24 સાહિત્યમાં અપહરણના પ્રકારો

કાવ્યપ્રકાશકાર મમ્મટે કાવ્યનાં યશ, શિવેતરક્ષતિ, અર્થપ્રાપ્તિ વગેરે પ્રયોજનો ગણાવ્યાં છે. આ બધામાં યશ સૌથી વધારે બલવત્તર પ્રયોજન લાગે છે. અમર થવાની, લોકોની સ્મૃતિમાં દૃઢ થઈને ટકી રહેવાની ઝંખના બહુ પ્રબળ હોય છે. કળાના સર્જનથી થતી યશની પ્રાપ્તિથી આ ઝંખના સંતોષાય છે, પણ કાળના પ્રહારોથી પણ અક્ષત રહી શકે એવું ઊંચી કોટિનું સર્જન,બધા જ કરી શકે નહીં. તે છતાં અમર થવાની ઝંખનાને તો સંતોષવી જ પડે. આથી સાહિત્યના ક્ષેત્રમાં ઘણા અલ્પસત્ત્વ ને છતાં મહત્ત્વાકાંક્ષી એવા સર્જકો(?)ઉત્તમ કોટિની કલાકૃતિઓમાંથી અપહરણ કરવા પ્રેરાય છે. આ અપહરણની વૃત્તિ કીતિર્ કે અમરતાને માટેની ઝંખના જેટલી જ પુરાણી છે; તે ધીમે ધીમે એવી તો વિકસતી ગઈ છે કે અપહરણની એક આગવી કળા જ અસ્તિત્વમાં આવી છે. સાહિત્યક્ષેત્રના યશ:પ્રાર્થી વામનો કીતિર્ના પ્રાંશુલતર ફળને આંબી નથી શકતા ત્યારે અપહરણની કળામાં પ્રાવીણ્ય મેળવીને પોતાને કીતિર્ મળ્યાનો સહતોષ પ્રાપ્ત કરે છે. પણ એમાં રહેલી આત્મપ્રવંચના એ સહતોષની માત્રાને ઓછી તો કરી નાખતી જ હશે. તે છતાં આ પ્રલોભનમાંથી માણસ મુક્ત થઈ શક્યો નથી. ચેખોવની ‘અ પીસ ઓવ આર્ટ’ નામની વાર્તાના રૂપાન્તરને બહુ કુશળતાથી આપણા એક ખ્યાતનામ સાહિત્યકારે હમણાં જ પોતાની મૌલિક કૃતિ તરીકે ખપાવી દીધું હતું!

કાવ્યમીમાંસાકાર રાજશેખરના સમયમાં આ અપહરણ કળાએ ઠીક ઠીક વિકાસ સાધ્યો હોય એમ લાગે છે. એથી જ તો શાસ્ત્રીય દૃષ્ટિએ રાજશેખરે અપહરણના પ્રકારોની પદ્ધતિસરની ચર્ચા કરી છે. એ ચર્ચાનો પરિચય સાહિત્યના અભ્યાસીઓને આવશ્યક છે.

‘કાવ્યમીમાંસા’ના બારમા અને તેરમા અધ્યાયમાં રાજશેખરે અનુક્રમે શબ્દહરણ અને અર્થહરણની ચર્ચા કરી છે. બારમા અધ્યાયના આરંભમાં જ રાજશેખર આ મત ટાંકે છે:

‘પુરાણકવિક્ષુણ્ણે વર્ત્મનિ દુરાપમસ્પૃષ્ટં વસ્તુ, તતશ્ચ તદેવ સંસ્કર્તું પ્રયતેત’ ઇતિ આચાર્યા: ।

અનેક પ્રાચીન કવિઓથી ક્ષુણ્ણ માર્ગમાં કશું અસ્પૃષ્ટ એવું મળવું તો દુર્લભ જ છે, માટે જે કાંઈ પ્રાપ્ત છે તેને સંસ્કારવાનો પ્રયત્ન કવિએ કરવો જોઈએ. આ અર્થમાં કેવળ પોતાનું આગવું એવું તો કોઈ કવિ આપી જ ન શકે. એટલે જ તો કહેવામાં આવ્યું છે:

