7 સાહિત્યની વિભાવના

શબ્દોના સંકેતમાં થતાં ક્રમિક પરિવર્તનોનો અભ્યાસ બહુ રસપ્રદ થઈ પડે છે. આપણે પહેલાં જે અર્થમાં ‘કાવ્ય’ શબ્દનો પ્રયોગ કરતા હતા તે અર્થમાં આજે ‘સાહિત્ય’ શબ્દ વાપરીએ છીએ. ‘કાવ્ય’ એ આગળના વખતમાં બહુ વ્યાપક સંજ્ઞા હતી. નાટકને પણ આપણે દૃશ્યકાવ્ય કહેતા. સુબન્ધુની ‘વાસવદત્તા’ અને બાણની ‘કાદમ્બરી’ પણ કાવ્ય જ લેખાતાં. આજે કાવ્યનો એ અર્થ ચાલ્યો ગયો છે. કાવ્યને આજે હવે આપણે સાહિત્યનો એક પ્રકાર ગણીએ છીએ. કાવ્ય છન્દોબદ્ધ હોવું જોઈએ એમ જો સ્વીકારીએ તો વળી એનું ક્ષેત્ર વિશેષ મર્યાદિત થઈ જાય છે. સાહિત્યની તાત્ત્વિક ચર્ચા અંગેના ગ્રન્થોનાં નામમાં પણ પહેલાં ‘કાવ્ય’ સંજ્ઞા જ જોવામાં આવે છે. મમ્મટનો ‘કાવ્યપ્રકાશ’ અને રાજશેખરની  ‘કાવ્યમીમાંસા’ એનાં દૃષ્ટાન્ત છે. વિશ્વનાથના સમયમાં ‘કાવ્ય’ને સ્થાને ‘સાહિત્ય’ શબ્દ વપરાવા લાગ્યો. વિશ્વનાથે એના ગ્રન્થનું નામ ‘સાહિત્યદર્પણ’ રાખ્યું. પશ્ચિમમાં પણ પહેલાં ‘કાવ્ય’ને મળતા Poetryશબ્દનો સંકેત વ્યાપક હતો. પછીથી એનું સ્થાન ‘Literature’શબ્દે લીધું અને ‘Poetry’ એ ‘Literature’નો  પ્રકાર બની ગઈ. ‘સાહિત્ય’માં ‘કાવ્ય’ના સંકેતની સંક્રાન્તિ શી રીતે થતી આવી તે આપણે જોઈએ.

સાથે હોવાનો ભાવ તે સાહિત્ય. આ અર્થમાં ‘સાહિત્ય’ શબ્દ કામન્દકીય ‘નીતિસાર’માં વપરાયેલો જોવામાં આવે છે. સ્ત્રી સાથેના સમ્પર્કનો નિષેધ કરતી વેળાએ એમાં કહ્યું છે:  ‘એકાર્થચર્યા સાહિત્યં સંસર્ગંચ વિવર્જયેત્.’ આ રીતે અહીં ‘સાહિત્ય’ શબ્દ એકાર્થચર્યા અને સંસર્ગના અર્થમાં વપરાયો છે. આને જ મળતી સાહિત્યની વ્યાખ્યા ‘શબ્દકલ્પદ્રુમ’માં જોવા મળે છે: ‘પરસ્પર સાપેક્ષાણાં તુલ્યરૂપાણાં યુગપદેકક્રિયાન્વયિત્વમ્ સાહિત્યમ્.’ અહીં પરસ્પરસાપેક્ષ અને તુલ્યરૂપ એવા પદાર્થોનું સાહિત્ય થયું એમ કહ્યું છે. એક રીતે જોઈએ તો એકક્રિયાન્વયિત્વને આપણે આજે પણ સાહિત્યમાં એક આવશ્યક લક્ષણ તરીકે સ્વીકાર્યું છે. વિવિધ પ્રકારનાં ઉપાદાન અને ઉપકરણો સર્જકને અભિપ્રેત એવા સર્જનની પાછળ રહેલા સમ્પ્રજ્ઞાત કે અસમ્પ્રજ્ઞાત હેતુથી જ સુશ્લિષ્ટ બને છે. જ્યાં એમ નથી બની શકતું ત્યાં કૃતિ સાહિત્યપદવાચ્ય બની શકતી નથી. અલબત્ત, અહીં એટલું યાદ રાખવાનું કે ‘શબ્દકલ્પદ્રુમ’ બહુ પ્રાચીન ગ્રન્થ નથી.

