30 અર્વાચીન કવિતા

આપણાં વિવેચને વાત્સલ્યભાવે અર્વાચીન કવિતાને ઘણાં લાડ લડાવ્યાં છે. પણ સાચું વાત્સલ્ય સુવિકાસનું વિરોધી હોઈ શકતું નથી. વાત્સલ્યાસ્પદના હિતને ખાતર કેટલીક વાર વ્હાલભરી મીઠી ટકોર કરવાની પણ જરૂર રહે છે. આ કર્તવ્યનું પાલન કરવામાં ચૂકનાર વાત્સલ્ય પોતે જ વિકાસમાં અવરોધક બની રહે છે. આપણું વિવેચન વાત્સલ્યના અતિરેકથી કાવ્યના સાચા વિકાસને કુણ્ઠિત ન કરી નાંખે એવી તકેદારી રાખવાની હવે જરૂતર ઊભી થતી જાય છે.

આપણે ત્યાં કાવ્યસાહિત્યનું મુખ્યત્વે બે દૃષ્ટિએ વિવેચન થતું આવ્યું છે: એક તો ઐતિહાસિક દૃષ્ટિએ ને બીજું તત્ત્વદૃષ્ટિએ. આમાં ઐતિહાસિક દૃષ્ટિ સાપેક્ષ છે. આગલા યુગની સરખામણીમાં અર્વાચીન કવિતાએ કેટલો વિકાસ સાધ્યો, કયાં કયાં પ્રસ્થાનો કર્યાં, વગેરેની ચર્ચા એમાં કરવામાં આચવે છે. તત્ત્વદૃષ્ટિએ થતું વિવેચન નિરપેક્ષ હોય છે. કાવ્ય કાવ્ય તરીકે કેવું છે એની જ એમાં સમીક્ષા કરવામાં આવે છે. ઐતિહાસિક દૃષ્ટિમાં તત્ત્વદૃષ્ટિનો સર્વથા અભાવ હોય છે એવું કહેવાનો આશય નથી. અર્વાચીન કાવ્યનાં વિવેચનમાં ઐતિહાસિક દૃષ્ટિ જ પ્રધાનતયા પ્રવર્તી રહી છે. આને કારણે આપણામાં કાવ્યસાહિત્ય વિશે એક પ્રકારની ખોટી આત્મસન્તોષ(complacency)ની વૃત્તિ કેળવાતી ગઈ છે. આપણા વિવેચને નવીન કવિઓને એમની સિદ્ધિઓ વિશે સારી પેઠે સભાન કરી દીધા છે. આથી પરમોત્કર્ષાભિમુખ પ્રયાણ કરતી કવિતા યશને ખૂંટે બંધાઈ ગઈ છે. કવિઓ પોતાની પ્રતિભાનો ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધવાને માટેની અવિરત સાધના કરી શક્યા નથી. પ્રતિભાને બદલે નિપુણતાથી જ કામ ચલાવી લેવાનું એમને વિશેષ ફાવતું જાય છે. નૈપુણ્ય પ્રતિભાને ઉપકારક બની શકે. પ્રતિભાનું સ્થાન તો એ કદી જ ન લઈ શકે. કવિઓને પોતાને હાથે જ પોતાની પ્રતિભાને થયેલો અન્યાય એ આપણા કાવ્યસાહિત્યની એક સૌથી વિશેષ કરુણ ઘટના છે.

