19 કાવ્યની સુબોધતા

કાવ્યની સુબોધતાને લોકપ્રિયતાનું કારણ ઘણી વાર ગણવામાં આવે છે. પણ એ સુબોધતા કેટલીક વાર સાવ સસ્તી વસ્તુ બની જતી હોય છે. ઘણી વાર કાવ્યનો ફરી ફરી પાઠ કરવાથી એનો અર્થ બેસાડી શકાય છે, તો ઘણી વાર કાવ્યને passive attentionથી જ માણી શકાય છે. આથી કાવ્યની કસોટી એના logical meaningની સુબોધતા કે દુર્બોધતાને આધારે ન થવી જોઈએ. એમાં રહેલું અર્ધસ્ફુટ અર્ધગ્રાહ્ય સૂક્ષ્મ  દ્મત્ત્લ્ આપણા ચિત્તમાં એનાં આન્દોલન જગાડે. કવિના ચિત્તમાં એ અનુભૂતિના ઉદ્ભવ વેળાએ જે આબોહવા હતી, જે ભાવસ્થિતિ હતી તેને ઉત્પન્ન કરે એટલું સામર્થ્ય જો કવિની કૃતિમાં હોય તો બસ. અમુક નિશ્ચિત સ્વરૂપનું વક્તવ્ય કે મન્તવ્ય નહિ ઝીલાય તો તેને અફસોસ કરવાનું કશું કારણ નથી. બુદ્ધિગમ્ય અર્થ પરત્વે જે કવિતા વધુ વાચાળ હોય છે તે કદાચ અર્થબોધની દૃષ્ટિએ ઊંચી કોટિની હંમેશાં ન પણ હોય. કાવ્યના ઉદ્ભવસ્થાને રહેલ મૂળ પરિસ્પન્દથી જો આપણે સ્પન્દિત થઈ શકીએ તો પલકારામાં કાવ્યનું હાર્દ, કવિનું હૃદગત આપણું થઈ જાય.

જન્મભૂમિ:29-6-1954