલ માંસ છોડવાનું સમજાવ્યું, અને હું ત્યાંથી પાછો ફર્યો. પેલું ટોળું પણ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યું. એક જણ બોલ્યો, “એને ઘર કોણે આપ્યું છે ? એને બાળી મૂકો ને !” બીજાએ કહ્યું, “કાલે સવારે આપણા કૂવે ચડે તો એને કૂવામાં જ હડફી દો !”
               એ લોકોના રોષનો મને ખ્યાલ આવી ગયો. મને થયું, આજે રાતે જરૂર કાંઈક નવાજૂની થશે. મારા મનમાં તો એક પ્રકારનો આનંદ હતો : કદાચ આજે બલિદાન અપાશે તો આ ઉકેલવામાં એ મદદરૂપ જ થશે. રોજ હું મારો ખાટલો ઓસરીમાં ઢાળતો. પણ આજે મેં એ આંગણામાં જ ઢાળ્યો, જેથી કોઈને કાંઈ કરવું હોય તો સહેલું પડે. આ મારી છેલ્લી પ્રાર્થના હશે, એમ સમજી પ્રાર્થના કરી હું ઘસઘસાટ ઊંઘી ગયો. સવારે ઊઠયો ત્યારે જાણ્યું કે કોઈ વિશેષ બનાવ બન્યો નથી. પણ એ લોકોનો રોષ વધે નહીં એ માટે મેં એમની સાથે કોઈ ચર્ચા ન કરી. વરસાદને કારણે મારી શેરીમાં ખાડા પડયા હતા અને ઘાસ ઊગી ગયું હતું. હું ખાડા પૂરી, ઘાસ કાઢીને શેરીને સપાટ અને સ્વચ્છ કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થનારાં બોલવા લાગ્યાં : “એ અહીં આયા પછી છોકરાં ભણવા લાગ્યાં, દારૂ-બીડી ઓછાં થયાં, સારો સુધારો થવા લાગ્યો – આ જ શું એનો વાંક છે ?” મેં જોયું કે લોકોના મનમાં મારા વિશે સદ્ભાવ તો છે.
               પણ થોડા દિવસ પછી મેં જ લોકોને કહ્યું કે, “હું હવે અહીંથી જવા માગું છું.” ફળીવાળા કહેવા લાગ્યા, “કેમ ?” મેં કહ્યું, “હું અહીં રહું તો કોઈકનું ઘર બળી જાય; મારે એવું નથી થવા દેવું.” લોકોએ કહ્યું, “તમને આપણી ફળીમાં એક સ્વતંત્ર મકાન બનાવી આપીશું.” મેં કહ્યું, “પણ મારા એ મકાનમાં હરિજનો તો આવશે.” એમણે કહ્યું, “તમારા ઘરમાં જેને આવવું હોય તો છોને આવે !”
               એક જ મહિનામાં એમણે મારે માટે સ્વતંત્ર મકાન તૈયાર કરી આપ્યું, અને હું એમાં રહેવા લાગ્યો. ભણવા આવનારની સંખ્યા પણ દિવસો જતાં વધવા લાગી. પેલા ઘરવાળાએ એના ઘરમાં બે વર્ષ રહ્યો છતાં એક પાઈનું પણ ભાડું લીધું નહીં અને કહ્યું,“તમે તો અમારા માટે તકલીફ ઉઠાવો છો. તમારી પાસેથી ભાડું શાનું લેવાનું હોય ?” એક વિદ્યાર્થીને નાતે હું આ ગામમાં ત્રણ વર્ષ રહ્યો, લોકોનો મિત્રા બનીને, એમનો અદનો સેવક બનીને એમની વચ્ચે રહ્યો. મેં જોયું કે થોડા વખતમાં ગામના ભાઈઓ મારે માટે મહોબ્બત રાખતા થઈ ગયા. એમના કકડા રોટલામાંથી પણ મને એ કકડો ખવડાવવા લાગ્યા. નવી અને જૂની પેઢી વચ્ચે અથડામણો થાય છે એવી અમારે પણ થતી, પણ અમારો પ્રેમનો તાંતણો એવો બંધાયો હતો કે બધી અથડામણો વચ્ચે પણ એ અતૂટ રહેતો હતો.
               કોઈ કહેશે, “ત્રણ વર્ષમાં તમે શું કર્યું ?” હું કહીશ કે એ બધું જાણવું હોય તો ‘મારું ગામડું’ પુસ્તક વાંચો. માસરાના મારા અનુભવો અને ગ્રામજીવનનો મારો અભ્યાસ એમાં છે. છતાં બાહ્યદૃષ્ટિએ કહેવું હોય તો એમ કહી શકાય કે એ ગામમાં હવે થોડાં ઈંટેરી અને નળિયેરી મકાન વધ્યાં છે, ગામલોકોનું દેવું ઓછું થયું છે. ખેતીમાં પણ સુધારો થયો છે; પહેલાં લોકો માત્રા બાવટો-કોદરા ખાતા એને બદલે બાજરી-ડાંગર ખાવા લાગ્યા છે. પહેલાં ગામમાંથી કોઈક ને કોઈક તો જેલમાં હોય જ, હવે કોઈ જેલમાં નથી હોતું. પહેલાં ગામમાં દારૂ અને અફીણના અઠંગ બંધાણી હતા, એ બંને બંધાણ હવે છૂટયાં છે. પહેલાં ગામમાં જ્યાં શાળાનું મકાન નહોતું અને લોકો છોકરાંને ભણાવવા પણ તૈયાર ન હતા, ત્યાં શાળાનું સુંદર મકાન બંધાયું છે અને સાત ધોરણની શાળા છે. આજુબાજુનાં ગામોમાં આ ગામની શાખ પહેલાં કરતાં ઘણી સુધરી છે. પહેલાં ગામમાં બહુ વહેમો હતા. માણસ માંદો પડે ત્યારે માનતાઓ રખાતી, ભાદરવાની ઉજાણી વખતે જાહેરમાં એક પાડાનો ને ત્રણ બકરાનો વધ થતો. એ બધું હવે અટક્યું છે.
               મારે માટે તો આ ગામે એક કૉલેજની ગરજ સારી છે. શાળા-કૉલેજમાં ભણ્યો, લડત અને જેલ દરમ્યાન અનેક લોકોના સહવાસમાંથી ઘણું શીખ્યો, સમાજશાસ્ત્રાનાં અને ગ્રામજીવનનાં પુસ્તકો વાંચીને ઘણું ભણ્યો, પણ માસરા ગામના ભાઈઓ સાથે હું ત્રણ વર્ષ રહ્યો એ દરમિયાન મને જે ભણતર મળ્યું એ સૌથી ચડિયાતું હતું.

બબલભાઈ મહેતા
[‘મારી જીવનયાત્રા’ પુસ્તક : 1982]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.