ઇલાયચીવાળી કૉફી

લીલા, લે, આ આવી ગયું –તેડું… વાંચ!

… … …

અરે સુરૂપાઆન્ટી, આ તો તમારો વિઝા–કૉલ! વાહ, સરસ, હવે તો પ્હૉંચી જવાનાં અમેરિકા –સુશાન્તભાઇ પાસે…મુમ્બઇ જવું પડશે, કૉન્સ્યુલેટમાં.

હવે ગયાં ને કર્યાં, આપણું આ વડોદરું શું ખોટું છે…! આ આપણી અલકાપુરી…જો તો, વરસાદ કેવો જામ્યો છે…ત્યાં આવો બેઠી–ધારનો નથી હોતો… એવરેજ અમેરિકન જેવો ઊડઝૂડિયો હોય છે…રામગાંડિયો…

જોડે આ પૅકેટ–૪ના કાગળો પણ છે. લખ્યું છે, ડૉક્યુમૅન્ટ્સ બધા વિઍઉઍસમાં રજૂ કરશો. એટલે પહેલાં તો અમદાવાદ જવું ર્હૅશે–

હા–ભૈ–હા…પ…ણ…કંઈ જવું નથી…નરેન્દ્ર જીવતા હોત તો વળી, વિચારત.

આન્ટી, નરેન્દ્રઅન્કલ નથી પણ ત્યાં સુશાન્તભાઇ તો છે ને–

હા, એ જ વાત છે. સુશાન્ત–સુજાતા રાહ જોઈને બેઠાં છે. સાત વર્ષ વીતી ગયાં…આશિષડો મીઠડો મોટો થઈ ગયો. વૅબ–કૅમમાં કેવો, બૉય લાગે છે! સ્ટાઇલમાં બોલે છે કેવો -હાય સુરૂદાદી… હાવાર્યુ…?.. તેં તો જોયો છે, કમ્પ્યૂટર પર આપણે બંને જણાં સાથે તો બેસીએ છીએ–

હા પણ આન્ટી, સાંભળો : તમારો આ વખતનો વિઝા ઇમિગ્રેશન વિઝા છે. એટલે મેડિકલ ચૅક–અપ પણ કરાવવું પડશે. એ માટે ય અમદાવાદ જવા લખ્યું છે, ઍપોલોમાં.

વાંચ્યું મેં, મને તો તૂત લાગે છે. મારું વળી ચૅક–અપ? સત્તાવનની આ તારી આન્ટી તને કદી બીમાર દેખાઇ છે? શેનું મૅડિકલ? મને કશો રોગબોગ થોડો છે…!

પણ ફૉર્માલિટી તો–

જો લીલા, પેલું ડીએસ–૨૩૦ ફોર્મ ભરી મોકલવાનું’તું, ઍનવીસીમાં, અમેરિકા –ત્યારે મને કેવી તો રીસ ચડેલી, તને બરાબર યાદ છે. સાલાઓ ફાધર–મધરની બર્થડેટો માગે, મરી ગયાં હોય, તો ક્હૅ ડેથ–યર લખો! મારાં ફાધર–મધરની માગે! એમ સ્પાઉસનાંની માગે, એટલે કે, નરેન્દ્રનાંની. ત્રાસ નહીં તો બીજું શું? ફૉર્માલિટી તે કેટલી? મૂળિયાં લગીની? જવા દે ને લીલા, બકવાસ છે. મારે નથી જવું, બસ!

આન્ટી તમે પૅકેટ–૪ પૂરું વાંચ્યું નથી લાગતું.

મને તો આવ્યું ત્યારથી જ અકળામણ અકળામણ થઈ ગઈ છે. રજેરજ ખૉળે તે એટલું બધું શું ભૈ.

જુઓ, બે–બૅ પીસીસી મેળવવાનાં છે -પોલીસ ક્લીયરન્સ સર્ટિ એક અહીંની પોલીસ–કચેરીએથી ને એ મળે એટલે એ રજૂ કરીને બીજું અમદાવાદની પાસપોર્ટ–ઑફિસેથી –

શેને માટે? મારે સર્ટિફાય થવાનું કે મૅં કશો ગુનો નથી આચર્યો, –એમ?

હા.

ફૂલિશ! આટલાં વરસોમાં આ સુરૂપા નરેન્દ્ર નાણાવટીએ ક્યારેય કશો ગુનો –ઓ પ્રભુ! કેવા છે આ લોકો? દીકરાને અમેરિકા મોકલ્યો એ ગુનો ખરો, મોટો ગુનો…! લીલા, ધિસિઝ ટૂ મચ!

એવું કંઈ નહીં…

હા, તારા નરેન્દ્રઅન્કલ હોત તો બધું કરત, એકદમ કૅરથી કરત. ચૉક્સાઇના માણસ…પણ એ તો ઉપર ચાલી ગયા, મને એકલી મેલીને –બધો લંઝાપ મારે એકલીએ –

પણ હું છું ને આન્ટી, તમે પાછાં ઇમોશનલ ના થઈ જાવ. અહીંની પોલીસ–કચેરીનું તો સ્હૅલું છે, પણ અમદાવાદની પાસપોર્ટ–ઑફિસે મોટી મોટી લાઇનો હોય છે –

તે મને કાં નથી ખબર–? આખો દેશ માણસો–માણસોથી ઉભરાયો છે તે લાઇનો ના હોય તો હોય શું? પાછું એકોએકને અમેરિકા જવું છે…ગૉડ નોઝ…અમે ય સુશાન્તને મોકલ્યો જ ને –જાણે વેચાતો આપ્યો –પૂરો અમેરિકાનો થઈ ગયો છે…

એવું કંઈ નહીં આન્ટી, સુશાન્તભાઈથી અમેરિકાને નુકસાન થોડું છે?

એ તો કહું છું…

એમના જેવો વર્કોહોલિક ઍન્જીનિયર મળે ક્યાંથી?