કાવ્ય એ વાણીના ઉપાદાન દ્વારા આવિષ્કાર પામતો ચૈતન્યનો આનન્દપર્યવસાયી પરમોત્કર્ષ છે. સાચી કવિતાનું આસ્વાદન કરતા હોઈએ છીએ ત્યારે આપણું ચિત્ત મુદાના ઉદ્રેકથી આહ્લાદમય બની રહે છે. સાચી કવિતા મુદાના આવા ઉઢ્ઢકની આડે આવતા રાગદ્વેષાદિ અહતરાયો તથા સ્વભાવની વૈયક્તિક મર્યાદાઓને દૂર કરીને ચિત્તને સર્વથા ક્લેશરહિત તથા પ્રસન્ન કરી દે છે. વ્યવહારજગતમાં આપણું મન લગભગ યન્ત્રવત્ કામ કરતું હોય છે. આથી માનસિક વલણોની અમુક ચોક્કસ ઘરેડો પડી જાય છે. આ સાંકડી ઘરેડમાં કશીક અપૂર્વ ને બૃહત્ અનુભૂતિનો પાદસંચાર ભાગ્યે જ થાય છે. સાચી કવિતાનું આસ્વાદન કરતા હોઈએ ત્યારે આપણું ચિત્ત માનસિક વલણોની આવી સાંકડી ઘરેડમાંથી મુક્ત થઈને પોતાની આત્યન્તિકી વાસ્તવિકતાને અનુભવે છે. એને વિરાટ અને બૃહત્નો સંસ્પર્શ થાય છે. આ અનુભૂતિના રસાયણે જે કાંઈ વિચ્છિન્ન અને ખણ્ડિત હતું તે એક અને અખણ્ડ બની જાય છે. વ્યવહારજગતનાં સંકુચિત સ્વાર્થવૃત્તિથી પ્રેરાઈને થતાં કર્મોની રજ આ અનુભૂતિની જાહ્નવીના પ્રવાહમાં ધોવાઈ જાય છે. આ પછી જ  બ્રહ્માનન્દસહોદર વિગલિતવેદ્યાન્તર આનન્દનો આવિર્ભાવ થાય છે. આપણી પ્રાકૃત વૃત્તિઓને ઉત્તેજીને ગલગલિયાં કરી જનાર કે આપણી ઊમિર્નાં છીછરાં પાણીને ડખોળી જનાર પદ્યબન્ધ તે કવિતા નથી. ઉપનિષદ્ની પરિભાષામાં કહીએ તો કવિએ પોતાના અન્નમય, પ્રાણમય, મનોમય કે વિજ્ઞાનમય કોશમાં થતા અનુભવનું ઉત્તરોત્તર ઉન્નયન કરીને એને આનન્દમય કોશ સુધી લઈ જવાનો રહે છે. આ કોટિએ પહોંચેલો અનુભવ જ કાવ્યક્ષમ બની શકે છે. આવો અનુભવ જ ભાવકની રુચિનાં પડ પછી પડ ઉકેલી શકે છે. ને રુચિના શતદલને વિકસાચવવું એ પ્રત્યેક કવિનો ધર્મ છે.

કાવ્યની આ વિભાવના ધ્યાનમાં રાખીને અર્વાચીન કાવ્યસાહિત્યની સમીક્ષા કરતાં પહેલી વસ્તુ આપણી દૃષ્ટિએ પડે છે તે સન્નિષ્ઠા અને પ્રાંજલતાનો અભાવ. આપણો કવિ જે આલેખે છે તે એને માટે આલેખવું અનિવાર્ય હતું એવી પ્રતીતિ આપણને થતી નથી. અનુભૂતિ એટલી તીવ્ર, ઉત્કટ ને પૂર્ણ બની હોય કે એનાથી આપણી અપૂર્ણતા અકળાઈ ઊઠે, એની બધી સીમાનાં બન્ધનો તડોતડ તૂટી જાય ને એ અનુભૂતિને અભિવ્યક્ત કર્યા વિના ન જ રહેવાય એવું કશું આપણા કવિઓએ અનુભવ્યું લાગતું નથી. વાદ અને પ્રતિવાદના ઘોષપ્રતિઘોષનું ઘમસાણ ઘણી વાર આજની કવિતા વાંચતાં આપણા કાને અથડાય છે. વિચારપ્રધાન હોવાને કારણે સત્ત્વશીલ ગણાતી કૃતિઓમાંય ઘણી વાર મૌલિક વિચારણાને બદલે આપણા જમાનાના લાક્ષણિક પૂર્વગ્રહો અને રાગદ્વેષોનું જોરશોરથી કરેલું ઉચ્ચારણ જ દેખાય છે. આ રીતે આપણે જેને બુદ્ધિ કહીને ઊંચે આસને બેસાડીએ છીએ તે પ્રજ્ઞાનો પર્યાય બનવાની અધિકારિણી નથી લાગતી. એ તો ઘણી વાર બુદ્ધિનો આભાસી ઓપ આપીને સજાવેલો આપણો કોઈ પૂર્વગ્રહ જ હોય છે. આથી જ આવાં વિચારપ્રધાન કાવ્યો ચિત્તમાં રસનિષ્પત્તિ કરી શકતાં નથી. એ આપણા ચિત્તમાંના ઢબૂરી ગયેલા પૂર્વગ્રહોને અડપલું કરીને છંછેડી જાય છે. પરસ્પરવિરોધી પૂર્વગ્રહોના ઘર્ષણને કારણે પ્રાપ્ત થતો આનન્દ તે કાવ્યાનન્દ નથી. ચૈતન્યના નિમ્નતર સ્તરનો એ એક વિકાર માત્ર જ છે. એનું અનુરણન ચિત્તનાં ઊંડાણમાં ધ્વનિત થઈ રહેતું નથી. સંસ્કૃત આલંકારિકોની પરિભાષામાં કહીએ તો આવાં કાવ્યોમાં ભાવ રસની કોટિએ પહોંચતો જ નથી. એમાં કેવળ રસાભાસ જ પામી શકાય છે.

