છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય

સાહિત્યની પ્રગતિનું સરવૈયું કાઢવા માટે એક દાયકાનો ગાળો કદાચ ટૂંકો લાગે. આમ છતાં અનેક નિમિત્તે, જે થઈ ચૂક્યું છે કે થતું આવે છે તેને વિશે જ નહીં પણ ભવિષ્યમાં શું થશે તે વિશે પણ વિચારણા થયા કરતી હોય છે. કેટલાકના મતે ગાંધીયુગ હજી સાહિત્યમાં ચાલુ છે. એ યુગથી જુદા પડવા જેવાં લક્ષણો સ્વાતન્ત્ર્યોત્તર સાહિત્યે ઝાઝાં બતાવ્યાં હોય એવું એમને લાગતું નથી. તો કેટલાકને મતે આ છેલ્લા દાયકામાં ઘણાં નવાં પ્રસ્થાનો થયાં છે. હવે નવી દિશાઓ ખૂલી છે. ઘણી અક્ષુણ્ણ કેડીએ પગલાં મંડાયાં છે. સાહિત્યમાં નવી ચળવળો શરૂ થાય છે અને તરત જ સમેટાઈ જાય છે, હવે બધું તેજ રફતારથી બની રહ્યું છે. આ વિશે, કેવળ સાહિત્યને જ નહીં પણ સવિશેષ તો સંસ્કૃતિને ચાહનારા, કેટલીક ચિન્તા પણ સેવે છે. નવાં વલણો અનુકરણાત્મક છે, એમાં મૌલિકતા ઝાઝી નથી, એમાં અશ્રદ્ધા વિશેષ છે, સભાનપણે મૂલ્યવિધ્વંસક બનવાનો ધખારો છે. આવાં વલણોનાં મૂળ ભારતીય સંસ્કૃતિમાં નથી એટલું જ નહીં, એ સંસ્કૃતિને વિઘાતક નીવડે એવો પણ એમને ભય રહે છે. આથી કોઈ દુ:સ્વપ્નની જેમ આ બધું ભુંસાઈ જશે એવી એઓ આશા સેવે છે.

આવા કશા અભિનિવેશ કે આક્રોશથી અભિભૂત થયા વિના, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકીને, આપણે આપણા સાહિત્યિક સન્દર્ભને તપાસવો જોઈએ. કોઈ પણ કૃતિને નીવડી આવતાં વાર લાગે છે. પણ્ડિતયુગની સરખામણીમાં એક ઘટના સૌ પ્રથમ નોંધવા જેવી લાગે છે અને તે એ કે પણ્ડિતયુગમાં સહૃદય કે તદ્વિદો વધુ સક્રિય હતા, ઓછા ઉદાસીન હતા. ‘સરસ્વતીચંદ્ર’ની વિવેચનાઓ જુઓ; મુનશીની કૃતિઓ વિશે લખાયેલાં વિવેચનો જુઓ, એટલું જ નહીં, ઉમાશંકર જેવા સત્તર વરસના કિશોરની કૃતિને પણ સામેથી વધાવનારા દુરારાધ્ય નરસિંહરાવને યાદ કરો. આમ તે યુગમાં અનેક પ્રકારની પ્રતિભાઓના સમ્મિલનથી જે પરિપોષ થતો અને એથી જે સાહિત્યિક આબોહવાનું નિર્માણ થતું તેનો આજે અનુભવ થતો નથી. રાવજી પટેલ કે મણિલાલ દેસાઈ અકાળે એમની કાવ્યપ્રવૃત્તિ સંકેલીને વિદાય થઈ ચૂકે પછી પણ એમની કૃતિઓ વિશે સહૃદયો કે તદ્વિદોને કશું કહેવાની વૃત્તિ નહીં થાય. પણ્ડિતયુગમાં સમકાલીનો વિશે બેધડક કહેવાતું અને વાદવિવાદ કે વિતંડાનો પણ અભાવ નહોતો. હવે સમકાલીનો વિશે જ કશું કહેવાનું ન હોય તો નવી પેઢીના સર્જકો સુધી તો પહોંચવાની વાત જ શી? આને હું હેતુપૂર્વકની ઉપેક્ષા કહીશ નહીં, પણ આ ઉદાસીનતાને હું ક્ષમ્ય નહીં ગણું, કારણ કે એમાં રસિકના ધર્મથી ચ્યુત થયાનો દોષ તો રહેલો જ છે. બે પેઢી વચ્ચે શું કશા સંવાદની, વિનિમયની ભૂમિકા રહી જ નથી? આવી સોરાબરુસ્તમીનો તો બ.ક.ઠાકોરે પણ ક્યાં નહોતો ઉલ્લેખ કર્યો? નવા ‘વછેરા’ઓને બ.ક.ઠાકોરે નહોતા વધાવ્યા? પ્રયોગશીલતાને એમણે નહોતી વધાવી? અને એ બ.ક. ઠાકોરને કવિકુલગુરુ કહેનારા એમના ભાવિક શિષ્યોમાં આવી ઉદાસીનતા કેમ દેખાય છે? સમકાલીનોની ઉપેક્ષા એ ઉચ્ચભ્રૂવૃત્તિની દ્યોતક છે? એમાં જ આભિજાત્ય રહ્યું છે?