ઠીક છે લીલી, ઠીક છે બધું. મન મનાવવાને સારું છે. હું ય બધાંને ઠાવકાઇથી નથી ક્હૅતી? –માય સન સુશાન્ત, જનરલ મોટર્સમાં –પ્રોડક્ટ ઍન્જિનિયર. એની એટલી સારી કરીયરનું ગૌરવ છે મને. બાકી… પેટ ચોળીને શૂળ ઊભી કરી છે…ચાલ, લપ મેલ, કૉફી બનાવું, આપણી કૉફી –ઇલાયચીવાળી કૉફી, વરસાદમાં ઠીક ર્હૅશે –

આન્ટી, એ રૅર કૉમ્બિનેશન અંગે તમે મને કંઈક ક્હૅવાનાં હતાં–

રેર જ વળી! કાં ઇલાયચી અને કાં કૉફી…

પણ ક્યારે ક્હૅશો? મહિનાઓથી કહ્યા કરો છો, કહીશ કહીશ.

આજે જ કહીશ, બસ?

સુરૂપાઆન્ટી કીચનમાં ગયાં. વિઝા–કૉલના કાગળની ધારે ધારે મારી આંગળી ફર્યા કરતી’તી. સાથેના પૅકેટ–૪નાં પેપર્સને હું અમસ્તી જ આમતેમ રમાડ્યા કરતી’તી. મને એક જ ગડ બેસતી’તી કે આ ફેરા આન્ટી અમેરિકા નહીં જાય. શાથી –શી ખબર. મારાથી વધારે તો ના પૂછાય. એ મારાં સગાં આન્ટી નથી. એઓ નાણાવટી, અમે પટેલ. વર્ષો પર એ લોકો બોરસદમાં અમારા પાડોશી હતા. પોસ્ટ ગ્રૅજ્યુએશન માટે હું વડોદરા આવી, હૉસ્ટેલમાં રહું છું. આન્ટીને, અવારનવાર મળતી રહું છું. ગયા જુલાઇમાં અન્કલ અચાનક જ ગુજરી ગયા. એ પછી તો લગભગ રોજ આવતી રહું છું…બારી બ્હાર વરસાદ પવનથી વિંજાતો થયો છે. આન્ટીનું કારણ મને જડતું નથી. બાકી, વિઝાનો કૉલ આવ્યે માણસ ખુશીનું માર્યું ઊછળી પડે. પણ આન્ટી તો ટાઢાંબોળ છે. ટાઢાંબોળ શું, સાવ વિલાઇ ગયાં છે –જાણે કશું અઘટિત બનવાનું હોય. લૅ, આ આવી ગયું –તેડું– એમ જે બોલેલાં, એમાં તેડું, કશા એવા જ કચવાટથી બોલેલાં.. સમજાતું નથી…બાકી, ફાઇલ સગા દીકરાએ કરાવ્યું છે. ઇમિગ્રેશન પર જવાનું છે. ગ્રીનકાર્ડ મળવાનું. પછી તો સિટીઝને ય થવાય. સુશાન્તભાઈને કેટલું સારું લાગે –બાપ તો સ્વધામ સિધાવ્યા પણ જોડે મા ર્હૅતી હોય…બધું કેવું ભર્યુંભર્યું થઈ ઊઠે.. સુજાતાભાભી… આશિષ…બધાં લ્હૅરમાં આવી જાય…આન્ટી માટે પણ કેટલું સારું. હું તો છું ને નથી નથી, કોકને પરણીને કોને ખબર ક્યાં ય ચાલી જવાની…આન્ટીને અંદાજ નથી કે પાછલી વયે અંગના દીકરા જોડે ૨હૅવું કેટલું તો જરૂરી હોય છે… પણ શું કરીશ, નહીં જ માને તો –? હા, સુશાન્તભાઇનું કારણ હોય તો નવાઇ નહીં. કેમકે નરેન્દ્રઅન્કલના મૃત્યુપ્રસંગે એ ઇન્ડિયા નહીં આવેલા –છેક પાછળથી, ડિસેમ્બરમાં આવેલા. મને એવું લાગે છે, ત્યાં લાંબું ર્હૅવું પડે, કદાચ કાયમી, એ આન્ટીને કઠે છે. પાછું, આ વેળા નરેન્દ્રઅન્કલ વિના નીકળવાનું…એકલાં…

બ્હાર વરસાદનું જોર વધી રહ્યું’તું. વીજળીઓ થતી’તી. ગાજવીજભર્યું આકાશ એમ ક્હૅતું’તું, આજે તો સાવ તૂટી પડશું…

મને યાદ છે ડીએસ–૨૩૦ મોકલવાનું તું ત્યારે એમ જ ક્હેતાં’તાં : લીલી, હવે મને બધું અડવું લાગે. લાંબું કે કાયમી જે ર્હૅવું પડે એ. એ તો રહી લઉં. ગોઠવાઈ જઉં સુશાન્તની દુનિયામાં. પણ મને નરેન્દ્ર વિના ન ફાવે. એમના વિનાની પથારી અહીંયાં જ કેટલી તો ખાલી, ને આકરી લાગે છે…ત્યાં તો–? આઇ કાન્ટ…! નથી ગોઠતું લીલા, ખરું કહું છું. ગયા રવિવારે એવું લાગે, આ અલકાપુરી કોઈ અજાણ્યા શ્હૅરની અજાણી શેરી છે. જોઉં છું, રોજ, કે પડછાયા જેવી એકલતા દિવસ આખો મને છોડતી નથી, મારું પગલું પગલું દાબે છે. સવારે તું ન્હૉતી, વાદળ ઘેરાયેલાં, મને એવું થાય, હું હું નથી; સુરૂપ નાણાવટી નામની મહિલાના ઘરમાં પેઇન્ગગેસ્ટ છું!

