૬. તન્વી શ્યામા

વડોદરામાં અમારા મકાનની સામે બીજા એક મકાનની બારી પડતી. બંને મકાનો વચ્ચે તારની વાડ, પણ આવવા-જવા માટે એક છીંડું રાખેલું. તારની વાડની પેલી બાજુ જવાનું મારે થયેલું જ નહીં. એ બાજુ મહાદેવનું એક મંદિર હતું અને એની આજુબાજુ હતી એક ચાલી.

એક સવારે મારી બારીમાંથી મેં જોયું તો સામેના મકાનની બારીમાં એક કન્યા ઊભેલી. આ પહેલાં ક્યારેય આ મકાનમાં મેં એને જોયેલી નહીં. એ મારી બારીમાંથી ઘરમાં જે કંઈ જોઈ શકાય એમ હતું તે જોતી હતી. બારીમાંથી જે સીધું જ દેખાય તે તો હતું પુસ્તકોનું કબાટ. કાચનાં બારણાં એટલે ખબર પડી જાય કે કબાટમાં પુસ્તકો ભર્યાં છે. કબાટની ઉપર લટકે રવીન્દ્રનાથનો ફોટો. બસ, એ સિવાય બારીમાંથી બીજું કંઈ નજરે ન પડે. અમારી નજર મળી ને એ સહેજ આડું જોઈને ઊભી રહી ને પછી અંદર ચાલી ગઈ. પાતળો દેહ, ભીનો વાન, ચળકતી આંખો, લાંબા વાળ, આસમાની રંગની સાડી પહેરેલી. ડોકનો વળાંક આખા વ્યક્તિત્વને એક છટા આપે એવો. સવારમાં જ રોજની એક પરિચિતા બારીમાં એક અપરિચિતા સુંદરીનું દર્શન! કોણ હશે?

ત્યારે વડોદરા યુનિવર્સિટીમાં હું એમ.એ.માં ભણતો. ઉનાળાનું વેકેશન હતું. મારાં બા-બાપુજી વતનમાં ગયેલાં. ઘરમાં હું એકલો. વૅકેશનમાં વતનમાં જાઉં તો વાંચવાનું થાય નહીં અને છેલ્લી પરીક્ષાને હવે એક જ વર્ષ બાકી હતું એટલે વૅકેશનનો ગાળો બગાડવો પાલવે એમ નહોતું. બપોરે અને સાંજે રૅલવે સ્ટેશનના કાફેટેરિયામાં જમવા જાઉં. સાંજે જમીને આવ્યા પછી મારા મકાનથી થોડે દૂરના એક નાનકડા બાગમાં બેસું. બાગ રસ્તે જ આવતો અને મારા એકાદ-બે સહાધ્યાયીઓ ત્યાં બેઠા હોય એટલે મારી સાંજ સુધરી જતી. આ બાગ સાંજે આખા વિસ્તારનું ધબકતું કેન્દ્ર બની જતો. સ્ત્રીઓ-પુરુષો પોતપોતાનાં પરિચિતો સાથે ઝૂમખામાં બેસતાં અને બાળકો રમતાં.

એક સાંજે બાગના બાંકડા ઉપર હું બેઠો હતો ત્યાં એક પુરષ અને ત્રણેક સ્ત્રીઓ બાંકડાની નજીક ઘાસમાં આવીને બેઠાં. આમાં પેલી કન્યા હતી. મને થયું કે એમની વાતોમાંથી ખબર પડી જશે કે તે કોણ છે. વાતવાતમાં એ બોલી  ‘અહીં કેટલી બધી શાંતિ છે! મુંબઈમાં તો બસ ધમાલ ધમાલ. વાતોમાંથી વિશેષ એટલું જાણી શકાયું કે એના પિતાનું મુંબઈમાં અવસાન થયું છે ને એની માતાને દક્ષિણ ગુજરાતના કોઈ ગામડામાં રહેવું પડે એમ છે. બીજી વાતો સગાં અને વ્યવહારોની હતી. અંધારું થવા આવ્યું એટલે એ લોકો ઊઠ્યાં. એને જતી હું જોઈ રહ્યો.

દરવાજાની બહાર બધાં નીકળ્યાં હશે ને એ એકલી પાછી ફરી. હું બેઠો હતો ત્યાં એ સડસડાટ આવી. પૂછ્યું  ‘અમે અહીં બેઠાં હતાં ત્યાં મારો રૂમાલ રહી ગયો હતો?’

‘મારા જોવામાં નથી આવ્યો.’ મેં કહ્યું.