સૌ પ્રથમ કવિતાની વાત કરીએ. પ્રેમાનન્દની આખ્યાનશૈલી, દયારામની ગરબી, મધ્યકાલીન ભક્તકવિઓનાં જ્ઞાનભક્તિનાં ભજનો તથા પદો – આ પરમ્પરાને અનુસરનારા કવિઓ પણ આજે ક્રિયાશીલ છે; તો બીજી બાજુથી સર્રિયલ, ક્યુબિસ્ટ કહેવડાવનારા કવિઓ પણ ક્યાં નથી? પણ પ્રશ્ન એ છે કે પરમ્પરામાંથી પોષણ મેળવવાનું આપણા કવિને આવડ્યું છે ખરું? દરેક ભાષામાં જે સિદ્ધ થઈ ચૂક્યું હોય છે તેનો વારસો આત્મસાત્ કરી શકે એવું કાઠું કવિનું હોવું જોઈએ. આપણી પાસે એવા કવિ કેટલા? પરમ્પરાથી જકડાઈ જનારા પણ સાચી કાવ્યસેવા કરતા નથી. પરદેશના પ્રવાહોથી પરિચિત રહીએ એ માટેની અનુકૂળતાઓ હવે વધી છે, તે સાથે જ આપણી વિવેકબુદ્ધિને વધુ જાગૃત રાખવાની જવાબદારી પણ વધી છે. કશુંક નવું કરવું, આગલી હરોળમાં જ રહેવું એને માટેનો અત્યાગ્રહ હોય તેમાં કશું ખોટું નથી; પણ આ બધું મૌલિકતાને ભોગે ન થાય. કવિ કવિ પ્રથમ છે, પછી એ સર્રિયલ છે, ક્યુબિસ્ટ છે. આવી કશી સંજ્ઞા પરત્વેના પૂર્વગ્રહને કારણે નવી કાવ્યપ્રવૃત્તિની ઉપેક્ષા કરવી એ પણ યોગ્ય નથી. સહેજ સહેજમાં અનુકરણની ગન્ધ આવવા માંડે, બધાંમાં જ પશ્ચિમનો પ્રભાવ દેખાવા લાગે ત્યારે પણ આપણી રસવૃત્તિમાં કશો વાંધો છે એમ માનીને આત્મશોધન કરી લેવું ઘટે.

સંસ્કૃત વૃત્તો અને એની સાથે સંકળાયેલી કંઈક કૃત્રિમ એવી ઇબારતમાંથી મુક્ત થઈને, ગદ્યની લઢણોને કાવ્યમાં પ્રયોજી જોવા ખાતર તેમ જ ભાષા પરત્વે કાંઈક વધુ પ્રગલ્ભ બનવાની વૃત્તિથી કવિઓએ અછાન્દસ રચનાની પ્રવૃત્તિ શરૂ કરી. એનાં સારાં પરિણામો હજી સંકલિત થવાં બાકી છે; પણ એ પહેલાં એનાં અનિષ્ટ પરિણામોને ભાંડવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. કોઈ નવી કેડી પડે એટલે જેમને કોઈ નવું સાહસ કરવું નથી છતાં કશુંક નવીન કર્યાનો સન્તોષ લેવો છે એવા યશ:પ્રાર્થીઓનો એ માર્ગે ધસારો તો થવાનો જ. એમાં શબ્દાળુતા પ્રવેશી ગઈ, અતન્ત્રતા જ સામર્થ્યનું ચિહ્ન ગણાવા લાગી, કલ્પનોનો ખડકલો થવા લાગ્યો, આઘાત આપવા માટે થોડી અશ્લીલતા પણ દેખાવા લાગી. પણ કૃતક કાવ્યોને સાચી કવિતાથી છૂટા પાડવાનું એટલું અઘરું નથી. વિચારોના અન્વયને બદલે કલ્પનોના વિન્યાસ પર ભાર મુકાવા લાગ્યો. સંવેદનોની ક્ષિતિજો વિસ્તરી, નવાં ક્ષેત્રોનો રસના પ્રદેશમાં પ્રવેશ થયો. કહેવાતાં સૌન્દર્ય કે સુષ્ઠુ રમણીયતાને સ્થાને સામર્થ્યનો આગ્રહ રખાવા લાગ્યો. ઘણી વાર કાવ્યનું કાઠું પ્રતીકોનો ભાર સહન ન કરી શકે એવું બને ત્યારે કાવ્યમાં કુબ્જતા આવી ગઈ.