અમે બંને હસી પડેલાં! હું તરત બોલેલી :

આન્ટી, એ તો તમે એવું વિચારો એટલે એવું લાગે…બાકી કંઈ નહીં…

જો, દરેક વાતે ધકમક થાય છે. જાણે બધું પતી ગયું છે. જાણે કશે પ્હૉંચવામાં મૉડું થઈ જશે. જાણે હવે પાછા જ નહીં અવાય. કામ દેખાયું નથી ને આટોપ્યું નથી. કશું પણ રહી જવું જોઈએ નહીં. પતે એટલે થાય, હાશ, છૂટી! –પણ તરત પાછી ધમધમ કરતી વળગી પડું નવા કામમાં! ધખારો બહુ વધ્યો છે મને –શી ખબર– શું થવાનું છે…

ઊઠીને મૅં આન્ટીને પાણી આપેલું: એવું બધું ના વિચારોને આન્ટી…સુશાન્તભાઇ જોડે ર્હૅશો ને એટલે બઅધ્ધું સારું થઈ જશે…

કોને ખબર…આ વખતે અંદરથી ‘હા’ આવતી નથી. કૂવાને તળિયે જઈ બેઠી છે. દોરડું નાખવાનું ય, મન નથી થતું…

પછી ઝટપટ બોલવા માંડેલાં : એવું નથી કે ઍરપોર્ટો ને પ્લેનોથી ગભરાઉં છું. પ્હૅલીવાર થોડી જઉં છું? તને ખબર છે, તારી આ આન્ટી કોઈથી ગાંજી જાય એવી નથી. આ– સુરૂપા નરેન્દ્ર નાણાવટી છે, ઍમએ ગોલ્ડ-મેડલિસ્ટ. ડૉક્ટર રસનિધિ દવેની દીકરી છે. પ્હૉંચી વળું…

લાગ જોઈને મૅં ઉમેરેલું: એટલે તો ક્હું છું આન્ટી, હાલ આ ડીએસ-૨૩૦ તો મોકલી આપીએ, પછી જોયું જશે; ખરું ને…?…

હા, પણ નરેન્દ્રનાં મધરની બર્થડેટ લાવવી કાંથી? એ જમાનામાં તો કોણ નૉંધાવતું’તું…

આશરે લખી દઈએ! એનવીસીવાળા અહીં લગી જોવા થોડા આવવાના છે –

આન્ટી તરત તાડૂકેલાં : નો! રૉન્ગ! એવું ન કરાય. આપણે ઍજ્યુકેટેડ થઈને એમ કરીએ, એ ખોટું!

તો?

એના કરતાં એ ખાનામાં ચોખ્ખું લખીએ, કે, નૉટ નોન…

પણ એ કારણે પાછું મોકલે તો? રીજેક્ટ પણ કરે –

ભલે ને, જોયું જશે, મારે કાં ઉતાવળ છે…

* * *

અને પછી એ તો પતેલું…

… …પણ હવે…?…

* * *

મૅં જોયું, આન્ટી ટ્રે લઈને પ્રવેશ્યાં. ઊઠીને હું એમની મદદે ગઈ.

બોલતાં’તાં ને ટેબલ પર બધું ગોઠવતાં’તાં:

લીલા, મને થયું વરસાદ વધ્યો છે તો જોડે કશુંક તળેલું ખાઈએ. મૅં સિંગદાણા તળ્યા છે…કૉફી જોડે બહુ સરસ.

અમે ટેબલ પર ગોઠવાયાં. આન્ટી બેસતાંમાં જ બોલ્યાં :

લીલા, ડીએસ–૨૩૦માં નરેન્દ્રનાં માની બર્થડેટને બદલે આપણે નૉટ નોન લખેલું, રાઇટ?

હા.

એનો એ હાળાઓને વાંધો ન પડ્યો, ખરું ને?

એવું જ લાગે છે –નહીં તો આ કૉલ થોડા મોકલે?

કમાલ છે. વાંધો પાડવો હોય ને, તો વાહિયાતમાં વાહિયાત પૂછે. દાખલા તરીકે, કીડીનું નાક કેવું હોય છે? અને વાંધો ના પાડવો હોય, તો ક્હૅ : યુ આર રાઇટ, ઍન ઍલિફન્ટ હેઝ સેવન ટ્રન્ક્સ…ડોબા નહીં તો…લુચ્ચા પણ ખરા…નાઇનઇલેવન પછી બૉમ્બથી તો બીવે છે પણ બીકણ બાયલા અમેરિકનો ટાંકણીથી ય બીવે છે.

સાચું છે, ખરી છે તમારી વાત…તો આન્ટી, પ્રોગ્રામ બનાવીએ –

તને હજી કહું છું, મેલને લપ.

પણ –

તું સુશાન્તને ઇ–મેઇલ કરી દે, તારાથી ન થતો હોય તો લાવ હું કરી દઉં –લખવાનું કે સુરૂપામમ્મીની હાલ મરજી નથી –નાવાડેઝ શી હૅઝ નો માઇન્ડ ટુ કમ ટુ –

ના આન્ટી, એવું થોડું કરાય? એમને લાગે કેવું?

ભલે. તો આપણા વડે આ કૉફી પિવાય…ને જોડે આ સિંગદાણા…જોજે, બહુ જ ગરમ છે, જીભ દાઝી જશે –તને કહું, કેવી રીતે ખવાય?

આન્ટીએ સિંગદાણા પર મીઠું–મરચું અને કશો મસાલો ભભરાવ્યો, ચમચીથી ભેળવતાં રહ્યાં. મૅં પૂછ્યું  કેવી રીતે? તો ક્હૅ:

નરેન્દ્રઅન્કલની રીતે…

ચમચીમાં ત્રણચાર દાણા જ આવવા દે ને બારી બ્હારનો વરસાદ જોતાં–જોતાં આસ્તેથી મૉંમાં મૂકે, ધીમે–ધીમે કરીને પૂરા ચાવે. મને ક્હૅ: મારા જેવું કર, બહુ મજા આવશે: દરેક વાતે પોતાના જેવું કરાવીને જ ર્હૅ. આપણને જિદ્દી લાગે પણ એમનો પ્રેમ જ એવો –બળજબરીવાળો. તરત તો આપણે ખંચકાઇએ, પણ પછી ભેટીને વળગ્યાં રહીએ: તારા અન્કલ ક્યારેક તો એવું વેધક જુએ…લેવા માંડ ને…!

