28 રુચિના સીમાડા

આલ્બર્તો મોરાવિયાનું ‘ધ કન્ફમિર્સ્ટ’ એક સાહિત્યના વ્યાસંગી મુરબ્બીને વાંચવા આપ્યું. પાછું વાળતાં એમણે કહ્યું, ‘It stinks with sex..’બીજા એક યુવાન કવિમિત્રે ‘ધ વુમન ઓવ્ રોમ’ વિશે કહ્યું, ‘હું માંડ પચાસ પાનાં વાંચી શક્યો, પછી તો કંટાળો આવ્યો!’ આ બંને પ્રતિક્રિયાઓ તપાસવા જેવી છે. એકમાં રુચિનું ચોકઠું એટલું તો જડ થઈ ગયેલું લાગે છે કે અનુભૂતિની કોઈ નવી છટા, નવા રોમાંચને સાશંક અને સભય બનીને જ જોવાં પડે. અમુક અભિગ્રહોને – તેય ખાસ કરીને નૈતિક – એટલા બધા પંપાળવાની ટેવ પડી ઘઈ હોયુ કે એને આઘાત આપે એવું કશું ચિત્તમાં પ્રવેશવા દેવાય જ નહિજ. બીજી પ્રતિક્રિયામાં ‘તમે એમ માનતા હશો કે આ બધી વસ્તુ અમને નવી લાગશે, એથી અમે ઉત્તેજના અનુભવીશું પણ અમને તો એવું કશું થયું નહિ.’ એ પ્રકારનો અહંભાવ રહેલો જણાશે. આ બંને પ્રતિક્રિયાઓ રસવૃત્તિના વિકાસને અપકારક નીવડે તેવી છે. સર્જકના વિશ્વમાં પ્રવેશીએ ત્યારે આપણને સદી ગયેલી ટેવોની માપપટ્ટીથી જ બધું માપવાનો આગ્રહ રાખીને પ્રવેશીએ તો રસ માણી નહિ શકીએ. કાફકાની ‘ધ કાસલ’ વાંચીએ ત્યારે કેવો અનુભવ થાય છે! પાણીમાં ડૂબકી મારનાર મરજીવો જેમ એ કાર્યને માટે અનુકૂળ સાધનોથી સજ્જ થયા પછીથી જ ડૂબકી મારે છે તેમ કાફકાની સૃષ્ટિમાં પ્રવેશતાં પહેલાં એની વિશિષ્ટ આબોહવા સહ્ય બને, એમાં જીવી શકીએ તેવી વ્યવસ્થા કરીને પ્રવેશવાનું રહે છે. પણ સાચો રસિક એમ કરવામાં પોતાનું અપમાન સમજતો નથી. એ રીતે પ્રવેશ્યા પછી અનુભૂતિના એક નવા જ પરિમાણની, એક નવા જ ફલકની જે એંધાણી મળે છે તે એ સૃષ્ટિનું વિશિષ્ટ પરિવેષ્ટન શા માટે અનિવાર્ય છે તેની સદ્ય પ્રતીતિ કરાવે છે. ત્યારે કાફકાની સંનિષ્ઠા, એનો ઉત્કટ વિષાદ, સાવ કપોલકલ્પિત લાગતાં એવા વિશ્વને અત્યન્ત બારીક વિગતે વર્ણવીને એમાં સત્યની પ્રતીતિ કરાવવાની એની અસાધારણ શક્તિ ને સૌથી વિશેષ તો એ આખી સૃષ્ટિને આવરીને રહેલી એના સર્જકના અન્તરની સર્વ માનવજાતના વતી અનુભવેલી અસહાય એકલતાનો આપણને અનુભવ થાય છે ને ત્યારે કાફકાની મહત્તા આપોઆપ સમજાય છે. જે અનિવાર્યતાએ નવલકથાના આયોજનના નકશાને આમ સાવ ધરમૂળથી પલટી નાંખ્યો તેની સહેજ માત્ર ઝાંખી થતાં આપણને પણ ભયમિશ્રિત રોમાંચ થાય છે.

આથી જીવનની છેલ્લી ક્ષણ સુધી રુચિના સીમાડાને સાંકડા થવા દીધા વિના અનુભૂતિનાં નવાં નવાં ફલકને જોવાની આતુરતા મોળી પડવા દેવી ન જોઈએ. સાહિત્યના આસ્વાદને ચોખલિયાઓ વિલાસ ગણે છે, પણ એ વિના આપણી ઊમિર્ઓ શી રીતે પરિષ્કૃત થાય, એનામાં સૂક્ષ્મતા ને કુમાશ શી રીતે આવે?સમભાવનો પરિઘ શી રીતે વિસ્તરે?આ સમ્બન્ધમાં આન્દ્રે ઝિદે જે કહ્યું છે તે અહીં સંભારીએ: ‘Those few intellectuals who today beat their breast and accuse themselves of having loved literature too much – will they never understand how prejujudicial it is to culture to forsake and negate certain graves of the mind? Are we by a strategic withdrawal, to turn our back on everything subtle, finely shaded, and dedicate …? (‘Journals’ 1940, 22)

મનીષા  9  1955

License

Share This Book