26 સર્જક અને પ્રસિદ્ધિ

કાવ્યપ્રકાશકાર મમ્મટે કાવ્યનાં પ્રયોજનોની વાત કરતાં સૌથી પહેલો ઉલ્લેખ યશનો જ કર્યો છે. કાવ્યં યશસે… અલબત્ત, એ  પ્રયોજનને આપણે આનુષંગિક અને ગૌણ લેખીએ છીએ. સદ્ય: પરનિવૃત્તયેને જ આપણે મુખ્ય ગણીએ છીએ. યશની વાત વિચારતાં એવો એક પ્રશ્ન ઉદ્ભવે કે યશ અને પ્રસિદ્ધિ સર્જકને ઉપકારક નીવડે કે અપકારક?એ તો એક સર્વસામાન્ય સ્વીકૃત સત્ય છે કે સર્જકને એની સિદ્ધિઓથી વધુ સભાન કરી દેવામાં આવે તો એ એના સર્જનની સત્ત્વશીલતાના પર અનિષ્ટ અસર પાડે. એનું એક પરિણામ એ પણ આવે કે જે કૃતિ વધુ પ્રશંસા પામી હોય તેનું ફરી ફરી અનુકરણ કરવાને સર્જક પ્રેરાય. આના દાખલા આપણા સાહિત્યમાંથી ઘણા મળી આવશે. અભિવ્યક્તિની અમુક એક ભંગી સફળ ગણાઈ કે તરત જ એનાં અનુકરણો થવા માંડે. મુનશીની ઐતિહાસિક નવલકથાઓ પછીથી એ છાપની કેટલીય નવલકથાઓ લખવાના અર્ધસફળ કે નિષ્ફળ પ્રયત્નો આપણે ત્યાં થતા રહ્યા છે. ધૂમકેતુએ ઉચ્ચ કોટિની નવલિકાઓને બદલે ગૂજરાતનો વાર્તારૂપ ઇતિહાસ (?) આપવો શરૂ કર્યો એના મૂળમાં આવું કોઈક કારણ રહેલું જડી આવે તો નવાઈ નહીં. પોતાની જ સફળ કૃતિનું પુન: પુન: અનુકરણ કૃતિઓમાં એક પ્રકારની એકવિધતા લાવી દે છે. એમાં નથી રહેતું દર્શનનું નાવીન્ય કે નથી રહેતું અભિવ્યક્તિઓનું નાવીન્ય. આવા જ કોઈ કારણે શ્રી ઈશ્વર પેટલીકરની પાછલી કૃતિઓ વાંચતાં આપણું મન તરપાતું નથી. થોડાક અપવાદો બાદ કરીએ તો આપણા ઘણા સર્જકોની પ્રતિભાનો પ્રવાહ બહુ વહેલો ક્ષીણ થઈ જતો દેખાય છે. આને માટે એમને મળેલી અતિ પ્રશંસા પણ ઘણે અંશે જવાબદાર હોય છે. ઘણા કવિઓ એકાદ કાવ્યસંગ્રહ આપીને પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ ગયા છે. આપણા પ્રતિષ્ઠિત વિવેચકોએ પણ કોઈ એક વિષય લઈને – ખાસ કરીને fundamentalsની – એની સાંગોપાંગ ચર્ચા કરતો ગ્રંથ લખ્યાનું  જાણ્યામાં નથી. બધાં ક્ષેત્રોમાં સહેલો ને સસ્તો  આત્મસન્તોષ પ્રવર્તી રહેલો  જોવામાં આવે છે. પ્રશંસા પુરસ્કારથી સર્જકો એવા તો ટેવાઈ ગયા છે કે કદિક એમને ન રુચે એવું છતાં સાચું એવું કશુંક કહેવાની ધૃષ્ટતા કરે તો એને તિરસ્કારભરી અવમાનના સિવાય બીજું કશું પ્રાપ્ત થાય નહીં. એ ઠરેલ બુદ્ધિનો નથી, ધીર નથી, એની વિવેકશક્તિ હજુ પરિણત સ્વરૂપની નથી વગેરે ખાનગીમાં કહેવામાં આવે છે ને જાહેરમાં એની સાવ ઉપેક્ષા જ કરવામાં આવે છે. વિવેચન વિના કારણે કટુ બને એ જેમ સંસ્કારખામી ગણાય, તેમ જો એ ઊણપો પરત્વે આંખ આડા કાન કરીને અર્ધજરતીય ન્યાયે સારું તેટલું ચતુર્મુખે વખાણીને બેસી રહે તેને પણ ઇષ્ટ ગણવું ન જોઈએ. અંગ્રેજી નિયતકાલિક ‘સ્ક્રુટીની’ના એક સમીક્ષકે અદ્યતન અંગ્રેજી વિવેચન પરત્વે જે વિધાન કર્યું છે તે આપણે પણ વિચારવા જેવું છે: Afraid to commit himself to an original judgement of value, he accepts all the safe reputations and indulges in a kind of pseudo-scientific botanising among their secondary characteristics. આપણા આનંદશંકર, ગોવર્ધનરામ, મુનશી કે  બ.ક.ઠાકોર, નાનાલાલ ને કાન્તની માત્ર ઐતિહાસિક સમાલોચના નહીં, પણ કેવળ સત્ત્વની દૃષ્ટિએ નિરપેક્ષ સમીક્ષા થાય એવાં ચિહ્ન આજ સુધી તો દેખાતાં નથી. નવીન કવિતાનાં લક્ષણો આપણે ગણાવીએ છીએ ખરા, પણ એના અન્તસ્તત્ત્વ તરફ નજર કરીને એમાં દેખાતા આત્મલક્ષિતાના અતિરેકને કે અભિવ્યક્તિની ધાટીની એકવિધતાને આપણે તપાસી જોઈ નથી. આપણે  આજે જે ચર્ચી રહ્યા છીએ તે ઘણુંખરું તો ગૌણ અને આનુષંગિક વિગતો – secondary characteristics જ હોય છે. સાહિત્યના સજાગ અભ્યાસીને મુખ્ય વિષયની ચર્ચાની ખોટ સાલ્યા વિના રહેતી નથી.