આપણા આલંકારિકોમાં ‘સાહિત્ય’ શબ્દનો પ્રયોગ સૌથી પ્રથમ ભામહે એના ‘કાવ્યાલંકાર’ ગ્રન્થમાં કર્યો છે. ત્યાં કાવ્યનું લક્ષણ બાંધતાં એણે કહ્યું છે: ‘શબ્દાર્થૌ સહિતૌ કાવ્યં ગદ્યં પદ્યાંચ તદ્દ્વિધા.’(1, 16) શબ્દ અને અર્થનું સાહિત્ય તે કાવ્ય, ગદ્ય અને પદ્ય એ એના બે પ્રકાર. પણ ‘કાવ્યાલંકાર’માં શબ્દાર્થના આ સાહિત્ય વિશે વિશેષ માહિતી પ્રાપ્ત નથી. શબ્દાર્થનું કેવા પ્રકારનું સાહિત્ય કાવ્યમાં જરૂરી છે એ વિશે ભામહે કશું કહ્યું નથી. શબ્દ અને અર્થ વચ્ચેના સમ્બન્ધનું સામાન્ય ઔચિત્ય અને એની વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધિ અને યથાર્થતા જ એને અભિપ્રેત હશે. જે દૃષ્ટિએ એણે કાવ્યના સ્વરૂપનો વિચાર કર્યો છે તે દૃષ્ટિ કદાચ આને  માટે જવાબદાર હશે. અર્થ વિશેની ચોક્કસ સ્વરૂપની વિચારણા તો ઉદ્ભટથી જ શરૂ થઈ હોય એમ કહીએ તો ચાલે. ત્યાર પછી આવે છે રાજશેખર. એણે કાવ્યપુરુષ અને સાહિત્ય-વિદ્યાવધૂની વાત કરી છે. સરસ્વતીને પુત્ર પામવાની ઇચ્છા થઈ. આથી એણે તપ કર્યું. તપને પરિણામે એ પુત્રને પામી. એ પુત્ર તે કાવ્યપુરુષ. એ સરસ્વતીની પાછળ પાછળ બ્રહ્મલોકમાં ચાલી જવા લાગ્યો. એને પાછો વાળવાને માટે સાહિત્ય વિદ્યાવધૂનું સર્જન થયું. (કાવ્યમીમાંસા, 3) સાહિત્યવિદ્યાની વ્યાખ્યા એણે આમ આપી છે: શબ્દાર્થયોર્યથાવત્ સહભાવેન વિદ્યા સાહિત્યવિદ્યાં (કાવ્યમીમાંસા, 2) અહીં પણ શબ્દ અને અર્થના યથાવત્ સહભાવને જ સાહિત્ય કહેવામાં આવ્યું છે. અહીં ‘સાહિત્ય’ શબ્દ ગુણવાચક વિશેષ્ય બન્યો છે. રાજશેખરને પણ શબ્દાર્થના વ્યાકરણગત સમ્બન્ધ સિવાયનો બીજો કોઈ વિશિષ્ટ, સૂક્ષ્મ ને સુકુમાર સમ્બન્ધ ઉદ્દિષ્ટ હશે એમ લાગતું નથી.

