20 કાવ્યમાં અર્થબોધ

કાવ્યના અર્થબોધની ચર્ચામાં ઘણુંખરું કાવ્યના બુદ્ધિગમ્ય તર્કશ્રદ્ધેય અર્થને જ લક્ષમાં લેવામાં આવે છે. એ અર્થને લક્ષમાં રાખીને જ કાવ્યની સુબોધતા કે દુર્બોધતા વિશેના નિર્ણયો કરવામાં આવે છે. એટલું જ નહિ, કાવ્યની ગુણવત્તાની ઇયત્તા પણ એ અર્થને અવલમ્બીને જ આંકવામાં આવે છે. આને પરિણામે જ વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ ગણાવાઈ. એ ફેશનને વશ થઈને ઘણાં ‘ચિન્તનાત્મક’ કાવ્યો પણ લખાયાં. ગમે તેવો વિષય લઈને આપણા કવિઓ ચિન્તનનું કાંતણ કાંતવા લાગ્યા. એનાં ઘણાં હાસ્યાસ્પદ પરિણામો પણ આવ્યાં. પણ હવે એ વલણ બદલાતું જતું લાગે છે. કાવ્યના અર્થનો વિચાર કરીએ ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે આ logical sense જ કાવ્યનો અર્થ કહેવાય?અર્થને બદલે હાર્દ શબ્દ પ્રયોજીએ તો કદાચ આ સંકુચિતતામાંથી ઊગરી જઈએ.

કાવ્યનો બુદ્ધિગમ્ય અર્થ નિશ્ચિત સ્વરૂપનો, પરત:પ્રામાણ્ય(verifiable) હોય છે. પણ કાવ્ય કેવળ એ અર્થનું બનેલું હોતું નથી; કાવ્યમાં એ હોય તે પણ અનિવાર્ય નથી. કવિના ચિત્તમાં જ્યારે કોઈ અનનુભૂત પરિસ્પન્દ ઉદ્ભવે છે ત્યારે એની સંવિત્તિમાં આપણે જેને કાવ્યનાં ઘટકો(ઊર્મિ, બુદ્ધિ, કલ્પના, દર્શનાદિ) કહીએ છીએ તે પૃથક ભાવે ને વિશિષ્ટ રૂપે અસ્તિત્વમાં હોતા નથી. ત્યારે એ ઘટકોના આગવા આકારો બંધાયા હોતા નથી. એ બધા પેલા પરિસ્પન્દની અંદર જ એકરૂપ થઈને રહ્યા હોય છે. પછીથી જ્યારે કવિ માધ્યમનો આશ્રય લઈને એ પરિસ્પન્દને મૂર્ત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ઘટકોની રેખાઓ સ્ફુટ બને છે. કવિની અભિવ્યક્તિનો વિષય તો છે પેલો પરિસ્પન્દ; બુદ્ધિ, ઊર્મિ, કલ્પના – એ પૈકીનો કોઈ એક ઘટક નહીં. એ પરિસ્પન્દ કવિના ચિત્તમાં ઉદ્ભવ્યો ત્યારે ચિત્તમાં જે નવું વાતાવરણ સરજાયું તેને પણ કવિ આપણા ચિત્તમાં સંક્રાન્ત કરવા ઇચ્છે છે. ખરી રીતે જોઈએ તો એ વાતાવરણની સફળ સંક્રાન્તિ કરીને કવિ અટકી જાય તે જ ઇષ્ટ છે. પછીથી ભાવકમાં સુપ્તાવસ્થામાં રહેલી સિસૃક્ષા પ્રબુદ્ધ થાય છે, ને એ પોતાની સંસ્કારસમ્પત્તિ અને રસવત્તાને અનુકૂળ રહીને પોતાનામાં કશીક નવી સંવેદનાને સરજાવે છે, ને માણે છે. સૌથી પ્રથમ કવિના એ પરિસ્પન્દથી આપણું ચિત્ત સ્પન્દિત થવું જોઈએ. એની ઉત્કટતાની માત્રા આપણી ગ્રહણશક્તિ, માધ્યમનો સર્જકે કરેલો ઉપયોગ વગેરે બીજી વીગતોના પર પણ આધાર રાખે છે. પણ સંક્રાન્તિની સફળતા સર્જક એ પરિસ્પન્દને અખણ્ડ રાખીને, એને સર્વથા અનુગત થઈને, વશ વર્તીને પ્રકટ કરે છે કે નહીં તેના પર આધાર રાખે છે. જો એ એટલું કરી શકે તો બધાં જ ઘટકો સમુચિત સામંજસ્યસહિત કાવ્યમાં પ્રકટ થાય.

