કેવી છે!

…હંસા મને નથી સમજાતી એવું સાવ નથી. હું એના હાસ્યને માત્ર ટેવ નથી ગણતો. છતાં એની નિર્દોષતાને નથી પિછાણતો એમ પણ નથી. મને એનામાં સાવ વિશ્વાસ નથી એવું પણ નથી. પણ આ છોટિયાની બલા અમારા જીવનમાંથી શી રીતે ટળે એ મુદ્દો જ મને સતાવતો મુદ્દો છે. એના ઊપસેલી જાડી લીલી નસોવાળા કાંડાની તેમજ પ્હૉળાં નખવાળાં, જાડાં, પેલાં આંગળાંની મને ખરે જ બીક પેસી ગઈ છે. આ કારણે તો હું મારી ઑફિસમાં પણ ઘણીવાર બ્હાવરો પડી જઉં છું. ક્ષણેક નવરો પડું ને છોટુ જો યાદ આવી જાય, તો પછી અસ્વસ્થ થઈ જઉં. મારે ત્યારે યુરિનલ અવશ્ય જવું પડે. મારી હંસાનું નાજુક ગૌર કાંડું ક્યાં, ને… મારી સામે મનોમન જ ફિલ્મોમાં આવતા રેપ–સીન જેવી કશીક દૃશ્યાવલિ ભજવવા માંડે. ફાઇલનાં પાનાં ફર્યા કરે, ને મન મારું અમારા ડ્રૉઇન્ગ રૂમમાં ભટકતું થઈ ગયું હોય. ભૂલું પડેલું કોઈ ચામાચીડિયું જ જોઈ લો.

આ છોટુની વાત આમ તો કોઈ મોટી વાત નથી. સ્વસ્થતાથી વિચારતાં લાગે કે વતેસર થઈ ગયું છે. પણ મને છોટુ જળોની જેમ વળગ્યો છે. સાથોસાથ, બીજું પણ છે. હું એકદમ ચોખ્ખો માણસ છું. બિલકુલ નીતિથી ચાલનારો પાપભીરુ. મારા સુખી જીવનમાં નાનો સરખો પણ બીજાનો પ્રવેશ હું શાને સાંખી રહું? કારણ શું સાંખી લેવાનું? હું કાયર થઈને જીવવા નથી માગતો…

ગઈકાલે બુધવાર હતો. જરા વિચિત્ર બની ગયું…

‘લન્ચ અવર્સ’-માં પાણ્ડે અમારી સ્ટેનોના ટેબલ પર બેસી ઠહાકા મારતો’તો, હસતો-હસતો ખાતો’તો. ઘડીમાં પેલીના બૉક્સમાંથી શાકનું ફોડવું લે, તો ઘડીમાં પોતામાંથી લેવા પેલીને આગ્રહ કરે. પછી તો બન્ને જોરજોરથી હસવા લાગ્યાં. થોડી મિનિટો લગી તો, એ લોકો ખાય છે કે હસે છે તે જ મને સમજાયું નહીં. વાતાવરણમાં એમના ખુશહાલ હાસ્યનો અવાજ તરતો થયો. અચાનક જ મને બધું ધૂંધળું–ધૂંધળું દેખાવા માંડ્યું. પછી મારો જીવ એકાએક છોટુની યાદે ચડી જોરથી ચૂંથાવા લાગ્યો. કદાચ છોટુ મારા ઘરમાં આમ હંસા જોડે ઠહાકા નહીં મારતો હોય ને…? આજે પાછો બુધવાર છે! –એકાએક જ મારું ટેબલ સરખું કરી, થોડી વાર પછી સીધો હું ઑફિસની બહાર પડ્યો ને રિક્ષા પકડી. પરમાર જોડે મારા સાહેબને ક્હૅવરાવી દીધું -‘જૅન્તીલાલ હેડઑફિસે ગયા છે. મૉડું થશે તો પાછા નહિ આવે એમ કહી દેવાનું કહ્યું છે…’

રિક્ષા ઊભી રહી મારા જ ઘર પાસે ત્યારે, અમારે ત્યાં આવતા જાત–ભાતના કો મુલાકાતી જેવો હું મને ભાસી રહ્યો.

હું અને હંસા, ઘણાની રિક્ષા આમ અમારા ઘર પાસે થંભી જતી અમારા ઘરમાંથી જોઈએ. આવેલાને વિષેનું હંસાનું કુતૂહલ જબરું. રિક્ષાવાળાને પૈસા ચૂકવતાં એ લોકોને ઠીક ઠીક વાર થાય. પરચૂરણ આપવું ન હોય, પેલાને લેવું જ હોય, વગેરે કારણે. પછી ધીરેથી રિક્ષાની પેલી બાજુ ઊતરે ને સીધા અમારા મકાન સામે જુએ. હંસા ત્યાં લગી સતત ઊંચી–નીચી થાય, ‘આપણે ત્યાં જ આવ્યા છે’ એવી ખાતરી થતાં અેને સુખદ હાશકારો થાય.

