નો આઇડીઆ? ગૅટ આઇડીઆ

અરે યાર, સચીનને રોજના દોઢ કરોડની આવક! : રોજના?  : હા, રોજના  શું કરતો હશે એટલા બધાનું? હું તો ગણતાં ય થાકી જઉં–રાત પડી જાય!

આ લોકનો રૂપિયો સરૂ જ થાય છૅ કરોડથી!

તું વિનિયા, ક્યા સચીનની વાત કરે છે? : સુરુભાઇ, આ ભૈલાને હમ્જાવો, સચીન કોણ છે!: અંક–નો–એક તો છે, લાડકવાયો, ટૅંડુલકર!: ઊભા રો, ટિક્ કરું –કહીને કનિયાએ, પહેલાં તો, હથેળીઓના ટાબોટાથી મચ્છર માર્યો. બધા હસ્યા.

પછી કનિયાએ પોતાની લાલ પૂઠાની ડાયરીમાં સચીન લખીને તે પર ખચાક્ ટિક્ કર્યું ને ટિપિક્ક કરીને બૉલ-પેનને બંધ કરી. દાંત કાઢતો બધાને જોઈ રહ્યો. એનો એક દાંત ગયો છે.

જગલો આગળ બોલ્યો, એય કનુ, રિતિક રોશનના નામ પરે ય ટિક્ કર : કેમ કેમ?: ઊભો ર્હૅ, મનિયો બોલ્યો, એક ઑર બી છે. જોકે જવા દો, યાદ નથી આવતું: એટલે કનો ક્હૅ, એક વાર છાપાના તન્ત્રીને ફોન કરેલો, આંકડા લખવામાં કસી ભૂલો તો નથી કરતા ને. તો ક્હૅ, એકોએક ડિજિટ ચૅક કરીએ છીએ. પછી પૂછે, તમે કોન છો. મૅં કહેલું પ્રજાજન: તું કના, વેવલો તે બીજું શું ક્હૅવાનો’તો? હું હૉઉં તો રીસિવર પછાડીને ક્હી દઉં એને –તારો બાપ!: એવું ના ક્હૅવાય, એના મોબાઇલમાં નમ્બર છપાઇ જાય ને!: તું સાલા ફટ્ટું તે ફટ્ટુ જ રહ્યો! તમને લોકને કાં કશી ખબર જ છે –જગલો જાણકારની સ્ટાઇલમાં બોલ્યો –રિતિકને ડાન્સ–શોના ખાલી જજ થવાનું છે, જજ. જાણો છો કેટલા મલવાના?: ના : કાન પ્હૉરા કરો:  લૅ કર્યા : સાંભરો, એકસો ને બાર કરોડ! અને, પેલા ટુ–જી-વાળા રાજાએ એક લાખ તેર હજાઆઆર કરોઓડનું કર્યું!: શું કર્યું? : ખાધું ને ખવરાવ્યું! કૌ છું તો ખરો, આ લોકનો રૂપિયો સરૂ જ થાય છે કરોડથી!

પણ ડોબા, એટલું ક્હૅવાથી તેં શું કહી નાઇખું?: એમ કે મારા તમારા જેવા રોડપતિઓનો રૂપિયો એકમ–દસકથી સરૂ થાય છે:  એય! રોડપતિ તું છે, અમે નહીં! ખબરદાર નાલેશી કરી છે તો! : ભૂલ થઈ સુરુભાઈ, કાન પકડું છું; પણ આ બધાને કૈ દો, મને ડોબો–ડોબો ના ક્હૅ:  ઠીક છે  જરા ડઘવાયેલા બધા એને તાકીને જોતા’તા ત્યારે ડાયરીમાં કનાએ ‘રિતિક’ લખ્યું, ‘રાજા’ લખ્યું, ‘ખચાક્ ખચાક્ ટિકો કરી, ને ટિપિકક્ કરીને બૉલપૅનને બન્ધ કરી.

આ વખ્તે ય દાંત કાઢવા જતો’તો, પણ પૂછી બેઠો, આ ટુ–જી-વાળા રાજા, છે કાંના?: બધાએ એને આમ જ જોયા કર્યો, કેમકે કોઈને ય ખબર ન્હૉતી કે કાંના છે.

વહાલા વાચક! હું જે આ લખી રહ્યો છું તે તું વાંચતો જા; મને સાંભળજે, વચ્ચે બોલીશ ના; હા, એ શરત છે. આ બધા જે તને દેખાતા થયા છે તેમને ય જોજે–સાંભળજે, જોડાયેલો ર્હૅજે. ક્યાંય જતો નહીં. વચમાં વચમાં પાછો મળું છું તને…

શિયાળાના દિવસો છે, મૉડી રાત છે, શ્હૅર ઊંઘમાં છે. સુરુભાઇ તે સુરેશ જાગીરદાર. એના પૅન્ટહાઉસનો આ હૉલ. હૉલમાં એક સાઇડે લો લેવલે હોમ–થીએટર છે. લેવલ એવું લો, જાણે ચોખૂણિયો ખાડો. ગાદી–તકિયા. સામી ભીંતે મોટા સ્ક્રીનવાળો ટીવી. સુરેશ સૌનો બૉસ છે. બિલ્ડરનો છોકરો. આખો દા’ડો સાઇટો પર રખડી-રખડીને થાક્યો હોય. એણે શેટ્ટીમાં લંબાવ્યું છે. આ કનિયો તે કનુ, કનો, કનુ પારેખ. સુરેશનો જૂનો દોસ્ત, ગામડેથી આવ્યો છે. વિનિયો, વનો, વિનીત વાણિયા. જગલો તે જગો, જગદીશ રાણા. મનિયો, મનો, મનુ પટેલ. બીજા બે આવતા છે –ભગવત કામદાર, ભગલો, ભગો, અને કાન્ત્યો, કાન્તિ મહેતા. કુલ સાત છે; ભાઈબંધો. મહિનાના છેલ્લા શનિવારની રાતે આમ ભેગા થાય છે. ફિલ્મો જુએ –દેશી, વિદેશી, ને બ્લૂ. હા, જોડે ખાણીપીણી. અને એવુંતેવું ય ખરું. ખરચા માટે સોલ્જરી કરવાની, દર ત્રણ માસે હિસાબ થાય. એ ઉપરાન્ત, દરેકે વધારાના રૂપિયા સૉ સુરેશને તરત આપવાના. ઉઘરાવી લેવાના કનિયાએ.

