32 મૂંઝવી નાખે એવું વૈવિધ્ય

મૂંઝવી નાખે એવું વૈવિધ્ય

(છેલ્લા દસકાની કવિતા વિષે નોંધ)

આપણે અદ્યતન ગુજરાતી સાહિત્યની એટલા નિકટ છીએ કે એનું અવલોકન કરતી વખતે આ નિકટતાને લીધે જ દૃષ્ટિમાં વિભ્રમ પેદા થાય એવો સમ્ભવ છે. આથી તટસ્થ મૂલ્યાંકન કરવું હોય તો એને માટે જરૂરી એવી દૂરતા કેળવી લેવાનું અનિવાર્ય બની રહે છે. આપણા જ સમયમાં આપણે જે ઝડપભેર થતાં પરિવર્તનો જોયાં છે, આપણી સંવેદના પર પશ્ચિમનાં સાહિત્ય ને સંસ્કૃતિની જે પ્રચંડ અસર અનુભવી છે એ બધાંને પરિણામે આપણને મૂંઝવી નાખે એટલા પ્રકારના ને એટલા સમ્પ્રદાયના કવિઓ મળ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોની સાહિત્ય માટેની રુચિ કેળવવાનું તેમને ભાગે આવ્યું છે એ સહુ, ધ્યાનપાત્ર બન્યે જતા કવિઓની પ્રશંસા યા નિન્દા કરે ત્યારે અત્યન્ત સાવચેતી જાળવે એ ખરેખર જરૂરી છે.

વિમુખતા, હતાશા, ઈશ્વરનું મૃત્યુ,અતિવાસ્તવવાદ, neo-primitivism, ને બીજા અનેક શંકાસ્પદ મૂલ્ય ધરાવતા વાદને નામે લિવરપૂલ ને સાન્ફ્રાન્સિસ્કો જેવાં દૂરદૂરનાં વિદેશી નગરોમાં જન્મ પામતાં અનેક ક્ષણજીવી સંપ્રદાયો ને ફેશનોનો આપણે ત્યાં સતત શુકપાઠ થયા કરે છે એવે વખતે વિવેચકે કયા સર્જકનો સાહિત્ય સાથેનો સમ્બન્ધ સન્નિષ્ઠ છે એ પારખવા માટે સદા જાગ્રત રહેવું પડશે, સાહિત્ય વિષે પ્રામાણિક ઉત્સાહ હોય ને છતાંયે પરપ્રત્યયનેય બુદ્ધિ ધરાવતા હોય એવા લોકોના વિવેચકિયા મમ્બોજમ્બોમાં સન્નિષ્ઠ સર્જકતા ને ઊંડી અભિજ્ઞતાનો સૂર અળપાઈ ન જાય એ માટે પોતાના કાન ખૂબ સરવા કરવા પડશે. આથી જ, જે કવિઓએ પોતાનો આગવો સૂર સિદ્ધ કર્યો છે એમનો જ કેળવાયેલી રુચિ પર પ્રભાવ પડ્યો છે. એમણે બોદલેર ને માલાર્મેનાં કાવ્યોનું વાચન કર્યું છે તે ખરેખરા અર્થમાં સમાન ભૂમિ પરનું મિલન પુરવાર થયું છે, એમણે એને સિદ્ધહસ્ત પૂર્વસૂરિઓના આંધળા અનુકરણ દ્વારા તાત્કાલિક સફળતા મેળવી લેવાના સાધન તરીકે તો નથી જ વાપર્યું.

ગુજરાતી કવિતાને ભાગે પણ ઠીકઠીક પ્રમાણમાં નકલખોરો આવ્યા છે એની ના નહીં, તો બીજે પક્ષે જે કાંઈ અદ્યતન છે તે સર્વને ઉતારી પાડે એવા અલ્પશ્રુત ને અવિચારી વિવેચકો પણ આવ્યા છે. આવા વિવેચકોને લાગેવળગે છે ત્યાં સુધી જે કૃતિમાં સૂક્ષ્મતા ને સંકુલતા છે જે સ્વતન્ત્ર બુદ્ધિનિષ્ઠ પ્રતિભાવનની અપેક્ષા રાખે છે તે બધી તત્કાળ રદબાતલ જ ગણાઈ જાય છે. આ વિવેચકો કાં તો વર્ષાનુવર્ષ સંઘરેલી જરઠતાને લીધે સંવેદનજડ બની ગયા છે, કાં તો કૃતિનિષ્ઠ પ્રતિભાવ અનુભવવાને એટલા અસમર્થ છે કે એમની બુદ્ધિને જે કાંઈ અગમ્ય લાગે છે તે સર્વની એકદમ નિન્દા જ કરવા માંડે છે.

