રીંછ

મોટા મેદાન જેવી દીવાલ આંખોની સામે પથરાઇ છૅ. ટેબલલૅમ્પ બળે છૅ. પીળા ખેતર જેવી દીવાલને આ છેડે સુકેતુની બૅ સુક્કી આંખોનાં પંખી લટકી રહ્યાં છૅ. પીળા ખેતર જેવી દીવાલને પેલે છેડે રંજનની જબાકુસુમના રંગની લાલ આંખો અનિમેષ ખુલ્લી છૅ. નિર્મર્યાદ મેદાનના આ પટમાં કાચા ધુમાડાના રંગના પડછાયા ઊઠે છૅ. ભાભીની આંખે સુકેતુ આ અન્તરને એક મર્મથી તાકી રહ્યો છૅ. એ જોઇ રહ્યો છૅ રીંછ: લુખ્ખાકાળા બરછટ વાળવાળું રીંછ… ચળકાટ વિનાનું રીંછ.

સુકેતુએ આંખો ખોલી નાખી. આંખોમાંથી કેટલીક ગોળ ગોળ ક્ષણો ઊછળી પડી.

મદારીનો ખેલ ચાલે છૅ. કૂંડાળું કરી છોકરાં બેસી ગયાં છૅ. બરાબરનો તમાશો જામ્યો છૅ. સુકેતુએ વાળમાંથી રીંછની આંખો શોધી નાખી. ઍને લાગ્યું કે સાંકળે બાંધેલું રીંછ કોઇનેય જોતું નથી. ભાલુ બેટા ભાલુ બેટા-ખેલ આગળ ચાલ્યો. બએલોગ તાલિયા બજાવ– ટપાટપ તાળીઓ પડી. સુકેતુએ જોશથી તાળીઓ પાડી. ડમાડમ નાચતું રીંછ ધીરે ધીરે રૉકેનરોલ કરવા લાગ્યું. બગલમાં દફતર દબાવી બૅઠેલો સુકેતુ ઘણો ખુશ થયો, પણ પછી ઍને એકાએક યાદ આવ્યું કે નિશાળમાં મહેશે ઍની સ્લેટ ભાંગી નાખી છૅ ને તેથી બા લડશે, જરૂર લડશે, પોતે એકલો છૅ એવી ઍને બીક લાગી. કૂંડાળામાંથી એ ઊભો થઇ ગયો. ઘેર ગયો. બાથી બચી બચીને થોડી વારમાં ધાબળો ઓઢી સુકેતુ ગુપચુપ ઊંઘી ગયો છૅ.

રાત્રે સુતુને સ્વપ્ન આવ્યું છે

રીંછે ઍની સ્લેટ ભાંગી નાખી છૅ. સાંકળને લીધે લંગડાતું હોય ઍમ દોડ્યું જાય છૅ. સુકેતુ રીંછની પાછળ દૂર દૂર દોડ્યો જાય છૅ. ઘરમાંથી પોળમાં, પોળમાંથી રસ્તા પર ને ત્યાંથી સીમમાં ને પછી નદીકાંઠે ને પછી કિનારે કિનારે દોડતાં દોડતાં બંને એક બિહામણા વિજન લીલા વગડામાં આવી ગયાં છૅ. બપોર હોય તેવી ઊંઘરેટી હવામાં વડ નીચે રીંછ હાંફતું બેઠું છૅ. ઍના મૉંમાંથી લાળ જેવું ફીણ વળે છૅ. સુકેતુ ઍને પંપાળે છૅ. સૂરજ આખ્ખો ઑગળી ગયો હોય તેવા ખાબોચિયાની ચોપાસ કાચું ખાવાનું મન થઇ જાય તેવું ઘાસ ફૂટી આવ્યું છૅ. સુકેતુ ખોબો ભરી પાણી લાવે છૅ, રીંછ પીએ છૅ.