આ દાયકાના પ્રારમ્ભમાં સ્વાતન્ત્ર્યપ્રાપ્તિની સાથે ભોળપણથી જે સુવર્ણયુગની આશા રાખેલી તેની ભ્રાન્તિ સરી ગઈ. કાવ્યના વિષયોમાં હતાશા, વૈફલ્ય, શૂન્યતા, મૂલ્યનાશનો ફરી ફરી ઉલ્લેખ થવા લાગ્યો. એ ભાવો પ્રગટ કરવાને અમુક એક જ ધાટીનાં કલ્પનો તથા પ્રતીકોનો ઉપયોગ થવા લાગ્યો. સંસ્કૃતિના બાઝી ગયેલા કઠણ પોપડાને ભેદીને આદિમ વાસનાઓ સાથે ફરીથી અપરોક્ષ સમ્પર્ક સ્થાપવાના પ્રયત્નો થવા લાગ્યા. વિદગ્ધતા અને એની સાથે સંકળાયેલી સંયત રૂપનિષ્ઠાને સ્થાને દેખીતી રીતે અતન્ત્ર એવાં અરાજકતા અને આવેગને સ્થાન મળવા લાગ્યું. કેટલાક વિવેચકોને આથી આ સમસ્ત કાવ્યપ્રવૃત્તિને અનુચિત રોમેન્ટિક ઉદ્રેક ગણાવી દેવાનું અનુકૂળ થઈ પડ્યું.

પરદેશથી આવેલા એક કવિએ પૂછ્યું: ‘ગુજરાતમાં પણ બિટનિક અને હંગ્રી પોએટ્સનો પ્રભાવ વરતાય છે ખરો?’ એના જવાબમાં મેં કહ્યું કે એના પ્રભાવ નીચે લખાયેલી કવિતા નિકૃષ્ટ પ્રકારની છે. અછાન્દસ રચનાની પ્રવૃત્તિ પણ હવે ઓસરી ગઈ છે. એને બદલે હવે કવિઓ ચોપાઈ, દોહરા, કટાવનો લય વાપરતા થયા છે. પયાર કે વનવેલીનો ઉપયોગ પણ થતો રહે છે. રસદૃષ્ટિને સંતર્પે એવી રચનાઓ થતી આવે છે. વિદ્યાપીઠોમાં આગલી પેઢીના કાલજ્યેષ્ઠોનું વર્ચસ્ હોવાને કારણે ખમીરવાળી નવી કૃતિઓ પણ હજુ ‘પ્રશિષ્ટ’ કે ‘નીવડેલી’ ગણાતી નથી અને અભ્યાસમાં સ્થાન પામતી નથી. જોકે એનો નવી પેઢીને ઝાઝો અફસોસ પણ નથી. રાજેન્દ્ર શાહ, ઉશનસ્ કે જયન્ત પાઠક જેવા કવિઓ, ઝાઝા પ્રયોગશીલ બન્યા વિના પોતપોતાની શૈલીમાં રચનાઓ કરતા રહ્યા છે. સુન્દરમ્ ઉમાશંકરનો કાવ્યપ્રવાહ હવે ક્ષીણ થતો જાય છે. ઉમાશંકરે ‘ક્યાં છે કવિતા?’વાળાં પાંચેક કાવ્યના ગુચ્છમાં જે ‘શોધ’ આદરેલી તેનો તન્તુ આગળ લંબાયો નથી. એમણે ‘મહાપ્રસ્થાન’માં ‘પ્રાચીના’માં હતાં તેવાં સંવાદકાવ્યો આપ્યાં છે. એ પ્રયોગો નાટ્યત્વની દૃષ્ટિએ ઝાઝા આગળ જઈ શક્યા નથી. ગાંધી શતાબ્દી નિમિત્તે નવી માતબર કૃતિઓ મળી નથી. આ પ્રસંગે થયેલાં ગાંધીકાવ્યનાં સંકલનોમાં કાવ્યત્વ પાંખું લાગ્યું છે. બે યુદ્ધોમાં પણ આપણા દેશને સંડોવાવું પડ્યું. પણ ગુજરાતી કવિઓ એ પ્રસંગોથી ઝાઝા પ્રભાવિત થયા લાગતા નથી. ચારે બાજુ અનુભવાતી નિસારતામાં યુદ્ધ પણ ભુંસાઈ ગયું. સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેની ગીતરચનાઓથી જુદો જ મિજાજ ધરાવનારી રમેશ પારેખ, અનિલ જોશી અને મનોજ ખંડેરિયાની રચનાઓ પ્રાપ્ત થઈ છે. ઘણા કવિઓએ પ્રચલિત કાવ્યસ્વરૂપોને નવી રીતે ખપમાં લીધાં છે. એ રીતે કેટલીક વાર રૂઢ પરમ્પરાની વિડમ્બના કરી છે તો નવી સંવેદનાને પ્રકટ કરવા એ સ્વરૂપોની શક્યતાને ચકાસી જોઈ છે. મહાકાવ્ય લખવાની વાત હજુ વિસારે પડી નથી. લાભશંકર, ચિનુ મોદી, રાવજી પટેલ વગેરેએ દીર્ઘ કાવ્યરચનાઓ પણ અજમાવી જોઈ છે. અનેક કવિકણ્ઠ આ ગાળામાં ખૂલ્યા એ આપણું સદ્ભાગ્ય લેખાવું જોઈએ. આ બધા twittering machines છે ને કોઈ major poet આપણી વચ્ચે નથી એવું કહેવાય છે ખરું. પણ ઘણા કવિઓ ઉદ્યમશીલ છે, ક્યારેક એમાંથી જ આપણને યુગવાણી સાંભળવા મળશે એવી આશા ન સેવવાનું કશું કારણ નથી.