કનિયા, આ મિસ્ટર? : ફ્રૅન્ડ છે મારા, બમ્બઇયા ફિલમોના રાઇટરભાઈ. કોઈ વાર ભાઈ ક્હું, કોઈ વાર, રાભાઈ; બાન્દ્રાવાળા મામાના નેબર છે. અમે હરુભરુ થયા, પ્હૅલી વાર:  સુરેશે હોઠ મરડીને રાઇટરભાઈ સામે નજર ફૅંકી –એમ કે અહીં શું કામે પધાર્યા છે : એમને યન્ગ લોકોની પાર્ટીઓની સ્ટોરી કરવી છે, એ માટે રીસર્ચ કરે છે, સ્ટોરી કોઈ ફિલમમાં કામ આવી જાય : હા પણ: ના સુરુભાઈ, ડોન્ટ વરી, સ્ટોરીમાં આપણું કૈં નૈ આવે, ખાલી મારી જોડે આવ્યા છે, અમે થોડીવારમાં તો નીકળી જવાના: તું પણ? : જી  : ગ્લૅડ ટુ સી યુ મિસ્ટર સુરેશભાઈ…

રાઇટરભાઈએ શેક્હૅન્ડ માટે લંબાવેલો હાથ ઝૂલતો રહી ગયો કેમકે સુરુએ સામે પણ ન જોયું –માત્ર, મી ટૂ કહ્યું. પોતે છોભીલા નથી પડ્યા એમ મન મનાવવા રાઇટરભાઈએ માથા પરની સિમલા–કૅપ સરખી કરી. ખભા પરનો થૅલો પણ સરખો કર્યો –જેમાં લૅપ્ટૉપ, કૅમેરા, પૈસા ને એવી બધી કીમતી જણસો છેે.

આજે કનિયા, તું કઈ મા–નું નામ પૂછવાનો? –સુરુએ સિગારેટ સળગાવતાં પૂછ્યું: ચેહર મા; પૂછું? : પૂછ : બોલો ભાઈઓ, ચેહર એટલે કેવી માઆઆ..?: ચેહર? કૉન જાને!: અલા, ચેહર એટલે કેવી, ચેહર? : ડોકાં એક પછી બીજા પછી ત્રીજાને પૂછવા ફરતાં રહ્યાં: ચહેરાવાળી?: નો આઇડીઆ:  એટલે સુરેશ બચ્ચનની અદામાં બોલ્યો —ગેટ આઇડીઆ! : સારું કરની મા?: મા કરીનાની ખબર છે, બાકી રામ જાને!: એવિયાય હવે કરોડો માગે છે. હાલ એનો ક્યો છે –સેફ? : નો આઇડીઆ: એટલે મનિયો સુરુભાઈની રીતે બોલ્યો —ગેટ આઇડીઆ!: કોઈ થશે એટલે આવશે ખબર –ઊંચોનીચો શું કામ થાય છે? : સાલું આમાં હાચુ હુ એ જ નૈ પકડાતું: હાચાની કાં મારે છે, પકડાય છે ઇ જ હાચું!

રાઇટરભાઈ, સુરુભાઈ અમારા સભિસેક બચ્ચન છે: ગુડ! નાઇસ!: ઊંચા પણ એવા જ છે!: બિલકુલ! : નજરને ભ્રમરમાંથી મોકલતાં સુરેશે લાલ ટી–શર્ટની બાંયોને ખભે ખૅંચી, બન્ને હાથ ઊંચા કરી સૌને જોતો રહ્યો –ખરેખર એમ લાગ્યો. કનો રાઇટરભાઈના કાનમાં ક્હૅ, એમને ય ‘સૈસ્વરિયા’ છે –આમ તો, સુહાગ; હાં કે: શી ગુસપુસ કરે છે? : જી કૈં નૈ! : ડિમ લાઇટ ચાલુ કર, આ મોટી બન્ધ કર ને ફિલ્મ ચાલુ કર : કરી દૌ -બોલતાં કનુએ બે સ્વિચો ટપાક્ પાડી ને ડીવીડી સડડસટ્ટ ઘુસાડી. ઑન–બટન પુશ કર્યું ને અદબ બાંધી ચૂપ ઊભો : ઓલું મચ્છરમાર ચાલુ કર:  જી; કર્યું: ગુડનાઇટના લાલ ટપકાવાળા અંધારામાં બધા સ્ક્રીનને જોતા થયા, એટલે સુરેશ બોલ્યો, જવાનોઓ! હોજ્જાઆવ ચાઆલુઉ!: વિદેશી ફિલ્મ હતી, પ્રેટી વુમન…

અહીં મજો જ એ છે કાન્તિ, આ સ્મોકી કબાબ તું ખૈશને, આફ્રીન પોકારીશ આફ્રીન! ખાધે રાખવાનું ને લગાવે રાખવાનું! એટલે તો મલીએ છીએ –બોલતો હડાહડ કરતો ભગો અને એની પાછળ કાન્ત્યો દાખલ થયા. બન્નેએ જોડા ફટાફટ છૂટા કર્યા.

આ ભગો છે રાભાઈ, ભગવત કામદાર. ને આ છે કાન્તિ, કાન્તિ મ્હૅતા. અચ્છા -બોલતાં રાઇટરભાઈએ બન્ને જોડે શેક–હૅન્ડ કર્યા. એટલે ભગવત ચાલુ પડી ગયો, તમને મિસ્ટર ખબર છે?: શું? : આ કનિયો અમારે આઇટેમ છે. એણે અઝીઝ પ્રેમજી, અમ્બાણી બ્રધર્સ, વિજય માલ્યા ને ટાટાનાં નામો પર ટિકો કરી છે. મિલ્યૉનેર લોકોનું લિસ્ટ રાખે છે. શોખ છે એનો. કોઈ પૂછે, આમાં બફેટબાપા ને ગૅટ્સભૈ કેમ નહીં, તો તરત ક્હૅ, એ બન્ને ડૉલરિયા છે. ખરું ને, કના?