સુકેતુએ વાળમાંથી રીંછની આંખો શોધી કાઢી, ઍને લાગ્યું કે રીંછ ઍને જ જુએ છૅ. સુકેતુ અને રીંછ એકમેકને જોઇ રહ્યાં છૅ ત્યાં રીંછ ખાબોચિયાનું ઘાસ ચરતું ચરતું નજીકની વનરાજીમાં એક અન્ધકારની બખોલ જેવા ધાબામાં સમાઇ જાય છૅ.

પછી સુકેતુ જંગલ જોઇ રહ્યો

વનવગડાની લીલી અન્ધારભરી કુંવારી એકલતા આંખમાં સમાવીને એ જાગ્યો ત્યારે બધે સોનેરી રંગનો તડકો પથરાઇ ગયો હતો અને સુકેતુ ૧૦ વર્ષ મોટો થઇ ગયો હતો, કદાચ ૨૦–નો.

આજે દસ વર્ષે ઘડીક ઍને યાદ આવી ગયું છૅ પેલું રીંછ. લુખ્ખા કાળા બરછટ વાળવાળું રીંછ. રીંછની કાળી આંખોમાં ઍણે એક દૃશ્ય જોયું, ઍણે જોયું કે એ સાચે જ રંજનના પ્રૅમમાં પડી ચૂક્યો છૅ. રંજનના કોરા સોનેરી બોબ્ડ્ હૅઅરમાંથી એક અનામી સુગન્ધ જાગ્યા કરે છૅ. સુકેતુને ઘણીવાર, ખાબોચિયાના પેલા લીલા ઘાસની જૅમ આ વાળ ચાવી ખાવાની ઝંખના થાય છૅ. રંજનના મૌનમાં આંખો પરોવી સાંજે સરોવર કિનારે રૅલિન્ગ પાસે રંજનને સુકેતુ મળે છૅ અને ત્યારે આમ ઍને અઢેલીને એ કલાકો લગી ઊભો ર્હે છૅ, સરોવરના પાણીમાં ઑગળતા ઍમના મૌનને નાની નાની માછલીઓ ચણી જાય છૅ, ઍમની વચ્ચે કુંવારાપણાનું પાતળું અન્તર છૅ. રંજનના વાળમાંથી પેલી ગન્ધ સુકેતુને પાગલ બનાવી મૂકે છૅ. એક વાસના રોજરોજ પુષ્ટ થતી જાય છૅ કે પેલું અન્તર છેદી નાખીને સુકેતુ રંજનના આખા દેહને ભચડી નાખે…પણ સુકેતુને કશાકનો ભય લાગે છૅ, એ નક્કી કરે છૅ કે ઍને સાચે જ પેલા રીંછનો ભય લાગે છૅ.

બંને એકમેકને જોઇ રહ્યાં છૅ, પરન્તુ સુકેતુ આજે ગમગીન છૅ. રંજનના ક્યારેક બોલાયેલા થોડાક શબ્દો રોજરોજ સુકેતુની આંખ સામે પેલું લીલું ઘાસ બનીને ઝૂલે છૅ. રોજ રાતે દીવાલ પરના પડછાયામાં રીંછ સમાઇ જાય છૅ અને ત્યારે સુકેતુ ટેબલલૅમ્પના પ્રકાશમાં પુસ્તક વાંચે છૅ. ઍનો રૂમ ભાભીના રૂમની બાજુમાં છૅ. ભાભી ક્હેતાં હતાં કે રંજન ઍમને ગમે છૅ. સુકેતુ રંજનને ગમે છૅ કેમ કે એ સારો છોકરો છૅ. ભાભીને સારો છોકરો ગમે છૅ કૅમકે ઍમને સારો છોકરો ગમે છૅ. સુકેતુના ટેબલ પાસે દસ વાગ્યે ભાભી દૂધના ગ્લાસ સાથે હસી ર્હે છે – આ ઍમનો રિવાજ છૅ. લૅમ્પની આભામાં સુકેતુને સુન્દર ભાભી વધારે સુન્દર લાગે છૅ કૅમકે ઢળતી સાંજે સુકેતુને સુન્દર રંજન વધારે સુંદર લાગે છૅ. કોઇકવાર ભાભી ગાલે ચીમટો ભરી જતાં’તાં, કોકવાર વાળ વિખેરી જતાં’તાં. રંજનના પ્રૅમને સંભારી સુકેતુનું મન નોંધતું કે આ હેત નિ:સન્તાન ભાભીનું છૅ. ખરેખર તો સુકેતુ મનને મનાવતો. બાકી ભાભીમાં હેતથી વધારે કંઇક હતું– એવું કંઇક વધારે કે જૅની સુકેતુને બીક લાગતી હતી. ભાઇ કશું કરતા નહોતા. ભાઇ મોડા આવતા હતા અને તે સિવાય ભાઇ કશું કરતા નહોતા. સુકેતુને ઘણીવાર થતું કે ભાઇ મહેશ છે – જેણે બચપણમાં ઍની સ્લેટ ભાંગી નાખી હતી અને જે માટે બા ઝગડવાનું ભૂલી ગઇ હતી….