આ દાયકા દરમિયાન ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં પણ ઘણા પ્રયોગશીલ સર્જકો બહાર આવ્યા છે. સ્નેહરશ્મિનું વાર્તાલેખન ચાલુ છે, જયંત ખત્રી છેલ્લો સંગ્રહ આપી ગયા છે. ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનો હ્રાસ, નિરૂપણમાં સૂક્ષ્મતા, કાવ્યની રીતે એનું થતું વિભાવન, શૈલી અને રચનારીતિના નવા નવા પ્રયોગો, ભાષાનાં નવાં પોત પ્રકટ કરવાનું વલણ – આ બધું ગૌરવ લેવા પ્રેરે એવું છે. વાર્તાકારોની સંખ્યા વધી છે. એમાંય કૃતક, અનુકરણાત્મક અને મૌલિક વચ્ચેનો વિવેક કરવાનો રહે છે. વિવેચન આ ક્ષેત્રમાં થયેલા નવા પ્રયોગો વિશે પણ પશ્ચિમની અસરોનું નામ, સહેલાઈથી પણ બિનજવાબદારી રીતે લીધે રાખે છે. આ કારણે ‘સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ’નાં દૃષ્ટાંતો ચીંધી બતાવાય છે; અસ્તિત્વવાદ તો ખરો જ. પહેલાં જ્યાં ને ત્યાં મોપાસાં અને ચેહોફનાં નામ લેવાતાં, હવે હેમિંગ્વે અને ફોકનર, કૅમ્યૂ અને સાર્ત્રનાં નામ લેવાય છે. આ લઘુ સ્વરૂપના નાના ફલક પર રહીને મોટા વ્યાપને સાધવો અને છતાં ઊંડાણનો ભોગ ન આપવો એ પહેલી હરોળના વાર્તાકારોની નેમ છે, અને એ પડકાર ઝીલનારા ઘણા બહાર આવ્યા છે. ખાસ કરીને ટૂંકી વાર્તામાં થયેલું નવું પ્રસ્થાન એ સ્વરૂપની ગુંજાયશને બહાર લાવનારું નીવડ્યું છે. અલબત્ત, એમાં પણ અનુકરણ કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે. મનોરંજન એ હવે એનું લક્ષ્ય રહ્યું નથી, છતાં લોકપ્રિય નીવડે એવી, કેટલીક વાર હલકી રુચિની વાર્તાઓ જ માત્ર આપનારાં સામયિકો પણ છે. દરેક સમર્થ સર્જક પોતાનો વાચક પણ સરજી લે છે. ટૂંકી વાર્તાની પ્રયોગશીલતાને કારણે હવે એનો વાચકવર્ગ ઘટ્યો છે અને નવલકથા વધુ લોકપ્રિય થતી જાય છે. રચનાશૈથિલ્ય અને આકારહીનતાને પણ નવીનતાને નામે ખપાવવાના પ્રયત્ન થાય છે. કોઈ વાર કવિતાની જેમ એમાં પણ કલ્પનોનો ખીચડો થાય છે. ભાષાના પ્રયોગમાં કવિતામાં દેખાય છે તેવી ઝાઝી પ્રગલ્ભતા એમાં દેખાતી નથી. ચાતુરીવાળી ને પૂંછડીએ આમળાવાળી વાર્તાઓ પણ હજી લખાય છે ખરી. આભાસી સર્રિયલ વાર્તાઓ પણ જોવા મળે છે. આવા પ્રયોગોમાં ટેકનિક દ્વારા થતું અન્વેષણ પૂરેપૂરું આગળ લંબાવવામાં આવતું નથી. આથી એકાદ છમકલામાં બધું પતી જાય છે. સર્જકના વ્યક્તિત્વની આગવી મુદ્રા, થોડાક અપવાદો બાદ કરતાં ખાસ જોવામાં આવતી નથી. પ્રયોગોનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટતું જાય છે. ભવિષ્ય ભાખનારા ટૂંકી વાર્તા વિશે હવે પછીના દાયકામાં ઝાઝી આશા સેવતા નથી.