સહુને આશા હતી કે સ્વાતન્ત્ર્યપ્રાપ્તિ પહેલાંનાં વર્ષોમાં જે કવિઓ યુવાનીમાં પ્રવેશ્યા હતા ને ક્રિયાશીલ બન્યા હતા એ સહુ નવનિર્માણનો યજ્ઞ શરૂ થતાંવેંત, અવરોધોને તોડી ફોડી નાખશે ને નવી દિશાઓ ઉઘાડી આપશે;  ને યુવાનીમાં આત્મસાત્ કરેલી સ્વાતન્ત્ર્યની ભાવના એમને ગ્રહની આગવી ભ્રમણકક્ષાની જેવી જ ગતિશીલ સર્જકતા સિદ્ધ કરવા પ્રેરશે. પરંતુ સ્વાતન્ત્ર્યપ્રાપ્તિ પછીનાં વર્ષો તો તદ્દન વિપરીત ઘટનાની જ ચાડી ખાય છે. આમ તો સાહિત્યના બજારમાં રોજે રોજ નવાં નવાં પુસ્તકોના ગંજ ખડકાયે જતા હતા ને હજીયે ખડકાયે જાય છે, છતાં કેટલાક વિરલ અપવાદ બાદ કરતાં બાકીનાં બધાં જ પરમ્પરાગત સ્વરૂપોની ભીંસથી ગૂંગળાઈ ગયાં છે. એમના રચયિતાના વિચારતન્ત્ર પર ગાંધીદર્શનની ભારે અસર છે, છતાં ગાંધીજીના આદર્શોને પોતાની કૃતિઓમાં ચરિતાર્થ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, એટલું જ નહીં, એમાંના કેટલાક તો એની ભુલભુલામણીમાં એકદમ અટવાઈ ગયા છે, એકનાં એક આદર્શવાદી સૂત્રોનો એકધારો પાઠ કર્યા કરે છે ને એને વધુ પડતા વપરાશથી તદ્દન લપટા બનાવી દે છે. આપણા કવિઓએ અત્યાર સુધી અગોચર રહેલી અનુભૂતિની શક્યતાઓની શોધ કરવા ભાગ્યે જ સાહસ કર્યું છે; એમણે તો બસ જરાજીર્ણ સંઘર્ષોને નવાં વાઘાં લપેટીને જ રજૂ કર્યે રાખ્યા છે. કોઈકને તો એમ થાય કે ખરેખરા સંવેદનશીલ કવિને માટે તો ગાંધીજીનું અત્યન્ત વિચારપ્રેરક નીતિદર્શન બૌદ્ધિક રીતે ખૂબ જ ઉદ્દીપક નીવડ્યું હોત, ને સામાન્ય નરનારીને અગમ્ય એવાં આન્તર ને બાહ્ય વિશ્વના વિશાળ વિસ્તારને તાગવાની ને પારખવાની એને ફરજ પડી હોત પણ બન્યું એવું કે આ કાર્ય પાર પાડવાની એમનામાં ગુંજાયશ નહોતી ને પરિણામે એ બહુધા ગાંધીજીએ પ્રબોધેલી જીવનરીતિની હિમાયત કરતા હોવા છતાં, એ જે પડકાર ફેંકતી હતી એ બધા જ ઝિલાયા વિનાના રહી ગયા, કારણ કે આ કહેવાતા ગાંધીવાદીઓ ગાંધીદર્શનને અનુસરીને જીવનનું ઊંડું અવગાહન કરવાને બદલે એની સપાટીમાં જ રાચતા હતા. સંસ્કૃત છન્દો ને કાલગ્રસ્ત ઇબારતનો તસતસતો અંચળો ફગાવી દેવાની એમની સ્વાભાવિક અનિચ્છાને લીધે એમની તમામ કાવ્યચેષ્ટાઓ નિરાશાજનક સામાન્યતામાં સરી પડી હતી.

