17 વિવેચનનું રાજકારણ

એક મિત્રે પુણ્યપ્રકોપ પ્રકટ કરતાં કહ્યું, ‘આ વિવેચનનો વેપલો બંધ થાય તો સારું. સાચું કહું તો એ સાહિત્યાભિમુખ કરવાને બદલે સાહિત્ય તરફથી દૂર સરી જવાને જ ઉશ્કેરે છે.’ એમની ફરિયાદમાં થોડું સત્ય તો છે. વિવેચનને એનું આગવું રાજકારણ છે. સાહિત્ય પરત્વેના અમુક એક અભિગમનું વર્ચસ વધે તે જોવું એવી કેટલાકની દાનત હોય છે. કૃતિનિષ્ઠતાની વાત સામાજિક સન્દર્ભ, સામાજિક પરિવર્તનને નામે રદબાતલ ગણવાનો આગ્રહ પણ દેખાય છે. આનું પરિણામ એ આવે છે કે સાહિત્ય પાસે શું પામવા જવું જોઈએ એ વિશે સામાન્ય વાચકના મનમાં દ્વિધા થાય છે. મનોરંજન તો એને રેડિયો, ટેલિવિઝન, સિનેમાથી મળી રહે છે. સામૂહિક માધ્યમોની આપણા પર જે પકડ છે તે હવે ઘટવાની નથી, વધતી જ જશે. આથી ભાવક વધુ ને વધુ નિષ્ક્રિય બનતો જાય છે. એના વ્યક્તિત્વના જે અંશને સજીવન કરીને પ્રબુદ્ધ કરવાનો છે તે તો બનતું જ નથી. આથી ભાવક એક પ્રકારની ઉદાસીનતાથી જે જોઈ સાંભળી રહ્યો છે તેમાં સંડોવાયા વિના, બધું ઝીલતો રહે છે. એથી એની ચેતનાનો ઉત્કર્ષ થતો નથી.

વિવેચનને વ્યવસાય બનાવનારો એક વર્ગ ઊભો થયો છે. એ વિવેચનપ્રવૃત્તિને નિમિત્તે મુરબ્બીપણું દાખવતો હોય છે. જે સર્જકોનો અભિગમ જુદો હોય એની ઉપેક્ષા કરવી કે તેમને લાગ જોઈને ટપારવા,જે સર્જકો એમની તરફ માન્યતા માટે આતુર દૃષ્ટિપાત કરતા હોય તેમને થાબડવા, સાથે સાથે બે શબ્દો સુફિયાણી સલાહના કહી પણ દેવા, ઝાઝી તાત્ત્વિક ચર્ચામાં કે ઊહાપોહમાં ઊતરવું નહિ, બધું બાંધે ભારે, ઠાવકું મોઢું રાખીને કહેવું – આવી કંઈક એમની નીતિ હોય છે. એ લોકો પ્રકાશકને મદદ કરતા હોય છે, સર્જકમાં વ્યક્તિગત રસ લઈને એને ઉપકૃત કરતા હોય છે, પણ જેમને હજી સાહિત્યકૃતિનો આસ્વાદ લેવાની ઇચ્છા છે તેમને આ વિવેચકોનો વર્ગ ઝાઝો ઉપયોગી થતો નથી. ‘નળાખ્યાન’ને સાહિત્યકૃતિ તરીકે માણ્યા વિના એને વિશે લખનારા ઘણા છે. નળાખ્યાન વિશે લખવાની જરૂરિયાત પણ વ્યાવસાયિક છે, રસકીય નથી.

બીજી બાજુ હું એવા સર્જકમિત્રોને પણ મળ્યો છું જેઓ પૂરા અભિમાનથી કહેતા હોય છે, ‘અમે આ બોચિયા વિવેચકોનું કશું વાંચવામાં વખત બગાડતા જ નથી.’ આ લોકો એમ માને છે કે સર્જન એ એક ગુહ્ય રહસ્ય છે, જેને પોતાના સિવાય બીજું કોઈ પામી શકે નહિ; વળી બીજું કોઈ એ પામે એમાં એમને રસ પણ હોતો નથી. આ લોકો દૃઢપણે માને છે કે વિવેચકો પાસેથી એમને કશું શીખવાનું હોતું નથી.