સુકેતુ ૨ વર્ષ મોટો થઇ ગયો છૅ. કદાચ ૨૨ વર્ષનો થઇ ગયો છૅ.

સાંજે સરોવરકિનારે રૅલિન્ગ પાસે રંજનનું મૌન સઘન બનતું જાય છૅ. પછી ધૂંધળી સાંજ ઊતરી આવે છૅ. રંજનના અચંચલ પ્રેમમાંથી જાગૅલા દેહ વિનાના શબ્દોની હવાને ભાભીનો ખાલી ખૉળો ભરખી જાય છૅ. સુકેતુએ સ્વપ્નમાં જોયું હતું કે અન્ધકારની બખોલ જેવા ધાબામાં રીંછ સમાઇ જાય છે  ભાભીના ખૉળાનું ખાલીપણું, ઍમાં ભરખાઇ જતા દેહ વિનાના શબ્દો, ટેબલલૅમ્પના પ્રકાશમાં ભરખાઇ જતા પડછાયા અને આ સૌને જોતી રીંછની નિસ્તેજ આંખો. રીંછની આંખોમાં સુકેતુએ એક રાતે જોયું કે એ ફૂટી ગયો છૅ, પેલી સ્લેટની જૅમ; ઍણે જોયું કે પોતાના ભાઇ જેવા મહેશે ફોડેલી સ્લેટની જૅમ ફૂટી ગયેલો સુકેતુ ભાભી અને રંજનની વચ્ચે સમાપ્ત થઇ ચૂક્યો છૅ, ઍના અસ્તિત્વ પર ભાભી અને રંજન સિવાય બીજા કોઇનું આવરણ નથી. તે દિવસે ભાભી દૂધના ગ્લાસ સાથે આવ્યાં હતાં, રિવાજ મુજબ ભાઇ મોડા આવવાના હતા. ટેબલલૅમ્પના પ્રકાશમાં સુકેતુને ભાભીએ ચુમ્બન કરવાની કોશિશ કરી હતી ને ત્યારે દીવાલ પરના પડછાયા સુકેતુની આંખમાં ચકળવકળ ફરી ગયા હતા, અને પછી સુકેતુ રીંછની જૅમ હાંફ્યો હતો, કોઇ ઍને પંપાળતું હતું, ખોબો ભરીને પાણી પાતું. ભાભીનું સફેદ સુખ આખી રાત સુકેતુના રૂમમાં ઘુમરાયું. સવારે સુકેતુ અનુભવે છૅ કે રંજન ખરેખર કુંવારી છૅ. ભાભીની પુષ્ટ કાયાની સરખામણીમાં રંજનનું પાતળું કુંવારાપણું સુકેતુ કશીક ચમચમાટી સાથે અનુભવી રહ્યો છૅ. રંજનના વાળની કાચી ગન્ધ, પેલા સ્વપ્નના ખાબોચિયાની ધારે ધારે ઊગી નીકળેલા ઘાસની ચાવી ખાવા જેવી લીલાશ વગેરે સ્મૃતિથી સુકેતુ એકાદ વર્ષ નાનો બની ગયો છૅ. રંજન અને પોતાની વચ્ચેનું પેલું મૌનભીનું અન્તર, ઍને ચણી જતી નાની નાની માછલીઓ વગેરે પરિવેશમાં મુકાઇ જવા સુકેતુ તલસતો હતો, રંજનના પ્રૅમની અગ્રાહ્યતાની પાછળ જાણે એ દોડતો હતો. પણ ભાભીએ ઍને જકડી લીધો હતો અને એ પાશમાંથી ધૂંધળા પડછાયાઓની ભૂતાવળ જાગી હતી. સુકેતુના રૂમની પીળી દીવાલો ભરચક બની ગઇ હતી. પીળા અન્ધકાર જેવા આ પડછાયાઓ એકમેકની પાછળ પડતા હતા છતાં જાણે ઍને ગતિ નહોતી. ઍમાં એક રીંછ હતું, ઍમાં એક સુકેતુ હતો, ઍમાં એક રંજન – ઍમાં એક ભાભી – સુકેતુએ આંખો મીંચી દીધી.

