૭. મોટી બહેન

આખી રાત જીવીને ઊંઘ ન આવી. થાકને કારણે આંખ મીંચાઈ જતી પણ તરત જ એ ઝબકીને જાગી જતી. ભાઈ પાસે જ ઊંઘતો હતો. એ તો ઘસઘસાટ ઊંઘતો હતો કારણ કે આ ઘર છોડીને હવે હમેશના માટે એણે બીજે રહેવા જવાનું છે એની એને કંઈ જ ખબર નહોતી. ખબર હોત તો ય આખી પરિસ્થિતિને પામી શકે એવી એની ઉંમર નહોતી.

બહેને ભાઈના બરડે મમતાથી હાથ ફેરવ્યો. આવતી કાલે આ સમયે જેને પોતે ‘ઘર’ કહેતી હતી તે ખોરડું હશે, ઝાંપલીની પાસે પથારી કરીને બાપ સૂતો હશે, એનું સતત ખોં ખોં ખોં ચાલતું હશે, પાસેની રેલવે લાઈન પરથી આખી રાત ટ્રેનો દોડતી રહેતી હશે, ખોરડાની માટીની ભીંત પર અંબામાની છબી ઝૂલતી હશે – બધું ય હશે પણ ભઈલો નહિ હોય. એ હવે આલીશાન બંગલામાં રહેવા જશે, જાતજાતનાં ને ભાતભાતનાં રમકડાંથી રમશે, પગમાં બૂટ-મોજાં પહેરશે, બાઈ એને બાબાગાડીમાં બેસાડી ફરવા લઈ જશે, એને રોજ જલેબી ને પેંડા ને એવું એવું ખાવાનું મળશે અને મોટરમાં ફરશે….

ઊંઘમાં ભાઈએ પડખું ફેરવ્યું અને ઊંહકારો કરી બેઠો થઈ ગયો. ‘જીવી, ભૂ….’ જીવી તરત ઊભી થઈ ગઈ. ‘રાજુ ભઈલા, આપું છું હોં…’ જીવીએ ખૂણે પડેલી માટલીમાંથી રાજુને પાણી પાયું. પાણી પીને રાજુ ઊંઘી ગયો. પણ જીવીની ઊંઘ વેરણ થઈ હતી. એ જાગતી બેઠી. ભાઈના શરીરે એણે હાથ ફેરવ્યા કર્યો. બારણા પાસે સૂતેલા બાપનું ખોં ખોં ખોં ચાલુ હતું.

જીવીની માને મરી ગયે વરસેક થયું હશે. ત્યારથી નાના ભાઈની અને ઘરની જવાબદારી પંદર વર્ષની જીવી પર આવી પડી હતી. માની ખોટ આ નાનકડી છોકરીએ ભાઈને લાગવા દીધી નહોતી. સવારે વહેલી ઊઠીને એ કામ કરવા જતી. બાજુના મધ્યમ વર્ગના લત્તાનાં ચારેક કુટુંબમાં એણે કપડાં-વાસણ કરવાનું જે કામ મા કરતી તે હવે જીવી કરવા જાય ત્યારે ભાઈને સાથે લઈ જતી. રાજુ ઘરના ઓટલા પર બેસી રહેતો. કામ પતે એટલે રાજુને લઈ જીવી થોડે દૂરના મ્યુનિસિપાલિટીના જાહેર નળે જતી. ભાઈને નવડાવતી. ઘસી ઘસીને એનું શરીર ચોખ્ખું કરતી. ઘરે આવતી ત્યારે બપોરના બે અઢી તો વાગી જ ગયા હોય. રસોઈ કરવાની તો વાત જ નહોતી. કારણ કે જ્યાં જ્યાં વાસણ માંજતી ત્યાં ત્યાંથી થોડું થોડું ખાવાનું મળી રહેતું.

બાપ વહેલી સવારે ઘરની બહાર નીકળી પડતો તે રાત્રે પાછો આવતો. નોકરી નહોતી પણ દાડી મળી રહેતી. સવારે દાડીએ જતા ખોરડાની નજીકની એક ચાની લારીમાંથી ચા પી લેતો અને સાંજે કામેથી છૂટ્યા પછી કોઈ લારીમાંથી સસ્તામાં જે મળે તે ખાઈ લેતો. દિવસમાં ખાવાનું આ એક જ વખત. રાત્રે લગભગ દસેક વાગ્યે એ ઘરે આવતો ત્યારે કોઈ કોઈવાર તો જીવી આવી પણ ન હોય. ઘરે આવતાં જીવીને સાડા દસ અગિયાર થઈ જતા. રાજુ ઊંઘમાં આવી ગયો હોય ત્યારે એને તેડીને એ ઘેર આવતી. પછી બંને ભાઈ-બહેન ઊંઘી જતાં; અને સવાર પડ્યે નીકળી પડતાં.