આ તો થઈ વિચારપ્રધાન કવિતાની વાત. જેમાં કવિ પોતાની અંગત ઊમિર્ઓને ગાતો હોય છે તેમાંય સચ્ચાઈ અને સન્નિષ્ઠાનો અભાવ વરતાઈ આવ્યા વિના રહેતો નથી. સ્વાર્પણની, વિશ્વબંધુત્વની ભાવનાનાં કાવ્યો આપણે ત્યાં ઢગલાબંધ લખાયાં છે. પણ એમાં આપણા યુગમાં ગાંધીજી જેવા યુગપુરુષે જીવનમાં ચરિતાર્થ કરેલી ભાવનાનું કેવળ પોપટિયા ઉચ્ચારણ જ થતું હોય એવું ઘણી વાર લાગે છે; અન્તરનાં ઊંડાણમાં એ ભાવનાને ખખડાવી જોતાં એનો રણકો બોદો જ સંભળાય છે. કવિતા લખી નાંખવા ખાતર કવિ એને કાવ્યવિષય બનાવતો હોય એવું લાગે છે. કવિના ચિત્તમાં એ ભાવના સમરસ થઈ હોય ને એ રીતે કવિના સમસ્ત વ્યક્તિત્વની સ્વીકૃતિની છાપ લઈને એ કાવ્યમાં જીવન્ત બનીને ધબકી ઊઠતી હોય એવું લાગતું નથી. આ પ્રકારની આત્મપ્રવંચના અને પરપ્રવંચનાનું સાધન કવિતાને બનાવવી એ એની અધોગતિ કરવા જેવું નથી?

આજનો કવિ પોતે કવિ છે એ હકીકતને ભાગ્યે જ ભૂલી શકે છે. પોતાની ગમે તેવી ક્ષુદ્ર લાગણીને કે ક્ષણિક તરંગને કાવ્યમાં નિરૂપવાનો એને વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે એવું એ માની બેઠો હોય છે. અર્વાચીન કાવ્યસાહિત્યમાં આથી ઘણી વાર આપણે વ્યવહારમાં જેને બીજાને કહી બતાવવી યોગ્ય ન ગણીએ એવી વૃત્તિને પ્રકટ થયેલી જોઈએ છીએ. કવિની ક્ષુદ્રતાના કથીરને પદ્યના પ્રવાહોમાં ઝબકોળી દેવાથી કાંચન બનાવી શકાતું નથી. એવી વૃત્તિઓની ને વાસનાઓની ચળને ભાવકના ચિત્તમાં પણ ઉશ્કેરી મૂકવાનો કશો અર્થ નથી. આપણાં કહેવાતાં પ્રણયકાવ્યોમાં આવા કદર્ય અંશો કવિતાને છદ્મવેશે ઘૂસી ગયા છે.

આ સન્નિષ્ઠાના અભાવને કારણે જ કવિતા ભાવકના ચિત્તમાંથી પ્રત્યાખ્યાત થઈને પાછી આવે છે. નિરૂપ્યમાન ભાવને કવિના ચિત્તધાતુમાંથી જે પોષણ મળવું જોઈએ તે મળતું નથી. આથી જ ભાવોમાં સૌષ્ઠવ અને સ્વાસ્થ્યનો અભાવ વરતાઈ આવે છે. કવિતાએ અસંપ્રજ્ઞાતપણે ને સાહજિક રીતે વાચકના ચિત્તમાં જીવનનાં આત્યન્તિક મૂલ્યોની, અર્હાનર્હના વિવેકની સૂઝ જગાડવી જોઈએ અને એ રીતે જીવનને ઉત્કર્ષયાત્રામાં આગળ લઈ જવું જોઈએ તે આજની કવિતા કરી શકતી નથી.