હું અને આન્ટી –બંને– સિંગદાણા અમારી ચમચીઓમાં ત્રણચાર–ત્રણચાર આવે એ માટે મથતાં રહ્યાં. પછી ધીમેધીમે કરી ચાવવા માંડ્યાં.

સાથે આ ઇલાયચીવાળી કૉફી ચુસ્કીઓથી પીવાની, ઝટપટ નહીં. કૉફી પૂરી થાય પછીય વરસાદ ચાલુ ર્હૅવો જોઈએ. દરેક વાતની ચટે ય એટલી ને ચીકાશે ય એટલી. વરસાદ અમુક વખતે તો પૂરો થાય કે નહીં? થાય જ. તો નારાજ થઈ જાય! મને પૂછે :  લીલી, આ કેમ અટકી ગયો? હું ક્હું : અટકયો નથી, પતી ગયો છે; કેમ તે નથી ખબર; ઉપરવાળાને પૂછી જોઇએ…વરસાદ બંધ થાય તેનું ય દુઃખ, ચાલુ ર્હૅ તેનું ય દુઃખ –બબડ્યા કરે, ક્યારનો મંડ્યો છે, કેટલાં કામ બાકી છે…ધાર્યું કરીને ર્હૅ, ન થાય તો નવેસરથી ધારે…

પણ આન્ટી તમે લોકો અમેરિકામાં હો ત્યારે?

ત્યારે તો એ સાવ જુદા! બધું સુશાન્ત ક્હૅ ઍમ જ કરે. શું–શું, ક્હું તને? ઘણું છે.

જેટલું ક્હૅવાય એટલું કહો: આન્ટીને મૂડમાં આવતાં જોઈ મૅં ટહુકો કર્યો.

જો, આશિષ જનમવાનો’તો ત્યારે અમે બીજી વાર ગયેલાં. વિઝિટર પર. ટુ–થાઉઝણ્ડમાં. નાઇન્ટિનનાઇન્ટી–ટુમાં પહેલીવાર ગયેલાં ત્યારે પણ વિઝિટર પર. મોંકાણ આ ઇમિગ્રેશનની છે –

મોંકાણ કશી નથી: હું તરત બોલી ઊઠી. તો ક્હૅ, ભલે. પછી વાર્તા ક્હૅતાં હોય એમ ઠાવકાઇથી શરૂ થયાં:

–નાઇન્ટિનનાઇન્ટી–થ્રીમાં સુશાન્તનું માસ્ટર્સ પૂરું થયેલું ને લગ્ન માટે એ ઇન્ડિયા આવેલો. આપણે ઍડ આપેલી. ચૌદ છોકરીઓમાંથી એણે સુજાતાને પસંદ કરેલી.  ક્હૅ:  મમ્મી, એની આંખો સરસ છે –મોટી, પણ જરૂર જેટલી: મૅં ક્હેલું : ડૉળા કાઢશે ત્યારે, શું કરીશ? તો મારો બેટો ક્હે : એની પાંપણોને પ્રેમથી કિસ કરીને વાસી આપીશ…એ સુજાતા. એની ડિલિવરી. ત્યારે હૉસ્પિટલમાં એક ઇટાલિયન નર્સ હતી. અમેરિકનને પરણેલી. સોનિયા એનું ય નામ. ડિલિવરી નૉર્મલ ને બધું બરાબર હતું. ડિસ્ચાર્જને દિવસે નરેન્દ્ર નાણાવટીને થયું કે મિસિસ સોનિયાને થૅન્ક્સ ક્હૅવું જોઈએ. તે બોલ્યા:  લેટ્સ હૅવ અ કપ ઑવ્ કૉફી: અમે બંને આ તરફ હતાં, હું છું એ તરફ. સેલ્ફ–સર્વિસ હતી તે કૉફીની ટ્રે સોનિયા લાવેલી. બધું ગોઠવતાં ક્હૅ: ધિસિઝ અ સ્પેશ્યલ–ટેસ્ટ–કૉફી.. મસ્ટ ફૉર એવરી મૅરીડ કપલ: અમે જોતાં રહી ગયેલાં, શું યે ક્હૅતી’તી. ક્હૅ: ધિસ જાર ઇઝ ઑવ કૉફી પાઉડર –ઇટિઝ મેલ; બીકોઝ ઇટિઝ લાર્જ. ધિસિઝ ઑવ કાર્ડમમ પાઉડર –ઇટિઝ સ્મૉલ, સો, ફીમેલ: મૅં ક્હેલું: બટ ઇટિઝ ઍન ઑડ કૉમ્બિનેશન. તો ક્હૅ:  નો, ઇટિઝ અ ગૂડ કૉમ્બિનેશન. ઇટ ઓલ્વેઝ હૅલ્પ્સ ટુ અ મૅરીડ કપલ : નરેન્દ્રે પૂછેલું : ઇન વૉટ સૅન્સ? પેલીએ સરળતાથી પણ આંખ મારીને ક્હેલું : ઇન એવરી સૅન્સ, મિસ્ટર નરેન્દ્ર…

તમે લોકોએ સુશાન્તભાઈને કીધેલી આ વાત, આન્ટી–?