નાસ્ત્યચૌર: કવિજનો નાસ્ત્યચૌર: વણિગ્જન: ।
ઉત્પાદક: કવિ: કશ્ચિત્કશ્ચિચ્ચ પરિવર્તક: ।।
આચ્છાદકસ્તથા ચાન્યસ્તથા સંવર્ગકોઅપર: ।

કોઈ વાણિયો ચોર નહીં હોય એવું ન બને, કોઈ કવિ ચોર હોય એવુંય ન બને. કોઈ કવિ ‘ઉત્પાદક’ હોય છે, એટલે કે પોતે કંઈક નવું સરજે છે, કોઈ કવિ ‘પરિવર્તક’ હોય છે, એટલે કે ચાતુરીથી બીજાની રચનામાં ઘટતા ફેરફારો કરીને એને પોતાને નામે ચઢાવી દે છે; કોઈ કવિ ‘આચ્છાદક’ હોય છે,એટલે કે એ બીજાની કૃતિને આચ્છાદિત કરી દઈને  એના જેવી પોતાની કૃતિને પ્રકટ કરે છે; તો વળી કોઈ કવિ ‘સંવર્ગક’ એટલે કે બેધડક ચોરી કરનારો, બીજાની કૃતિને કશાય સંકોચ વિના પોતાની કહેનારો હોય છે.

આ જ રીતે અપહરણના પ્રકાર મુજબ કવિના બીજા પણ આવા પ્રભેદો મળે છે. જે માત્ર બીજાની કૃતિની છાયાનું જ ગ્રહણ કરે તે ‘કવિ’, જે અર્થનું ગ્રહણ કરે તે કુકવિ, જે પદવાક્યાદિનું હરણ કરે તેને વિશે તો કહેવું જ શું! એવા સાહસિકને દૂરથી જ નમસ્કાર!

કવિકણ્ઠાભરણકાર ક્ષેમેન્દ્ર પણ આ જાતના કવિઓના છ ભેદ બતાવે છે: જે માત્ર બીજાના કાવ્યની છાયા લઈને કવિતા રચે તે છાયોપજીવી; જે એકાદ પદ લઈને કવિતા કરે તે પદકોપજીવી, ને જે આખો શ્લોક જ લઈ લે તે સકલોપજીવી; કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરીને, નૈપુણ્ય પ્રાપ્ત કરીને, જે કવિતા રચે તે પ્રાપ્તકવિત્વ; પોતાની પ્રતિભાના સામર્થ્યથી જે કાવ્ય રચે તે જ સાચો કવિ, તે જીવનોપજીવ્ય.

બારમા અધ્યાયમાં ટાંકેલા અવતરણની સાથે જ રાજશેખરે વાક્પતિરાજનો મત ટાંક્યો  છે. એમને મતે વાચાનો પરિસ્પન્દ હજુ પણ અભિન્નમુદ્ર છે, ને નવી મૌલિક રચનાને અવકાશ છે. બીજા કવિની કૃતિઓમાંથી અણજાણપણે પણ પોતાની કૃતિમાં કશું આવી ન જાય એ માટે કવિએ પુરોગામીઓની કૃતિઓનો અભ્યાસ કરવો જોઈએ એવો એક મત છે. એની વિરુદ્ધમાં એમ કહેવામાં આવ્યું છે કે કવિ પરોચ્છિષ્ટ ભાવોથી બચવાને માટે પુરોગામીઓની કૃતિનો અભ્યાસ કરે એ જરૂરી નથી. એક વાત તો એ કે બધા જ પુરોગામીઓની બધી જ કૃતિઓનો અભ્યાસ શક્ય નથી;બીજું એ કે કવિના પર સરસ્વતીની કૃપા હોય છે. બીજાઓને જે જાગ્રતાવસ્થામાં પણ અદૃશ્ય હોય છે તેને સરસ્વતી કવિને સુપ્તાવસ્થામાં પણ બતાવે છે. મહાકવિઓ અન્યદૃષ્ટપર અર્થ પરત્વે જાત્યન્ધ હોય છે; એ સિવાયનું બીજું જોવાને માટે એમની પાસે દિવ્યદૃષ્ટિ હોય છે. આખા વિશ્વનું પ્રતિફલન કવિનાં મતિદર્પણમાં અંકાય છે; ને શબ્દાર્થ ‘હું પહેલો, હું પહેલો’ કરતા કવિની નજરે ચઢવાને માટે આપમેળે છે.