જે પ્રાંજલ હોય છે તેને ચિત્તમાં સહજ પ્રવેશ મળે છે. પણ કૃત્રિમતાના યુગમાં સરલ અને ઋજુ ભાવો પણ વિરલ જ બની ગયા છે. આ પ્રાંજલતાના અભાવને કારણે જ આધુનિક કવિતાને ભાવકના ચિત્તમાં પ્રવેશ મેળવવા માટે બીજાં અનેક સાધનોની મદદ લેવી પડે છે. અર્વાચીન કવિતા આપણને ભભકથી આંજી દેવા મથે છે. ચિત્તને કૃત્રિમ ઉત્તેજનાથી હચમચાવીને ચોંકાવે છે. અણજાણપણે અભ્યન્તરમાં અજવાળું અજવાળું કરી મૂકતી ગવ્યઘૃતના દીપની સૌમ્ય જ્યોતિરેખા એ નથી, એમાં દીપ્તિ કરતાં દાહ વધારે છે. એ વરેણ્યની પ્રાપ્તિ માટે કઠોર તપ તપતી શિરીષપેલવા ઉમા નથી;એ તો પ્રાકૃત વૃત્તિઓના પરના સંયમના અંકુશને અળગો કરી એને પોતાના ઉન્મત્ત તાલે નચાવીને બહેકાવી જનાર ભીલડી છે.