ખરું. હું, મા–ઓનાં નામોનું ય લિસ્ટ રાખું છું. સ્હૅરની, ખાસ તો લોડર રિક્સાઓ પર, માલની હેરફેર માટેના ટૅમ્પા કે નાની ટ્રકો પર મા–ઓનાં નામો હોય છે –ખોડિયાર મા, મેલડી મા, વૈરઇ મા, બ્રહ્માણી મા, ચામુંડા મા– લખી લઉં : હા, પછી પૂછૅ અમને. એક વાર પૂછેલું, બોલો, મા હાકિની કોણ છૅ? અમે કહ્યું, એવી કોઇ નથી; તું હાળા ઠોકેછ! તો ક્હૅ, જાનતો’તો, નૈ માનવાના. તે સાહેબ, આખો ગાંધી બાપુનો જોડનીકોસ ઉંચકી લાયલો! વેદિયો છે: હા, ચીકનો ચટ, કાન્તિ ક્હૅ, બાકી હાકિની હોય કે ફાકિની, મગજમારી શેને કરવાની? કોણ જાણે, એના મગજમાં ધનવાનો ને આ મા–ઓના બારામાં સું ય રંધાતું છે : કનુભાઇ, શું છે આ બધું?: રાભાઈ, ખાસ કૈં નથી, છોડો ને…

સુરુભાઈ, પ્રેટી છે; વુમન છે; પણ પછી? આ’વી–ને–આ’વી ડીવીડીઓથી સાલું બોર થવાય છે! કાંક જલ્સો પડે એવું કરો ને….!  એય ડબ્બા! મૂંગો ર્હૅ! મોટી બોરની માસી! બરસાત મૂકું બરસાત?: અરે યાયાર, તમેય સુરુભાઈ: સારુ, દો બીઘાં જમીન? રામચન્દ પાકિસ્તાની જોવી છે?

સુરુઉભાઆઇ! અમાર ભેગી તમારીય રાત બગાડવી છે? એવું નૈ સુરુભાઇ, કૈંક અસ્સલ બતાડો, અમને ફાવે એવી!

ઓકે, મને ખબર તમને શું ફાવે –બોલતો સુરેશ ઊભો થયો, પેલી ડીવીડી પાછી કાઢી ને ટિપોઇ પરના બૅકપૅકમાંથી એક બીજી કાઢી, સટ્ટડસટ્ટ ઘુસાડી.

બ્લૂ ફિલ્મ હતી, સુરેશ ઑન કરવા જતો’તો: વેઇટ વેઇટ સુરુભાઈ, જરા ગોઠવૈ જઈએ; સૂતાં સૂતાં ઠીક ર્હૅશે: હા પણ, એ પહેલાં એકેક પેગ લગાવી લઈએ તો –કેવું?: અલા પણ, જોડે જોડે આ કબાબ બી ઝાપ્ટી પાડીએ! સુગન્ધી જતી ર્હૅશે.

હા, લાય –કરતા બધા જગ્યા પરથી ઊઠ્યા, બબ્બે–ત્રણત્રણ કબાબ ચાવતા–ચાવતા પૅન્ટ્રી પાસે પ્હૉંચ્યા ને જેના હાથે જે બ્રાન્ડ ચડી તેમાંથી પ્યાલાઓમાં ઠપકાર્યું, ચીયર્સ બોલ્યા, અને પાણીની જેમ એક્કી ઘૂંટડે ઉતારી ગયા. આમ તો ચીયર્સ હૉલમાં ફફડીને છત લગી ઊડ્યું હોત, પણ બધાને ભાન કે અહીં બધું છાનું–છાનું કરવાનું હોય છે. જગ્યાઓ પર ઝટપટ પાછા જતાં દરેકે કનુને સૉ–સૉની નૉટ પકડાવી: કબાબના કેટલા?: નથી લેવા:  ખરેખર? : હા, ખરેખર:  એટલે પછી બધા નાની ધક્કાધક્કી કરતા સ્ક્રીન સામે ટાંટિયા લંબાવીને ગોઠવાયા.

સુરુએ રાઇટરભાઈને કહ્યું, અરે ભાઈસાબ! તમે ઊભા છો શું, જૉઇન્ જૉઇન્ –જોઇન્ અસ! પણ રાભાઈએ, માત્ર નો થૅન્ક્સ કહ્યું ને ઊભો જ રહ્યો.

એ દરમ્યાન દરેકે પોતાનો મોબાઇલ હાથ પાસે ગોઠવીને મૂક્યો –કંઈ નવું બ્લૂ આવે તો સટાક્ ઝડપી લેવાય. સિગારેટો સળગાવી. બે આંગળીઓની વચ્ચે ફસાવી અને મુઠ્ઠીના બાકોરેથી શુઉઉઉફ્ શુઉઉઉફ્–ના ઊંડા દમ લેતા, એક્કી અવાજે જોશમાં બોલ્યા, હોજ્જાઆઆય! આ ફેરી તો સિલિન્ગ ફૅનનું ઝુમ્મર રણઝણ્યું જ. ઑન–બટન પુશ કર્યા પછી સુરેશ હવે ખુરશીમાં હતો. લૅપ્માં ઍણે લૅપ્ટૉપ ખોલ્યું –એવી અદાથી, જાણે ફિલ્મની પોતાને પડી નથી. ઇવીડીઓ લગાડ્યું.

કનુએ એનો પેગ બનાવ્યો ને એના છૂટા હાથમાં પકડાવ્યો. કબાબ આપવા જતો’તો, પણ સુરુએ કીધું, નહીં જોઈએ. બોલ્યો, ડિમ બી ઑફ્ફ કર:  જી સુરુભાઈ.

હૉલમાં હવે ગુડનાઇટ–નું લાલ ટપકું, સુરુના લૅપ્ટૉપનું રાખોડી અજવાળું, ને સ્ક્રીનનો વાદળી પ્રકાશ. એમાં નર–નારીના નગ્ન દેહોને વિધવિધનાં આસનોમાં સંડોવતી નીરવ કામક્રીડા : જરા આઘો ખસ ને હડફા….મસ્તી નહીં: સુરુભાઈ, આને ક્હૉ ને ઘૂંટણ પરથી પગ નીચે લે, દેખાતું નથી. જો હાં…સીધો ર્હૅ:  લૅ રહ્યો : મનો બરમુડામાં હતો. છત ભણી રિન્ગો મોકલતો’તો. જગલો એની દરેક રિન્ગને પોતાના ધુમાડાની પિચકારીથી છેદી નાખતો’તો. એક્કીટશે જોતો વિનિયો હોઠે આંગળી રાખી ઠરી ગયેલો, એની જાણ બ્હાર એની સિગારેટ કજળી ગયેલી. થોડી વાર પછી બધાની સિગારેટો પતી ગઈ, એ પછી, ડીવીડીમાંની ચીજોની કામુક અસરને કારણે, કે ગમે એમ, પણ, પાંચેય જણા હતપત વીસરીને સ્થિર થઈ ગયેલા.