ખૂબીની વાત એ છે કે મારી બાબતમાં પણ આજે આ બધું જ બન્યું. ગણીને તૈયાર રાખેલા પૈસા ચૂકવી, એ જ પ્રમાણે હું પણ રિક્ષામાંથી ઊતર્યો, ને મારા મકાન ભણી મૅં અદ્દલ કોઈ અજાણ્યાની જેમ જ જોયું. ત્યાં, ઘરમાંથી મને જોતી હંસાની આંખો તો શાની હોય તે જાણતો’તો છતાં મનોમન દુઃખી થયો. હંસા અંદર જ છે, પણ એકલી થોડી હશે? –એવી કસક સાથે મૅં બેલ માર્યો -બટન જોરથી લાંબે લગી દબાવીને. હંસાએ બારણું ખોલ્યું ને મને જોઈને એનું મૉં પ્હૉળું રહી ગયું  બીજો કોઈ પ્રસંગ હોત, તો તો મને એના આવા ખુલ્લા મૉંમાં સફરજનની એક આખી ચીરી મૂકી દેવાની ઇચ્છા થઈ હોત.

‘અત્યારે ક્યાંથી?’

‘અમસ્તો જ, જરા ઠીક નથી મને. ઊલટી જેવું થતું’તું. અરધી સી.એલ. લઈ લીધી.’ ગભરાઈને હંસા મારી બ્રીફકેસ તો લેતી હતી પણ મને થયું કે મારી વાત સાચી નથી લાગી એને.

‘એકદમ શું થયું?’ –એની નજર પૂછતી’તી મને.

હું સોફામાં બેસી પડ્યો. પછી મારી નજર ચોરની જેમ મારા જ ઘરમાં ચોતરફ ફરી વળી. હંસાએ આપેલો ગ્લાસ પાણી રૂપે પેટમાં ઠર્યો ત્યારે એક એવી ‘હાશ’ થઇ, જેને ‘છોટુ નથી’ એવું નામ આપી શકાય.

નથી જ…કેવું સારું…સારું લાગવાનો એક સરળ સૂર અગરબત્તીની ધુમાડીની જેમ મૅં સ્પષ્ટ પ્રસરતો જોયો. દરમ્યાન હંસાએ બેડરૂમમાં ચાદર બરાબર કરીને ઉશીકાં ગોઠવી દીધાં. ક્હૅ  -‘તબિયત સારી નથી તો સૂઈ જાઓ.’ હું એને વશ થયો તે મને થયેલી ‘હાશ’થી કે ‘માંદો’ પડ્યો’તો તેથી? મને ખબર નથી. થોડી જ વારમાં હંસા પેલા ગ્લાસમાં બીજું પાણી લાવી અને ગોળી ધરતાં બોલી  ‘લૉ આ ડીસ્પ્રિન લઈ લૉ, હમણાં જ સારું થઈ જશે.’ એની આંખોમાં કયો ભાવ છે તે શોધતાં, ગ્લાસ લેવા જતાં, મારાં આંગળાં એનાં આંગળાંને સ્પર્શ્યાં. મને વિચિત્ર લાગણી થઈ કે હું જ છોટુ છું કે શું? –

‘જોયા શું કરો છૉ? લઇ લૉ ને!’: તોયે હું જોતો રહ્યો. એ જોવામાં હંસાને કદાચ મારો પ્રશ્ન વંચાયો હશે  -‘છોટુ આવ્યો’તો?’ અથવા ગમે તેમ, પણ હંસા એકદમ જ બોલી  -‘સૂઈ જાઓ, છોટુબોટુ કોઈ આવ્યું નથી.’ અચરજથી કે આનન્દથી હું હસવા જેવું કરી બેઠો. પણ હંસા ન હસી. એણે મને કાળજીથી ચૉરસો ઓઢાડ્યો.

ખરે જ, હું આમ ધસી આવ્યો તેથી હંસાને આજે પોતાનું ઘણું જ અપમાન લાગ્યું છે. હસી નહીં. ડીસ્પ્રિન મારામાં ઑગળતી હતી –તેમ તેમ ‘હું પકડાઇ ગયો’–નો ભાવ હંસાના અપમાનની લાગણીને ચૉંટતો વધુ ને વધુ જામતો હતો…

સાંજ પડી ગઈ. રાત્રે દિવસભરની સમગ્ર ઘટનાના મિશ્ર પ્રભાવે કદાચ હું ઘસઘસાટ ઊંઘી ગયો હોઇશ.

*

આજે સવારે ઊઠતાંમાં જ હંસાએ આવો પ્રસ્તાવ મૂક્યો:

‘જુઓ આપણે કાવતરું કરીએ.’

‘શુઉં?!’

‘કાવતરું.’

‘આજે પણ તમે રજા લઈ લો –એક સી-એલ, વધારે. આજે ગુરુવાર છે. છોટુ આવવો જ જોઇએ, આમેય એનો ટાઇમ થઈ ગયો છે.’