આવી પરિસ્થિતિમાં જેમને અદ્યતન ગુજરાતી કવિતાની ક્ષિતિજો વિસ્તારવાની ઝંખના હતી એમનું કાર્ય ખરેખર વિકટ હતું. લગભગ બધા જ કળાના વિકાસ અંગેની પોતાની મહત્ત્વાકાંક્ષાને સાકાર કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. છતાં વિકાસની અનિવાર્યતાનો સ્વીકાર થવા માંડ્યો હતો. એમણે બોલચાલની ભાષાનો વિનિયોગ કરવાની હિમાયત કરવા માંડી હતી. સંસ્કૃત છન્દોને એ રીતે યોજવાનો એમણે પ્રયત્ન પણ કર્યો, તેમ છતાં એમની શક્તિ એટલી તો ઓછી હતી કે એને નરી ચીલાચાલુ રીતે યોજવા સિવાય બીજી કોઈ સફળતા મળી નહીં. એમની ઇબારતમાં નવા પ્રાણની ચમક નહોતી ને ભાષામાં સર્જક કલ્પનાનો આવેગ વરતાતો નહોતો. એ તદ્દન બોદી થઈ ગઈ હતી, લપટી પડી ગઈ હતી, ને એમાંથી જીર્ણોદ્ધારમાં વાપરેલાં સડેલાં પાટિયાંનો ક્ષીણ અવાજ ઊઠતો હતો. એમના શબ્દો સદીઓના એકસરખા વપરાશે લીધે નિષ્પ્રાણ બની ગયા હતા ને વાચ્યાર્થ સિવાયની તમામ શક્તિ ગુમાવી બેઠાં હતા. એમની સંવેદનશીલતા અદ્યતન હતી પરંતુ ચંચળ હતી, વધુ પડતી સભાન હતી એટલે એમણે દેશી છન્દોમાં નવી શક્તિ નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો, તો પણ એમના આ પ્રયત્નો પ્રયોગની ભૂમિકા વટાવીને કંઈક વિશેષ સિદ્ધ કરી શક્યા નહિ. ભાષાની થોડી ઘણી જડતા દૂર થઈ શકી, બસ એટલું જ.

પછી નવો જુવાળ આવ્યો. એને શિખરે ચડેલા કવિઓએ પહેલું કામ છન્દ માત્રનાં બન્ધન ફગાવી દેવાનું કર્યું. છન્દોલય સિવાયનો લય સિદ્ધ કરવાની એમને ઉત્કણ્ઠા હતી એટલે એમણે ભાષાના વ્યાકરણગત વિન્યાસને તોડીફોડી નાખ્યો. અત્યન્ત શક્તિશાળી કલ્પનોનો ધોધ વહ્યો,એની ગતિમાં અનિયમિતતા હતી, અરાજકતાયે હતી, ને કેટલીક વાર તો એનું ઉપહસનીય પરિણામ પણ આવ્યું. તેમ છતાં આ કવિઓ કેવળ સૌન્દર્યલુબ્ધ ભક્તો નહોતા. એમને તો પોતાની અનુભૂતિને અદ્યતન સંવેદનશીલતાની સરાણે ચડાવીને એની નવી ધાર કાઢવી હતી, જીવનની નવી વ્યંજનાને તરલ છલનામય આકૃતિ ઉપસાવવી હતી. વધુ પડતી સભાનતાને લીધે કોઈ પણ ક્રાન્તિકારી પ્રવૃત્તિ તરત આત્મરતિમાં સરી પડે છે એનું એમને ભાન હતું. એથી એમણે સ્વાભાવિક રીતે પૂરેપરી સાવચેતી રાખવા માંડી હતી. વિશ્વયુદ્ધ ને સ્વાતન્ત્ર્યપ્રાપ્તિ પછી ભારતમાં કંઈ કેટલીયે ઘટનાઓ બની રહી હતી. જીવનમાં પહેલી વાર આટલો સમૃદ્ધ અનુભવ ને નવજાત રાષ્ટ્રના નવનિર્માણનો ઉત્સાહ માણવાનો અવસર સાંપડ્યો હતો ને કવિઓ એનો પૂરેપૂરો લાભ લેવા આતુર હતા. ઉત્કટતાથી માણેલી જીવનની એકેએક ક્ષણને કળાનું રૂપ આપવાની એમને જરૂર લાગતી હતી. એમના આ ભગીરથ કાર્ય પાર પાડવાની અત્યાર સુધી ચવાઈ ચવાઈને કૂચો થઈ ગયેલા શબ્દો ને ભાવનાના સૂત્રોચ્ચારમાં રાચતી ઇબારત જરાય ક્ષમતા ધરાવતાં નહોતાં. બીજી બાજુ ભૌતિકવિજ્ઞાનમાં અનેક શોધોને પરિણામે મનુષ્યના જ્ઞાનની સીમા કલ્પનાતીત ઝડપે વિસ્તરવા લાગી હતી.