અને એ પછી, વ્હાલા વાચક, સમજ, કે ઝાપટું પડી રહ્યા પછી જેમ વરસાદનાં પાણી ધીમે–ધીમે ગટરમાં વહ્યાં જાય, એમ સૌનાં શરીર પોતપોતાનામાં ઊંડે રેલાયેલાં દેખાતાં’તાં. જોકે હજી બધે ધુમાડો–ધુમાડો હતું ને સિગારેટોની માદક વાસ ચૉફેર રખડતી’તી. થોડીવારે તો એમ જ લાગ્યું, હૉલ જાણે જંગલમાં ગુફા છે; ગુફા ધૂણીથી ગૂંગળાતી છે. ને એમાં ભભૂત લગાવી બેઠેલો સુરુભાઈ પીધેલ, લૅપ્ટોપમાં ડૂબેલો છે; બાકીના પીધેલ, પોઢી ગયા છે.

એવામાં રાઇટરભાઈ કનુના કાનમાં ફુસફસાટતાં ક્હૅ, ફિલ્મ જોવામાં આ બધા ગરકી ગયેલા દેખું તે એક સીન બને છે; વિડીઓ લઉં? કોઈ વાર મને કામ આવે. કનુએ ધીમેથી કહ્યું, લઈ લો. કૅમેરો કાઢી સજ્જ થઈ થૅલો કનુને ભળાવતાં રાભાઈ બોલ્યો, બી કૅરફુલ; જાણો છો ને અંદર બધો મુદ્દામાલ છે:  હા–હા કેમ નૈ : એક તો અજાણ્યો, ઊંચો, પાછો મુમ્બઇનો; ક્યાંય કશો અવાજ નહીં; અજવાળિયું તે બાલ્કનીમાંથી ચાંદનીનો ચકચકતો ટુકડો પડેલો; એને કચડતો રાભાઈ કૅમેરો છાતીએ ચૉંટાડી વિડીઓ ઉતારવા કમરેથી ઝૂકી–ઝૂકીને સંચરતો’તો –પીળો ઝભ્ભો એનો લબડે– જોકે ઘડીએ-ઘડીએ કામક્રીડાને ખાસ આવરતો’તો તેથી, કે કોણ જાણે, અલકે ને પલકે, અઠંગ ઉઠાઉગીર લાગતો’તો.

વ્હાલા વાચક, જોને, હું ય રાભાઈ રાભાઈ કરતો થઈ ગયો! જોકે એને આમ સંચરતો જોઈ મને યાદ આવ્યું. નવમો માળ વેચાયો નથી, ખાલી છે, આઠમા પર એક જ ફ્લૅટ વેચાયો છે, એટલે છાનું રાખવાનો આમ તો સવાલ જ કાં? પણ એક વાર અહીં ખાખી ચડ્ડીવાળા બે પોલીસ ચડી આવેલા. હતા પોલીસ, છતાં લાગે ચોર. કેમકે એવાએ પણ દબાતે પગલે સંચરતા’તા. એમને એમ કે રેડ પાડીએ, ઝાલી જઈએ જુવાનિયાઓને. પણ વાચક તને કહું, સુરેશે બન્નેનાં ખિસ્સામાં હજાર હજારની પત્તીઓ ચપ્ ચપ્, ખોસી આપેલી –પેલાનાં મૉં મલકે– પછી એવું જોરદાર ‘જાઆવ’ કીધેલું કે ખાખીડા ઝડપમાં લિફ્ટ ઊતરી ગયલા –વાનમાં થઈ શ્હૅરમાં રફુચક્કર! બોલ, ત્યારે તો ચોર જ લાગે કે બીજું?: તું વ્હાલા, મને શું પૂછે છે? શું? –આ રાઇટરભાઈ ખરેખર કોણ છે, એમ? ઓકે કહું હમણાં, શું–? અબ્બીહાલ કહું–? સારું સાંભળ, પણ ફરીથી વચ્ચે ના બોલતો!

આમ તો રાઇટરભાઈ કટ ઍન્ડ પેસ્ટવાળો ડેટા–હૅકર છે. ફોટોગ્રાફોમાં ને વિડીઓમાં સુન્દરીઓના ચ્હૅરા ને અંગોપાંગો બદલવાનો ધંધો કરે છે. કોઈની જાંઘો કોઈને, તો કોઈના સ્તન કોઈને. ફિલ્મોવાળા બોલાવે તો સ્ટોરીઓ લખી આપે. અગાઉ ઍડ્એજન્સીઓમાં કૉપીરાઇટિન્ગ કરતો’તો; એ કારણે રાઇટરભાઈ.

વ્હાલા, તને ખબર છે, વંઠેલ સ્ત્રીઓના ભાયડા વ્હૅમીલા ને બીકણ હોય? એમને ગંદી વિડીઓ મોકલી આપે –લખે, સૅન્ડ ફિફ્ટી થાઉઝન્ડ, અધરવાઇઝ. તને ખબર છે, લટ્ટું પુરુષોની બાઈઓ? એ ય વ્હૅમીલી તો હોય જ ને! વ્હૅમ જીવલેણ બીમારી છે –આનો આખો ધંધો વ્હૅમ પર તો ચાલે છે, એમને મોકલે; લખે, સૅન્ડ ફિફ્ટી થાઉઝન્ડ, અધરવાઇઝ…ટૂંકમાં, બ્લૅકમેઇલિન્ગ. મફતની ધૂમ કમાણી. સિમકાર્ડોની અદલાબદલી કરી દે. એમૅમૅસ કે એસૅમૅસ મેઇલ કહો તો મેઇલ, ઇ–મેઇલ ક્હો તો ઇ–મેઇલ. ગ્રૂપ માગો, તો તેમ. ફયુચર માગો, તો તેમ. વેબોમાંની ધડાકેદાર ચીજોની ચોરીઓ કરે ને પૅન–ડ્રાઇવની ગોટીઓ બનાવી આપે. દરેક જાતની હેરાફેરીનો ઉસ્તાદ છે.  શું, શું કીધું, પૈસા એને પહોંચે કેવી રીતે–? વ્હાલા મારા, મારે તને એ ય જણાવવું પડે? અફ્સોસ! તું પાછો વચ્ચે તો બોલ્યો જ! ભલે. જણાવું, જાણ, એની મને નથી ખબર. જણાવું, જાણ, એ ખરેખર કોણ છે એની ખબર છે ય ખરી…નથી ય ખરી. વચ્ચે નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું…! શરત યાદ રાખતો જ નથી…