જીવી એના બાપ ઉપર ઊતરી હતી અને રાજુ એની મા ઉપર. જીવી કામગરી હતી પણ ફૂટડી નહોતી. રાજુ ગોરો હતો, જીવી શ્યામ હતી. રાજુ કાળો ન પડી જાય તેની જીવીએ ભારે કાળજી રાખી હતી. રાજુ જોતાં જ ગમી જાય એવો હતો. વાંકડિયા કાળા વાળ અને ચમકતી આંખો. હસે ત્યારે ગાલે ખંજન પડે. તંદુરસ્તી પણ સારી. જીવીની જાત ઘસાતી હતી. પણ રાજુના ઉછેરમાં એણે પાછું વાળીને જોયું નહોતું. જ્યાં કામ કરવા જતી ત્યાંના છોકરાઓને એણે દફતર ખભે ભેરવી નિશાળે જતા જોયા હતા. એને વિચાર આવ્યો હતો  મારો ભાઈલો પણ આવો…

પણ એ સ્વપ્નને એક બીજું સ્વપ્ન ભગાડી મૂકતું. આજુબાજુનાં ખોરડાંવાળાં પાસેથી જીવીએ સાંભળ્યું હતું કે હવે થોડા દિવસમાં જીવી-રાજુની નવી મા આવવાની છે. ‘નવી મા’ શબ્દ સાંભળતાં જ જીવી ધ્રૂજી ઊઠી હતી ચોથા ખોરડામાં જ એણે નવી મા રઈલીની કેવી વલે કરતી તે નજરોનજર જોયું હતું. ના, ના, ના, નવી મા ન જોઈએ – એનું કુમળું મન બંડ પોકારતું હતું. પણ એને કોઈ ઓછું પૂછવાનું હતું? નવી માની જરૂર જ શી છે? પોતે હવે ચાર-પાંચ ઘરનાં વાસણ-કપડાં કરી શકે એવડી તો થઈ ગઈ છે. પણ બાપની પાસે એક હરફ ઉચ્ચારવાની એની હિંમત નથી. તમાચો જ પડે. મનોમન એ વિચારે છે કે હું તો રઈલીની જેમ નવી માનો માર ખાઈ લઈશ, પણ મારા ભઈલાને જો એ મારશે તો ભંફોડીની જેમ એને વળગીશ. આવનારીએ હજુ આ જીવલીને ભાળી નથી. હાં…

એક સાંજે રાજુ-જીવી આવતાં હતાં ત્યાં રસ્તા પર એક કાર ઊભી રહી ગઈ. આધેડ ઉંમરના પુરુષે રાજુને બોલાવીને એના હાથમાં ચૉકલેટ મૂકી. ‘કેવો મજાનો છોકરો છે, નહિ ડિયર?’ એણે બાજુમાં બેઠેલા શેઠાણીને પૂછ્યું હતું. પછી તો આ મિલન અવારનવાર થતું. જીવીને સાંજે કામે નીકળવાનો સમય તે જ શેઠશેઠાણીને ફરવા નીકળવાનો સમય. કારની પાછલી સીટ પર બેસીને બારીમાંથી ડોકું કાઢીને જોઈ રહેતા લાંબા લાંબા વાળવાળા સફેદ કૂતરાને ભય અને આશ્ચર્યથી રાજુ–જીવી જોઈ રહેતાં. એ વખતે તો જીવીની કલ્પનાય ક્યાંથી આવે કે રાજુ એક દિવસ એ મોટરમાં બેસીને ફરવાનો છે?