સુકેતુએ આંખો ખોલી તે દિવસે રવિવાર હતો.

ભાભીએ આજે વાળ ચોળ્યા છૅ ને વરન્ડામાં તડકે બેઠાં છૅ, શિયાળો આવવાનો છૅ અને સુકેતુ ૨૫ વર્ષનો યુવાન છૅ. રંજન હવે વધુ ને વધુ મૂક બનતી જાય છૅ. એ મૌનમાંથી એક ખાલીપણાએ આકાર લેવા માંડ્યો છૅ. ઍમની વચ્ચેનું આ શૂન્ય આજકાલ અભેદ્ય બની ગયું છૅ. સુકેતુને લાગે છૅ કે ચૈત્રમાં ખરી પડેલાં પાંદડાં પરથી એક કરુણ અવાજ સાથે એ પસાર થઇ રહ્યો છૅ. સાંજે સરોવરકિનારે રૅલિન્ગ પાસે રંજન હવે રોજ મળતી નથી. ઍને આમ અઢેલીને ઊભા ર્હેવાની કે ઍના સોનેરી વાળની અનામી ગન્ધ લીધા કરવાની ટેવમાંથી સુકેતુ મુક્ત બની ગયો છૅ. ભાભી સાથેના ઍના સમ્બન્ધો ટેવ બની ગયા છૅ. જેટલી આસાનીથી રીંછ મદારી પાસે રૉકેનરોલ કરતું હતું એટલી જ આસાનીથી સુકેતુ ભાભી સાથે હસી શકે છૅ. ખૂબ ખુશ ર્હે છૅ. અત્યારે ચોખા વીણી રહ્યાં છૅ, ઍમની ગૌર પીઠ પર પથરાયેલા વાળ અને ઍમાં ખોવાઇ ગયેલાં સૂર્યકિરણોમાં સુકેતુને હવે પરિચિત એવી મધુર હૂંફ લહેરાયા કરે છૅ. એક સમય એવો હતો જ્યારે પેલા વગડાના ખાબોચિયાને કિનારે ઊગૅલું ઘાસ અને રંજનના લુખ્ખા વાળમાંથી જાગતી સુગન્ધ સુકેતુને તરબતર કરી દેતાં હતાં.

ભાભી આ રીતે કશાક કામમાં હોય, બા દેવપૂજામાં લાગૅલાં હોય, ભાઇ રિવાજ મુજબ ગેરહાજર હોય અને ત્યારે સુકેતુ પેલી સ્વપ્નિલ આબોહવામાં ખોવાઇ જાય; પેલા વડ નીચે હાંફતા રીંછને પંપાળે. ખોબો ભરી પાણી પાય અને વગડાના નિર્જન સૂનકારને માણ્યા કરે–

સુકેતુ શૂન્યમનસ્ક આંખોમાંથી કેટલીક ક્ષણોને ખેરવી રહ્યો. એ ક્ષણોથી બપોરનો સૂનકાર ભારે બની ગયો.