રાઇટરભાઈને ખાસ ફાવ્યું નહીં, કેમકે કોઈ વાર તો કૅમેરાનું મોઢું ક્યાંક તો સ્થિર થાય! પોઝિશનો તો લેવી પડે! ફ્લૅશ થાય! કશે અથડઇ ના જવાય એ ય સાચવવાનું –મતલબ કે પેલાઓને ખલેલ પડવાની બીક બહુ. દરમ્યાનમાં પાછો વિનિયાનો મોબાઇલ રણકેલો, તે વાતો ચાલેલી. એટલે પછી રાઇટરભાઈ કનુના ઝભ્ભાની ચાળ ખૅંચી એને નજીકના બેડરૂમની બાલ્કનીમાં લઈ ગયો –

કૅમ-કૅમ? : તમને એક વાત કરું કનુભાઈ: રાઇટરભાઈ કૉણીઓ ટેકવીને દસમા ફ્લોરેથી મસ્તક નીચે ગ્રાઉણ્ડ ભણી નમાવીને ઊભો:  કરો, પણ ધીમેથી; મને બાયણું ઠાલું કરવા દો : સામે આકાશમાં ચન્દ્ર વાદળીઓમાં થઈને સરકતો જતો’તો. નીચે શ્હૅર દીવાઓમાં શાન્ત હતું. કનુ મૉં એટલું બધું પાસે લઈ જઈને બોલ્યો, સું?, તે મોઢાં એકમેકને સૂંઘતાં દેખાયાં –જાણે પેલા જંગલના કોઈ ઝરણા આગળ બે પ્રાણીઓ તરસ્યાં હોય, ને એમનાં ડોકાં કોઈએ આમ નમાવ્યાં હોય!

પેલું કામ, કનુભાઈ, થઈ ગયું છે. થોડી વારમાં તમે એનો પ્રતાપ જોશો.

તમને સુરુભાઇનાં ઇ–મેઇલ–પાસવર્ડ ને આ લોકના મોબાઇલ- નમ્બરો તો મળી ગયેલા ને, રાભાઈ?: હા–હા, એ તો કહું છું, વાપર્યા પણ ખરા : બરાબર:  એની રકમ તમને અહીં આપી દઉં? : હા ભાઈ, હા, : કનિયો બોલી ર્હૅ એ પ્હૅલાં તો એણે થૅલામાંથી રૂપિયાનું પૅકેટ કાઢ્યું, પકડાવ્યું, ને પકડઇ ર્હૅ એ પ્હૅલાં તો કનિયાએ બન્ડીની અંદરમાં ગપાવી દીધું: તમારે બીજું પણ જોઈતું છે, કૈં? : ખાસ નહીં, આઇ મીન, અત્યારે તો નહીં  બાકી, મામા જોડે ક્હૅવરાવો છો એમ ક્હૅવરાવતા ર્હૅજો: હા–હા, ચૉક્કસ.

કનો લલચાયો હોય કે કેમ, ભલે નાના સૂરે, પણ બોલ–બોલ કરવા લાગેલો : તમને કૌ, નાનપણથી મારી કને કોડકનો કૅમેરો હતો, કાઢી નાખ્યો, ને સૅમ્સંગનો કૅમકોરડર લાયો. લગન–બગનની પાર્ટીઓનાં કામો મલી જાય. મારી કને મૅરીડ–કપલોની પ્રિન્ટો પણ છે:  બરાબર; કનુભાઈ, બ્લૂમાં ડૂબેલા આ તમારા ભઇલાઓ મને અમારા જુહુ બીચે સૂતેલા બેઉડા જણાય છે : હા પણ ધીમે બોલો:  આકાશે આવો જ ચન્દ્ર હોય, સામે સમુદ્રનાં જળ હલબલે, કાંઠાની ભીની રેતમાં જપી ગયા હોય : બિલકુલ હાચું કીધું ભાઈ, ગામડે લખીબા–ધરમસારામાં ગાંજાની ચલમો ચૂસતા નાગા બાવા બી આવા જ! નાગા એટલે ભાઈ, બિલકુલ જ નાગા! જોકે ફાંદની ગાગર એટલી મોટી કે નીચેનું ઝાઝું દેખાય નૈ. એક–બે એનાય ફોટા છે; બ્લૅક–ઍન્વાઇટમાં…

બરાબર…તે કનુભાઈ, તમે કેમ લીધું નહીં?: મારે વ્રત છે  સિગારેટ નહીં પીવાનું: કે આવી ફિલ્મો નહીં જોવાનું?: બેઉ. નૉનવેજ પાણ નથી ખાતો:  રાભાઈએ મૉંમાં પોતાની ચિરૂટ સૅટ કરી ને એમ જ બોલ્યો, તમારી સામે પિહ્આઆયને? : હા–હા સું કામ નૈ; ભાઈ, સોલ્જરી-ને લીધે કબાબ કે ડ્રિન્ક તમને ઑફર ના કર્યાં; દિલગીર છું : ના-ના, કામના ટાઇમે મને ઇચ્છા નહીં, ને જરૂર પણ શી? : હા, એ પણ ખરું.

બરાબર એ જ વખ્તે નીચેથી અવાજો આવ્યા : બરાબર છે, બદલવાની જરૂર નથી ડોબા, એને જ ફરી મૂક!: અલા પણ ત્રીજી વાર? : નવી ડીવીડી વધારે મજાની હોય: ના, ના હોય, એ-નું-એ જ હોય! : જક્ક ના કર. જુઓને સુરુભાઇ, આ માનતો નથી : તમે લોકો માનો ન માનો, જે કરવું હોય એ કરો, મને મારું કામ કરવા દો! ને ઓ ઢોંડા! મારી કને નવી ડીવીડી છે, પણ તમાર બધા માટે નથી! ચૂપ ર્હૉ!

અવાજોને લીધે, રાઇટરભાઈ ક્હૅ, ઉપર આપણે પૅન્ટહાઉસની ટૅરેસમાં જઈએ તો? જવાય?: હા–હા, સું કામ નૈ, ચલો: દાદર ચડતાં–ચડતાં કનો ક્હૅ, હું તો ભાઈ, એ જમાનામાં તાજ છાપ પીતો’તો. ને સિનેમા બહુ જોતો. આવી ગંદી ફિલ્મોની તો અમને લોકને ખબર જ નૈ…અમને જોકે એની નવૈયે નૈ. ઉનાળો હોય ને, અધરાત–મધરાતે, છજાંઓ ને અગાસીઓમાં, ભાઈ, આવું તો બૌ જોયું છે. એના ય ફોટા લીધા છે, સેપિયા પડી ગયા છે, જોયે તમને: હાઆઆ! એ તો બિલકુલ જોઈએ!