હા, ઘેર જઈને તરત. સુશાન્તે ખીજવાઈને કહેલું  : પપ્પા, આ ઇટાલિયન છોકરીઓ અમસ્તી જ રોમાન્ટિક થઈ જતી હોય છે. કૉફી કંઈ ઇલાયચી જોડે થોડી પિવાય–?: એટલે, તારા અન્કલ, લીલા, એકદમના જ સુશાન્તના થઈ ગયેલા! ક્હૅ: યુ આર રાઇટ સુશાન્ત. એવી તે કંઈ કૉફી ક્હૅવાય?: પણ, જેવાં અમે ઇન્ડિયા પ્હૉંચ્યાં, એને બીજે જ દિવસથી ઇલાયચીવાળી કૉફી ચાલુ કરાવી દીધી : ક્હૅ:  ટ્રાય તો કરીએ, ટ્રાય કરવામાં શું જાય છે: તું જુએ છે, લીલા, આપણા ઘરમાં આજદિન લગી ચાલુ છે…

પણ, લીલા, સાચું કહું? મને પણ આ રૅર કૉમ્બિનેશન બહુ ગમ્યું છે –ઇટ રીયલી હૅલ્પ્સ… બાકી, સુશાન્તનું, તને કહું લીલા, નરેન્દ્ર જેવું નહીં. કરે બધું, પણ ફરજ રૂપે. નરેન્દ્રના જેવી કશી વાતે એને જિદ્દ નહીં. એટલે મને તો ઘણીવાર સુશાન્ત બહુ ફૉર્મલ લાગે –ટાઢો –કોલ્ડ! ફિક્કો–! જોને, એકનો એક દીકરો થઈને બાપના મરણ પ્રસંગે ય આવ્યો નહીં!  ક્હૅ, નૉટ પૉસિબલ, આઇ કાન્નટ: તને ખબર છે લીલા —

હા, યાદ છે.

મને જર્રાય ગમેલું નહીં. મુઠ્ઠીમાંથી બધું સરતું લાગેલું. પણ ઘૂંટડો ગળી ગયેલી. જોકે પછી ડિસેમ્બરમાં આવ્યો એટલે સારું લાગેલું. તું ન્હૉતી લીલા; બોરસદ ગયેલી. એ દિવસોમાં તો સુશાન્ત એટલો બધો હૅન્ડસમ લાગતો –શું કહું? એક દિવસ એ ડૉકર્સના શર્ટમાં હતો –વ્હાઇટ શર્ટ, ખૂબ જ વ્હાઇટ. સુશાન્ત ગોરો, તે ખૂબ શોભે. શર્ટના પૉકેટ પર એક નાની ફિશ ગૂંથેલી, પિન્ક કલરની. એમાં ક્યાંક ક્યાંક ગ્રીન-રેડની લાઇનો હતી; વચ્ચે વચ્ચે સિલ્વરનો ટાંકો દોડતો’તો. દીકરો મારો એકદમનો પ્રોફેશનલ છતાં ડિફરન્ટ લાગે. એની બધી બીહેવિયર બિલકુલ રૅશનલ હોય. પાછી એમાં સફાઇ એવી સ્ટાઇલિશ હોય કે તમે એને ઍક્સેપ્ટ કરીને રહો. રોજ સવારે જૉબ પર સમયસર પ્હૉંચવાનું હોય તે ભાઈસાહેબ સાવ જ સમયસર તૈયાર થઈ ગયા હોય. ન આઘું ન પાછું. એનું લન્ચબૉક્સ મૅં તૈયાર કર્યું હોય. સુજાતાએ રાતે હાંડવો કે કૈંક બનાવ્યું હોય, મૅં તે ય મૂક્યું હોય. બધું ભરે બૅગમાં. એક હાથે બૂટને બ્રશ મારે ને બૅગવાળા બીજા હાથે ગરાજનું ડોરનૉબ ફેરવે. ઝટ કારમાં ગોઠવાય. બૅલ્ટ બાંધતાં–બાંધતાં સ્ટાર્ટ કરે ને તરત રીમોટનું પુશબટન દાબે. ગરાજ ખૂલે ન ખૂલે ત્યાં તો એની બ્લૂ તૉરસ, સરકતી થઈ ગઈ હોય –તે જોતજોતામાં ટર્ન લેતી રોડ પર. સ્પીડનો પછી તો એવો સપાટો, કે દેખાતી બન્ધ…

નરેન્દ્ર હમેશાં બબડે : સુશાન્ત કેટલો બધો મિકેનિકલી જીવે છે…હું તરત ક્હું : તે એને ક્હૉ ને! મને શું કામ ક્હૉ છો! તો ક્હૅ : ના રે…એવું કંઈ નહીં…આમ તો સારું ક્હૅવાય…ઍનર્જી–સેવિન્ગ ખાસ્સું થાય…પછી પાછા મારી સામે મર્મીલું હસી આપે ય ખરા…લીલા, તને ટૂંકમાં ક્હું તો, સુશાન્તને એ બહુ ચાહતા’તા, બહુ જ–

તમે આન્ટી, ક્યાં ઓછું ચાહો છો?

સુશાન્ત નાનો હતો ત્યારે દર રવિવારે નરેન્દ્ર એને નવરાવે. ટુવાલમાં લપેટી પોતાના ખૉળામાં સુવાડે ને કાળજીથી વાળ લૂછી ઓળવા માંડે. પાંથી ચૉક્કસ જગ્યાએ પડવી જોઇએ. એકવાર ચિડાઇ ગયેલા : સુરૂ, આ તે કંઈ કાંસકો છે–? એના દાંતા, વાગે એવા કેટલા અણીદાર છે..! પછી બજારમાંથી શોધીને એક હાથીદાંતનો મૉંઘો પણ સરસ કાંસકો લાવેલા. સુશાન્ત મોટો થયો ને છેલ્લે અમેરિકા ગયો તે હું તો ભૂલી ગયેલી પણ તારા અન્કલે કાંસકો ક્યાંક સાચવી રાખ્યો હશે. અમે ટુ–થાઉઝણ્ડમાં ગયાં ત્યારે ક્હૅ : આ કાંસકો સુજાતાવહુને ગિફ્ટમાં આપશું: એવું ફિટોફિટ પૅકિન્ગ કરેલું –સસ્પેન્સ જાળવવા, કે પેલીથી ફટ્ ખૂલે જ નહીં…તારા અન્કલે આખી કાંસકા–સ્ટોરી કહી બતાવેલી. સુજાતા–સુશાન્ત બહુ ખુશ થયેલાં.. મને ના આવડી નરેન્દ્રની પ્રેમ કરવાની આવી બધી રીતો…લીલી, મારે નથી જવું.. મને નહીં ફાવે… તું ‘ના’ લખી દે…

આન્ટીને ગળગળાં જોઈ હું મૂંઝાઈ ગઈ, શું બોલવું તે સૂઝ્યું નહીં.