‘પછી?’

‘પછી શું? બેલ વાગે કે તરત જ તમારે બાથરૂમમાં સંતાઈ જવાનું. ને ત્યાંથી બધું જોવાનું કે એ શું કરે છે… અથવા હું શું કરું છું.’ હંસાની મને તાકતી આંખ ક્હૅતી’તી –‘બારણું જરાક ખુલ્લું રાખશો, એટલે બધું દેખાય એવું છે.’

મને થયું કે હંસા છોટુને નહીં પણ પોતાને નિર્દોષ સાબિત કરવા માગે છે. કદાચ બન્નેને નિર્દોષ ઠરાવીને મને જ ભૉંઠો પાડવા માગે છે.

‘હંસા, આવું બધું મને બિલકુલ પસંદ નથી. આવું નાટક આપણે શું કરવા કરવું જોઇએ?’

‘આમ તો કંઈ કરવા નહીં, પ…ણ–’

‘પણ ને બણ હંસા, તને કહી દઉં, એવી કોઈ જ વાત નથી.’

‘કેવી?’

મને કશો ઉત્તર ન સૂઝ્યો એટલે મૅં સામું પૂછ્યું

‘શું કેવી?’

અને પછી બોલ્યો  ‘આવાં ધતિંગ આપણા ઘરમાં જરાયે શોભતાં નથી!’

‘એટલે તો ક્હું છું…’ –હંસા ધીમા સ્વરે નીચું જોઈને બોલી.

‘શું ક્હું છું હંસા?’

હું પણ અચાનક જ વ્યથિત થઈ ગયો. પછી હંસા બહુ ચીડ અને દુઃખથી બોલી, ‘આપણે એને કહી દઈએ, આપણે બન્ને એને ક્હી દઈએ.’

મને એકાએક જ સમજાયું કે હંસા દુઃખી છે આ વાતે, છતાં પોતાનો વટ બતાવે છે –પોતે કેટલી સાચી છે, એવું કંઈક–! તો પછી ભલે થઈ જાય… હું પણ એને બતાવી દઉં… પેલાનાં આંગળાં… કે…

થોડી વાર અમારા બેમાંથી કોઈ કશું બોલ્યું નહીં.

‘ભલે, આવવા દે એને, જોઈ લઈએ…’

હું બોલ્યો… પણ એ ન બોલી.

પડોશીને ત્યાં જઈ હું ઑફિસે ફોન કરી આવ્યો ત્યારે સવાર નમી ગઈ હતી. ભૂરા આકાશમાં મોટાં મોટાં સફેદ વાદળાં હતાં ને તડકો આકરો થવા માંડ્યો’તો. મને બપોરના એકાન્તનો સૂનો મૂડ આમ જ વરતાવા માંડ્યો…

અમે મૂંગાંમૂંગાં જમતાં’તાં. અમારાં મૉં ચાલવાનો અવાજ સંભળાતો હતો. મને યાદ આવ્યું કે હંસા ગઈ કાલથી જરાયે હસી નથી. પોતે વરિયાળી લીધી. મને પણ આપી. કશું બોલ્યા વિના. પછી મૉડે સુધી રસોડું સંભાળતી રહી. હું પલંગમાં પડ્યોપડ્યો છાપાંની જાહેરખબરો જોતો રહ્યો…

હમણાં જ હંસા ધીમાં પગલે બેડરૂમમાં આવી.

પલંગની એની બાજુએ, મારાથી પૂંઠ કરીને આડે પડખે થઈ બરાબર ગોઠવાઈને સૂતી છે. હું છાપું ખખડે એમ પાનાં ફેરવું છું પણ હંસા નિશ્ચલ છે.

‘નહીં બોલવું એ પણ શું આ કાવતરાનો જ એક ભાગ છૅ?’

‘ના.’ માત્ર ક્ષણાર્ધ માટે ડોક મારા તરફ કરી હંસા બોલી. એના ચ્હૅરા પર ત્યારે કદાચ બહુ જ આછા એવા સ્મિતની લકીર હતી.

અમે બન્ને નિશ્ચલ હતાં હવે. અલગ અલગ રીતે, અમે બંને બેલ વાગવાની રાહ જોતાં’તાં. એ આવવો જ જોઈએ…જરૂર…

*

પછીની વાત તો શું કરું? એમાં નથી મારી શંકા, નથી મારો વિશ્વાસ. નથી હંસાની સચ્ચાઈ, નથી હંસાની ચીડ.

છોટુ, કંઈ નહીં તો અમારા બેયનાં મનના સહિયારા ફળિયામાં ઊભો છે. કશી ગલીને નાકે… દબાઈને… લાગે છે, ગમે ત્યારે, ગાંડા પવનની જેમ ધસીને દોડવા લાગશે…

એટલે એ વાત તો શું કરું?

License

સુમન શાહની વાર્તાસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.