છતાં કવિનું કથયિતવ્ય એ ઘટકો દ્વારા કદી નિ:શેષ વ્યક્ત થઈ જતું નથી. પેલો પરિસ્પન્દ એ ઘટકોને અનુપ્રાણિત કરી રહ્યો હોય છે. પણ એ સર્વમાં એનો નિ:શેષ સમાવેશ થઈ જતો નથી. આ જે અવશેષ રૂપે રહે તેને ધ્વનિ કહો કે બીજી ગમે તે સંજ્ઞાથી ઓળખાવો;  જે સાચા અર્થમાં કાવ્ય છે તેમાં તો એ અવશેષ સદા રહેવાનો જ. આ હકીકતને અનુલક્ષીને ફ્રાન્સના પ્રખ્યાત કવિ પોલ વાલેરીએ કહ્યું છે: ‘A poem is never finished – it is always an accident which puts an end to it, that is to say, which gives it to the public.’(Lettre sur Mallarme, Varie’te’ II).  આથી જ ભાવક પણ ‘કાવ્ય સમજી ચૂક્યા, હવે એમાં કશું માણવાનું બાકી રહ્યું નથી’ એવું કહી શકતો નથી. એની પુન: પુન: ચર્વણાથી અધિક ને અધિક આનન્દ પ્રાપ્ત થતો રહે છે.

પણ સર્જક અનુભૂતિની એ ઉત્કટતા  ઝાઝી વાર ટકાવી રાખી શકતો નથી. ઉત્કટતાની એ અવસ્થાને જ્યારે એ વટાવી જાય, ચિત્તની એ સ્થિતિના પર બીજા સંસ્કારોનો અવલેપ થવા માંડે ત્યારે એ પણ આપણી જેમ એ પરિસ્પન્દને પૂરી રીતે ઓળખી-ઓળખાવી શકે નહીં; ત્યારે જ્ઞાતા અને જ્ઞેયની ભિન્નતા અસ્તિત્વમાં આવી જાય. જ્યાં સુધી કાવ્યના ઉદ્ભવમાં રહેલા પેલા મૂળ પરિસ્પન્દની સાચી ઝાંખી આપણને થાય નહીં ત્યાં સુધી કાવ્યનાં ઘટકોના સન્નિવેશ પરત્વે, એના ઔચિત્યાનૌચિત્ય પરત્વે કે એના સાચા હાર્દ પરત્વે કશું કહેવાની સૂઝ આપણને પ્રાપ્ત થાય નહીં.

આ દૃષ્ટિએ કાવ્યની દુર્બોધતાનો, એના ‘અર્થ’ની સન્દિગ્ધતાનો વિચાર કરવો જોઈએ. કાવ્યની સુબોધતાને લોકપ્રિયતાનું કારણ ઘણી વાર ગણવામાં આવે છે. પણ એ સુબોધતા કેટલીક વાર સાવ સસ્તી વસ્તુ બની જતી હોય છે. આ હકીકતની નોંધ લેતાં અમેરિકાના ફિલસૂફ જ્યોર્જ સાન્તાયનાએ કહ્યું છે: ‘The poetry that ordinarily circulates among a people is poetry of a secondary and conventional sort that propagates established ideas in trite metaphors. Popular poets are the parish priests of the Muse, retailing her ancient divinations to a long since converted public’ (The Life of Reason in Art’, p. 92-93)

ઘણી વાર કાવ્યનો ફરી ફરી પાઠ કરવાથી એનો અર્થ બેસાડી શકાય છે, તો ઘણી વાર કાવ્યને passive attentionથી જ માણી શકાય છે. આથી કાવ્યની કસોટી એના આ logical meaningની સુબોધતા કે દુર્બોધતાને આધારે ન થવી જોઈએ. એમાં રહેલું અર્ધસ્ફુટ અર્ધગ્રાહ્ય  સૂક્ષ્મ તત્ત્વ આપણા ચિત્તમાં એનાં આન્દોલનો જગાડે,કવિના ચિત્તમાં  એ અનુભૂતિના ઉદ્ભવ વેળાએ જે આબોહવા હતી તેને ઉત્પન્ન કરે એટલું સામર્થ્ય જો કવિની કૃતિમાં હોય તો બસ. અમુક નિશ્ચિત સ્વરૂપનું વક્તવ્ય કે મન્તવ્ય નહીં ઝલાય તો તેનો અફસોસ કરવાનું કશું કારણ નથી. બુદ્ધિગમ્ય અર્થ પરત્વે જે કવિતા વધુ વાચાળ હોય છે તે કદાચ અર્થબોધની દૃષ્ટિએ ઊંચી કોટિની હંમેશાં ન પણ હોય. કાવ્યના ઉદ્ભવસ્થાને રહેલા મૂળ પરિસ્પન્દથી જો આપણે સ્પન્દિત થઈ શકીએ તો પલકારામાં કાવ્યનું હાર્દ, કવિનું હૃદગત આપણું થઈ જાય.