ભુવનેશ્વરના મન્દિરના શિલ્પીના કે અજન્તા-ઇલોરાના કળાધામના કળાકારોનાં નામો આજે આપણે જાણતા નથી. ત્રિમૂતિર્નું શિલ્પવિધાન કોણે કર્યું તેની આપણને ખબર નથી. કળાકારની પોતાના સર્જન પરત્વેની આવી અનાસક્તિ ને નિર્મમતા એ આજના યુગને અજાણી વસ્તુ છે. કાવ્ય લખીને વાંસની નળીમાં મૂકી વહેતાં કરી દેનારો ધીરો આજના યુગમાં સંભવે નહીં. આજે કદાચ કૃતિ કરતાં સર્જક પ્રમુખસ્થાને બેઠેલો જોવામાં આવે છે. આનું કારણ શું?જે જમાનામાં કળા સમષ્ટિના અન્તરની અભિવ્યક્તિના સ્વરૂપની હતી તે જમાનામાં કળાકારે પોતાના કર્તૃત્વને બાંગ પુકારીને કદી જાહેર કર્યું નથી, પણ જે જમાનામાં વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચેનું સામંજસ્ય વિચલિત થયું ને વ્યક્તિત્વ આક્રમક સ્વરૂપનું બન્યું તે જમાનામાં કળા એ સમષ્ટિની અભિવ્યક્તિના સ્વરૂપની ના રહી. કળાકારની નિમિર્તિ બની રહી, ને માટે જ કદાચ કળાકાર પોતાના કર્તૃત્વ પરત્વે વધારે સભાન બન્યો. આજની કળા જનસમાજની અનુભૂતિમાં એકરસ થઈને રહેતી લાગતી નથી. કળાકારનું તે સાવ અંગત privateબની ગયું છે.

