11 પરિભાષાનો ઉપયોગ

આપણા વક્તવ્યને બીજા આગળ સ્પષ્ટ રીતે રજૂ કરવાને આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એને બદલે જો આપણે આપણા વક્તવ્યને અસ્પષ્ટ, સન્દિગ્ધ કે ગૂંચવાડાવાળું બનાવી દે એવી ભાષા વાપરતા હોઈએ તો એનાં બે કારણો હોઈ શકે; (1)આપણું વક્તવ્ય આપણા મનમાં જ સ્પષ્ટ સુરેખ ન હોય; (2)ભાષાની વિશદ રીતે વિચાર રજૂ કરવાની શક્તિનો આપણે ઉપયોગ કરી શકતા ન હોઈએ. આ બંનેમાં આપણે પક્ષે અશક્તિ રહેલી હોય છે. એને આપણે ઘટતા પ્રયત્નોથી ટાળી શકીએ. ભાષા સન્દિગ્ધ કે અસ્પષ્ટ બનવાનું આ ઉપરાંત એક બીજું પણ કારણ છે; એ છે વક્તવ્યની નવીનતા કે અસાધારણતા. આપણી ભાષાએ એ નવીન તત્ત્વને વિશદ રીતે રજૂ કરવાની શક્તિ કેળવેલી નહીં હોય તો પ્રાપ્ત તે સાધનોથી એ તત્ત્વ રજૂ કરવું જ રહ્યું. પણ આવી ઘટનાને વિરલ જ લેખવી જોઈએ. આપણા કેટલાક ગદ્યલેખકોનું લખાણ વાંચીએ છીએ ત્યારે મનમાં એમ લાગ્યા વગર રહેતું નથી કે એઓ પહેલાં અંગ્રેજીમાં વિચાર કરીને પછી એનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. આને કારણે રચના સુભગ ને સુવાચ્ય બનતી નથી. ઘણા એમ પણ માને છે કે અમુક પ્રકારની વિચારણા રજૂ કરવાનું તો આપણી ભાષાનું ખમીર જ નથી. આ પરિસ્થિતિ તટસ્થ તપાસ માગી લે છે.

આપણે જે વિચાર રજૂ કરવાનો હોય તે જો અસામાન્ય કે નવીન હોય તો તેને વ્યક્ત કરવા માટે આપણે નવી પરિભાષા યોજવી પડે. સાહિત્યિક વિવેચનમાં કે તત્ત્વચર્ચામાં સાવ નવીન એવું તો કશું કહેવાનું હોઈ શકે નહીં. પહેલાં જે કહેવાઈ ચૂક્યું છે તેને આજે આપણે વધારે સારી રીતે ગ્રહી શક્યા હોઈએ કે પહેલાં અમુક અંશોની માત્ર ઝાંખી જ થઈ હોય તેને આજે આપણે સ્પષ્ટ રૂપે જોઈ શક્યા હોઈએ એવું જ બનવાનો એમાં સમ્ભવ છે. કોઈ સાવ નવી વિભાવના તો રજૂ કરવાની ભાગ્યે જ આવે. વિજ્ઞાનની પરિભાષામાં ક્વચિત્ એક મહત્ત્વનો ભેદ રહેલો છે તે જોઈ લેવો જરૂરી છે. વિજ્ઞાનમાં પહેલાં જોવામાં ન આવ્યા હોય એવા કોઈક નવા તત્ત્વની શોધ થાય તો એને નવી સંજ્ઞા આપીને જ ઓળખાવવું અનિવાર્ય થઈ પડે; વિવેચન કે તત્ત્વચર્ચામાં આવી અનિવાર્યતા ઊભી થતી નથી, કારણ કે એમાં રજૂ થતી વિભાવના કે વિચારણા સાવ નવીન હોવાનો સંભવ નથી. કોઈ પ્રચલિત સંજ્ઞાના સંકેતને વિસ્તારીને કે મર્યાદિત કરીને આપણે કામ ચલાવી શકીએ; એટલે કે જે સંજ્ઞા આપણે ખપમાં લઈએ તેના સંકેતમાં સંકોચવિસ્તારને માટેની શક્યતા રહી હોવી જોઈએ. ભિન્ન ભિન્ન સન્દર્ભોમાં એક જ શબ્દ જુદી જુદી અર્થચ્છાયાઓ પ્રકટ કરતો હોય તો તેની એ શક્તિને પણ આપણે ખપમાં લઈ લેવી જોઈએ. આ હકીકતને લક્ષમાં લઈને જ કોલિંગવૂડ કહે છે: ‘We, therefore, never need an absolutely new word for an absolute new thing. But we do constantly need relatively new things.’