રાભાઈ આવો, બૅન્ચ પર બેસીએ; ત્યારે ભાઈ, પેલાઓના ધુમાડા આગળ, તાજની મારી ધુમાડી તો બાપડી ગરીબડી. એમનાના ગોટા ડોલતા–ડોલતા મોટા પીપરાનાં પાંદડાંમાં થૈ આકાશે વિલૈ જાય. ઊંઘતી ચીબરીને છીંક આવે, ચીખતી ઊડે. એક વાર મૅં સવિતાને બતાડેલી. એ દેખતી’તી એટલો વખત સપ્તરસીના તારા વધારે ચમકેલા: તમે કનુભાઈ, પરણેલા છો? કોઈ દિ આપણે એ વાત તો કરી જ નૈ!: હા અને ના: કેમ આમ ક્હૉ છો?: સવિતા જતી રહી છે. મને યાદ ના કરાવો : વૅરી સૅડ, પણ એવું શું?: છોડો ને : તો પણ?: ત્યારે કોઈ કામે સુરુભાઈ ગામ આવેલા. હરામડી એમની હાજરીમાં ક્હૅ, હું બટકો છું! કારણ બીજું હતું, એને સ્હૅરમાં ર્હૅવું’તું જવા દો ને… સુરુભાઇએ જ એને આ સ્હૅરના કોઈ પૈસાદાર જોડે જોડી આપી છે. બહુયે પૂછું પણ મગનું નામ મરી પાડતા નથી; સુંયે હસે : વૅરી સૅડ : ભાઈ, એ દિવસોમાં પછી મને જર્રાય ગમતું નૈ:   ખરી વાત: બાયણાં ને બારીઓ બંધ કરી પથારીમાં અંધારું તાકતો બેસ્યો રહું. થાકું એટલે ઘૂંટણિયે પડી માથું જાંઘોમાં ઘાલી દઉં. સવલી ચાલી ગઈ એની સાથે ભાઈ, મારું ઘનું ચાલી ગયું. મને થાય છે, હું ઝીરો છું, ગધેડો બી!: ના–ના, એવું ન બોલો:  ત્યારે મામાને બૈજુ બાવરા–નાં બધાં ગીતો આવડે. મને પવન કરે સોર-વાળું મિલનનું આવડે: તે શું હવે નથી આવડતું –

એને સાલાને રાઇટરભાઈ, જાતભાતનું ગાતાં આવડે છે પણ ભાવ ખાય છે ભાવ –બોલતો જગલો નીચેથી ટૅરેસ પર સીધો એઓની સામે આવી ઊભો. આંગળી કરી ક્હૅ, તને સુરુભાઈ બરકે છે, ઊભો થા: કેમ?: નથી ખબર:  હમણાં આવ્યો ભાઈ —કરતો કનિયો નીચે ગયો. નીચે ગયેલા કનિયાને સુરેશે ત્રણ સવાલો કર્યા: કેમ, ઉપર કેમ ગયા? : અમસ્તા, એમને ચાંદની જોવી’તી: કંઈ એવુંતેવું તો નથી ને?: નાઆરે: તું એમની જોડે શું કરે છે?: કૈં નૈ, અલકમલકની વાતો: સારું, જા…

ઉપર પાછો પ્હૉંચેલો કનિયો બૅન્ચ પર બેઠો, ને વળી લાગુ પડી ગયો. આમ તો ભાઈ, મારી પાસે કોમ્પ્યુટરમાં વેસ્ટર્ન બ્લૂ મસાલો પણ છે. જોયે?: હા–હા શું કામ નહીં : કેટલા આલસો?: મૉં–માગ્યા : ઠીક વાત છે. ચિકાગોમાં મારો એક દોસ્ત છે, દર વીકે ફૉરવડ કરે છૅ. રસિયો, પણ કદાચ એટલે જ વાઇફ એને અબખે પડી ગયેલી. બહુ લડે. લેઇકફ્રન્ટ ગયાં હોય, ત્યાંયે, એટલું બધું લડે, એટલું બધું કે અમેરિકનો જોતા રહી જાય; ઘેર આવીને પેલીને મારે પણ ખરો, બોલો!: ઓ નો! વૅરી બૅડ!: બચારી માધવી ઇન્ડિયા આવી ગઈ છે.

કનુભાઇ, તમારા આ ભઇલાઓનું કેમ છે? : એકાદને બાદ કરતાં, બધા પૈનેલા છે:  સરસ, વૅરી ગુડ. માણસ પરણેલું હોય એ સારું છે : સું સારું? ધૂળ! આ જગલો પૈનેલો છે તો ય કોઈ–કોઈ વાર કોઈ બોતાડા જેવીને લાવતો હોય છે: ક્યાં, અહીં, પેન્ટહાઉસમાં?: હા–હા, સું કામ નૈં? એ દિવસે એણે બસ્સો આલવા પડે. મંડ્યાં ર્હૅ ખૂણે.

ઍની વિડીઓય છે, જોયે?: ઇન્ટરેસ્ટિન્ગ! બિલકુલ જોઈએ!: એક વાર એની વહુ દોડી આવેલી ને ધૉલો મારીને હાંકી ગયેલી. પેલીને ય ભગાડેલી, ધક્કા મારીને: પણ સુરેશભાઈ એવું બધું ચલાવી લે ખરા?: હા–હા સું કામ નૈં? એ બી એમની સૈસ્વરિયાને –સુહાગને– બોલાવી લેતા હોય છે!: એમનું કોઈ એવું પિક્ચર?: જાનતો;તો, તમે એ જ માગવાના, માગો તો! : માગ્યું!: આપ્યું! –કરીને કનિયાએ ઝભ્ભાના ગજવેથી એક ફોટો કાઢ્યો, દેખાડ્યો, ને જેવો દેખાયો કે તરત રાઇટરભાઈને કબ્જે થઈ ગયો.