લીલી, હું ય સુશાન્તને બહુ જ ચાહું છું. મને કશો અભાવ કે દુર્ભાવ નથી, મા છું ને એની.. પણ મને નરેન્દ્ર વિના ના ફાવે –મારે અહીં એમની રાહ જોવાની છે. હા, સુજાતાનું જરા એવું છે. દીકરાને, આશિષ એમ ચોખ્ખો ઉચ્ચાર કરીને નથી બોલાવતી તે મને ખૂંચે છે –આસિસ–આસિસ કરે તે કેમ ચાલે? તો ય, મને ગમે છે સુજાતા, છેવટે તો મારા સુશાન્તની પત્ની છે એ. પેલો કૉર્નિન્ગનો સૅટ, બ્રાઉન કલરનો દેખાય છે તને? ઉપર, ત્યાં કબાટના છેક ઉપરના મજલે –

હાં.

એ સુજાતાની ગિફ્ટ છે. અમેરિકાથી છેક વડોદરા લગી નરેન્દ્ર એને પોતાની ઍટેચીમાં ઊંચકીને લાવેલા. ક્હૅ: બૅગેજમાં ન મૂકાય. બૅગેજીસ સોંપી દેવાની તે આપણા અંકુશ બ્હાર હોય. તૂટી જાય. એકોએક નંગમાં છાપાંના કાગળના ડૂચા ઠાંસેલા. એકોએક નંગની વચ્ચેની ખાલી જગ્યામાં ય ડૂચા બરાબર ખોસેલા –આખી ઍટૅચી ટાઇટ. ને એટલી જ વજનદાર. કોઈ કોઈ વાર તો બે હાથે ઊંચક્તા’તા… પણ…સાચે જ, એક પણ નંગ તૂટેલું નહીં…! ત્યાં સૅટ એમણે જ ગોઠવેલો છે. ક્હૅ કે સુશાન્ત–સુજાતા-આશિષ આવશે ત્યારે પાર્ટી રાખશું, એમાં ખપ આવશે. પણ એવું કંઈ થયું નહીં…સૅટ તે દિવસનો ત્યાંનો ત્યાં છે, લીલા. એને જ્યારે જોઉં છું ત્યારે મગજમાં વાગે છે મને…

થોડીવાર સુધી અમારામાંથી કોઈ બોલ્યું નહીં. વરસાદી સૂસવાટા સંભળાતા રહ્યા. લાગ્યું કે વરસાદ ગાંડો થયો છે. મૅં જોયું, સિંગદાણા ઘણા બાકી હતા, એમને ખાવાનું કામ મને અઘરું લાગવા માંડ્યું. કૉફી ઠરી રહી’તી. શું કરવું સમજાતું ન્હૉતું. છેવટે હું બોલી :

આન્ટી, આને ન્યાય આપીએ.

હા.

પછી કૉફીનો એક મોટો ઘૂંટડો ગળે ઉતારતાં બોલ્યાં :

નરેન્દ્રને મરવું ન્હૉતું, લીલી. અમેરિકા જઈ કાયમી થવું’તું. ક્હૅ કે એક દિવસ આપણેય સિટિઝન થશું. યૉશેમિટી નેશનલ પાર્કની ટ્રિપ કરશું. કૅમ્પિન્ગ કરશું. ટૅન્ટના ઉજાસમાં સુરૂપ, તું ઑર રૂપાળી લાગીશ: મને લૉન–મૂવર કેમ ચલાવવું તે શીખવવાના’તા…સુશાન્તના બૅક્યાર્ડની લૉન ઝટપટ વધી જતી હોય છે…આશિષને રામાયણ–મહાભારતની વારતાઓ ક્હૅવી’તી. તને ખબર છે, દરેકને શું ક્હૅતા–?

ના.

એવું ક્હૅતા કે બધું કરવું છે પણ એક નથી કરવું. પછી જાતે જ પૂછે, શું–? ને જાતે જ જવાબ આપે, મરવું નથી. આટલું બધું કર્યા પછી મરવાનું શેનું? મને કાયમ ક્હૅ:  સુરૂપા, ઇન્સ્પાઇટ ઑવ માય વિશ, ધારો કે જવું જ પડશે, તો જઈશ; પણ તરત પાછો આવીશ, યુ વેઇટ ફૉર મી. ડોન્ટ ફૉલો મી –

આન્ટીને એવો ડૂમો ભરાઈ આવ્યો કે આગળ બોલી શક્યાં નહીં. થોડીવાર પછી ક્હૅ: મારે… અહીં વેઇટ કરવાનું છૅ લીલી: હું તરત ક્હૅવા જતી’તી કે વેઇટ તો ત્યાં પણ કરી શકાશે, પણ બોલી નહીં –કેમકે એઓ મને જળજળી આંખોથી તાકી રહ્યાં’તાં. ઊઠીને મૅં એમને પીઠેથી પંપાળ્યાં ને કહ્યું :

આન્ટી, વેઇટ તો ત્યાં પણ કરી શકાશે.

હા પણ મને –

જરૂર ફાવશે. ગમશે, બહુ જ ગમશે.

પણ નરેન્દ્ર…

એમ બોલીને સુરૂપાઆન્ટી મને એકદમ બ્હાવરાં બની તાકી રહ્યાં. મને એમની નજર કોરી લાગી – સુક્કી, બેજાન…મને થયું, આન્ટીએ બહુ જ પોચા ટ્રૅક પર એન્ટ્રી લીધી છે, પાછાં વાળવાં જ પડશે. એટલે પછી ઢંગધડા વગરનું બોલતી હૉઉં એમ બોલવા લાગી :

આન્ટી, આ તમારી સોનિયા મજાની ક્હૅવાય. કૉફીની વાતમાં કૉફી પીવા જેટલી જ મજા પડી ગઈ. તમારી જોડે રોજ પીતી’તી પણ હવે આ જાણ્યું તે વાત આખી જુદી! ઇલાયચીવાળી કૉફી ખરેખર સરસ વસ્તુ છે, ખરું ને આન્ટી? બોલતાં–બોલતાં મૅં કૉફી પૂરી કરી ને એમને કહ્યું: પતાવો. હું એપોલોવાળાને ફોન કરી ઍપોઇન્ટમૅન્ટ મેળવી લઉં. પછી કાલ–પરમે આપણે અલકાપુરીની કે સયાજીગંજની પોલીસ–કચેરીએ જઈ આવીએ–

તું જજે, મારે નથી આવવું.