આ બધું છતાં રાજશેખર કહે છે કે આપણે ત્રણ પ્રકારના અર્થને જાણી લેવા જોઈએ: અન્યયોનિ, નિનહુતયોનિ અને અયોનિ. જેની ઉત્પત્તિ બીજામાંથી થઈ હોય તે અન્યયોનિ એના વળી બે પ્રકાર: પ્રતિબિમ્બ કલ્પ અને આલેખ્ય પ્રખ્ય. જે રચનામાં અર્થ એકસરખો હોય, માત્ર શબ્દરચનામાં ફેર હોય તે રચનાને પ્રતિબિમ્બકલ્પ કહેવાય. જે રચનામાં ફેરફાર એવી તો કુશળતાથી કરવામાં આવ્યો હોય કે કૃતિનો અર્થ આપણને નવો હોય એવી ભ્રાન્તિ થાય તે રચનાને આલેખ્યકલ્પ કહેવાય. આ અપહરણ પ્રકારનાં દૃષ્ટાન્તો આપણા સાહિત્યમાંથી પણ મળી રહેશે. એનું રાજશેખરે આપેલું દૃષ્ટાન્ત આ છે.

મૂળ શ્લોક:

તે પાન્તુ વ: પશુપતેરલિનીલભાસ: કણ્ઠપ્રદેશઘટિતા: ફણિન: સ્ફુરન્ત:
ચન્દ્રામૃતામ્બુકણસેકસુખપ્રરૂઢ્ઢેર્યૈરંકુરૈરિવ વિરાજતિ કાલકૂટ: ।।

એનું ‘પ્રતિબિમ્બકલ્પ’ અનુકરણ:
જયતિ નીલકણ્ઠસ્ય નીલા: કણ્ઠે મહાહય: ।
ગલદ્ગંગામ્બુસંસિક્ત કાલકૂટાંકુરા ઇવ ।।

એનું ‘આલેખ્યપ્રખ્ય’ અનુકરણ
જયન્તિ ધવલવ્યાલા: સમ્ભોર્જૂટાવલમ્બિન:
ગલદ્ગંગામ્બુ સંસિક્ત ચન્દ્રકન્દાંકુરા ઇવ ।।

જેનું પ્રભવસ્થાન ઢંકાએલું હોય તે નિન્હુતયોનિ. એના પણ બે પ્રકાર છે: તુલ્યદેહિતુલ્ય અને પરપુરપ્રવેશ સદૃશ. બે કૃતિઓ વચ્ચેના નિતાન્ત સામ્યને કારણે બન્ને કૃતિઓ ભિન્ન હોવા છતાં અભિન્ન જેવી લાગે ત્યારે એ પ્રકારના અનુકરણને તુલ્યદેહિતુલ્ય કહેવામાં આવે છે. બે કૃતિઓનું મૂળ એક હોય, બીજું બધું ભિન્ન હોય ત્યારે એ પ્રકારના અનુકરણને પરપુરપ્રવેશસદૃશ કહેવામાં આવે છે.

જે કૃતિનું પ્રભવસ્થાન બીજે ક્યાંય નથી, પોતાનામાં જ છે તેને ‘અયોનિ’ કહેવામાં આવે છે.