છેલ્લી બે-ત્રણ રાતથી શેઠની મોટર ખોરડા પાસે આવીને જીવીના બાપને લઈ જતી. જીવીને કાંઈ સમજાયું નહિ. એ એટલું સમજતી કે મોટાં લોક છે એટલે આપણું ભાગ્ય ઊઘડી જશે. એક રાત્રે જીવીને બાપે કહ્યું કે, આપણો રાજુ શેઠશેઠાણીને ગમી ગયો છે. એમને છોકરું નથી એટલે દત્તક લેવા માંગે છે અને મને કોક ઓળખીતાના કારખાનામાં નોકરી અપાવશે. પૈસાય મળશે. જીવીના આનંદનો પાર ન રહ્યો  ભઈલો મારો મોટા બંગલામાં રહેવા જશે, મોટરમાં ફરશે, બૂટમોજાં પહેરીને નિશાળે ભણવા જશે… અને એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. જખ મારે છે આવનારી નવી મા. રાજુને જવાનો દિવસ ક્યાં દૂર હતો? જીવીની ઊંઘ ઊડી ગઈ. થાકેલું શરીર ઝોકું ખાઈ જતું, પણ આત્માને ક્યાં જપ હતો? ભાઈ જાય એ એને ગમતુંય હતું અને નહોતુંય ગમતું! મા હોત તો તો એય ઓછી ના પાડવાની હતી/ બંગલો મળે, મોટર મળે, સારું સારું ખાવાનું મળે…

એક સવારે કાર આવીને રાજુને લઈ ગઈ. એના હાથમાં ક્રીમ બિસ્કીટ અને કેડબરીનાં પેકેટ હતાં. રાજુને મજા પડી ગઈ હતી. પણ જ્યારે જીવીને એણે પોતાની સાથે ન જોઈ ત્યારે એણે ‘જીવી…, બુન…’ કરીને ચીસ પાડી ને રડી ઊઠ્યો. જીવી ખોરડાના થાંભલાને પકડીને થાંભલો બની ગઈ હતી. આંખમાંથી આંસુની ધાર ચાલી જતી હતી. ભઈલો મોટો થશે ત્યારે મને ઓળખશે ખરો? મને બંગલામાં એ લોકો પેસવા દેશે? મારી સાથે રમવા ભઈલાને કો’કવાર આવવા દેશે?

બે-ચાર દિવસ તો રાજુને લઈને કાર આવી પણ પછી દેખાતી બંધ થઈ ગઈ. એકવાર રાજુ માંદો પડ્યો હતો અને ‘જીવી જીવી’નું રટણ કરતો હતો ત્યારે એક બાઈ આવીને જીવીને લઈ ગઈ હતી. વળાંકો લેતી બસ જીવીને ક્યાંની ક્યાં લઈ ગઈ. બંગલામાં જતાં જીવીનો પગ નહોત ઊપડતો. પોતાના મેલા પગથી ચળકતા પથ્થરોને ક્યાંક ડાઘ પડશે તો? પણ ભઈલાને મળવા એનો જીવ તલપાપડ હતો. એવું મકાન અંદરથી એણે પહેલી જ વાર જોયું. આજુબાજુ જોવાનું મન હતું પણ આંખો તો ભાઈને શોધી રહી હતી.

કેટલાક ઓરડાનાં બારણાં અને દાદર વટાવ્યા પછી એક ખંડમાં પલંગમાં સૂતેલા રાજુને એણે જોયો. ‘રાજુ, ભઈલા…’ એનો અવાજ સાંભળતાં જ રાજુ બેઠો થઈ ગયો અને જીવીને વળગી પડ્યો. ડૉક્ટર ગળે સ્ટેથોસ્કોપ ઝુલાવીને એક ખુરશીમાં બેઠા હતા. શેઠાણીને એમણે કહ્યું  ‘નાઉ હી વીલ બી ઑલ રાઈટ.’ (હવે એ સારો થઈ જશે.) શેઠાણીના જીવમાં જીવ આવ્યો. ડૉક્ટર ગયા, શેઠાણી પોતાના કમરામાં ગયાં. નોકર બાઈ રાજુના પગંલની પાસે નીચે બેસી રહી. રાજુ એની કાલી કાલી બોલીમાં વાતો કર્યે જ ગયો. જીવી બિચારી કશું જ બોલી શકતી નહોતી. પોતાના ભાઈને આવા મોટા બંલામાં પલંગમાં પોઢેલો જોઈને એનો હરખ માતો નહોતો. પોતે એની સાથે ન રહી શકે? ઘરમાં કામવાળી તરીકે કોઈ ન રાખે?