અગિયારમી સદીમાં ભોજદેવે એમના ‘શૃંગારપ્રકાશ’માં સાહિત્ય એટલે કે શબ્દ અને અર્થ વચ્ચેના સમ્બન્ધને બાર પ્રકારનો ગણ્યો છે. એ બાર પ્રકાર તે આ: અભિધા, વિવક્ષા, તાત્પર્ય, પ્રવિભાગ, વ્યપેક્ષા, સામર્થ્ય, અન્વય, એકાર્થીભાવ, દોષહાન, ગુણોપાદાન, અલંકારયોગ અને રસાવિયોગ. આ બારમાંના પહેલા આઠ સમ્બન્ધો તો વ્યાકરણને લગતા જ છે તે તો સ્પષ્ટ જોઈ શકાશે. બાકીના ચારમાં અલંકારશાસ્ત્રગત એવો શબ્દાર્થનો સમ્બન્ધ સ્થાન પામ્યો છે. આ રીતે, ભોજદેવના સમયથી, અલંકારશાસ્ત્રગત શબ્દાર્થના સમ્બન્ધના વિશિષ્ટત્વને  સમજવાનો પ્રયાસ શરૂ થયો. એનો આગળ થયેલો વિકાસ પંડિત સમુદ્રબન્ધના ‘અલંકારસર્વસ્વ’માં જોવામાં આવે છે. એ પણ કાવ્યને વિશિષ્ટ શબ્દાર્થયુગલ કહે છે. શબ્દાર્થ સમ્બન્ધનું વૈશિષ્ટ્ય પાંચ પ્રકારનું એમણે ગણાવ્યું છે: 1.ઉદ્ભટાદિનું અલંકારવૈશિષ્ટ્ય 2. વામનનું ગુણવૈશિષ્ટ્ય 3. કુન્તકનું ભણિતિવૈચિત્ર્યરૂપ વૈશિષ્ટ્ય 4. ભટ્ટ નાયકનું ભોગકૃત્વરૂપ વૈશિષ્ટ્ય 5. આનંદવર્ધનનું વ્યંગરૂપ વૈશિષ્ટ્ય

સૌથી પ્રથમ કુન્તકે શબ્દાર્થના સાહિત્યના વૈશિષ્ટ્યની તલાવગાહી અને મૌલિક ચર્ચા કરી છે. કાવ્યશાસ્ત્રમાં કુન્તકનું અર્પણ નજીવું લેખાય એવું નથી. કાવ્યશાસ્ત્રના અભ્યાસીઓને હાથે કુન્તકની આવી ઉપેક્ષા થવી જોઈતી નહોતી.

‘વક્રોક્તિજીવિત’ના આરમ્ભમાં જ કુન્તક કહે છે કે કવિકર્મકૌશલની પરાકાષ્ઠાની પ્રાપ્તિના હેતુરૂપ શબ્દાર્થનું જે રમણીય સાહિત્ય’(વક્રોક્તિજીવિત’1, 16, વૃત્તિ; સરખાવો: વ્યક્તમ્ સર્વમ્ ઉમારૂપમ્, અવ્યક્તમ્ તુ મહેશ્વરમ્ – રુદ્રહૃદયોપનિષદ) તેનો પરમાર્થ શો છે તે વિશે કોઈએ સહેજ સરખો વિચાર કર્યો નથી. તેથી જ કુન્તક સાહિત્યાર્થસુધાસિન્ધુનો જે સાર છે તેને પ્રકટ કરવાનો ‘વક્રોક્તિજીવિત’ના પ્રારમ્ભમાં સંકલ્પ કરે છે.

