40 નવલકથાનો નાભિશ્વાસ

આપણી નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે. કોઈ પણ સાહિત્યપ્રેમીને માટે એ એક શોચનીય ઘટના છે. આ પરિસ્થિતિનું નિદાન કોઈ અધિકારી ચિકિત્સકને હાથે થવું જોઈતું હતું. આવી મહત્ત્વની ઘટના પરત્વેની ઉદાસીનતા એ પણ સારું લક્ષણ તો નથી જ.

અન્ય પ્રાન્તોનાં સાહિત્યનો અભ્યાસી જાણે છે કે આવી પરિસ્થિતિ એક કાળે સર્વ સાહિત્યમાં ઊભી થાય છે. મરાઠીમાં ફડકે અને ખાંડેકર પછી નવી પેઢીના પેંડસે, બોરકર વગેરે નવલકથાકારો ન આવ્યા હોત તો આવી જ પરિસ્થિતિ ઊભી થાત. બંગાળીમાં પણ રવીન્દ્રનાથ અને શરદ્ચન્દ્ર પછી પ્રબોધ સંન્યાલ, શૈલજાનન્દ મુખોપાધ્યાય, અચિન્ત્યકુમાર સેનગુપ્ત, માણિક બન્દોપાધ્યાય વગેરેએ આવીને નવલકથાને ઉગારી લીધી ગુજરાતીમાં આવું શાથી નહીં બન્યું તે પ્રશ્ન વિચારવા જેવો છે.

પન્નાલાલ, પેટલીકર અને ગુણવન્તરાય આચાર્યે આ સાહિત્યસ્વરૂપની નવી શક્યતાઓનો અંગુલિનિર્દેશ કર્યો ત્યારે આપણને આશા બંધાઈ હતી કે હવે નવલકથા જીવી જશે. પણ લેખક પોતે જો પોતાની સફળ કૃતિનું અનુકરણ કરવા પ્રેરાય, અંદરની પ્રેરણાએ ચીંધેલે રસ્તે જવાને બદલે સફળતા અને લોકપ્રિયતાએ ચીંધેલા માર્ગે ચાલતો થઈ જાય ત્યારે પરિણામ વિઘાતક જ આવે તે દેખીતું છે.

કથા કહેવાની કોઈ એક ધાટી લેખકને એટલી ફાવી જાય કે નિરૂપણના નવા અખતરાઓ એ અજમાવવા જ છોડી દે;લેખકનું કથયિતવ્ય પણ એવું માંદલું હોય કે એને રેઢિયાળ ચીલે ચાલી જતાં ન વારે, ઉત્સાહથી નવાં સાહસો કરવા ન પ્રેરે તો પરિણામ બીજું શું આવે?

આપણી મોટા ભાગની નવલકથાઓ ઇતિહાસવૃત્તપરાયણ રહી છે. કથાના દેહને વિકસાવવાના કસબ તરફ જેટલું ધ્યાન અપાયું છે તેટલું ધ્યાન જો વિષયની નવીનતા અને નિરૂપણની સૂક્ષ્મતા પર આપવામાં આવ્યું હોત તો પરિણામ જુદું આવ્યું હોત. મનોરંજન તરફ આપણું વધુ ધ્યાન રહે છે એ હકીકત પણ આને માટે જવાબદાર છે. મનોરંજનને માટે અદ્ભુત, શૃંગાર અને ક્વચિત્ ભયાનકને કામે લગાડીને આપણા નવલકથાકારોએ આપણને ઐતિહાસિક નવલકથાઓ ઘણી આપી, એટલી બધી આપી કે એનાથી આપણે આજે ઓચાઈ ગયા છીએ. હવે સ્વાદફેર કરવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. ભૂતકાળ પર વર્તમાનનો પડછાયો નાંખીને એને રુચિર સ્વરૂપે રજૂ કરવાનો મોહ છોડીને જો આપણો નવલકથાકાર જીવાતા જીવનના નેપથ્યમાં ડોકિયું કરે તો એને ઘણું રોમાંચક નિરૂપવાનું મળે, પણ દ્રષ્ટાની તટસ્થતાથી ઘડીભર પોતાના જમાનાએ સારવી આપેલાં મૂલ્યમાપનોને અળગાં રાખી, ઘટનાના હાર્દમાં અવગાહન કરી એના રહસ્યને જો સર્જક બોલવા દે તો સર્જનમાં તાઝગી અને જોમ આવે. Zeitgistસૌમાં અદૃશ્ય રહીને કામ કરે છે. એના સંસ્પર્શથી કશું બચી શકતું નથી. પણ એ સંસ્પર્શ ધ્વનિરૂપે વ્યંજિત થવો જોઈએ. લેખક સભાનપણે એને વશ વર્તીને ચાલે છે એમ ન લાગવું જોઈએ.