આનન્દના તેમ જ ભયના અત્યાર સુધી અનનુભૂત એવા સંખ્યાતીત ભાવોને આકાર આપી શકાય એ માટે ભાષાને નવા નવા શબ્દોથી શુદ્ધ બનાવવાની જરૂર હતી. એટલું જ નહીં, એને મારીમચડીને તેમ જ તોડીફોડીને તદ્દન નવી જ ભાષાનું નિર્માણ પણ કરવાનું હતું. અમાનવીય ઊમિર્ઓ તેમ જ પ્રબળ માનસિક આઘાતોને સફળતાથી વ્યક્ત કરી શકાય એ હેતુથી કવિઓએ આદિમ આવેશના ઉદ્ગારો ને ધ્વનિઓને પણ કામમાં લેવા માંડ્યા હતા. અભિમત ભાવના ને જડ નિયમોના ચોકઠામાંથી મુક્ત થવાનો મક્કમ નિર્ધાર તેમ જ પ્રતીકરચના વડે વિશદ નિર્ભ્રાન્ત ચેતના પ્રાપ્ત કરવાનો સભાન પ્રયત્ન કરતાં કરતાં એમણે ઘણીયે વાર ઉન્માદભરી મુદ્રા ધારણ કરી. અભિવ્યક્તિની પ્રત્યેક પરમ્પરાપ્રાપ્ત રીતિને વર્જ્ય ગણીને સંસ્કારથી માંડી અરાજકતા સુધીના તમામ વિષયોના ઉપહસનીયતા પ્રગટ કરી પરંતુ અભિવ્યક્તિની નવીનતાની શોધમાં નીકળેલા આ કવિઓએ યોજેલાં કેટલાંક કલ્પન સમગ્ર કૃતિમાં પ્રાણવાયુની પ્રસરી જવાને બદલે ગંઠાઈ ગયેલાં નીવડ્યાં. એમની ઇબારત ને એમનો શબ્દવિન્યાસ જ્યાં સુધી લયાન્વિત ઉદ્ગારની કક્ષાએ રહ્યાં ત્યાં સુધી જ કળાત્મકતા સિદ્ધ કરી શક્યાં, એ સિવાય તો એમના અભિનિવેશના ભાર તળે કચડાઈ ગયાં. એટલે એમણે આવેશને વશ થઈને પરંપરાપ્રાપ્ત કાવ્યસ્વરૂપો અપનાવ્યાં. આ પરમ્પરાપ્રાપ્ત સ્વરૂપોને એમણે ઉપહાસનાં ને આગલી પેઢીની આદર્શ ઘેલછાની વિડમ્બનાનાં સાધન બનાવ્યાં. ને એમ કરતાં કરતાં એમણે પોતાની વ્યથાનીયે વિડમ્બના કરી.

તેમ છતાં,બધાંની વિડમ્બના કરવામાં કવિઓને માનવીય સન્દર્ભની બહાર રહીને કાર્ય કરવું પડ્યું. આથી અનુભૂતિનાં અનેક સમૃદ્ધ સ્તરોને સ્પર્શવાનું બની શક્યું નહીં. નરકયાતનાની અંગત સૃષ્ટિમાં પુરાઈ ગયા વિના એક નવા જ ગતિશીલ સન્દર્ભ રચી આપવાનું કાર્ય એમને માટે અનહદ વિકટ પુરવાર થયું. તેમ છતાં એમનામાં અંગત અનુભૂતિને આકાર આપતાં આપતાં એક નવી જ સૃષ્ટિનું નિર્માણ કરવાની અદમ્ય ઇચ્છા હતી ને એને પરિણામે ભાષાને જ લાભ થયો. ભાષાનાં ઠીંગરાઈ જતાં અંગોમાં નવો પ્રાણ પુરાયો. આના પરથી સમજાઈ જશે કે નવા કવિઓએ પરમ્પરાને ખરેખર છોડી જ નથી, ને સાચે સાચ તો અનુભૂતિનું રસાયણ પરમ્પરાના પાત્રમાં જ તૈયાર થતું હોય છે ને એમાં જ એનો અપૂર્વ આહાર રચાતો હોય છે.

(સાહિત્ય અકાદમીના ત્રૈમાસિક ધઇન્ડિયન લિટરેચર’ના માર્ચ 1971માં લખેલી નોંધનો જયંત પારેખે કરેલો અનુવાદ)

ઊહાપોહ  ડિસેમ્બર, 1971

License

Share This Book