શીલથી મહિમાવન્ત બનેલી કલ્યાણિની કુલનારીને પોતાના પતિને રીઝવવા માટે કશા વશીકરણ મન્ત્રની મદદ લેવી પડતી નથી; એનું રૂપ એના સમસ્ત વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ ગયેલું હોય છે. એથી એના રૂપને અળગું પાડીનેર કેવળ એના પર જ નિર્ભર રહીને પતિને વશ કરી લેવાનું એ ઇચ્છતી નથી. એ કામ તો રૂપજીવિનીનું છે. પણ અર્વાચીન કવિતામાં ઘણી વાર કુલનારીના કરતાં રૂપજીવિનીનાં જ આપણને દર્શન  થાય છે. એ હેયને ગળે વળગીને શિષ્ટ રુચિને ક્લેશ કરાવે છે; એ સમ્બન્ધમાં ‘વર્જયેત્ અન્યથા વા પ્રકલ્પયેત્’ એ સૂત્રને જાણીબૂઝીને ભૂલી જવાનું એને વધારે ગમે છે. સ્થાપિત મૂલ્યોની હાંસી ઉડાવીને એ રાચે છે; અનિયન્ત્રિત વિસંવાદી વૃત્તિઓના વંટોળની ગતિને અધીન થઈ ગોળગોળ ઘૂમ્યા કરવાનું એને વધારે ફાવે છે. સુન્દરને કુત્સિત અને કદર્ય સાથે જાણીકરીને બેસાડી એ મહા સન્તોષ અનુભવે છે. તમને અમુક વિષયોની સૂગ છે?તો અમે તમને જાજરુની માખી અને જાહેરખબરની સુન્દરીના પર કાવ્યો લખી આપીશું. લખો, ગમે તે વિષયના પર લખો તે કાવ્ય બનવું જોઈએ એનું ભાન રાખો. નાવીન્યને ખાતર નાવીન્યનો મોહ, સત્યના નવીનતમ અંશને પામવાની ઉત્કટ ઝંખનાથી પ્રેરાયા વિના કરેલી કેવળ પ્રયોગખોરી, ઉત્કર્ષને અનુપકારક અંશોનું થતું આંધળું અનુકરણ, બુદ્ધિની કુશાગ્રતાના પ્રદર્શનને માટે પદ્યરૂપનો આશ્રય લઈને દુરાકૃષ્ટ અન્વય, સંદિગ્ધ ઙ્ખદ્વકેત અને કથયિતવ્યની સાથે મેળ રાખીને નહિ ચાલી શકનારી, અસામંજસ્યને કારણે પ્રસાદને બદલે ક્લેશ ઉત્પન્ન કરનારી બાનીની મદદ લઈને રચાતી પ્રહેલિકાઓ – આ બધાંને અમે કાવ્યને નામે સ્વીકારી લેવા તૈયાર નથી. પોચટ લાગણીનાં લોલડાં અમને નથી જોઈતાં, અમને કશાક સંગીન તત્ત્વની અપેક્ષા છે, પણ તર્કની સોપાનશ્રેણી ચઢાવીને બુદ્ધિને હંફાવી નાંખીને તમે કશાક તત્ત્વની લહાણ કરવાના હો તો એવી કશી તકલીફમાં પડશો નહીં. એને માટે જ્યારે અમારું મન વ્યાયામ કરવા તૈયાર હશે ત્યારે ફિલસૂફી વાંચી લઈશું, વીણાપાણિનીના મન્દિરમાં અમે આવીએ છીએ તે ઋતંભરા વાણીના ઝંકાર સાંભળવા, પૂર્વપક્ષીપ્રતિપક્ષીના તર્કની મલ્લકુસ્તી જોવા નહીં. સંવિત્ના સર્વ અંશોનો પરમોત્કર્ષ  સાધી, પાર્થક્યના ભાનને ભબ્લાવી દઈ સહજોપલબ્ધિથી સત્યને અપરોક્ષાનુભૂતિગોચર કરી શકવાના હો તો જ અમને નિમન્ત્રજો. પ્રચલિત વાદો – રાજકારણના કે વિવેચનના – નું દાસીત્વ કવિતા પાસે કરાવવાના હો તો એના સાક્ષી અમને બનાવશો નહીં. જુઓ તો, વાદોએ કવિતાને કેવી પીંખી નાંખી છે! આપણા નાનાલાલ, બ.ક.ઠાકોર ને ખબરદાર ને એ સૌના વફાદાર અનુયાયીઓએ પોતે પોતાના વાદનું સમર્થન કરવા, પોતાની દલીલના ઉદાહરણ રૂપે કવિતા નથી લખાવી લાગતી?જે સત્ય છે તે તો સ્વયંસિદ્ધ હોય છે. તો ભલા, અધીરાઈ, યુયુત્સુવૃત્તિ ને ઘમસાણ શાનું?નાનાલાલે વસન્તતિલકાને ખીલવ્યો હોત તો?બ.ક.ઠાકોરે ‘રે હિટલરા’, ‘અયિ ડાકિની,શાપું તને’ને બદલે બીજાં અનેક ‘આરોહણો’ અને ‘પ્રેમના દિવસો’ આપ્યા હોત તો?

છેલ્લે છેલ્લે બહાર પડેલા કાવ્યસંગ્રહોમાં તો કાવ્ય કરતાં કુકાવ્ય અને અકાવ્યનું પ્રમાણ જ વધારે જોવામાં આવે છે. નવીન કવિતાનાં અપલક્ષણો ફાલતાં જતાં લાગે છે. પ્રણયકાવ્યોમાં હૃદયની બળતરા, ઊમિર્માંદ્ય, રુરુદિષા, નફફટાઈ ને પ્રતિદાનની આગ્રહી ભુખાળવી અપેક્ષા વ્યક્ત થતાં જોવામાં આવે છે. એમાં વ્યક્ત થતો પ્રેમ બટકબોલો, ઔચિત્યની ઠંડે કલેજે ઉપેક્ષા કરનારો, આક્રમક અને ‘અહમ્’ની વિચિત્રતાઓને લડાવાતાં લાડના જેવો લાગે છે. એ પ્રણય વિક્રમશીલ નથી; એ પોતાની પ્રેમાસ્પદ વ્યક્તિને પોતાની અપેક્ષાઓના સરવાળા રૂપે જુએ છે, ને એમાં સ્હેજ સરખી ઊણપનો અનુભવ થતાં ચીસ પાડી ઊઠે છે. વિચ્છેદની તરડને એ સ્નેહરસાયણે સાંધી શકતો નથી. અભેદાનુભવની તુષ્ટિ એને લાધી નથી.

