અત્રતત્ર

તો ચાલો, કીર્તિ સામે ઝુંબેશ ચલાવીએ. એણે આપણા સાહિત્યનો ઘણો ભોગ લીધો છે. ખુમારીવાળા સર્જકોને યાચક બનાવ્યા છે. એણે સર્જકની દૃષ્ટિને પોતાની કૃતિના સત્ત્વ પરથી ખસેડીને પોતાના નામના ચળકાટ તરફ વાળી છે. પાઠ્યપુસ્તકોમાં સ્થાન, સંકલનોમાં સ્થાન, પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધિ – એટલેથી દોટ અટકતી નથી. પછી ચન્દ્રકો અને ઇનામો: નર્મદ ચન્દ્રક ને રણજિતરામ ચન્દ્રક; ગુજરાત રાજ્યનાં ઇનામ. દિલ્હીનું સાહિત્ય અકાદમીનું ઇનામ, અને હવે એથી આગળ વધીને જ્ઞાનપીઠનું ઇનામ – એ ઉપરાંત સંસ્થાઓએ અસાહિત્યિક ધોરણે જાહેર કરેલાં નાનાંમોટાં ઇનામો તો જુદાં! આ ચક્કરમાં પડેલો જીવ ક્યાંથી છૂટે? તેમાં વળી આગલી હરોળમાં રહેવાનો ધખારો, પ્રવાહને નવો વળાંક આપ્યાનું શ્રેય લેવાની ઇચ્છા, અગ્રણી ‘ચાર પૈકીના એક’માં ગણાવાની મહત્ત્વાકાંક્ષા – આ બધું તો ખરું જ. છાપામાં વિવેચનનું પાનું, ને પાનું નહીં તો એકાદ કોલમ હાથ આવી ચડે તોય ભયોભયો – થાપવા ઉથાપવાની રમત રમવાની કેવી મજા! આને ચૂંટી ખણી તો પેલાને થાબડ્યો. પણ આથી આગળ વધીને જો અંગ્રેજી છાપાંમાં નામોલ્લેખ થયો તો જાણે અવતાર ધન્ય ધન્ય! અને જો અંગ્રેજી છાપામાં લખવાનું મળ્યું તો તો જાણે કીતિર્એ અવકાશયાનમાં જ ફાળ ભરી!

આ પછી યોજેલી કે યોજાવાયેલી મુલાકાતો, એમાં લટકાળો ફોટો, બહોળા વાચનનો દાવો, થોડાંક ચોંકાવનારાં પ્રગલ્ભ વિધાનો, ‘તમે તમારી કઈ કૃતિને શ્રેષ્ઠ ગણો છો?’ના જવાબમાં દામ્ભિક નમ્રતા, ભાવિમાં શું શું કરવું છે તે વિશેની મહત્ત્વાકાંક્ષાઓ, થોડી આત્મકથા (જે વાંચીને ઊછરતા લેખકોને પ્રેરણા મળે એવી પરગજુપણે કરેલી વ્યવસ્થા) – આ બધું કરવામાં પણ કુનેહ દાખવવી પડે. ધીમે ધીમે આ બધું કરવાની ફાવટ આવી જાય, રીઢા થઈ જવાય, સાથે સાથે સર્જનને માટેની સાધનામાં ઊણપ આવતી જાય, પણ આત્મશોધન માટેનો સમય ક્યાંથી કાઢવો?

આ પછી પરિષદ, સભાસમિતિ, સંવિવાદનાં ક્ષેત્રો ખુલે છે. સંવિવાદમાં ભાગ લેવાનું નિમન્ત્રણ મળે એટલાથી સન્તોષ નહીં, પછી તો સંવિવાદનું સંચાલન કરવાનું મળે તો જ જવું, નહીં તો પોતાની મહત્તા વધુ સ્થાપી આપે એવાં કારણો શોધીને જવાનું ટાળવું. ઉપસંહારમાં આપણે જ છેલ્લા બોલનારા છીએ એ જાણીને બીજાઓનો બને તેટલો ‘સંહાર’ કરવો, કટારનો ઉપયોગ કરવો ને એ રીતે કુશાગ્ર બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરી તુષ્ટ થવું. આ પછી પરિષદમાં દાખલ થવું, મન્ત્રી થવાની પેરવીમાં રહેવું, નેમ તો પ્રમુખ થવાની જ રાખવી. પણ આમાં શોખ કારભારનો, કીર્તિ લેવાની વ્યવસ્થાશક્તિ માટે, આ બધાંને સાહિત્ય સાથે કશી લેવાદેવા નથી.