ઉત્પાદનની દૃષ્ટિએ નવલકથા સૌથી મોખરે છે. મુનશી હજી ‘કૃષ્ણાવતાર’ લંબાવ્યે જ જાય છે. ઐતિહાસિક નવલકથાઓ પણ હજી લખાવી ચાલુ જ રહી છે. મોટા ભાગના લેખકોએ મનોરંજનનું લક્ષ્ય સ્વીકારી લીધું છે. એમાં માફકસરની અશ્લીલતા દાખલ કરીને અન્તે નીતિમત્તાનો ઢોળ ચઢાવવાની તરકીબથી કામ ચાલી જાય છે. સ્વ.મડિયાએ પ્રવર્તમાન પરિસ્થિતિનું વ્યંગાત્મક આલેખન ‘સધરા જેસંગનો સાળો’માં કર્યું છે તો દિગીશ મહેતાએ ‘આપણો ઘડીક સંગ’માં નવી પેઢીનાં પ્રેમપ્રકરણ અને સાહસવૃત્તિનું કોલેજજીવનની પશ્ચાદ્ભૂ સ્વીકારીને હળવી શૈલીમાં વ્યંગાત્મક આલેખન કર્યું છે. આ સિવાય હાસ્યવૃત્તિના બીજા ઉલ્લેખપાત્ર નમૂનાઓ દેખાતા નથી. સામાજિક નવલકથાઓ કળાની દૃષ્ટિએ ઝાઝી સત્ત્વશીલ દેખાતી નથી. એમાં સમાજસુધારણાનો અભિનિવેશ હજી પ્રાબલ્ય ભોગવે છે. એમાં નિરૂપાયેલી સમસ્યાઓમાં પ્રાસંગિક તત્ત્વ મોટે ભાગે હોય છે તો એ સમસ્યા જૂની થાય છે ને જો એમાં કળાતત્ત્વ પાંખું હોય છે તો એમાં ઝાઝો રસ રહેતો નથી. સૂક્ષ્મતાનો અભાવ આ પ્રકારમાં સવિશેષ જોવામાં આવે છે. જાનપદી નવલકથાઓ પણ કેટલાક નવા લેખકોએ અજમાવી જોઈ છે. આ પ્રકારમાં આપણને કેટલીક નોંધપાત્ર કૃતિઓ મળી છે ખરી. નવલકથામાં પણ આ દાયકામાં સારી એવી પ્રયોગશીલતા જોવા મળે છે. શ્રીકાંત શાહ ‘અસ્તી’ને કશા નામે ઓળખાવતા નથી, છતાં એમાં બને તેટલા આછા વસ્તુસન્દર્ભને કાવ્યના સ્તર પર રહીને નિરૂપવાનો એક પ્રગલ્ભ પ્રયત્ન થયેલો છે. ઘટનાના પિણ્ડને ઓગાળી નાખવાના પ્રયત્ન છતાં એ કારણે કશુંય બાષ્પીભૂત કે ધૂંધળું નથી બની જતું. એથી ઊલટું એમાં સૂક્ષ્મ સંવેદન અને એની સાથે સંકળાયેલાં વાતાવરણ, પરિવેશ તથા સ્થાનોનાં મૂર્ત સુરેખ અને ઘણી વાર તો નાજુક નકશીકામવાળાં ચિત્રો અંકાયેલાં જોવા મળે છે. રસદૃષ્ટિએ આપણને તૃપ્તિકર નીવડે એવી એ કૃતિ છે. પણ કેળવાયેલી રુચિવાળાં સહૃદયોને જ એ તાકે છે, આથી એ કથાના તાણાવાણા એ બહુજનભોગ્ય બની શકે નહીં તે દેખીતું છે. રાવજી પટેલે ‘અશ્રુઘર’માં પણ કાવ્ય અને કથાના તાણાવાણા ગૂંથી લીધા છે. પ્રબળ જિજિવિષા અને આસન્ન મૃત્યુની પડછે પ્રેમના ગૂંથાતા જતા તન્તુની ભાત ઊપસી આવે છે. એમાં રહેલો વિષાદ સંયત અને આસ્વાદ્ય છે. ‘ઝંઝા’માં પણ આવી જ કવિચેતના વ્યાપારશીલ બનેલી દેખાય છે. મુકુંદ પરીખની લઘુનવલ ‘મહાભિનિષ્ક્રમણ’માં પણ ઘટનાનો હ્રાસ કરીને સંવેદનાની કાવ્યના સ્તરે માંડણી કરવાનો સારો પ્રયત્ન થયો છે. મધુ રાય ‘ચહેરા’માં દેખીતી રીતે નિલિર્પ્ત ભાવે અનેક અનુભવોમાંથી પસાર થતા આજના ચહેરા વિનાના, અથવા એકને બદલે અનેક ચહેરા પહેરીને ફરનારા માનવીનું ચિત્ર આપે છે. આપણો લેખક પોતાને અનુકૂળ નીવડે એવી રચનારીતિ શોધતો થયો છે તેનું