41 ધ્વનિવાદ વિશે

ધ્વનિવાદ વિશે

(ધ્વનિવાદ વિશે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કેટલીક ચર્ચા કરી તેના સન્દર્ભે)

ધ્વનિવાદ વિશે એમણે જે વિધાન કર્યું છે તે સખેદ આશ્ચર્ય પમાડે એવું છે. આનન્દવર્ધને ધ્વનિની વિરુદ્ધના મતનો જ ધ્વન્યાલોકના પ્રારમ્ભમાં જ જવાબ આપ્યો છે. ધ્વનિકારનો ધ્વનિને સમજાવવાનો પ્રયત્ન કઈ રીતે ને ક્યારે ક્ષુલ્લક તથા હાસ્યાસ્પદ લાગે છે એ એમણે જણાવ્યું નથી. એટલે એ સમ્બન્ધમાં કાંઈ કહી શકાય એમ નથી. કાવ્યના હાર્દને ને સ્વરૂપને સમજવાની એક સન્નિષ્ઠ ને ગમ્ભીર પર્યેષણા છે, એ અશાસ્ત્રીય પણ નથી. ધ્વન્યાલોક સંસ્કૃતવિવેચનમુક્ત પર્યાપ્ત છે એવા આરોપને પણ જૂઠો ઠરાવે છે. પ્રા. ડોલરરાય માંકડે ‘કાવ્યવિવેચન’ (પૃ.50)માં કહ્યું છે તેમ, રસધ્વનિના સિદ્ધાન્તની ચર્ચા ધ્વન્યાલોકના ત્રીજા ચોથા ઉદ્યોતમાં (ખાસ કરીને ત્રીજા ઉદ્યોતની  10-14તેમ જ 18-28કારિકાઓ અને એના ઉપરની વિસ્તૃત વૃત્તિમાં) કરવામાં આવી છે. આજના અભ્યાસક્રમમાં મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ કે વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’ને પાઠ્યપુસ્તક તરીકે નિયત કરવાને બદલે ભરત, ભામહ, દંડી, વામન, કુન્તક, રાજશેખર, રુય્યક, રુદ્રટ, આનન્દવર્ધન, અભિનવગુપ્ત, ક્ષેમેન્દ્ર, ભોજ, જગન્નાથ, અપ્પય દીક્ષિત, વિશ્વનાથ – વગેરેનું સાહિત્યમીમાંસાની ચર્ચામાં જે મહત્ત્વનું અર્પણ હોય, તેનો સંગ્રહ કરીને, સમગ્ર સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પ્રતિનિધિ રૂપ એક ગ્રન્થ તૈયાર કરાવીને, એનો અભ્યાસ કરાવવો જોઈએ. પ્રાચીન વિવેચનપરિપાટી અને તેની પરિભાષાનો ઊંડો અને તુલનાત્મક અભ્યાસ થાય,  તો જ આજની આપણી અણસમજ ને અરધીપરધી સમજને કારણે ઊભી થતી મૂંઝવણનો અન્ત આવે. અભ્યાસક્રમમાં આ મહત્ત્વનો ફેરફાર વહેલી તકે થાય તો ઠીક. કોઈ પણ લેખકનો અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓનું વલણ એને વિશે આજ સુધીમાં જેટલું વિવેચન લખાયું હોય – ઘણી વાર પરસ્પરવિરુદ્ધ મન્તવ્ય ધરાવતું પણ હોય – તેના પર મદાર બાંધવાનું હોય છે. વિદ્યાર્થીના મનમાં કૃતિના પરિશીલન કે પરીક્ષણ માટેનાં કોઈ ધોરણો સ્પષ્ટ ન હોવાને કારણે ને સાહિત્યવિવેચનના મૂળભૂત સિદ્ધાન્ત વિશેની સામાન્ય સૂઝના અભાવને કારણે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. ઘણી વાર સિદ્ધાન્ત પરત્વે વિદ્વાનોમાં પ્રવર્તતી વિભિન્ન સમજ વિદ્યાર્થીને મૂંઝવે છે ને સાચું  શું એ વિશે વિદ્યાર્થી વિમાસણમાં પડે છે ને આખરે એ પરત્વે, સાવ ઉદાસીન બની જાય છે. આ પરિસ્થિતિને ટાળવી જોઈએ.