આ પછી વિદ્યાપીઠોની કે સરકારી સમિતિઓમાં સ્થાન પામવા માટેની પડાપડી. નાનાં ઇનામો લેવા કરતાં આપવાનું શ્રેય લેવું વધારે સારું. પાઠ્યપુસ્તકો નક્કી કરનારી સમિતિમાં હોઈએ તો મિત્રોને ઉપકારક થઈ શકાય. ‘અમે તો નવા પ્રયોગશીલ સાહિત્યનો વિદ્યાપીઠમાં પ્રવેશ કરાવવા ઇચ્છીએ છીએ.’ એમ કહી એ બદલનો જશ લેવાનું પણ છોડવું નથી. આમ જાણે સાહિત્ય તે ચારપાંચ ભાગીદારોની સહિયારી મિલકત હોય એમ એની વહેંચણી કરી લેવી. આથી આગળ વધીને પાઠ્યસંકલનો તૈયાર કરવાં – એમાંય ઘણાને ઉપકારવશ કરી શકાય.

આ પછી બીજાને પ્રસિદ્ધિ આપીને ઉપકારવશ કરી વધુ પ્રસિદ્ધ થવાની તરકીબો. એમાં પ્રવેશકો લખવા, મુરબ્બીવટ દાખવવી, આંગળી ચીંધ્યાનું પુણ્ય લેવું ને એ રીતે નવી પેઢીની સાથે રહેવું ને એને દોરવણી આપ્યા કરવી. ગુજરાત બહારના કે કદિક ભારત બહારના ગુજરાતી સમાજને પોતાની પ્રતિભાનો લાભ આપીને કીતિર્ના પરિધને વિસ્તારવો.

કોઈ વગ ધરાવનારા વર્ગના સામયિકમાં સ્થાન ન મળે તો હવે તો પોતાનું નાનું શું પતાકડું કાઢવાની સગવડ છે જ. પ્રસિદ્ધિની ઇચ્છા રાખનારી મંડળીનો સહકાર તો એમાં મળી જ રહેવાનો. પછી એ સામયિકનાં પાનાં ભરવાનો ઉદ્યમ ચાલુ રાખવાનો જ રહે. આમ સાહિત્યની વાત તો બાજુએ રહી જાય. આમાં વળી નવી પ્રતિભાની શોધ કર્યાનો દાવો કરવાની પણ સગવડ ખરી! આ પછી જાહેર સન્માન, માનપત્ર, પષ્ઠીપૂર્તિ – જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કીર્તિ માટેની દોટ મૂકતો આપણો લેખક (ના, એને હવે આપણે સર્જક નહીં કહીએ) કેવો તો દયામણો લાગે છે! આપણા મુરબ્બીઓ પાસેથી હવે આપણે કીતિર્ને માટેની દોટ મૂકવાનો વારસો નથી લેવો. પરિષદો, પ્રમુખોની શોભાયાત્રાઓ (વરયાત્રા અને સ્મશાનયાત્રાની વચ્ચે પણ હવે આવી ઘણી યાત્રાઓ ઉમેરાતી જાય છે!) આ બધાંથી દૂર રહેવું જોઈએ.

પાકા પૂંઠાની અમરતાને પણ હવે જતી કરીએ તો શું ખોટું? કૃતક કળાથી શણગારેલાં કવર જેકેટ ને મોટી કિંમતનાં પુસ્તકો, કોઈ જાણીતો પ્રકાશક – આ ચક્રમાંથી પણ આપણે છૂટવું પડશે, આવતી પેઢી માટે કશું મૂકી જવાનો લોભ બાલિશ નથી? સાહિત્યના ઇતિહાસમાં અર્પણ નોંધાઈ રહે એવો લોભ પણ શા માટે? પુસ્તકાલયોના મ્યુઝિયમમાં ધૂળ ખાતી જૂની પોથીઓમાં દટાઈને રહેવાની અમરતાનો તે લોભ હોય? આમ ને આમ આપણે ભૂતકાળનાં ચીંથરાંને સાચવ્યાં છે ને ભવિષ્યની ચિન્તામાં વર્તમાનને ન્યાય કર્યો નથી. સૌથી તિરસ્કૃત તો વર્તમાન જ છે. એક રીતે જોઈએ તો કીર્તિ ભવિષ્યની લકીર છે, ને નહીં તો સ્થગિત ભૂતકાળનું વજન છે.