વિચારપ્રધાન કવિતા પોતાના દ્વિજત્વના અધિકારને જાળવી રાખે એવી સમર્થ રહી નથી. ઊંડી પર્યેષક દૃષ્ટિથી સત્યનું થતું અખણ્ડ દર્શન એ સહજ રીતે કરાવી શકતી નથી. આનું કારણ એ છે કે આજનો કવિ વિચ્છિન્ન વ્યક્તિત્વ લઈને જીવે છે. બૃહત્ સત્યને જીરવવાની, પોતાના ચિત્તધાતુમાં એને આત્મસાત્ કરીને એનું પુનનિર્ર્માણ કરવાની એનામાં શક્તિ નથી. આથી જ વિચારપ્રધાન કવિતામાં પ્રકટ થતો વિચાર ભાવકની પ્રજ્ઞાના શતદલને  વિકસાવી શકતો નથી, એ તો એની નિષ્પ્રાણતાથી ભારરૂપ બનીને ચિત્તને જાણે કચડી નાંખે છે. વિરાટ સત્યના નવીનતમ અંશોનો ચારુતમ આવિષ્કાર સાધવામાં આજનો કવિ પાછો પડ્યો છે.

 ગીતોનું પ્રમાણ કાવ્યસંગ્રહોમાં વધતું જતું જોવામાં આવે છે. જે કવિઓએ કદી ગીતો લખ્યાં નથી તેઓ પણ ગીતો લખવાને લલચાયા લાગે છે. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ પાંખી કે ફિસ્સી હોય, ઉમંગઊછળતા ઉપાડથી હૃદયને હેલે ચઢાવીને કવિ એકાએક ઊમિર્ની ઓટ આણી આપણને નિરાશ કરતો હોય; લલિત, મધુર, મૃદુ અને કમનીય એવા ભાવનર્તનને તાલેતાલે કવિની વાણી પણ તાતાથૈથૈ નાચી ઊઠતી ન હોય, તો ગીતો નિષ્ફળ જ જવાનાં. જેમ સમુદ્રનાં મોજાંના ઘુઘવાટને સાંભળીને આપણને અફાટ વિસ્તરેલા જલરાશિની અસીમતાનો ખ્યાલ આવે છે તેમ ગીતોમાં પણ પ્રકટ થયેલી અમુક એક ઊમિર્ના લયમાં હૃદયનાં સર્વ સ્તરોમાં વિસ્તરીને પડેલા ભાવોદધિનો ઘુઘવાટ સંભળાવો જોઈએ. ગીતોમાં ક્ષણિક તરંગને કે લાગણીને ગેયતાનો વાઘો પહેરાવીને રજૂ કરી દીધાથી કૃતાર્થ થઈ જવાતું નથી. ગીતમાં કાવ્યત્વની ઊણપને ગેયતાથી પૂરી દઈ શકાય એવી ભ્રાન્તિ કવિએ સેવવાની નથી. ગીતોનુંય એક કાવ્યસ્વરૂપ તરીકે આગવું વ્યક્તિત્વ છે. એમાં નિરૂપિત થતી ઊર્મિ અખણ્ડ રૂપે રજૂ થવી જોઈએ. એમાં પણ આકારસૌષ્ઠવ આવવું જોઈએ. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ માંદલી ન હોવી જોઈએ. વ્યક્તિના સમષ્ટિ સાથેના સંવાદી મિલનનો લય એમાં હંમેશાં ઝંકૃત થઈ ઊઠવો જોઈએ. ગીતોની સફળતા ખાઙ્ખ કરીને તો કવિએ સર્જેલાં ભાવપ્રતીકોના પર અવલંબીને રહે છે. આજનો કવિ એ ભાવપ્રતીકો સર્જી શક્યો નથી. ને આથી જ આજના કવિને મીરાંનાં ગીતોમાં રહેલી ઊમિર્ની ઉત્કટતા,સચોટતા ને વ્યંજકતા લાધ્યાં નથી. સાહિત્યમાં પ્રવર્તતી ફેશનને ગતાનુગતિક ન્યાયે અનુસરીને લખાતાં ગીતોમાં તો ઊમિર્ની સચ્ચાઈનો અભાવ જણાઈ આવે છે જ. રવીન્દ્રનાથનાં ગીતોના પરિશીલનની અસરથી પ્રભાવિત થઈને લખાયેલાં ગીતોમાં આપણા કવિઓની પ્રતિભાની ઊણપનો, ગીતમાં નિરૂપિત થતી ઊમિર્ને અનુરૂપ સંગીતની પરખના અભાવનો આપણને તરત જ ખ્યાલ આવે છે.