સુકેતુની આ અંગતતામાં રંજન કે ભાભીને પ્રવેશ નહોતો. પણ કદાચ રંજન પોતે જ એકલતાના પારદર્શક કાચની કૅબિન જેવા વેષ્ટનમાં લપાઇ ગઇ છૅ. ત્યાંથી ઍના હોઠ કશુંક ફફડે છૅ. આ પારદર્શક કાચની સ્નિગ્ધતા જ સુકેતુના પ્રૅમની સુન્દરતા છૅ. કૅબિનમાં મુક્ત રંજનને જોતાંજોતાં ઍના પ્રૅમની પારદર્શક સ્લેટ ઉપર, વડ નીચે બેસીને સુકેતુએ જીવનભરના સુખની લિપિ ઘૂંટી હોત–

પણ એ સૌન્દર્યને એક પડછાયો હતો. એ પરિશુદ્ધ આકાશ જેવી વેદનામાં ભાભીનો વજનદાર પ્રણય, દર્દ બનીને ઉમેરાઇ ગયો હતો. સુકેતુ પડછાયા છૂટા પાડી શકતો નથી. ઍણે રીંછને વડ નીચે સાંકળવતી બાંધી દીધું નથી; અને તેથી જ કદાચ સુકેતુ પડછાયા છૂટા પાડી શક્તો નથી.

ચોખા વીણી ર્હેલાં ભાભીને જોયા કરવાનો સુકેતુનો રિવાજ છૅ, રવિવાર ગણતો ગણતો એ હવે ૨૬ વર્ષનો યુવાન બની ગયો છૅ. તે દિવસ જેવો જ કોઇ વાર છૅ. આજે પણ ભાભીએ વાળ ઓળ્યા છૅ ને વરન્ડામાં તડકે બેઠાં છૅ, આજે પણ શિયાળો હજી આવવાનો છૅ અને બા દેવપૂજામાં લાગૅલાં છૅ. સાંજે રંજન મળવાની છૅ. સુકેતુ પસાર થતા સમયને સાંભળવાની મિથ્યા કોશિશ કરતો હતો, બાએ તુલસીપાન અને સાકરનો પ્રસાદ આપ્યો. આપતાં કશુંક બોલ્યાં. સુકેતુને બરાબર યાદ નથી પણ બાએ એવું કહ્યું હતું કે સુકેતુની ભાભી મમ્મી બનવાની છૅ. સુકેતુએ સાંભળ્યું હતું અને બરાબર સાંભળ્યું હતું. મૉંમાં ચવાતી સાકર ચાવતાં ઍને લાગ્યું હતું કે એ એક દીવાલ ચાવી રહ્યો છૅ; મૉંમાં ચવાતાં તુલસીપાન ચાવતાં ઍને લાગ્યું હતું કે પોતે પેલા ખાબોચિયાનું લીલું ઘાસ ચાવી રહ્યો છૅ અથવા રંજનના કોરા સોનેરી વાળની ગન્ધ ચાવી રહ્યો છૅ.

સુકેતુએ પ્રસાદ ચાવી લીધો હતો. બાના શબ્દોથી, ભાભી મમ્મી બનવાનાં છૅ એ સમાચારથી, સુકેતુ બધિર નહોતો બની ગયો; એ શબ્દો સુકેતુએ બરાબર સાંભળ્યા હતા – ત્યારે પસાર થતા સમયને સાંભળવાની મિથ્યા કોશિશ કરી હતી  ઍને એક ખખડાટ સંભળાયો હતો  સુકાં પાંદડાં પર ચાલવાથી ઊઠતો કરુણ ખખડાટ  સુકેતુ હવે બા વિશે, ભાભી વિશે કે ખુદ પોતાને વિશે બધિર રહી શકે ઍમ નથી.

