34 અધ્યાપનમાં થતા વિવેચનનું સ્વરૂપ

ગયા નવેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન સણોસરામાં ગૂજરાતીના અધ્યાપકોનું સંમેલન મળ્યું હતું. અધ્યાપનને અંગેના જે પ્રશ્નો આ સંમેલનમાં ચર્ચાયા તે પૈકીનો એક પ્રશ્ન તે અધ્યાપનમાં થતા વિવેચનનું સ્વરૂપ કેવું હોવું ઘટે એ હતો. આ લખનારથી તો સંજોગવશાત્ એ સંમેલનમાં હાજર રહી શકાયું નહોતું. આ પ્રશ્ન વિશે જે ઊહાપોહ થયો તેના પ્રસિદ્ધ થયેલા અહેવાલ પરથી કેટલાક મુદ્દા ચર્ચવા જેવા લાગે છે.

આચાર્યશ્રી યશવન્ત શુક્લે અધ્યાપનમાં થતું વિવેચન કૃતિના ગુણદર્શનના સ્વરૂપનું હોવું ઘટે એવું વિધાન કર્યું હતું. આની પાછળ રહેલું દૃષ્ટિબિન્દુ સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરી જોઈએ: સ્ટીફન સ્પેન્ડરની પરિભાષા વાપરીને કહીએ તો સાહિત્યના અભ્યાસમાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓ creative element તરફ દૃષ્ટિ કરે, destructive element તરફ નહીં એ ઇષ્ટ છે. સર્જકમાત્ર, ઓછીવત્તી પ્રતિભાથી પણ ખરી નિષ્ઠાથી, નવો ઉન્મેષ પ્રકટાવવા મથતો હોય છે. પ્રકૃતિગત મર્યાદાઓ છતાં, એ મર્યાદાઓ કેવા સ્વરૂપની છે, સર્જકની શક્તિ ક્યાં ઓછી પડે છે વગેરે સમભાવપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો ઘટે. વળી સાહિત્યના અભ્યાસમાં નવેનવા દીક્ષિત થતા વિદ્યાર્થીઓ નીવડી ચૂકેલી કૃતિઓને નજર સામે રાખીને સાહિત્યનો આસ્વાદ શી રીતે કરવો તે તરફ વળે તે જ ઇચ્છવા જેવું છે. પ્રારમ્ભની આ અવસ્થામાં રચનાતન્ત્રના કૈશિકી પૃથક્કરણથી વિદ્યાર્થીને મૂઝવી મારવો, એનામાં બુદ્ધિભેદ ઉપજાવવો, એની વિવેકબુદ્ધિ કેળવાઈ હોય તે પહેલાં એ જે નિર્ણયોને પરિષ્કૃત રુચિની કસોટીએ આપમેળે ન ચઢાવી શકે તેવા નિર્ણયાત્મક વિધાનોથી એને અભિભૂત કરવો તે યોગ્ય નહીં કહેવાય.

આ દૃષ્ટિબિન્દુ સાહિત્યના અધ્યાપનનું લક્ષ્ય સિદ્ધ કરવામાં કેટલે અંશે ઉપકારક થઈ પડે?વિદ્યાર્થીમાં સ્વતન્ત્ર નિર્ણય પર આવવાની શક્તિને વિકસાવવી, સિદ્ધાન્તોની નિરપેક્ષ ચર્ચા નહીં, પણ નિશ્ચિત કૃતિઓના સન્દર્ભમાં એ સિદ્ધાન્તોને પ્રયોજી બતાવીને સિદ્ધાન્તોની પણ સર્જન શી રીતે કસોટી કરતું હોય છે તે ચીંધવું – અને આ બધાંને પરિણામે સાવધાન, જાગરુક, નિષ્પક્ષ, સત્યનિષ્ઠ વિવેચનની ભૂમિકા, પરિષ્કૃત રુચિના પાયા પર, રચી આપવી  – આ જો સાહિત્યના અધ્યાપનનું લક્ષ્ય હોય એમ સ્વીકારીએ તો કેવળ ગુણદર્શનના પર ભાર મૂકવાથી કે ‘રસલક્ષી વિવેચન’ કરવાથી આ લક્ષ્ય સિદ્ધ થશે ખરું?

વળી ‘ગુણદર્શન’ કહીએ ત્યારે ‘ગુણ’ એ સંજ્ઞાથી શું સમજવું?સાહિત્યની કોઈ પણ કૃતિ એક organic structure છે. નવલકથામાં વાર્તાપ્રવાહ વેગીલો હોય પણ પાત્રાલેખન કાચું હોય,પરિસ્થિતિ અને પાત્ર વચ્ચેના પારસ્પરિક સમ્બન્ધના અંકોડા  જોડવામાં કળાદૃષ્ટિની ઊણપ વરતાતી હોય તો એને પરિણામે વેગીલા કાર્યપ્રવાહનો ‘ગુણ’ કેટલે અંશે ‘ગુણ’ રૂપે ટકી રહેશે?આ અર્થમાં (કૃતિના કોઈ એક ઘટક અંશનું યોગ્ય નિર્વહણ ચીંધી બતાવવું) ‘ગુણદર્શન’ વિવેચનની સાચી રીતિને કદાચ ઉપકારક નહીં નીવડે.