એ સારું નિદર્શન છે. માનવવ્યવહારને એમાં જુદા જુદા સ્તરેથી બતાવવામાં આવ્યો છે. નાયકની દેખીતી નિલિર્પ્તતા છતાં એની સંવેદનશીલતા, એની એકલતા, નિરુદ્દેશ્યતા અને વિષાદ પ્રબળ રીતે સૂચવાય છે. એમાં કાવ્યનો મોહ રાખ્યો નથી, પણ સૂક્ષ્મતાનો અનુભવ તો થાય છે જ. ‘અમૃતા’ પણ રઘુવીર ચૌધરીનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન છે, એમાં આપણા જમાનાની બૌદ્ધિક આબોહવાને નિરૂપવાનો પ્રયત્ન છે. સામસામે બે વિચારસરણીના પ્રતિનિધિઓ મૂક્યા છે અને એ બે વચ્ચે છે નારી, એ પણ મેધાવી છે. મુનશીથી જુદી રીતે એમનાં પાત્રોના સંવાદમાં પટાબાજી જોવા મળે છે. બુદ્ધિપૂર્વક કરેલી મીમાંસામાં હંમેશાં જોઈએ તેવું ઊંડાણ ન લાગે. કેટલીક વાર છીછરી ચબરાકી થતી દેખાય એવું બને છે ખરું. છતાં રઘુવીર પ્રવાહપતિત લેખક નથી. હજી એઓ પ્રયોગશીલ રહેશે એવી આશા રહે છે. લાભશંકર, ચિનુ મોદી પણ નવલકથાલેખન તરફ વળ્યા છે. લાભશંકરમાં કશીક દાર્શનિક ભૂમિકા રચવાનો પ્રયત્ન છે, પણ કળાદૃષ્ટિએ જોઈએ તેટલો પ્રતીતિકારક બનતો નથી. એક નોંધવા જેવી વાત એ છે કે થોડા વખત સુધી આકૃતિરચનાને મહત્ત્વ આપવાનો જે ઝોક હતો તેની પ્રતિક્રિયા આવા કેટલાક લેખકોએ પોતાની રચના પરત્વે કરેલાં કેટલાંક વિધાનોમાં દેખાય છે. વચમાં નવલકથાઓ લઘુમય બનતી જતી હોય એવું લાગતું હતું, અને એ એક સારું ચિહ્ન હતું. પણ હમણાંનો પાછો મેદ વધતો જતો દેખાય છે. હરીન્દ્ર દવેએ પણ ‘માધવ ક્યાંય નથી’માં મુનશીથી જુદી રીતે કૃષ્ણની આજુબાજુ કથા ગૂંથી છે અને હજી એઓ નવા પ્રયોગ કરવાની આશા આપી રહ્યા છે. શિવકુમાર જોષી લાંબા ગાળા સુધી ક્રિયાશીલ રહ્યા છે. લઘુનવલો પણ રચી છે. તેમણે તથા હસિત બૂચે ગાંધીજીની સ્વાતન્ત્ર્ય માટેની ક્રાંતિના તબક્કાને કથાનકમાં ગૂંથી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત મોહમ્મદ માંકડે પણ ‘કાયર’ અને ‘ધુમ્મસ’ જેવા સારા પ્રયોગો આ સ્વરૂપમાં કર્યા છે. ધીરુબેન પટેલની ‘વાંસનો અંકુર’ પણ ઉલ્લેખપાત્ર કૃતિ છે. આ ઉપરાંત સુખપાઠ્યતા, મનોરંજન અને કેટલીક વાર એના જ એક વ્યંજનદ્રવ્ય લેખે લાવવામાં આવતી થોડી ઢાંકેલી અશ્લીલતા – આટલી મૂડીને આધારે થોકબંધ નવલકથા લખનારો એક વર્ગ ઊભો થયો છે. સાર્વજનિક પુસ્તકાલયોમાં તો આવી જ કૃતિઓ ઠલવાતી જાય છે. આમાં જાસૂસી નવલકથાઓ પણ હવે ભળી છે. વિજ્ઞાનના જમાનામાં વિજ્ઞાનની ભૂમિકા પર લખાયેલી સાહસભરી કથાઓ હજી આપણે ત્યાં લખાવી શરૂ થઈ નથી. નવલકથા શુદ્ધ સાહિત્યપ્રકાર નથી એમ કેટલાક માને છે એટલે સાહિત્યિક ગુણવત્તા લાવવાની ઝાઝી પરવા રાખ્યા વિના એનું ઉત્પાદન વધાર્યે જાય છે. કેટલીક પ્રકાશન સંસ્થાઓ પણ આ જ પ્રવૃત્તિ ધમધોકાર ચલાવી રહી છે.