મૅં જોયું કે આન્ટી સખ્તાઇથી બોલેલાં છતાં એમાં એક જાતની ઢીલાશ હતી. એ કૉફી પીતાં’તાં, પણ ધીમે–ધીમે, વરસાદને જોતાં–જોતાં. પછી જગ્યા પરથી ઊઠ્યાં નહીં. હું ફોન ડાયલ કરતી’તી ને સાથોસાથ, એમને જોતી’તી. ચમચીથી સિંગદાણા એકઠા કરે ને છૂટા પાડે…ફોન લાગતો ન્હૉતો. કદાચ વરસાદને કારણે…

… … …

આટલું કહ્યા પછી હું અટકી પડું તો ભૂલ કરી એમ ક્હૅવાય. ઇમિગ્રેશન બાબતે આન્ટીને પૂરી હેલ્પ કરવાનો મારો માર્ગ હવે ખૂલી ગયેલો. કૅમકે એમનો નન્નો ઑગળી ગયેલો. પછી તો બધું ફટાફટ બનેલું :

પીસીસી, મૅડિકલ, વીઍફઍસમાં સબમિશન, બધું.

પછી મૅં આન્ટી માટે મુમ્બઇની રીટર્ન–ટિકિટ મેળવેલી, રેલવેની. ઓગણીસમીની નાઇટ–ટ્રેન કેમકે ઇન્ટર્વ્યૂ વીસમીની સવારે સાડા દસે હતો. તે જ દિવસની નાઇટ–ટ્રેનમાં અમદાવાદ પાછાં. મને ક્હૅ: આટલું ટાઇટ બૂકિન્ગ ન લેવાય, વાંધો નહીં –પણ તારા અન્કલ હોત ને, તો તને વઢી કાઢત : આટલી ઇમ્પૉર્ટન્ટ વાત હોય તો આગલે દિવસે પ્હૉંચી જવાનું હોય –કૅન્સલ કરાવ: મૅં ક્હેલું  સૉરી આન્ટી –ને આન્ટી હસેલાં.

આન્ટીને સ્ટેશને મૂકવા ગયેલી. બીજે દિવસે બોરસદ ગયેલી, મમ્મી–પપ્પાને મળવા. આન્ટી એકવીસમીની સવારે અમદાવાદ પ્હૉંચ્યાં જ હોય. મારે થોડું મૉડું થયું. હું ચૉવીસમીએ પ્હૉંચી. સીધી અલકાપુરી. જોયું તો આન્ટીનું મેઇનડોર લગભગ ખુલ્લું:  આન્ટી, ઓ આન્ટી –જલ્દી જલ્દી બોલતી હું અંદરથી અંદર ગઈ –તો એ તો છેક કીચનગાર્ડનમાં. છોડવાઓની ગોડ કરતાં’તાં. ઠેકઠેકાણે જમીનમાં લીલાં–સૂકાં ચૉસલાં ને દડબાં પડેલાં –વચ્ચે ફટાફટ ચાલે સુરૂપાઆન્ટીની ચકચકતી ખૂરપી…હું બોલી  અરે વાહ! મજાનું ચાલે છે બાગ–કામ! પણ મૅં જોયું કે આન્ટીએ મૉં ના ફેરવ્યું. મૅં ઉમેર્યું: મેઇનડોર ખુલ્લું છે. તો બોલ્યાં: રહી ગયું હશે. તો ય મૉં તો એ તરફનું એ તરફ. હું મૂંઝાઇ. મને ગમ્યું નહીં. મને ચિન્તા પણ થઇ : બધું ઓકે ને આન્ટી?: તો ય ત્યાંથી જ બોલ્યાં : હા–હા, ઓકે જ વળી: આન્ટી મનેજુદાં લાગ્યાં. ખૂરપી ચાલુ હતી ને એ મારી સામું જોતાં ન’તાં. હું સાવ નજીક ગઈ. ખભે હાથ મૂક્યો :

તબિયત તો સારી છે ને? વિઝા તો મળી ગયો ને?

મળે શું! એ કોણ મને આપવાવાળો!

એટલે?

એટલે કંઈ નહીં! અને મને પૂછીશ નહીં!

… …

આન્ટીએ ખૂરપી ફગાવીને ફૅંકી ને ઘરમાં દાખલ થયાં. હાથ ધોયા. લૂછ્યા. ને સોફામાં બેઠાં:

એ ધૉળિયો ઇડિયટ મને ક્હૅ:  હૅવ યુ ઍની એવિડન્સ ઑવ રીલેશનશિપ વિથ યૉર સન–?

વિચ રીલેશનશિપ? મૅં સામો સવાલ કરેલો.

ધેટ, હી ઇઝ યૉર સન …?…

વ્હૉટ? ડોન્ચ્યુ સી ધી ઍવિડન્સ ઑવ સપોર્ટ–? ઇટિઝ ધી એવિડન્સ; વ્હૅન અ સન ઑફર્સ અ સપૉર્ટ–

બટ ઍવિડન્સ, ધૅટ યુ આર હિઝ મધર–

વ્હૉટ નૉન્સૅન્સ! મારાથી બોલાઈ ગયેલું, લીલી. એ મૂરખાને મૅં સંભળાવેલું :

મધર–સન રીલેશનશિપ નેવર નીડ્ઝ ઍની ઍવિડન્સ, મિસ્ટર ઑફિસર….ઇટ સાઉઝન્ડ્ઝ ફની –!