ધ્વનિની નવી વ્યાખ્યા આપતા એમણે જે કહ્યું છે: ‘ચિત્તની કોઈ અખણ્ડ કહેવાય એવી અવસ્થિતિ.’ તેની સાથે આપણને કે આનંદવર્ધનને પણ મતભેદ નથી. નિવિર્ઘ્નાસંવિત્તિ રસ: એમ એ લોકોએ કહ્યું જ છે ને?વૈયક્તિક મર્યાદાનાં વિઘ્નો દૂર થાય ત્યારે જ રસના ઉદ્રેકોને અનુકૂળ ચિત્તની સ્થિતિ ઉદ્ભવે. એમાં વિઘ્નો દૂર થવાને કારણે ચિત્ત અખણ્ડ બન્યું હોય. મમ્મટને વિગલિત વેદ્યાન્તરથી પણ આ જ અભિપ્રેત  હશે એમ માનીએ તો ખોટું નથી.

અંગ અને અંગીની વચ્ચેનો ઓર્ગેનિક સમ્બન્ધ તો દરેક કળામાં હોવો ઘટે, સંગીતમાં એ વધુ સૂક્ષ્મ પ્રકારનો છે. કળા કળા વચ્ચે એના માધ્યમને કારણે, નિર્માણવિધિને કારણે, ભેદ તો રહેવાનો જ. એની ઉચ્ચાવચતાનો નિર્ણય કરવો, અશક્ય નહિ તો કઠિન તો છે જ. ને એવા નિર્ણયની કાંઈ જરૂર છે ખરી?દરેક કળા પોતાની આગવી રીતે ચેતોવિસ્તારના લક્ષ્યને સિદ્ધ કરે છે. ચિત્રકળાથી જે સિદ્ધ થાય છે તેના વગર આપણે ચલાવી લઈશું એમ તો આપણે નહીં જ કહીએ. પ્રા.વિષ્ણુપ્રસાદે કહ્યું છે કે સાહિત્યકળાને જુદી પાડીને જોવી જોઈએ. એમ જુદી પાડીને જોવાથી આપણી એને વિશેની સમજ વધુ સ્પષ્ટ સ્વરૂપની થશે કે એમાં કશીક ન્યૂનતા રહી જશે એ મુદ્દો વિચારવા જેવો છે. આપણે ત્યાં આવા પ્રશ્નો કોઈ છેડે છે તો એ એમાં એકલો જ પડી જાય છે. પછી કોઈ એની ચર્ચાના તન્તુને આગળ લંબાવતું નથી. પ્રા.રામનારાયણ પાઠક લેખકમિલનમાં હાજર હતા. એમણે પણ વિષ્ણુપ્રસાદના ધ્વનિ વિશેના વિધાન પરત્વે મૌન જ સેવ્યું! સંગીત, સ્થાપત્ય, ચિત્ર વગેરે કળાઓની સાથે સાહિત્યકળાનો તુલનાત્મક અભ્યાસ આપણે ત્યાં થયો જ નથી. એને ગણવી હોય તો ઇષ્ટ પરિસ્થિતિ ગણો! પ્રા.વિષ્ણુપ્રસાદ જેવા પીઢ વિવેચક કશુંક બોલે ત્યારે એમાં વિચારપ્રેરક ઘણું હોય છે. નવી પેઢીમાંથી એમની કોટિના કોઈ પર્યેષક આગળ આવ્યા નથી. આપણે એમની પાસેથી આવું વિચારપ્રેરક ઘણું સાંભળવાને સદ્ભાગી થઈએ એવી આશા.

નવવિધાન  12-7-1953

License

Share This Book