લલિત નિબન્ધો આપણે ત્યાં ખાસ લખાતા નથી. આથી આ પ્રકાર જોઈએ તેવો વિકસ્યો નથી. કિશનસંહિમાં લલિત ગદ્યના થોડા સારા નમૂના જડી આવે ખરા, છતાં એમાં સૂક્ષ્મ રસવૃત્તિને તરત ખૂંચે એવી એક પ્રકારની કૃતકતા રહેલી છે. વિચારો અને લાગણીઓને એની સાહજિક શ્રીથી મણ્ડિત કરવાને બદલે તવાયફના ઘરના પાનની જેમ સોનેરી-રૂપેરી વરખ ચોંટાડીને મૂકવાનો એમનો આગ્રહ હોય છે. આધ્યાત્મિક અનુભવની વાત કરતા હોય ત્યારે પણ થોડી બનાવટ એમાં ભળી જાય છે. કિશનસિંહ એક શૈલીકાર તરીકે જોઈએ તેટલો સંયમ કેળવી શક્યા નથી. એથી ઊલટું સ્વામી આનંદમાં તળપદી બાનીનું કૌવત અને અનલંકૃત કવિતા બંને દેખાય છે. વ્યક્તિઓનાં રેખાચિત્રો આલેખવાની એમની કુશળતા પણ પ્રશસ્ય છે. એમની નિરાડમ્બર પારદર્શી નિખાલસતા એમના ગદ્યને વિશિષ્ટ કાવ્યત્વથી મણ્ડિત કરે છે, નવીનોએ સર્જનાત્મક ગદ્યપ્રકારોમાં ગદ્યને સારું ખિલવી બતાવ્યું છે. લલિત સર્જનાત્મક ગદ્યનું સાચું સંકલન થઈ શકે એવી આપણી પાસે સારી એવી સામગ્રી છે. લલિત લઘુ નિબન્ધો દિગીશ મહેતાએ સારા લખ્યા છે. એ બધા ગ્રન્થસ્થ થયા નથી એટલે એ તરફ ઘણાંનું ધ્યાન ગયું નથી. એમાં એક પ્રકારની નાગરતા અને વિદગ્ધતા છે, વિગતોને પારખવાની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ છે, અને બધું કાવ્યથી ખચી દેવાનો લોભ નથી. હવે તો શાસ્ત્રીય ગણાતા વિવેચનમાં પણ લટકાળી શૈલી દેખાવા લાગી છે.