ભાઈ, બિગ ઍમાઉન્ટ, હાં: હા–હા શું કામ નહીં: આ ફિલમોમાં બ્લૂ ઘનું હોય તે કેટલીયે વાર પ્યાલીઓ અધ્ધર ને હોઠ ખુલ્લા –જાણે બધા ચિત્રમાં ચીતરેલા! કોઈ કોઈની તો હથેળીઓય કજગાએ. ચોરીછૂપીથી ઝડપેલી મારી પાસે એવી ય ક્લિપો છે: એ પણ જોઈએ: હા પણ, કેટલા?: પર ક્લિપ, ફાઇવ: ને ફોટાના? ટ્વેન્ટી ફાઇવ, વેસ્ટર્ન બ્લૂ મસાલો ય આપી દેવો છે? : હા–હા, બધું જ આલવા બેઠો છું પછી..!: આઇ વિલ પે કનુભાઈ, બિગ અમાઉન્ટ : પેલા નાગા બાવાઓ?: ના, એ મને કામ નહીં આવે, કેમકે છેવટે તો રીલિજ્યસમાં ખપે:  પેલાં કપલની પ્રિન્ટો?: એ પણ નહીં, કલ્ચરલ લાગે : ચાલો, બિગ ડીલ થઈ ગયું: હવે તમે કનુભાઈ ડીયર, અત્યારે નીચે જાઓ, ને જુઓ પેલો મારો પ્રતાપ, તમારું દિલ ઝૂમી ઊઠશે : એમ? જઉં જ, સું કામ નૈં.

વ્હાલા વાચક! નીચે કનિયાએ કયો પ્રતાપ જોયો? એ નીચે ઊતરતો’તો ત્યારે પણ, સૌ કામક્રીડામાં ડૂબેલા હતા, એ–ની–એ ડીવીડી ફરી–ફરી ચાલતી’તી, તો પણ! પણ જેવો કનિયો નજીક પ્હૉંચ્યો કે પાંચેયના મોબાઇલ વારાફરતી –પણ તરત– રણક્યા.

રિન્ગટોન બધા, ઉંદરડા પેઠે દોડતા થયા.

અરે મના, જો તો, કેવો છે આ ઍમૅમૅસ? : આ તો યાર, આપણાં સુહાગબેન છે! બાજુમાં ચૉંટેલો કોણ છે? આ લઠિંગો? ભગા, જગા, કાન્તિ, જુઓ તો : અમારામાં પણ હા, એ જ છે. સુરુભાઈ! કોઈ બદમાશે અમને બધાને ગંદો ઍસૅમૅસ મોકલ્યો છે, કોઈ હરામીનું કામ છે, જુઓ કે તમારામાં શું છે?  ત્યાં વનો ક્હૅ, અરે વાંચો તો ખરાઆ, નીચેએ…લખ્યું છે : દૂસરે દોસ્તો કો અબ્બીહાલ ભેજો, વર્ના, તીન દિન મૅં મરને કો તયાર રહો.

સુરુ મોબાઇલ ખોલે એ પ્હૅલાં તો એના લૅપ્ટૉપમાં એની જ સૈસ્વરિયા -સુહાગ– એ જ લઠિંગા સાથે ફુલ્લ સ્ક્રીન પર! નીચે લાઇન જતી’તી: સૅન્ડ ફિફ્ટી થાઉઝન્ડ વિથ કનુ પારેખ વિધિન્ નો ટાઇમ, અધરવાઇઝ…

કનુ પારેખ? વ્હૉટ કનુ પારેખ?

સું છે સુરુભાઈ, સું, મારું નામ છે, મારું?

તું ચૂપ મર હમણાં! ગધીનો કોઈ હેકર છે…રબીશ! ડીલીટ કરી દો ડીલીટ, આઇ ડોન્ટ કૅર! આવા તો કંઈ કેટલા હાલી નીકળ્યા છે, રીયલી આઇ ડોન્ટ કૅર!

એ ખરું સુરુભાઇ, પણ સુહાગબેન જોડે આ જે છે, આ કૂતરો, છે કોણ? એની પાસે બેનનો ફોટો ગયો કેવી રીતે? તમારી પિચ્ચર–ફાઇલમાંથી જ ચોરાયો હશે ને?

સુરુ પૂરા કંટાળાથી બોલ્યો, યાયાર, છોડો ને, નો આઇડીઆ…!

બધાના મૉંમાં ઊગી આવ્યું, ગેટ આઇડીઆ, પણ કોઈ બોલ્યું નહીં. શું કરવું કે શું બોલવું તે ન સમજાતાં કનો બધાને જોઈ રહેલો ને બધા કનાને જોઈ રહેલા.

બરાબર એ જ વખ્તે એમના મોબાઇલો, બીજી વાર, વારાફરતી, પણ તરત રણક્યા. ઍસૅમૅસ હતો  —દૂસરે દોસ્તો કો અબ્બીહાલ ભેજો, વર્ના, તીન દિન મેં મરને કો તયાર રહો: સુરુભાઇ તમારામાં ય જુઓને: નથ્થી જોવું! જહન્નમમાં જાય! કનિયા!: જી!: આમાં, કનુ પારેખ નામ કેમ? : જી મને નથી ખબર, કાન પકડું, અમ્બામાના સૉગન: જો ઠોક્યા! જૂઠું બોલ્યો ને, તો તારી પત્તર ફાડી નાખીશ!

બરાબર એ જ વખ્તે રાઇટરભાઈ નીચે ઊતરતો’તો; ઊતરીને ક્હૅ, કનુભાઇ, લૅટ્અસ ગો નાઉ, નહીં તો મારે મૉડું થશે. બરાબર એ જ વખ્તે ફરીથી મોબાઇલ રણક્યા ને એમાં ફરીથી પેલો જ ઍસૅમૅસ ઊપસ્યો. બધા ઊંધું ઘાલીને ને પછી ઊંચું જોઈને શંકાથી બઘવાયલા હતા ત્યારે હા–હા ચાલો-ચાલો કરીને —કનિયો, અને, બાય મિસ્ટર, બાય એવરીવન –કહીને રાઇટરભાઈ, નીકળતા થયા…

વ્હાલા વાચક, હવે હું પણ જઉં, પછી લખીશ. તું છૂટ્ટો! બરાબર એ જ વખ્તે બરાબર એ જ વખ્તે બોલીને મૅં બહુ બતાડ્યું, પણ હવે તું જાતે જો –બન્ને જણા રોડ પર કેવા લ્હૅરમાં ચાલે છે. આવજે! વચ્ચે નહીં બોલવાની શરત પણ ગઈ! જો, ઓ જાય, ઊડતી. શું, રસ્તે એવાએ શી વાતો કરે છે એની કલ્પના કરી આપું…? ઠીઇઇક, સાંભળ એવિયાઓને:

આ ઍસૅમૅસ હવેથી એકેક કલાકના આંતરે એ લોકોને લગાતાર ત્રણ દિવસ લગી મળ્યા કરશે, કનુભાઈ: હા પણ, ઍમૅમૅસમાં તમે મારું નામ કેમ– : તમારું નામ કનુભાઈ, એ માટે કે આખી વાતમાં સુરેશને ભરોસો પડે! તમારા નામને લીધે તમને ખુદને પણ થાય કે વાતમાં કેટલો દમ છે. હોય ખોટે-ખોટું પણ મને તેમ દરેક પાર્ટીને ખાતરી થવી જોઈએ કે બધું બિલકુલ ટ્રુ છે –આ ધંધાનું એ ઉસુલ છે; ખ્યાલ આવ્યો?: આવ્યો:  તો જુઓ, ડીલ પ્રમાણેનો બઅધ્ધો માલ કૅરફુલી મોકલજો, હાલ બે પેટી ઍડવાન્સ આપું છું. ભાઈએ થૅલામાંથી હજારનાં બે પૅકેટ કાઢ્યાં.