રિલ્કેની એક કવિતામાં સોનું માનવી આગળ કાકલૂદી કરીને કહે છે: ‘મને ફરીથી ખાણમાં સંતાઈ જવા દો. મારી કહેવાતી અશુદ્ધિને શુદ્ધ કરવા તમે કસોટી કરી, પણ તમે જે નવી અશુદ્ધિ ઉમેરી છે તેથી તો શરમના માર્યા મારે ધરતીમાં સમાઈ ગયા વિના છૂટકો નથી. રાજાઓના સિક્કા, ધનિકોની લોભી આંગળીની છાપ, ગરીબોનાં આંસુ, હત્યારાઓએ રેડેલ લોહી – બધું મારા અંગ પરથી શી રીતે ધોઈ શકાશે?’ આમ આજે સુવર્ણચન્દ્રકોનું સોનું પણ અશુદ્ધિને કારણે ધરતીમાં સમાઈ જવા ઇચ્છે છે. એના પર લોલુપ દૃષ્ટિના ડાઘ છે. દુરુપયોગનું કલંક છે.

સરસ્વતીની પણ આ જ દશા થઈ છે. હવે એ વિદ્યાસંસ્થાઓમાંથી અલોપ થતી જાય છે. સંસ્થાઓ રહી છે, વિદ્યા રહી નથી. સંસ્થાને એનું તન્ત્ર છે જેની નીચે બધાં પરતન્ત્ર છે, આથી વિદ્યાનું તેજ જો ઝાંખું ન પાડવું હોય તો એને પણ કીતિર્ના ડાઘ પડવા ન દેવા જોઈએ. ‘મારી નવલકથાનો અનુવાદ હિન્દીમાં થઈ રહ્યો છે.’ ‘લંડનની જાણીતી પ્રકાશક પેઢી મારી નવલકથાનો અંગ્રેજી અનુવાદ છાપશે.’ ‘જર્મનીમાં થયેલા એશિયાઈ કવિતાના સંકલનમાં મારું કાવ્ય છે.’ – આવી વાતો છાતી ફુલાવીને બોલનારા વામણા જીવ આપણી વચ્ચે છે. પોતાને મળેલા ઇનામની જાહેરાત પુસ્તકોમાં કરે છે. પોતાની કૃતિને પણ પોતાની જાહેરાતનું સાધન બનાવે છે ને આત્મપ્રશંસાના બે શબ્દ નિ:સંકોચ સાથે જોડી દે છે.

તો આવો, કીર્તિ સામે ઝુંબેશ ઉઠાવીએ; બધી માન્યતાઓને અમાન્ય રાખીએ, ચન્દ્રકોને ઓગાળી નાંખીએ, આત્મપ્રશંસામાં રાચતી કલમોનું લીલામ કરીએ, પાકા પૂંઠાની બાંધણીને તોડી નાંખીએ. હવે તો બે પાનાં ચાર પાનાંનું ફરફરિયું બસ છે, એક સારી વાર્તા, એક સારી કવિતા મળી તો બસ. સાહિત્યમાંય વળી ‘સંગ્રહખોરી’ શા માટે? પ્રકાશકો ને ગ્રન્થવિક્રેતાઓનો વેપલો છો ને ચાલ્યા કરતો. આપણે એમને જથાબંધ માલનો પુરવઠો પૂરો પાડનાર થોડા જ છીએ? પરિષદો છોડો, સંવિવાદને બદલે વિવાદ કરો, સંવાદ કરો ને ‘કીર્તિ’ શબ્દના પર છેકડો મૂકો.

મે, 1970

License

શૃણ્વન્તુ Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.