એક ત્રીજો પણ વર્ગ છે: એને સાહિત્યના ત્રિકાલાબાધિત પ્રશ્નોની ચર્ચામાં જ રસ હોય છે. એ કળાના સત્યની, વાસ્તવિકતાના સ્વરૂપની,કપોલકલ્પિતની અદ્ભુતની ને એવી તેવી ચર્ચા કરે છે. એને સમસામયિક સાહિત્યિક સન્દર્ભ સાથે ઝાઝો સમ્બન્ધ હોતો નથી, એટલું જ નહિ, એવો સમ્બન્ધ એવી પ્રવૃત્તિની પવિત્રતાને કલુષિત કરે એવું પણ એ માને છે. એ જે સમસ્યા વિશે ઊહાપોહ કરે છે તેનું કોઈ કાળેય નિરાકરણ થવાનું નથી એવું જાણીને જ એ કરે છે. આ વર્ગ પોતાની બહુશ્રુતતા અને વ્યુત્ત્પત્તિમત્તા પ્રકટ કરવાને માટે જ આ પ્રવૃત્તિ આદરતો હોય એવી છાપ પડે છે. આ વર્ગમાં જ ભૂલથી જેને મૂકી દઈએ એવો પણ વિવેચકોનો એક પ્રકાર છે. એ સાહિત્યને અને સાહિત્યિક આલોચનાને સમકાલીન સન્દર્ભમાંથી ઊભા થતા પાયાના મુદ્દાઓ જોડે સાંકળી આપીને કંઈક બૃહત્ પરિપ્રેક્ષ્યમાં એને અવલોકે છે. એ માટે એ આ કે તે ભાષાના જ નહિ પણ વિશ્વના સાહિત્યસન્દર્ભને ધ્યાનમાં લે છે. એનું ધ્યેય સાહિત્યને એના સાચા ગૌરવ તથા સૂક્ષ્મતાસહિત માણવાને માટે જરૂરી એવી ભૂમિકા રચી આપવાનું છે. એ નિમિત્તે એ પોતાની ભાષાની કૃતિઓની મર્યાદાઓ પણ બતાવે, આપણી આગળ વિશ્વસાહિત્યમાંથી ઉત્તમ કૃતિના નમૂનાઓ પણ મૂકે, એનો આસ્વાદ પણ કરાવે.

સાહિત્યના વર્ગોમાં તો કૃતિની વિશદ સમજૂતી અને એ વિશે જરૂરી ટિપ્પણ – આથી વિશેષ કશું થતું હોતું નથી. એમાં કેટલીક વાર તો ‘આ વાર્તા વાર્તા જ બનતી નથી.’ કે ‘આ કાવ્યમાં કાવ્યત્વની માત્રા ઓછી છે.’ જેવાં નર્યાં platitudes જ સંભળાતાં હોય છે. અધ્યાપકોમાં વધુ સજ્જતાવાળો પણ એક વર્ગ છે,પણ તે લઘુમતિમાં છે.

ગુજરાતી વિભાગોમાં અધ્યક્ષોના વ્યક્તિત્વના કરિશ્માનો પણ ઘણી વાર અનુચિત ઉપયોગ થતો હોય છે. રાજકારણમાં કેટલાક જેમ કેટલાક કોમ્યુનિઝમથી ભડકે છે તેમ સાહિત્યમાં કેટલાક formalismથી (એ શું છે તેબરાબર જાણ્યા વિના) ભડકે છે. અહીં પણ સ્થાપિત હિતો અને પ્રતિષ્ઠાનો અકળ રીતે એમનું વર્ચસ્ ફેલાવતા હોય છે. જુદા જુદા સાહિત્યવિભાગોમાં થાણાં કબજે કરવાની મહત્ત્વાકાંક્ષાવાળા લોકો પણ હોય છે. રાજકારણના ક્ષેત્રમાં જે નથી ફાવ્યા તે સાહિત્યના નાના ક્ષેત્રમાં એ મહેચ્છા સંતોષતા પણ દેખાય છે. આ બધાં અનિષ્ટોને કારણે સાહિત્યશિક્ષણમાં એક મોટું અનિષ્ટ પેઠું છે: એ છે bureaucratisation of imagination.

આનાં પરિણામો સાહિત્યપરિષદનાં જ્ઞાનસત્રોમાં અને અધ્યાપક સંઘનાં અધિવેશનોમાં જોવા મળે છે. વિવેચનનો મોટો જથ્થો આપણી ચેતનાના ઉત્કર્ષમાં શ્રેયસ્કર નીવડતો નથી. સમાજ અને સામાન્ય વાચકનું હિત જેમને હૈયે વસ્યું છે તેઓ કૃતિને ભાવક સુધી પહોંચાડવાનું મધ્યસ્થ તરીકેનું કામ કરવાને બદલે સર્જકો આમેય ક્ષીણ થતી જતી સર્જકતામાં વધુ પાણી રેડીને પાતળી બનાવે એમ ઇચ્છે છે. એઓ ટેકનિકની ચર્ચાને બિનજરૂરી ઘણે છે. આથી ચતુર સર્જક લોકપ્રિય થવા માટે લોકોના પૂર્વગ્રહ પ્રતિગ્રહોને જાણી લઈને એમની રુચિને જ પંપાળે એવી કૃતિઓ જથાબંધ લખવાની એક ફોર્મ્યુલા તૈયાર કરીને બેસી જાય છે. સ્થાપિત હિતોની સહાયથી એ પોતાના સન્માનાદિની વ્યવસ્થા કરી લે છે.

આ બધાંને પરિણામે મને તો લાગે છે કે એક નવા જ પ્રકારની નિરક્ષરતા ઊભી થવાનો ભય રહે છે. મેથ્યૂ આર્નલ્ડે જે જડભરતોની ટીકા કરેલી તે જડભરતોનું જ વર્ચસ ફેલાતું જશે, એનો પ્રતિકાર કરવાનું મુહૂર્ત આવી લાગ્યું છે.

એતદ્   જુલાઇ, 1983