સાલાને લીલા, ખબર ના પડે કે હું એની મા છું–? મા હોવાના પુરાવા માગે? ને તે ય મા પાસે? લીલા, હું એવી તો સમસમી ઊઠેલી કે વિન્ડોના ગ્લાસ પર મુઠ્ઠી પછાડીને ફટ્ નીકળી ગયેલી બ્હાર –કૅબિનનાં બારણાં પછાડતી, દોડવા જેવી ઉતાવળી ચાલે –સીધી બ્હાર– બોલતી-બોલતી કે આઇ ડોન્ટ વૉન્ટ યૉર વિઝા, આઇ ડોન્ટ વૉન્ટ…ગાર્ડ્ઝ કંઈ સમજે–કરે એ પ્હૅલાં તો કૉન્સ્યુલેટની બ્હાર, સીધી ભૂલાભાઇ દેસાઇ રોડ પર –ટૅક્સીમાં…

પણ આન્ટી એવું બધું તો શું થઈ ગયું? ઍવિડન્સમાં તમારે સુશાન્તભાઇનો ટેલિફોન નમ્બર આપવાનો, ઇ–મેઇલ ઍડ્રેસ ક્હૅવાનું. અરેરે, વૅરી બૅડ, તમે બહુ ખોટું કર્યું…

જે થયું તે થયું.

એ લોકો તમને પર્મેનન્ટલી રીજેક્ટ કરી દેશે –

તો તો સ્યુ કરું –! હા!

પણ આવું ના ચાલે.

ચાલે કે ના ચાલે; ચાલ્યું ને –? નથી જોઈતો મારે એમનો વિઝા, ને નથી જોઈતો પાસપોર્ટે ય પાછો —

તે શું પાસપોર્ટ એ લોકો પાસે છે?

હાસ્તો; એ વિના ક્યાં હાથ મૂકવા દે છે…?

ઓ આન્ટી, તમે તો ભૈસાબ બહુ મોટો પ્રૉબ્લેમ કરી નાખ્યો. સુશાન્તભાઈને કહીશું શું–? ને જાણશે પછી એમનું રીઍક્શન –

જો લીલી, જે થવું હોય એ થાય. મારે ન જોઈએ, બસ! સુશાન્તને મા જોઈતી હોય તો આવે ઇન્ડિયા પાછો, ને ર્હૅ જોડે..!

છણકાઈને આન્ટી મેઇનડોર બંધ કરી આવ્યાં.

મને થયું, આન્ટી ધૂંધવાઇ ગયાં છે. કદાચ એમને ક્યારનું સમજાઈ ગયું છે કે કૉન્સ્યુલેટમાં પોતે મિસબીહેવ કર્યું છે. એ વાતે અંદરથી તંગ થઈ ગયાં લાગે છે. મૅં વિચાર્યું, હાલ તો મારે પણ કંઈ ના બોલવું જોઈએ…એટલે પછી કારણ ન્હૉતું તો ય હું કીચન બાજુ નીકળી ગઈ…

… … …

આટલું કહ્યા પછી હું અટકી પડું તો ભૂલ થઈ એમ ક્હૅવાય કે ન ક્હૅવાય–? હું વિચારતી’તી. ત્યાં ડોરબેલ રણક્યો પીપ–હૉલમાંથી જોયું તો કુરિયરવાળો હતો. મૅં મેઇનડોર બરાબરનું ઉઘાડ્યું. એણે મને મોટું વજનદાર પૅકેટ આપ્યું. મૅં ફટાફટ ખોલ્યું. એમાં એક સીલ્ડ કવર હતું –જે પોર્ટ ઑવ ઍન્ટ્રી પર રજૂ કરવાનું હોય છે. સાથે પાસપોર્ટ હતો; મને હાશ થઈ; મૅં ખોલ્યો; જોયું; જોયું કે, સુરૂપા નરેન્દ્ર નાણાવટીને ઇમિગ્રેશન વિઝા, અપાયો છે!

આ બધો વખત આન્ટી મને જોઈ રહેલાં. પાસપોર્ટમાં એક નાનો લેટર હતો. મૅં ખોલ્યો. એમાં બે જ લાઇન હતી :

ધો યુ ઓવરરીઍક્ટેડ ટુ ધી ઑફિસર, ધ કૉન્સ્યુલેટ કેન્નૉટ ડીનાય યુ ધ વિઝા. ગુડ લક.

મૅં કંઈ પણ બોલ્યા વિના એ લેટર આન્ટીના હાથમાં મૂક્યો. એમણે વાંચ્યો. પછી પાસપોર્ટ માગ્યો; મૅં આખું કવર આપી દીધું…

મૅં જોયું કે એ સોફામાંથી ઊઠ્યાં તે મને ભેટવાને. હું ય ધસી. મારા ખભે માથું ઢાળીને આન્ટી ધીમે ધીમે કરીને ધ્રૂસ્કે ધૂસ્કે રડી પડ્યાં –પછી તો અવાજ કરીને રડતાં રહ્યાં. મૅં એમને છાનાં ર્હૅ ત્યાં લગી રડવા દીધાં. જોકે હું ય રડતી’તી, ને રડતાં રડતાં જ પૂછતી’તી: હવે તો જશો ને? પણ કશો ઉત્તર મળતો ન્હૉતો. મને ખીજ થતી’તી ને રાડ પાડવાની ઇચ્છા થતી’તી. પણ ખચકાઈ ગઈ. બહુ જ ધીમેથી પૂછ્યું:

હવે તો જશો ને સુરૂપાઆન્ટી…?…

હાઆ…

એ એટલું જ બોલ્યાં ને તે પણ બહુ જ ધીમેથી…

… … …

આટલું કહ્યા પછી હું અટકી પડું એ ભૂલ ન ક્હૅવાય એવું લાગે છે, માટે અટકું…પણ ઉમેરું, કે છેલ્લે અમે છૂટાં પડેલાં ને હું કીચનમાં ગયેલી –કૉફી બનાવવા, ઇલાયચીવાળી…

(‘ખેવના’માં, ૨૦૦૭)

License

સુમન શાહની વાર્તાસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.