કુન્તક કહે છે કે આજ સુધી બધાએ કેવળ તત્ત્વનો કે ભાવનો નિરપેક્ષ દૃષ્ટિએ જ વિચાર કર્યો છે, પણ એ આખી પદ્ધતિ જ ખોટી છે. એના મંગલ શ્લોકમાં જ એ કહે છે:

જગત્ત્રિતય વૈચિત્ર્ય ચિત્રકર્મ વિધાયિનમ્ ।
શિવં શક્તિપરિસ્પન્દમાત્રોપકરણં નુમ: ।।

આ સૃષ્ટિમાં પણ કેવળ તત્ત્વરૂપ શિવ નથી, શક્તિપરિસ્પન્દને કારણે જ શિવતત્ત્વ પોતાને વ્યક્ત કરી શકે છે. પણ તત્ત્વજ્ઞો તો કેસૂડાંની વાત કરતી વખતે કેવળ એની રક્તતાનો જ વિચાર કરે. પણ રક્તતાથી કિંશુકનો યથાર્થ ખ્યાલ આપણને આવતો નથી. આથી જ કુન્તક કહે છે કે સાહિત્યની જે ‘અદ્ભુતામોદ ચમત્કારકારી’ એવી સારવસ્તુ છે તે પણ દ્વિવિધ છે: એમાં એક તરફ છે તત્ત્વ અને બીજી તરફ છે નિમિત્ત. આમ આપણે જોઈએ છીએ કે શબ્દાર્થના સાહિત્યનો વિચાર કરતાં કુન્તક ઘણો ઊંડે ઊતર્યો છે. ભાવ એને પ્રકટ કરનાર રૂપના વિના આપણને ઉપલબ્ધ નથી. આથી ભાવ અને સ્વરૂપ, શબ્દ અને અર્થનો સમ્બન્ધ અવિનાભાવી અને નિત્ય છે. કાલિદાસે કહ્યું છે તેમ એ બંને શિવપાર્વતીની જેમ સમ્પૃક્ત છે. કુન્તક શબ્દ અને અર્થને સુહૃદ સાથે સરખાવે છે:

સમસર્વગુણૌ સન્તૌ સુહૃદો ઇવ સંગતૌ ।
પરસ્પરસ્ય શોભાયૈ શબ્દાર્થો ભવતો યથા ।।

કુન્તકની દૃષ્ટિએ શબ્દાર્થનું સાહિત્ય એટલે શબ્દાર્થયુગલની એવી અલૌકિક વિન્યાસભંગી કે જ્યાં ન્યૂનતા પણ ન હોય અને અતિરિક્તતા પણ ન હોય; આને કારણે એ મનોહારી અને શોભાશાલી બને. શબ્દાર્થની આ ચેતના ચમત્કારકારી અલૌકિકી વિન્યાસભંગીમાં શબ્દ અર્થથી ન્યૂન ન હોય ને અર્થ શબ્દથી ન્યૂન ન હોય;જો એમ બને તો નિકર્ષ થાય. તેમ જ, એમાં શબ્દ અર્થથી અતિરિક્ત ન હોય કે અર્થ શબ્દથી અતિરિક્ત ન હોય. આ રીતે એમાં શબ્દ કે અર્થનો એકપક્ષી નિકર્ષ કે ઉત્કર્ષ હોતો નથી. કુન્તકના શબ્દોમાં આવી વિન્યાસભંગીમાં શબ્દાર્થમાં પરસ્પરની સ્પર્ધાને કારણે રમણીયતા આવે છે. આ સ્પર્ધા બન્ને વચ્ચેના સામ્યને અપકારક નથી.

આમ ભામહે કહ્યું તેમ ‘શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ્’ એ સાચું, પણ એ સાહિત્ય વિશિષ્ટ પ્રકારનું હોવું જોઈએ. કુન્તકના મતે એ વિશિષ્ટતા વક્રત્વ કે વૈચિત્ર્યમાં રહેલી છે. આ વક્રત્વ તે જ વૈદગ્ધ્યભંગીભણિતિ – વૈદગ્ધ્ય એટલે કવિકૌશલ અથવા વક્રકવિવ્યાપાર. બધો આધાર આખરે એના પર જ રહ્યો છે. કુન્તકને મતે કેવળ કવિકૌશલ કલ્પિત કમનીય શબ્દથી જ ઉત્તમ કાવ્ય રચાઈ જતું નથી. શબ્દ અને અર્થની વચ્ચે જ્યારે ઉપર કહ્યું તેવું સાહિત્ય હોય ત્યારે જ સાચું કાવ્ય સમ્ભવે.