જીવનચરિત્ર અને આત્મકથાનું સાહિત્ય આપણે ત્યાં અત્યન્ત અલ્પ છે. ડો. જયંત પાઠકનું બાળપણનાં સ્મરણોનું પ્રકૃતિની પડછે આલેખન કરતું ‘વનાંચલ’ એમાં નોંધપાત્ર ઉમેરો છે. હમણાં જ સ્નેહરશ્મિનું આત્મકથનાત્મક ‘મારી દુનિયા’ પણ પ્રગટ થયું છે. ક્યાંક કોઈ પીઢ મુરબ્બી સાહિત્યકાર આત્મકથા કે ડાયરી લખતા હશે ને આવતા દાયકામાં એ પ્રગટ થશે એવી આશા રાખીએ.

ગાંધી શતાબ્દીને નિમિત્તે પણ ગાંધીજીના જીવનકાર્ય અને જીવનદર્શન વિશે તૃપ્ત કરે એવા અભ્યાસો આપણને મળ્યા નથી એ નોંધવું રહ્યું. આમેય તે મૌલિક ચિન્તનાત્મક સાહિત્ય આપણે ત્યાં વિરલ છે. પંડિત સુખલાલજી, રસિકલાલ પરીખ – એમનું અર્પણ નોંધપાત્ર છે. ફિલસૂફી, અર્થશાસ્ત્ર, સમાજવિજ્ઞાન વગેરે માનવવિદ્યાની જુદી જુદી શાખાઓ વિશેનાં પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં લખાવાં શરૂ થશે, પણ એ વિશે આપણા અધ્યાપકો અને ચિન્તકોનું મૌલિક અર્પણ કેટલું? એ માટે હજી આપણે રાહ જોવાની રહેશે?

વિવેચન વિશે થોડું આગળ કહેવાઈ ગયું જ છે. નવીનોમાં જયંત કોઠારી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વગેરે ગામ્ભીર્ય અને સંનિષ્ઠાપૂર્વક વિવેચનની પ્રવૃત્તિ આદરી રહ્યા છે. પાયાના સિદ્ધાન્તોની ચર્ચા હજી પૂરતા ઊંડાણથી થતી જોવામાં આવતી નથી. એરિસ્ટોટલ, લોન્જાઈનસનાં મૂળ લખાણોના અનુવાદો થવા માંડ્યા છે. એ સુલભ બનતાં એ વિશે ચર્ચાવિચારણા પણ થશે. હવે તો વિવેચનનું જ ખાસ સામયિક ‘ગ્રંથ’ પણ આપણી પાસે છે. આમ છતાં સમકાલીન સર્જનાત્મક પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર આપણી આગળ ઊપસી આવતું હોય એવું બનતું નથી. સંશોધનની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. પશ્ચિમના કેટલાક પાયાના ખ્યાલોને વિશદ બનાવીને મૂકવામાં ડો. હરિવલ્લભ ભાયાણીએ સારો ફાળો આપ્યો છે. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરમાંથી પ્રકટ થતા ‘સ્વાધ્યાય’માં સંશોધનાત્મક સાહિત્ય પ્રગટ થતું રહે છે. આ ઉપરાંત ‘ફાર્બસ ત્રૈમાસિક’ તથા ‘બુદ્ધિપ્રકાશ’ તો ચાલુ છે જ. કવિતા વિશે નવાં સામયિકો પ્રગટ થતાં રહે છે, પણ કેટલાંક સારાં સામયિકોનું પ્રકાશન બંધ કરવું પડ્યું તેની પણ ગુજરાતની કદરદાન પ્રજાને યાદ આપવાની જરૂર છે.

આપણી ભાષામાં જ્ઞાનકોશની રચના થતી આવે છે. ‘જ્ઞાનગંગોત્રી’ના ઘણા ખંડો પ્રગટ થઈ ચૂક્યા છે અને ગુજરાત વિદ્યાપીઠે પણ એવું જ કાર્ય ઉપાડ્યું છે. આમ, આવા પ્રયત્નો બેવડાય એને બદલે કેન્દ્રિત બને અને એનું વધુ સંગીન પરિણામ આવે તે વધુ ઇચ્છવા જેવું નહીં? આપણા સાહિત્યનો ઇતિહાસ લખવાની યોજનાઓ થયા કરે છે, પણ આ દાયકામાં એનો આરમ્ભ કરી શકાયો નથી. તે જ રીતે બોલાતી ભાષાનું વ્યાકરણ લખવાની યોજના તદ્વિદોએ ઘડી તો છે. આપણે આશા રાખીએ કે આવતા દાયકામાં એ આપણને મળે. ગુજરાતી ભાષા રંગેચંગે રૂડી પેરે શોભી રહો એવી કામના રાખીએ.

License

શૃણ્વન્તુ Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.