વ્હાલા વાચક! જો, કનિયાની બન્ડીના ચોરગજવે પ્હૉંચી પણ ગયાં; જોડે, એના કપાળ પર કશુંક ઝબૂકે છે…આમનો રૂપિયો બી રોડથી સરૂ…?…દેખાયું?

અરે, અરે પણ, એની આગળ ઓલી ટ્રક દોડી ગઈ કે…પાછળ મા તુળજા ભવાની વંચાયું…કે…એ ધડકી ગયો…જોને, બબડે છે, મા તુળજા, માફ કરજે મા. સંભળાયું?

જોકે આ તરફ, રાભાઈને સાંભળ, કંઈ બીજું ક્હૅ છે: કનુભાઈ, તમારો સુરેશ હાલ બ્હાવરવાટમાં ફસડાઈ પડ્યો હશે, નહીં?:  નાઆરે, બહુ પ્હૉંચેલી માયા છે, પેલાઓને કાઢી મેલ્યા હસે, સુહાગને બોલાવી લીધી હસે : ઓ…ઓ  હા, બ્લૂ ફિલમ બતાડતો જસે ને સૈસ્વરિયા સૈસ્વરિયા કરતો એની સુંવારી કાયાને ભોગવતો ર્હૅસે સવાર લગી; દુનિયા તમે માનો છો એટલી ડરપોક નથી, ભાઈ: એ ખરું, પણ ડર ભૂલવા સ્ત્રી–પુરુષ પાછાં એકમેકને આમ વાપર્યે જવાનાં, એ પણ ખરું કે નહીં? સ્ટોરીને એન્ડ નથી તેમ મારા ધંધાને ય એન્ડ નથી, કનુભાઈ —

છોડો ને યાર, એ બધા વપરાસનો મને કાં કસો અન્ભવ છે…  કનિયો કોઈ કારણે ઉદાસ થયો દેખાય છે.

એ ખરું કનુભાઈ, પણ, તમે મને ના પૂછ્યું –મેરીડ છું કે કેમ  : હસો જ ને : ના: ઠીક, એ બી ઠીક છે…લૉ ભાઈ, તમારી હોટલ આવી પૂગી, બોલો, ફરી કેદા’ડે મલવાના?: નો આઇડીઆ.

જોજે વ્હાલા, કનિયો —ગેટ આઇડીઆ બોલશે.

જોકે ના, ના બોલ્યો, ચૂપ છે.

નીચું જોતા બન્ને પોતપોતાના રસ્તે ફંટાયા –દેખાયા?

તારે પણ જવું હશે, નહીં વ્હાલા? જા.

: અનુવચન:

હું ગુજરાતી ત્રીજી કે ચોથીમાં હતો તે વખતનો એક રખડેલ ભાઈબંધ યાદ રહી ગયો છે. ગામની ટૉકિઝમાં ફિલ્મો ચડે, ને ઊતરે. તેનાં ઍક્ટર્સ ઍસ્ટ્રેસિસનાં નામ, ગીતોની પંક્તિઓ તારીખ–વાર સાથે પોતાની નોટબુકમાં લખી રાખતો. જે જોઈએ એ વીગત ગમે ત્યારે આપી શકતો. એને એ કામનું જ વળગણ, એની જ લિજ્જત. કનિયા-ના મૂળમાં એ છે…

અમે સાંજે ચાલવા નીકળીએ તે વસ્ત્રાપુરમાં લોડર રિક્શાઓ જોવાય ને એ પર મા–ઓનાં નામ ચીતર્યાં હોય. મને વાંચવાની ને જે–તે મા વિશે વિચારવાની મજા આવે.

દેશમાં રૂપિયો લાખ્ખોથી ખસીને કરોડો લગી પ્હૉંચી ગયો એ સંવેદન તો સૌનું છે!

ઇન્ટરનેટ અને આઇ–ટીના આ જમાનામાં, કોઈપણ મૅટ્રો કે કૉસ્મો સિટીમાં જીવનને ખતરનાક શૈલીમાં જીવતા અમુક યુવા વર્ગની વાતો સૌને જાણીતી છે. પણ એની આ વાર્તા, મારાથી શી રીતે લખી શકાઈ તેનું મને આશ્ચર્ય છે. કેમકે, મને ઍસૅમૅસ જેવી સામાન્ય બાબતનો ય કશો જ મ્હાવરો નથી; ઍમૅમૅસનો તો સવાલ જ કેવો! મારો મોબાઇલ પણ સ્માર્ટ ફોન નથી! પણ સર્જકતા બધું જ કરી આપે કે નહીં? –પર૫૬ મિનિટો પછી?

એક વાર્તાકાર મિત્રે મને લખેલું: વાર્તામાં ચીતરાયેલી દુનિયાનો મને તો જરાય પરિચય નહીં પણ પાત્રો, બોલી બધું તળનું. એટલે મજા તો દોડતી આવે. ર–ભાઇ અને ક–ભાઈએ ટૅસડો કરાવ્યો. વાર્તામાં મનભર તર્યા પછી મને થાય લગભગ સંવાદોમાં વ્હૅતી આ રચના નાટકમાં ઢળે, અવતરે તો…મારી અનેક વાર્તાઓમાં મિત્રોને નાટ્ય–નાં તત્ત્વો જણાયાં છે. એ સાચું છે છતાં હું એવાં કશાં પણ સાહિત્ય–તત્ત્વોને વાર્તારસમાં જ ઑગળતાં કરવાના મતનો છું. જુઓને, મારો કથક અહીં લેખક છે ને એનો શ્રોતા એનો વ્હાલો વાચક છે. રચના એમ, લખાતી–વંચાતી છે. તેમછતાં, વાસ્તવમાં તો ક્હૅવાતી અને સંભળાતી છે…

License

સુમન શાહની વાર્તાસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.