અપહરણના વિવિધ પ્રભેદાનુસાર કવિના ચાર પ્રકારો ગણાવવામાં આવ્યા છે: જૂની વસ્તુને જે ભ્રાન્તિવશ થઈ નવી ગણી લઈને રજૂ કરે છે તે બ્રામક; બીજાની કહેલી વાત સાથે પોતાની થોડીક ઉમેરીને રજૂ કરે તે ચુમ્બક;બીજાના વાક્યનો અર્થ જે પોતાની કૃતિમાં ખેંચી લે તે કર્ષક; બીજાની ઉકિતના અર્થને ઓળખી કાઢી ન શકાય એવી રીતે પોતાની કૃતિમાં ભેળવી દઈને રજૂ કરે તે દ્રાવક.

આ ચારે પ્રકારના કવિઓ લૌકિક છે. એ કોઈ ને કોઈ રીતે અપહરણ કરે છે. કવિઓનો પાંચમો પણ એક પ્રકાર છે. એને અદૃષ્ટચરાર્થદર્શી કહે છે. એ સાચા અર્થમાં કવિ છે. કોઈએ પહેલાં ન સર્જ્યું હોય એવું મૌલિક એનું સર્જન હોય છે. આ કવિ અલૌકિક છે. એને ‘ચિન્તામણિ’ પણ કહે છે.

ઉપર જે ચાર પ્રકારના લૌકિક કવિઓ ગણાવ્યા તે દરેકના પાછા આઠ અવાન્તર ભેદ હોય છે. આ રીતે કુલ પ્રકારની સંખ્યા 32થાય છે. એ આઠ અવાન્તર ભેદો હવે આપણે જોઈએ.

પૌર્વાપર્યનો વિપર્યાસ કરનાર તે વ્યસ્તક. એ મૂળ કૃતિમાં જે પહેલાં કહેવામાં આવ્યું હોય એને પાછળ કહે ને જે પાછળથી કહેવામાં આવ્યું હોય તેને પહેલાં મૂકે. મૂળ કૃતિના બૃહદર્થનું જે અર્ધપ્રણયન કરે, એના એક ખણ્ડને જ રજૂ કરે તેને ખણક કહે છે. મૂળ કૃતિમાંના સંક્ષિપ્તાર્થને વિસ્તારીને કહેવામાં આવે ત્યારે તેને તૈલબિન્દુ કહેવામાં આવે. જે એક ભાષામાં કહેવામાં આવ્યું હોય તેને જ્યારે બીજી ભાષામાં રજૂ કરવામાં આવે ત્યારે તેને ‘નટનેપથ્ય’ કહે. એનું દૃષ્ટાન્ત કાલિદાસમાંથી નોંધવા જેવું છે. વાલ્મીકિરામાયણમાં સુગ્રીવના કપટયુદ્ધમાં વાલીના ઘવાયા પછી એની પત્ની રામચન્દ્રને આમ કહે છે:

સ ત્વાં વિનિહતાત્માનં ધર્મધ્વજમધામિર્કમ્ ।
જાને પાપસમાચારં તૃણૈ: કૂપમિવાવૃતમ્ ।।
(કિષ્કિન્ધા. 17,22)

‘શાકુન્તલ’ના પાંચમા અંકમાં પ્રત્યાખ્યાતા શકુન્તલાની આ ઉક્તિ આની સાથે સરખાવો:

અણજ્જ, અત્તણો હિઅઆનુમાણેણ પેક્ખસિ ।કો દાણિં અણ્ણો ધમ્મકંચુકપ્પવેસિણો તિણચ્છણ્ણકૂવોવમસ્સ તવ અણ્વકિદિં પડિવજ્જિસ્સદિ

અહીં વાલ્મીકિએ વાપરેલી ઉપમાને કાલિદાસે પ્રાકૃતમાં મૂકી દીધી છે. જેમાં માત્ર છન્દ જ બદલી નાખવામાં આવ્યો હોય છે તેને છન્દોવિનિમય કહે છે. આનું પણ દૃષ્ટાન્ત કાલિદાસમાંથી જ લઈએ. વાલ્મીકિએ કરેલું વિરહિણી સીતાનું વર્ણન જુઓ:

હિમહતનલિનીવ નષ્ટશોભા વ્યસનપરમ્પરયા નિવીડ્યમાના ।
સહચરરહિતેવ ચક્રવાકીં જનકસુતા કૃપણાં દશાં પ્રપન્નામ્ ।।

‘મેઘદૂત’ના ઉત્તરમેઘમાંનું યક્ષની વિરહિણીનું આ વર્ણન એની સાથે સરખાવી જોઈએ:

તાં જાનીથા: પરિમિતકથાં જીવિતં મે દ્વિતીયં
દૂરીભૂતે મયિ સહચરે ચક્રવાકીમિવૈકામ્ ।
ગાઢોત્કણ્ઠાં ગુરુષુ દિવસેષ્વેષુ ગચ્છત્સુ બાલાં
જાતાં મન્યે શિશિરમથિતાં પદ્મિનીંવાન્યરૂપામ્ ।।

અહીં વાલ્મીકિની બન્ને ઉપમાઓનો કાલિદાસે એક શ્લોકમાં સમાવેશ કરી દીધો છે. એમાં જે નવીનતા લાગે છે તે છન્દોવિનિમયને કારણે.

મૂળ ઉક્તિમાં જેને હેતુ કહેવામાં આવ્યો હોય તે જગાએ બીજા હેતુને કહેવો તેને હેતુવ્યત્યય કહેવામાં આવે છે. આનાં દૃષ્ટાન્તો પણ કાલિદાસમાંથી મળી રહેશે.

એક જગાએ જોયેલી વસ્તુની બીજી જગાએ સંક્રાન્તિ કરવી તેને સંક્રાન્તક કહેવામાં આવે છે.

ઉભય વાક્યાર્થના ઉપાદાનને સમ્પુટ કહે છે.

આ આઠે પ્રભેદો પ્રતિબિમ્બ કળાના છે. એવા આલેખ્ય પ્રખ્યના પ્રભેદો નીચે પ્રમાણે છે: મૂળ ઉક્તિના જેવી રચના કરવી તેને સમક્રમ કહે છે; મૂળમાં અલંકાર હોય તેને દૂર કરીને રચના કરવી તેને વિભૂષણ મોષ કહે છે. એનું કાલિદાસમાંથી દૃષ્ટાન્ત લઈએ.

લંકાકાણ્ડમાં રામની લક્ષ્મણ પ્રત્યેની ઉક્તિ આમ છે:

કદા સુચારુદન્તોષ્ઠં તસ્યા: પદ્મમિવાનનમ્ ।
ઈષદુન્નમ્ય પાસ્યામિ રસાયણમિવા તુર: ।।

‘શાકુન્તલ’ના ત્રીજા અંકમાં કામવિહ્વળ દુષ્યન્તની આ ઉક્તિને એની સાથે સરખાવો:

મુહુરંગુલિસંવૃતાધરોષ્ઠં પ્રતિષેધાક્ષરવિક્કવાભિરામમ્ ।
મુખમંસવિવતિર્ પક્ષ્મલાક્ષ્યા: કથમપ્યુન્નમિતં ન ચુમ્બિતં તુ ।।

અહીં વાલ્મીકિની ઉપમાને કાલિદાસે કાઢી નાખી છે, ભાવ તો એનો એ જ છે એ સ્પષ્ટ છે.*

મૂળ ઉક્તિમાંના ક્રમને બદલીને વાત રજૂ કરવી તેને વ્યુત્ક્રમ કહેવામાં આવે છે. પ્રાચીન ઉક્તિમાં જેને સામાન્ય રૂપે કહેવામાં આવ્યું હોય છે તેને જ્યારે વિશેષ રૂપે કહેવામાં આવે ત્યારે તેને વિશેષોક્તિ કહેવામાં આવે છે. જેને મૂળમાં ગૌણ રીતે રજૂ કર્યું હોય તેને પ્રધાનભાવે રજૂ કરવામાં આવે ત્યારે તે ઉત્તંસ કહેવાય છે. નટનેપથ્ય વિશે તો આગળ કહેવાઈ ગયું છે. મૂળમાંના કારણના કાર્યને બદલીને કહેવામાં આવે ત્યારે એને એક પરિકાર્ય કહેવાય છે. વિકૃતિને પ્રકૃતિ રૂપે રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યાપત્તિ કહેવામાં આવે છે.