‘તું જા. હવે રાજુને આરામનો સમય થયો છે.’ શેઠાણીએ આવીને કહ્યું. જીવી ઊભી થઈ ગઈ. રાજુ એની સાથે જવા તૈયાર થઈ ગયો. શેઠાણીએ એને વાર્યો અને કહ્યું  ‘ના, દીકરા, એને સાંજે ફરીથી બોલાવીશું. તું સૂઈ જા. જો હવે તાવ ઊતરવા માંડ્યો છે તે ફરીથી ચડશે તો?…’ રાજુએ આજ્ઞાનું પાલન કરવાનું હતું. જીવી બંગલાની બહાર નીકળી એટલે નોકર બાઈએ દરવાજો બંધ કરી દીધો. એણે એકલા ઘરે જવાનું હતું. ચાલતી એ નીકળી પડી. જતાં જતાં એણે રસ્તા પરથી બંગલા તરફ જોયું. રાજુ ગેલેરીમાં કદાચ ઊભો હોય… પણ ના, ત્યાં કોઈ નહોતું. રસ્તો લાંબો હતો. ઘરે પહોંચતાં કદાચ રાત પડી જશે. આજે સાંજે કામ કરવા નહિ જઈ શકાય. ઠપકો સાંભળવો પડશે. પણ ભાઈને એ કેટલા દિવસે મળી હતી! એણે ઝડપથી પગ ઉપાડ્યા પણ મન બંગલાનાં પગથિયાં ચડીને ભાઈલા પાસે જતું હતું. એને થયું કે બંગલાના દરવાજા પાસે જ બેસી રહું. સાંજે ફરીથી બોલાવવા આવશે તો તરત પાછા ફરવું પડશે. પણ સાંજને બદલે રાત પડી તોય કોઈ દેખાયું નહિ.

દિવસો પછી દિવસો વીતતા જાય છે. રાજુનું મોં જોવા મળ્યું નથી. રાતે જીવી ઝબકી ઝબકીને જાગી જાય છે. રાજુ આવ્યો? પણ કારના અવાજને બદલે પસાર થઈ જતી ટ્રેનોનો અવાજ સંભળાતો. એક બપોરે કામેથી આવ્યા પછી જીવીનું મન ઝાલ્યું ન રહ્યું. ખોરડું એને ખાલી ખાલી લાગ્યું. એ ખરા તાપમાં ઉઘાડા પગે નીકળી પડી. ચાલતી ચાલતી બંગલે પહોંચી. દરવાજો ઉગાડીને જવાય શી રીતે? થોડે દૂર એક ઝાડની નીચે ગેલેરી સામે જોતી એ ઊભી. હમણાં રાજુ દેખાશે. નવાં નકોર કપડાં પહેર્યાં હશે. ‘જીવી બુન’ કહીને બોલાવશે એટલે સપાટાબંધ દાદર ચડી જઈશ. ભઈલા સાથે કુકા રમ્યે ઘણા દા’ડા થઈ ગયા. હવે તો એ રમકડે રમતો હશે. એ રાહ જોઈ જોઈને થાકી. કોઈ દેખાતું નહોતું. આમ ને આમ કદાચ રાત પડી જશે. બહુ મોડું થઈ જશે તો બાપ ચામડી ઉતારી નાખશે. એને થયું કે દરવાજા પાસે ઊભી રહી રાજુને બૂમ મારું એટલે કો’ક તો બહાર આવશે જ. એ દરવાજા પાસે ગઈ પણ મોંમાંથી અવાજ ન નીકળી શક્યો. નોકર બાઈએ જીવીને ઊભેલી જોઈ એટલે એ તરત શેઠાણી પાસે દોડી ગઈ. થોડીવારે પાછા આવી કહ્યું  ‘તુમ જાઓ યહાંસે. તુમારા અબ કોઈ કામ નહીં હૈ. ખાલીપીલી પરેશન મત કરો. બાઈજીને યહાં આને કા મના કર દિયા હૈ, આયા સમજમેં?’

જીવીના પગ નીચેથી ધરતી સરીગઈ. થોડી વાર રસ્તા પરના વૃક્ષ નીચે એ બેસી રહી. પછી લથડતા પગે પાછી ફરી. રસ્તે જતી ગાડીઓને તાકીને જોઈ રહેતી. કદાચ મારા ભઈલાને ફેરવવા શેઠલોક નીકળ્યા હોય. પણ ગણી ગણાય નહિ એટલી ગાડીો આવીને સડસડાટ ચાલી જાય છે. એકેયમાં રાજુનું મોં જોવા મળતું નથી. થાકીપાકી જીવી રાતે ઝબકીને જાગી જાય છે  ‘રાજુ, ભઈલુ…’ પણ પાસે કોઈ નથી. બારણા પાસેથી બાપની ખાંસી સંભળાય છે – ખોં… ખોં… ખોં…

(અખંડ આનંદ, ઑક્ટોબર ૧૯૭૯)

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book