હમણાંનાં કાવ્યસંગ્રહોમાં કવિઓ પ્રાસંગિક તથા કાવ્ય લેખે હીનસત્ત્વ ગણાતી એવી ઘણી નબળી પદ્યરચનાઓને દાખલ કરી દે છે. મુશાયરાઓમાં રજૂ થતી કૃતિઓને એક કવિએ ‘રત્નાવલિ’ તરીકે ઓળખાવવાની ધૃષ્ટતા કરી છે. પ્રાપ્ત થયેલા યશથી અંજાઈને આવાં કાવ્યો સામે વિવેચક આંખ આડા કાન કરશે એવું કવિઓ માનતા લાગે છે. આવી વૃત્તિ પર કવિઓ સંયમ રાખે એ જ ઇષ્ટ છે. ચાર લીટીનાં  બધાં જ કાવ્યો રત્ન કે મુક્ક્ષતક બની જતાં નથી. એવાં પૃષ્ઠપૂરકો ભાવકના પર લાદીને એની સહૃદયતાના પર અનુચિત આક્રમણ કરવું કવિ જેવી સંસ્કારી વ્યક્તિને છાજતું નથી.

કાવ્યસાહિત્યમાં પ્રયોગકાળ પ્રવર્તે છે એમ કહીને કવિની નરી પ્રયોગખોરીનો હવે બચાવ કરવો એ યોગ્ય નથી. વાસ્તવિકતા અને જીવનના ભૌમસ્પર્શને નામે કવિ વસ્તુમાત્રના સાચા હાર્દ સુધી પહોંચ્યા વિના  નિરૂપ્ય વસ્તુને સમ્યક્દૃષ્ટિથી જોયા વિના, એની સપાટીને જ સ્પર્શીને એનું અતિશયોક્તિભર્યું ચિત્ર જ આલેખતો હોય, એ બહાને અભદ્ર અને કુત્સિત અંશોનો પક્ષપાત કરીને એનાં અતિરેકભર્યાં ચિત્રણમાં જ રાચવાની વૃત્તિ દાખવતો હોય તો એને કવિના રોગિષ્ઠ મનનો વિકાર જ સમજવો જોઈએ.

કાવ્યસાહિત્યનું આ અવલોકન નિરાશાના સૂરો સંભળાવે છે, કારણ કે ચિત્તમાં જાગતી શ્રેષ્ઠ કાવ્યના આસ્વાદનને માટેની અપેક્ષાને  છેતરવાનો દમ્ભ કરવો એ એને ગમ્યું નથી. આજના કાવ્યમાં અહીંતહીં પ્રકટ થતા આંશિક સૌન્દર્યને જ આગળ ધરીને ગવાતું આશાવાદી સૂરોનું સંગીત આજ સુધી સાંભળીને આપણે આપણી જાતને છેતરી છે અને એ રીતે કવિતાના વિકાસને કુણ્ઠિત કર્યો છે. પણ ચૈતન્યનાં નિમ્નતમ સ્તરોને છોડીને હવે આપણે ઉત્ક્રાન્તિની કલ્યાણયાત્રામાં આગળ ડગલું ભરી રહ્યા છીએ, ને ત્યારે એ યાત્રાનું સુપથ્ય પાથેય બની રહે એવી કવિતાની આપણને સહેજે જ અપેક્ષા રહે. આપણા યુગના વિદ્યમાન મન્ત્રષ્ટા ઋષિની પ્રતિભાથી પ્રતિભાત થયેલી કવિપ્રતિભાના નવા ચારુતર ઉન્મેષોની કદીક કદીક આપણને ઝાંખી થાય છે, ને એથી મન્ત્રશક્તિથી સમૃદ્ધ એવી ઋતંભરા વાણીને ફરી સાંભળવાની આશા પણ બંધાય છે.

વાણી: કાતિર્ક, 2004

License

Share This Book