આપણા જમાનામાં ફ્રાન્ઝ કાફકાનો દાખલો નોંધવા જેવો છે. એ પોતાની કૃતિઓ પ્રસિદ્ધ કરવા પરત્વે સાવ ઉદાસીન હતો. એના મૃત્યુ વખતે એ એના મિત્ર મેક્સ બ્રોડને એવું સૂચન કરતો ગયેલો કે એનાં લખાણની બધી પાણ્ડુલિપિ તેમ જ પત્રો પણ બાળી મૂકવા. સ્પિનોઝાના કીતિર્કળશરૂપ Ethicsની હાથપ્રતો એના મૃત્યુ પછી એના ટેબલના ખાનામાંથી જડી આવી હતી. એ વિશે એણે કોઈને એક અક્ષર સરખો કહ્યો નહોતો. આજે તો ઘણા લેખકો પત્ર પણ અત્યન્ત સભાન બનીને લખે છે. એ કોઈક દિવસ પ્રસિદ્ધ થવાના છે એના ભાન સાથે જ એ લખાયા હોય એવું લાગે છે. રવીન્દ્રનાથે એક સ્થળે કહ્યું છે કે જે સર્જક પોતાની કૃતિ પ્રત્યે નિર્મમ બની શકે છે તેને જ કૃતિની પ્રશંસા કરવાનો અધિકાર છે. એમની પચાસ વર્ષની વયે એમના માનમાં યોજાયેલા સમારમ્ભ પ્રસંગે એમણે કહેલું, ‘આજે તમે જે સમ્માનનો ઉપહાર મને આપ્યો છે તેને હું દેશના આશીર્વાદ ગણીને માથે ચડાવું છું – એ પવિત્ર સામગ્રી છે. એ મારા ભોગને માટેનો પદાર્થ નથી, એ મારા ચિત્તને વિશુદ્ધ કરશે, મારા અહંકારને એ બહેકાવી મૂકશે નહીં.’ પ્રશંસા પ્રત્યેનું આ દૃષ્ટિબિન્દુ કવિવરની મહત્તાનું દ્યોતક છે. એ પ્રસંગે એમણે જે એક બીજી વાત કહી તે પણ વિચારવા જેવી છે. ‘કવિ ભલે ને ગમે એવો મહાન હોય, એનું સમસ્ત કવિ હોતું નથી. એને વળગીને હંમેશાં એક અહમ્ રહ્યું હોય છે. એને જે કાંઈ મળે તેમાં ભાગ પડાવે છે. એનો વિશ્વાસ, કર્તૃત્વ બધામાં જ ને કવિત્વના ગૌરવમાં પણ એનો ભાગ એ પોતાની થેલી ભર્યે જ રાખે. પૂજાના નૈવેદ્યની પુરોહિત ચોરી કર્યે જ જાય. પણ મૃત્યુ પછી એ અહમ્ની બલા રહે નહીં. ત્યાર પછી જ પ્રાપ્ય નિરાપદ યથાસ્થાને પહોંચે. અહમ્ જ પૃથ્વીમાં સૌથી મોટો ચોર છે. એ ભગવાનની વસ્તુ પણ પોતાની કરી લેતાં સહેજે ખંચકાય નહીં. તેથી જ તો એ દુર્વૃત્તને કાબૂમાં રાખવા માટે આટલાં આટલાં અનુશાસન! તેથી જ તો મનુએ કહ્યું કે સમ્માનને ઝેર જેવું ગણજો ને અપમાનને અમૃત જેવું ગણજો. જ્યાં સમ્માન લોભની વસ્તુ બની રહે ત્યાં તેના સંસ્રાવનો યથાશક્તિ પરિહાર કરવો એ જ ઠીક.

નવ-વિધાન:30-8-1953

License

Share This Book