આવી જ રીતે તુલ્યદેહિતુલ્ય અર્થહરણના નીચે પ્રમાણે આઠ પ્રકારો છે: વિષયાન્તર યોજનાથી જેમાં અન્ય રૂપાપત્તિ સમ્ભવે છે તેને વિજય-પરિવર્ત કહેવામાં આવે છે. મૂળમાં વર્ણવેલા વિષયનાં બે રૂપમાંથી એકને જ જેમાં ઉપાદાન રૂપે લેવામાં આવે તેને દ્વન્દ્ધિવિચ્છત્તિ કહેવાય. મૂળમાંના અર્થનું જેમાં અર્થાન્તરણ કરવામાં આવ્યું હોય તેને રત્નમાલા કહે છે. મૂળમાં કહેલી વિષયની સંખ્યાને બદલીને જેમાં કહેવામાં આવી હોય તેને તે સંખ્યોલ્લેખ કહે છે. મૂળમાં જેને સમરૂપે કહેવામાં આવ્યું હોય તેને જેમાં વિષમરૂપે વર્ણવવામાં આવે તેનું નામ ચૂલિકા. એના બે પ્રકાર: સંવાદિની ચૂલિકા અને વિસંવાદિની ચૂલિકા. મૂળમાંના નિષેધને જેમાં વિધિરૂપે રજૂ કરવામાં આવે તેનું નામ વિધાનાપહાર. મૂળમાંના અનેક અર્થોનો જેમાં એકમાં ઉપસંહાર કરવામાં આવ્યા હોય તેને માણિક્યપુંજ કહે છે. મૂળમાંના સમષ્ટિરૂપ અર્થને જેમાં વ્યષ્ટિ રૂપે રજૂ કર્યો હોય તેને ક્રન્દ કહેવામાં આવે છે.

પરપુરપ્રવેશ અર્થહરણના આઠ પ્રકારો નીચે મુજબ છે: મૂળમાં એક રીતે ઉપનિબદ્ધ થયેલી વસ્તુને જેમાં યુક્તિથી બદલી નાખવામાં આવી હોય તેને હુડયુદ્ધ કહે છે. મૂળમાંની એક પ્રકારની વસ્તુને બીજા પ્રકારની વસ્તુ બનાવીને જેમાં વર્ણવવામાં આવી હોય તેને પ્રતિકંચુક કહે છે. મૂળમાંના ઉપમાનને સ્થાને જેમાં બીજું ઉપમાન મૂકવામાં આવ્યું હોય તેને વસ્તુસંચાર કહે છે. મૂળમાંના શબ્દાલંકારને જેમાં અર્થાલંકારમાં ફેરવી નાખવામાં આવ્યો હોય તેને ધાતુવાદ કહે છે. મૂળમાંની વસ્તુનું ઉત્કૃષ્ટરૂપે જેમાં અન્યથાકરણ થયું હોય તેને જીવંજીવક કહે છે. જેમાં પ્રાક્તન પ્રબન્ધના અભિપ્રાય ગ્રહીને રચના થઈ હોય તેને ભાવમુદ્રા કહે છે. જેમાં પૂવાર્થ પરિપન્થીની વસ્તુરચના હોય તેને તદ્વિરોધી કહેવામાં આવે છે.

અતિ વિસ્તારના ભયથી આ બધા પ્રકારોનાં ઉદાહરણો અહીં આપ્યાં નથી. આમાંના બધા જ પ્રકારો સર્વથા ત્યાજ્ય છે એવું નથી. કેટલાક આવકાર્ય પણ છે એ અભ્યાસીને આપોઆપ સમજાશે.

ગુજરાત દીપોત્સવી અંક   ઓક્ટોબર, 1951

License

Share This Book