સાહિત્ય અને વૈજ્ઞાનિક ક્ષેત્રે પરિભાષાનો ઉપયોગ સ્વતન્ત્ર વિચારણા માગી લે છે. આ લેખ વિવેચનમાં પરિભાષાના ઉપયોગ પૂરતો મર્યાદિત હોઈ, વિજ્ઞાનક્ષેત્રે પરિભાષાના આનુષંગિક પ્રશ્નોનો વિચાર કરવામાં નથી આવ્યો. વિજ્ઞાનની અને સાહિત્યિક વિવેચનની    પરિભાષામાં રહેલા ઉપર બતાવેલા ભેદ વિશે એક સ્પષ્ટતા કરીને જ સન્તોષ માનશું. ખૂબ જ વિશિષ્ટ અને ચોક્કસ સંજોગોમાં નવી સંજ્ઞા આપવાની જરૂર ઊભી થાય છે. ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રે નવા તત્ત્વની શોધ થતાં એ તત્ત્વને,આગળ શોધાયલાં બધાં તત્ત્વોથી જુદી સંજ્ઞા આપીને જ ઓળખવું રહ્યું. તત્ત્વની વ્યાખ્યામાં જ  આ અનિવાર્યતા સ્ફુટ થાય છે. વિજ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં ક્યારે નવી સંજ્ઞા આપવાની જરૂરિયાત ઊભી થાય છે અને કયા સંજોગોમાં નવી પરિભાષા યોજવી પડે છે એ અભ્યાસનો વિષય બની રહે છે. એવા વિશિષ્ટ સંજોગોના અભાવમાં, સાહિત્યમાં બને છે તેમ વિજ્ઞાનમાં પણ પ્રચલિત સંજ્ઞાના સંકેતથી જ ચલાવી લેવામાં આવે છે. ગ્રીક તત્ત્વવેત્તાઓ પદાર્થના અતિ સૂક્ષ્મ અંશને અણુપરમાણુની સંજ્ઞાથી ઓળખતા; ‘એટમિક થીઅરી’ના પ્રણેતા ડાલ્ટને પણ એ સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો અને અણુબંધારણની ક્રાન્તિકારી શોધો ઉપર રચાયેલું  આધુનિક ભૌતિકવિજ્ઞાન પણ એ સંજ્ઞા વાપરીને જ આગળ વધે છે. અણુથી ગ્રીક તત્ત્વવેત્તાને અને ડાલ્ટનને જે અભિપ્રેત હતું અને આધુનિક વિજ્ઞાનીને જે અભિપ્રેત  છે એમાં સમાનતા માત્ર અણુની સૂક્ષ્મતા વિશે જ રહેલી છે. અણુની આંતરિક સમૃદ્ધિએ ઊભા કરેલા અર્થભેદ આગળ સમાનતાનો અંશ ગૌણ બની જાય છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પ્રચલિત સંજ્ઞાના ઉપયોગથી જ કેમ ચલાવી લેવામાં આવે છે, એ ઉપયોગથી નવી સંજ્ઞા રચવા કરતાં કયો વિશિષ્ટ લાભ થાય છે અને કયા પ્રકારની મુશ્કેલીઓ આવે છે, આ પ્રશ્નો ઊભા થાય છે. પ્રચલિત સંજ્ઞાઓના સતત ઉપયોગથી ઊભા થતા અનર્થોની વિચારણામાંથી પશ્ચિમમાં અર્થસંક્રાન્તિ શાસ્ત્રનો ઉદ્ભવ થયો છે. એનું કાર્યક્ષેત્ર સમજી, સાહિત્યિક અને વિવેચન ક્ષેત્રને એ શાસ્ત્ર કેટલે અંશે આવરી લે છે એ પણ આપણે વિચારવું રહ્યું.