ઘણી વાર કાવ્યમાં કશો સ્ફુટ કે નિશ્ચિત સ્વરૂપનો અર્થ હાથ લાગતો નથી. તેથી કાવ્યનું કાવ્યત્વ ઊણું લેખાવું ન જોઈએ. એથી ઊલટું, કેટલીક વાર એવી કવિતા આપણે વધારે માણી શકીએ છીએ. આ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં ઝાક મારિતેં કહે છે: ‘(Sometimes) our intelligence is aware of the existence of a signification, but the signified remains unknown. And it is enough for the poem to have radiance, as a black diamond has, and for the intellect to receive a delight, still more insidious perhaps as the signified is unknown: since the fact that what is signified by a sign is  unknown.’ (Creative Intuition in Art and Poetry).

Metaphorical કવિતા સર્વસંવેદ્ય બનવાની શક્તિ ગુમાવી બેસે છે, ને તેથી એવી કવિતા કદી ઊંચા પ્રકારની કવિતા બની શકે નહીં એવો પણ એક મત પ્રવર્તે છે. કાવ્યની ઉચ્ચાવચતાનાં ધોરણો નક્કી કરવાં મુશ્કેલ છે. કાવ્ય સાચા અર્થમાં કાવ્ય બની રહેતું હોય તો પછી એ અમુક કાવ્યની સરખામણીમાં ઊંચું છે કે નીચું એવી ચર્ચાને કાવ્યના આસ્વાદ પરત્વે પણ અપ્રસ્તુત લેખીને ટાળવી જોઈએ. આથી નાહકની ઘણી ગૂંચ ઊભી થાય છે, ને મેટાફર વક્રોક્તિ(એના વિશાળ અર્થમાં )ને કાવ્યમાંથી ટાળી શકાય?  જ્યોર્જ સાન્તાયના કહે છે: ‘The given world seems insufficient; impossible things have to be imagined both to extend its limits and to fill in and vivify its texture. Homer has a mythology without which experience would have seemed to him undecipherable; Dante has allegories and his mock science; Shakespeare has his romanticism; Goethe has symbolic characters and artficial machinery. All this lumber seems to have been somehow necessary to their genius; they could not reach expression in more honest terms. If such indirect expression could be discarded it would not be missed ; but while the mind, for want of a better vocabulary, is reduced to using these symbols, it pours into them a part of its own life and makes them beautiful. Their loss is a real blow, while the incapacity that called for them endures and the soul seems to be crippled by losing its crutches.’ આ કથનમાં રહેલા સત્યને સ્વીકાર્યા વિના છૂટકો નથી.

માનવી પોતાની સર્વ પ્રવૃત્તિ દ્વારા પોતાનો અધિક ને અધિક સાક્ષાત્કાર કરવા મથતો હોય છે. અથર્વવેદમાં આ જ અર્થમાં આત્મસંસ્કૃતિને કળાનું લક્ષ્ય લેખ્યું છે. કવિ પણ અભિવ્યક્તિની નવી નવી ભંગી દ્વારા ચેતોવિસ્તાર સાધીને પોતાના વ્યક્તિત્વના હાર્દની વધુ ને વધુ નિકટ જવા મથતો હોય છે. આ અર્થમાં દરેક કવિતા એ ક્ષેત્રમાં કરેલો એક પ્રયોગ જ છે. એ પ્રયોગની અનિવાર્યતા જેને સમજાઈ હોય તે કવિના પ્રયોગ પ્રત્યે સમભાવથી જુએ છે. જ્યોર્જ સાન્તાયનાએ આ વસ્તુ અસન્દિગ્ધ શબ્દોમાં વ્યક્ત કરી છે:

‘Pure poetry is pure experiment; and it is not strange that nine-tenth of it should be pure failure. For it matters little what unutterable things may have originally gone together with a phrase in the dreamer’s mind; if they were not uttered and the phrase cannot call them back, this verbal relic is none the richer for the high company it may once have kept. Expressiveness is a most accidental matter. What a line suggests at one reading, it may never suggest again even to the same person.’ (Reason in Art, p.91) આ પરિચ્છેદમાં વ્યક્ત થયેલા વિચારમાં ને આગળ ટાંકેલા ઝાક મારિતેંના અવતરણમાં રહેલું સામ્ય તરત વરતાઈ આવશે.

આ મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં લઈશું તો કાવ્યાનન્દ માણતી વેળાએ એના બુદ્ધિગ્રાહ્ય અંશ પર જે અનુચિત ભાર મૂકવામાં આવે છે તેમાં રહેલી ભૂલ સમજાશે; અસ્પષ્ટ, ધૂંધળી કે હવાઈ કહીને જે કવિતાનો અસહિષ્ણુ બનીને બહિષ્કાર કરીએ છીએ તેને આવકારવાનું બની શકશે. કવિ મેકલિશ કહે છે તેમ: ‘A poem should not mean, but be.’

‘મનીષા’, જૂન1954

License

Share This Book