હવે પ્રશ્ન એ છે કે કવિ એવા શબ્દોને શી રીતે પામે?એના જવાબમાં કુન્તક જે કહે છે તે બહુ મહત્ત્વનું છે. અહીં જ કુન્તકનું મૌલિક અર્પણ છે. કુન્તક કહે છે કે બાહ્ય જગતના પદાર્થો પોતાના ધર્મ છોડ્યા વિના કવિચિત્તમાં પ્રવેશીને કવિ આગળ એક નવે રૂપે જ પ્રગટ થાય છે. પ્રતિભાશાળી કવિના ચિત્તમાં એ વખતે એક વિશિષ્ટ પરિસ્પન્દ ઉદ્ભવે છે. એનાથી કવિનું આખું ચિત્ત સમાચ્છાદિત થઈ જાય છે. એ પરિસ્પન્દને જ કારણે કવિ પોતાના ચિત્તમાં વિશિષ્ટ ને અલૌકિક રૂપે પ્રગટ થયેલા ભાવની અભિવ્યક્તિને અનુરૂપ શબ્દ પણ પામી રહે છે. આવા જ શબ્દને વોલ્ટર પેટર ‘the unique word’ કહે છે એ અદ્વિતીય છે. એ શબ્દ સિવાયનો બીજો કોઈ પણ શબ્દ એ ભાવ વ્યક્ત ન કરી શકે. કવિની ચેતનાના નિગૂઢ સ્તરમાં, સ્મૃતિ અને સંસ્કાર તથા અધ્યાસપિણ્ડથી પણ ઊંડે રહેલી જે રસપૂરિત ભૂમિ છે ત્યાં સુધી જ્યારે અનુભૂતિ પહોંચે છે ત્યારે એ રસપૂરિત ભૂમિમાંથી પરિપોષ પામીને ભાવને અનુરૂપ શબ્દ ઘડાઈ આવે છે. આ જ અર્થમાં આપણે ક્રોચેની ઉક્તિ ‘Intuition is expression’ પણ સમજી શકીએ.

સાહિત્યની કુન્તકની આ વિભાવનામાં ઔચિત્યનો ખ્યાલ પણ સમાઈ ગયો છે. શબ્દ અને અર્થનું આવું સમ્પૂર્ણ સામંજસ્ય સધાય છે ત્યારે જ એ સંવિત્ વા સર્વ વિઘ્નોને દૂર કરીને ચેતનાચમત્કારી નીવડે છે. આ સાહિત્યની વિભાવનાને કુન્તક પાવક રસના દૃષ્ટાન્ત દ્વારા વધારે સ્પષ્ટ કરીને સમજાવે છે. પાવક રસની અંદર જેમ અનેક પ્રકારના રસો હોવા છતાં એ બધા રસો પોતપોતાના પૃથક્ સ્વાદવૈશિષ્ટ્યનો પરિત્યાગ કરીને એ બધાના સાહિત્યથી એક નવા જ સ્વાદને ઉપજાવે છે, તેમ કાવ્યમાં પણ કાવ્યના શબ્દ, અર્થ, અલંકાર વગેરે બધાં જ ઉપકરણો પોતપોતાના પૃથક્ વૈશિષ્ટ્યને એક રસમાં ઓગાળી નાખે છે. ‘સાહિત્યદર્પણ’કારે કુન્તકની સાહિત્યની આ વિભાવનાનો જરાય નિર્દેશ નથી કર્યો એ નવાઈ જેવું લાગે છે. આજે સાહિત્ય શબ્દ બહુ જ પ્રચલિત થઈ ગયો છે. કુન્તકની સાહિત્ય વિશેની આ વિભાવનાની ઉપેક્ષા કર્યે પાલવે એમ નથી.

હિન્દુસ્તાન દીપોત્સવી અંક સં. 2007(ઈ.સ.1951)

License

Share This Book