Thomas Mannએ એમની Tonio Kroger નામની વાર્તામાં સર્જકની યોગ્યતા પરત્વે એક મહત્ત્વની વાત કહી છે: ‘One must die to life in order to be utterly a creator.’ આ પ્રકારની પોતા પ્રત્યેની નિર્મમતા જે કેળવી શકે નહીં તેના સર્જનમાં શક્તિ આવે નહીં. એક વ્યક્તિ તરીકે સર્જક એના ગમાગમા લઈને જીવતો હોય છે. એના જમાનાનાં પરિબળો પણ એની સંવેદનોને ઝીલવાની ને વિચારવાની રીતને અમુક ચોક્કસ ઘાટ અણજાણપણે આપતા હોય છે. આ બધાંથી નિલિર્પ્ત રહીને કેવળ અનાસક્ત ભાવે જે જીવનના કેન્દ્રમાં જઈને ઊભો રહે, સદ્અસદ્ના ઝંઝાવાતમાં ઝંપલાવે, ઈર્ષ્યા તિરસ્કાર ઘૃણા વગેરે વિકારોની આંધીની વચ્ચે રહીને એ પાશવી ઉલ્લાસને ઓળખે, માનવમનની સપાટીને વીંધીને એનાં સાતે પાતાળ તાગી આવે ને પછી કોઈ આદર્શની પઢાવેલી પોપટવાણી નહીં ઉચ્ચારે પણ જે બોલ્યા વિના ન રહેવાય એવું હોય તે જ બોલે તો એનું સર્જન પ્રાણવંતું બને. મૂલ્યોની માપપટ્ટી લઈને જીવનને માપી આપવાનો ધંધો નવલકથાકારનો નથી, જેવાં છે તેવાં જીવનને જરાય દિલચોરી રાખ્યા વિના કલ્પના અને સમસંવેદનાપૂર્વક સભરપણે જીવવાનું ને જીવ્યા પછી એની વાત કહેવાનું કામ નવલકથાકારનું છે. એને માટે જે નિર્મમતા અને સાહસવૃત્તિની અપેક્ષા રહે છે તેના અભાવને કારણે આપણી નવલકથા દૃઢમૂળ થઈને ટકી રહી શકી નહીં.

નવલકથા મોટા ફલકવાળું સાહિત્યસ્વરૂપ છે. એવા સાહિત્યસ્વરૂપને સ્વીકારનારે પોતાના વ્યક્તિત્વને પણ વિસ્તારીને વિશ્વરૂપ બનાવવું જોઈએ. એમાં આખા એક બ્રહ્માણ્ડને સર્જકે જીવતું કરીને મૂકવાનું હોય છે. એના કેન્દ્રસ્થાનેથી આપોઆપ નિષ્પન્ન થઈ આવતા નિયમોને આધારે એની સંકુલ રચનાને એણે દૃઢ આધાર આપવાનો હોય છે. કોઈ બહારના નિયમને એ વશ વર્તે તો એ આત્મદ્રોહનો દોષ વહોરી બેસે, ને સર્જકને માટે આત્મદ્રોહ જેવું ઘોર પાતક એક્કેય નથી. આપણા આ યુગમાં જ્યારે ચારે બાજુથી બુદ્ધિભેદ ઉપજાવતી, નૈસગિર્ક મૂલ્યબોધને ડહોળી નાખતી, અપ્રામાણિક બુદ્ધિકુશાગ્રતાની સ્વૈરલીલા પ્રકટ કરતી અનેક વિચારદૃષ્ટિઓનું સૂક્ષ્મ પણ પ્રબળ આક્રમણ આપણા ઉપર થઈ રહ્યું છે ત્યારે એવાં કશાંથી વિચલિત થયા વિના સ્થિરદ્યુતિ દીપની જેમ જીવનને પોતાની દૃષ્ટિથી અજવાળવું એ ઘણું કપરું છે. આપણા કણ્ઠમાંથી નીકળતો શબ્દ નીકળતાં નીકળતાં જ અનેક પ્રકારના તુમુલ નાદ વચ્ચે અટવાઈ જાય છે. એ બધાં ઘમસાણ વચ્ચે એ દૃઢ રહી શકે એવી શક્તિનો જો એમાં સંચાર કરવો હોય તો એનો સ્રોત આપણી સર્જક તરીકેની વિશ્વરૂપ ચેતનામાં જ શોધવો પડે.