કોઈ કૃતિ પોતે અસાધારણ ન બની હોય તો પણ પોતાની મર્યાદામાં રહીનેય જો એ નવી શક્યતા તરફ આંગળી ચીંધતી હોત તો એના આ ગુણને બિરદાવવો જોઈએ એમ પણ કોઈ કહે. ઇતિહાસની દૃષ્ટિએ આ મૂલ્ય આપણે નક્કી કરીએ છીએ. કૃતિનિષ્ઠ વિવેચનમાં આ ‘ગુણ’નું મહત્ત્વ એટલું બધું ન આંકી શકાય. ઐતિહાસિક દૃષ્ટિએ ‘કાન્તા’નું જે મહત્ત્વ હોઈ શકે તે એક નાટ્યકૃતિ તરીકે જ એને નિરપેક્ષ દૃષ્ટિએ જોઈએ તો રહી શકે ખરું?

કોઈ એક ભાષાનાં સાહિત્યસ્વરૂપોના વિકાસના સન્દર્ભમાં અમુક એક કૃતિ આગળ પડતું સ્થાન ભોગવતી હોય એમ બને. પણ સાહિત્યનો અભ્યાસી કેવળ પોતાની ભાષાના અનુશીલનથી જ કૃતિને મૂલવવાનાં ધોરણો ઉપજાવે એવી શરત મૂકી શકાય ખરી?આ ધોરણો ઘડવામાં શ્રેષ્ઠ કૃતિઓનાં વિવેકપૂર્વકના પરિશીલનથી મુકુરીભૂત રુચિને જ કામ કરવા દેવું જોઈએ.

દોષદર્શન, ઉગ્ર ટીકા, debunking વધુ પડતું થાય છે એવી કોઈ માન્યતાની પ્રતિક્રિયા આ પ્રકારના દૃષ્ટિબિન્દુમાં દેખાય છે. ‘ઘરદીવડા શા ખોટા’ એવી વૃત્તિ પોષવી સાહિત્યના વિકાસના શ્રેયમાં નથી. સાહિત્યને સત્ત્વશીલ બનાવવું હોય તો આવી, પાંજરાપોળનાં પ્રાણી પ્રત્યે હોય તેવી, ‘દયાવૃત્તિ’ રાખવી ન પરવડે.

દોષદર્શન કે ગુણદર્શન નહીં પણ સત્યદર્શન જ વિવેચકનું તો પરમ કર્તવ્ય છે. વળી અધ્યાપનકાર્યમાં થતા વિવેચનનો કોઈ નોખો પ્રકાર, ગરીબ બિચારા વિદ્યાર્થીની દયા ખાઈને, ઉપજાવવાની કશી જરૂર છે ખરી?વિદ્યાર્થી વિવેચનની રૂઢ પરિભાષાનું અજ્ઞાન પ્રારમ્ભાવસ્થામાં ધરાવતો હોય એ સ્થિતિનો સ્વીકાર કરીએ તોય, પરિભાષાના ઉપયોગ વિના, જે હકીકત છે તેને તેના વાસ્તવિક રૂપે રજૂ કરવાની પવિત્ર ફરજ શિક્ષકની છે, વિવેક વિના કરેલું દોષદર્શન પણ આખરે તો ખોટું ઠરવાનું છે. વળી દોષ તો કૃતિની રચનામાં છે, એના રચનારના વ્યક્તિત્વ પર આપણે એનું આરોપણ કરવામાં રાચતા નથી.

‘મગનું નામ મરી ન પાડવાની’ આ વાણિયાનીતિ અને સત્યનિષ્ઠાને જે નિર્ભીકતાની અપેક્ષા રહે છે તે – આ બે પૈકી અધ્યાપકે અને વિદ્યાર્થી – બંને સાહિત્યના સાચા વિકાસને ઉપકારક નીવડે તે આચરવાનો બંનેનો ધર્મ છે. મોટે ભાગે પીઠ થાબડવાનું કામ કરતું આપણું વિવેચન વિવેક વિનાના ગુણદર્શનના અતિરેકથી પીડાય છે. આ પરિસ્થિતિમાં અધ્યાપકો વિવેચનનો એક નોખો પ્રકાર ‘બાલાનામ્ અવબોધાય’ ઉપજાવે તો પરિસ્થિતિ સુધરશે ખરી?

ક્ષિતિજ  ડિસેમ્બર, 1961

License

Share This Book