અને તે દિવસથી જ એ વગડો ભૂલી ગયો છૅ અને તે દિવસથી જ સુકેતુ મોટા મેદાન જેવી, પીળા ખેતર જેવી દીવાલને આ છેડે પોતાની સુક્કી આંખોનાં પંખી લટકાવીને બૅઠો છૅ.

એ છેલ્લી સાંજે સરોવરકિનારે રૅલિન્ગ પાસે સુકેતને મળવા આવેલી રંજનની આંખો જબાકસુમના જેવી લાલ હતી, ચૈત્રમાં ખરી પડેલાં પાંદડાં પર ચાલ્યા કરવાથી ઊઠતો કરુણ ખખડાટ સુકેતુની આંખો સામે વંટોળાયો હતો. પણ સુકેતુ, રંજનનું શૂન્ય આજે સરોવરના જળમાં ફગાવી દેવાનો હતો. ઍના ચિર મૌનમાં સુકેતુ એક ‘ના’ ઉમેરીને ઍનો એક વિસ્ફોટ કરી દેવાનો હતો. પણ રંજન પોતે જ એક ‘ના’ લઇને આવી હતી; કડવું હસી હતી; થોડું બોલી હતી. વધારે બેસવા ક્હેતી હતી. સાંજ ધૂંધળી અને ગમગીન બની જાય એ પહેલાં આ વજનદાર શૂન્યને જીતી લેવાનો સુકેતુએ એક ગમ્ભીર પ્રયાસ કર્યો. રંજને ઍમાં મદદ કરી. કેટલાંક પંખીઓ પોતાની પાંખોમાં આખો દિવસ સમાવીને ઘેર જતાં હતાં. રંજન અને સુકેતુએ ઍમનું સંચિત મૌન તથા શબ્દદેહ ધરાવતી ‘ના’ તે સાંજે એ પંખીઓને લુંટાવી દીધાં અને પછી એક અવકાશ સરજીને તેઓ છૂટાં પડ્યાં હતાં, ખરેખર હંમેશને માટે છૂટાં પડ્યાં હતાં.

તે રાત્રે સુકેતુએ ફર્શથી માંડીને છત સુધીનું વિશાળ રીંછ જોયું હતું. રીંછ ઍને પંપાળતું હતું, લૅમ્પ બળતો હતો અને ધીરે ધીરે સુકેતુને લાગ્યું કે એ પોતે જ એ રીંછ છૅ. ઘણીવાર હવે અને ઘડીભર ત્યારે સુકેતુને લાગ્યું છૅ કે એ પોતે જ એક રીંછ છૅ. ઘણીવાર હવે અને ઘડીભર ત્યારે સુકેતુને લાગ્યું છૅ કે પ્રૅમનો રંગ લાલ હોય છૅ અને તે માણસની આંખોમાં વસે છૅ. પ્રૅમની આંખો રંજનની આંખો જેવી, જબાકુસુમ જેવી લાલ હોય છૅ, ત્યારે સુકેતુ બોલતો હતો – રંજન ઍને મુખરિત કરી ગઇ હતી – ભાભીએ ઍને ગમ્ભીર બાળકથી ડાહ્યો પુરુષ બનાવી દીધો હતો. પણ એ નથી બોલતો ત્યારથી–

મોટા મેદાન જેવી દીવાલ આંખોની સામે પથરાઇ છૅ, ટેબલલૅમ્પ સળગે છૅ. પીળા ખેતર જેવી દીવાલને આ છેડે સુકેતુની એ સુક્કી આંખોનાં પંખી લટકી રહ્યાં છૅ, અને પીળા ખેતર જેવી દીવાલને છેડે રંજનની જબાકુસુમના રંગની લાલ આંખો અનિમેષ ખુલ્લી છૅ. નિર્મર્યાદ મેદાનના આ પટમાં એક વડ છૅ, વડ નીચે સાંકળ વતી બાંધ્યું છૅ એક રીંછ લુખ્ખા કાળા બરછટ વાળવાળું રીંછ.

(૧૯૬૯  ‘વિશ્વમાનવ’માં)

License

સુમન શાહની વાર્તાસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.