દોસ્તોએવ્સ્કી, કાફકા, હરમાન મેલવિલ,જેકબ વાસરમાન, ટોમસ માન વગેરેની કૃતિઓના રસાસ્વાદથી પરિષ્કૃત ને સમૃદ્ધ બનેલી રુચિ લઈને જ્યારે આપણે આપણા નવલકથાસાહિત્ય તરફ વળીએ છીએ ત્યારે રુચિને ધરપત થાય એવું કશું મળતું નથી. એનો અર્થ એવો નથી કે ગુજરાતી સાહિત્યમાં પણ એ કોટિના સર્જકો પ્રગટે તો જ સન્તોષ માનવો. આપણા જીવનની પણ આગવી વિશિષ્ટતા છે. એને વાચા આપનાર આપણી ધરતીમાંથી જ જન્મે. આપણા લોકસમૂહના હૃદયની કેટલીય લાગણીઓને હજુ વાચા મળી નથી. લોકબોલીમાં લખ્યાથી જ લોકોની લાગણીઓને વાચા મળી જતી નથી. એ તો માત્ર tricks of the trade ધંધાદારી તરકીબ જ બની રહે છે. એમાંથી ધરતીની સોડમ આવતી નથી.

નવલકથાના સર્જકનું વ્યક્તિત્વ પણ ઊંચી કાઠીનું હોવું જોઈએ. તો જ એ એની રચેલી સંકુલ સૃષ્ટિના પ્રાણરૂપ બનીને એને ટકાવી રાખી શકે. નવલકથાના દરેક પાત્રમાં, દરેક ઘટનામાં એ અગોચર રીતે પોતાના પ્રભાવને સૂક્ષ્મ ને અકળ રીતે પ્રકટ કરતો હોવો જોઈએ, એની રચેલી સૃષ્ટિમાંથી આપણે બહાર નીકળીએ ત્યારે આ સૃષ્ટિને નિહાળતી આપણી દૃષ્ટિને નવું તેજ પ્રાપ્ત થયાનો આનન્દ થવો જોઈએ. બટકબોલા ‘શિષ્ટ’ પ્રણયીનાં જોડાં સરજવાં, પ્રચલિત ભાવનાનાં મહિમ્નસ્તોત્ર પાત્રો પાસે ઉચ્ચારાવવાં, જેની પ્રત્યે અંગત રાગદ્વેષ હોય એવી વ્યક્તિઓ કે સંસ્થા પ્રત્યે પાત્રો પાસે પૂર્વગ્રહયુક્ત ઉક્તિઓનું ને ખંધા કટાક્ષોનું વમન કરાવવું એમાં નથી નવલકથાનું ગૌરવ કે નથી નવલકથાકારનું.

લેખક જીવનમાં સમાજસુધારક, સર્વોદયવાદી કે સામ્યવાદી પણ હોઈ શકે છે, પણ એમાંના કશાનું અનુચિત આક્રમણ એનામાં રહેલા કળાકારના પર થવું ન જોઈએ. સર્વોદયને નવલકથાકારના પ્રચારની અપેક્ષા નથી. નવલકથાકાર નવલકથાકાર સિવાય કશું ન બને એમાં જ એનું શ્રેય છે. આ વાત અત્યન્ત સાદીસીધી ને સ્પષ્ટ છતાં અત્યન્ત દુષ્કર છે.

દર્શકના જીવનમાં ગમ્ભીર પર્યેષણાની સાથે જો કળાકારની સૂક્ષ્મતા ભળે તો આપણને એક ઊંચી કોટિનો કળાકાર મળે. ગોવર્ધનરામથી આપણે આગળ વધવું જોઈએ. કોઈ સમર્થ સર્જક આપણે માટે એટલો સમર્થ ન બની જવો જોઈએ કે જેથી આપણા માર્ગમાં એ અન્તરાયરૂપ જ બની રહે. મુનશીએ સિદ્ધ લોકરુચિ તથા લોકસ્મૃતિને આઘાત આપીને, અનેક પ્રકારના વ્યુત્ક્રમદોષો વહોરીને પણ કશું સત્ત્વશીલ આપ્યું નહીં.  એમની અસ્મિતા એક ઘોંઘાટ માત્ર બની રહી. બુકાની બાંધેલા ઘોડેસ્વારોની એમની દુનિયામાંથી આપણે બહાર નીકળી ગયા છીએ,રમણલાલના શિષ્ટ પ્રણયીઓ ગ્રામસુધારકો ને આદર્શઘેલા વિદગ્ધ sophisticatedયુવકયુવતીઓ પણ છેટે રહી ગયાં છે. પન્નાલાલના કાનજીજીવીને જોવાનું હજુ મન થાય છે. મહાકાવ્યની ઊણપને સાલવા નહીં દે એવો આવતીકાલનો કોઈ સમર્થ નવલકથાકાર આજે ક્યાંક બેઠો બેઠો સિદ્ધિપથની યાત્રાનું પાથેય બાંધી રહ્યો હશે એવી આશા રાખીએ.

મનીષા  એપ્રિલ 1955

License

Share This Book