સામાન્ય વ્યવહારની ભાષામાં આપણને પરિચિત હોય એવા શબ્દને પણ આવી શંકા તરીકે ખપમાં લઈ શકાય. ‘આનન્દ’ એવો જ એક શબ્દ છે. સામાન્ય વ્યવહારની ભાષામાં આપણે એને દુ:ખ સાથે વિરોધાવીએ છીએ; ઘણું ખરું સુખ કે મજાનો એને પર્યાય ગણી લઈએ છીએ. પણ કાવ્યચર્ચામાં જ્યારે એને મૌલિભૂત પ્રયોજન કહીને ઓળખાવીએ છીએ ત્યારે કાવ્યથી સધાયેલા ચેતોવિસ્તારથી પરિણમતા વિશિષ્ટ મનોભાવનો એ દ્યોતક બની રહે છે. ત્યાં એ દુ:ખનો વિરોધી રહેતો નથી. કારણ કે દુ:ખની નૈર્વ્યક્તિક નિબિડ અનુભૂતિ પણ ચેતોવિસ્તારની સાધક જ હોય છે. આનન્દના એ બે વિભિન્ન સંકેતો વચ્ચેનો વિવેકનો અધિકારી વાચક સન્દર્ભ પરથી કરી શકે. કાવ્યચર્ચામાંનો ‘આનન્દ’ શબ્દનો વિશિષ્ટ સંકેત સ્વચ્છન્દે આરોપવામાં નથી આવ્યો. ‘આનન્દ’ શબ્દની અર્થચછાયામાં એ સંકેતને માટે પૂરતો અવકાશ રહેલો જ છે. આથી એને દુ:ખનો વિરોધી ગણીને કાવ્યના પ્રયોજનરૂપ આનન્દને માટે બીજી કોઈ સંજ્ઞા યોજવામાં આવે તો ગૌરવદોષ વહોરી લેવા જેવું થાય. એવી જ રીતે કોઈક તત્ત્વના અસ્ફુટ અંશને નવા જ તત્ત્વ તરીકે રજૂ કરીને એને માટે નવી પારિભાષિક સંજ્ઞા યોજવામાં એક પ્રકારની સૂક્ષ્મ અપ્રામાણિકતા રહેલી છે. પરમ્પરાપ્રાપ્ત સંજ્ઞાઓના સંકેતની જો આપણને સાચી સમજ હોય તો આજે આપણે પશ્ચિમમાંથી કેટલીક સંજ્ઞાઓને આયાત કરવાને અકારણ ઉત્સાહી બનીને નિરર્થક ગૂંચ ઊભી કરીએ છીએ તેમાંથી ઊગરી જઈએ. નવી સંજ્ઞાઓની સહુને સુબોધ થાય એવી, નહીં અતિવ્યાપ્ત કે નહીં ઊણી, વ્યાખ્યા આપીને સમજાવીએ નહીં ત્યાં સુધી એ સંજ્ઞા વક્તવ્યને સ્પષ્ટ તરીકે રજૂ કરવાના પોતાના પ્રયોજનને જ સિદ્ધ કરી શકે નહીં. આવી વ્યાખ્યા આપવામાં કેટલીક વાર અનવસ્થા દોષને પણ ટાળી શકાય નહીં. કેટલીક વાર તર્કમાં જેને છળ કહેવાય છે તેનો આશ્રય લેવાથી નાહક વિતણ્ડા પણ ઊભી થાય.

આ બધાંને પરિણામે આપણાં વિવેચન તથા તત્ત્વચર્ચા ક્વચિત્ પાણ્ડિત્યથી લદાયેલાં ને દુર્બોધ બની રહે છે. શક્ય હોય ત્યાં સુધી નવી સંજ્ઞાઓ ઉપજાવીએ નહીં, પ્રચલિત સંજ્ઞાઓના સંકેતને પૂરી રીતે સમજીને ખપમાં લઈ શકીએ ને સામાન્ય ભાષાથી દૂર નીકળી જઈ વિશિષ્ટ ભાષા રચવાના મોહમાં તણાઈ જઈએ નહીં તો આજે ઊભા થતા ઘણા ‘પ્રશ્નો’નું આખું સ્વરૂપ બદલાઈ જશે.

ઓગસ્ટ, 1954

License

Share This Book