‘ક્યાંક આજુબાજુ ઊડી ગયો હશે.’ બોલીને એ ઊભી રહી. પછી કહે  ‘મળે તો ખબર આપશો?’

‘તમે પૂછી જજો.’

એ આવી હતી એટલી જ ઝડપથી ચાલી ગઈ.

બીજા દિવસે નમતા બપોરે હું વાંચતો બેઠો હતો. ત્યાં તારની વાડના છીંડામાંથી એને આવતી મેં જોઈ. સાથે એનાથી મોટાં એક બહેન હતાં.

‘આવીએ?’

‘આવો.’

‘આ મારાં મોટાં બહેન છે. તમને એ પ્રોફેસર ધારે છે.’

‘અત્યારે નથી. ભવિષ્યમાં કદાચ થાઉં.’

‘તો આ બધું ભેગું શા માટે કર્યું છે?’ એણે પુસ્તકો બતાવીને કહ્યું.

‘રસનો વિષય છે એટલે.’

‘પ્રોફેસર થવાની તૈયારી કરી લીધી. નહીં?’ કહીને એ હસી.

‘પ્રોફેસરના ઘરમાં જ પુસ્તકો હોય એવું થોડું છે? કારખાનાના મૅનેજરના ઘરમાં પણ હોય ને લેખકના ઘરમાં પણ હોય.’

‘ઓહો… તો તો લેખક…’

એ પુસ્તકો જોવા લાગી. જોતાં જોતાં કહે  ‘વૅકેશન પૂરું થતાં મારે યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે.’

‘શેમાં?’

‘ઈન્ટરમાં. એફ. વાય બૉમ્બેમાં કર્યું.’

હું પૂછી ન શક્યો કે મુંબઈ શાથી છોડવું પડે છે. ગઈ કાલની વાતો મેં સાંભળેલી તે સ્મરણમાં હતી. મને કહેવાનું મન થઈ આવ્યું કે તારા પિતાજીના અવસાનના સમાચાર જાણી હું દિલગીર છું. પણ હું બોલી ન શક્યો. થોડીવાર મૌન લંબાયું. પછી એનાં મોટાં બહેને કહ્યું  ‘અમે બે બહેન ભાઈ નથી. બાપુજીનું ગયા જાન્યુઆરીની શરૂઆતમાં હૃદયરોગથી અવસાન થયું. મા-દીકરી મુંબઈમાં એકલાં રહે તે શી રીતે પાલવે? સગાંવહાલાં બધાં દક્ષિણ ગુજરાતમાં. તમે તો જાણો છો આજનો જમાનો. ટીકુ કૉલેજમાં ગઈ હોય, બા ઘરમાં એકલાં હોય ને ઘાટી નોકર કંઈ કરી બેસે તો! એટલે મુંબઈનો ફ્લૅટ કાઢી નાખ્યો. બા હવે ગામ રહેશે. ટીકુને ગમે તો મારી સાથે રહે ને હૉસ્ટેલમાં ઠીક પડે તો ત્યાં રહે.’

અમારી વાત ચાલતી હતી એવામાં કબાટમાંથી એક પુસ્તક કાઢીને ટીકુ લઈ આવી. કહે  ‘વાંચવા લઈ જાઉં છું.’ મેં જોયું તો આલ્બેર કામૂની નવલકથા ‘ધી આઉટસાઈડર’ હતી. એણે એનું શરૂઆતનું વાક્ય મોટેથી કહ્યું  ‘મધર ડાઈડ ટુડે.’ (મા આજે મૃત્યુ પામી.) ને એ મૂંગી થઈ ગઈ. આંખ સહેજ ભીની થઈ ગઈ. પછી કહે  ‘જઈએ.’ ને બંને જણાંને જતાં હું જોઈ રહ્યો.

આલ્બેર કામૂની ત્યારે બોલબાલા હતી. મારા પ્રાધ્યાપકો અને સહાધ્યાયીઓ એનાં પુસ્તકોની, એની વિચારધારાની ચર્ચા કરતા. ટીકુએ આધુનિક સમયની એક ગણનાપાત્ર કૃતિ ઉપાડી તેથી એની અભિરુચિ માટે મને એક ક્ષણ તો માન થયું  પછી બીજી ક્ષણે વિચાર આવ્યો કે એને કામૂની ખબર નહિ હોય, માત્ર પહેલું જ વાક્ય એને સ્પર્શી ગયું હશે ને એણે પુસ્તક ઉપાડ્યું હશે.

દસેક દિવસ પછી એ મને રસ્તે મળી ગઈ. કહે કે ઍડમિશન લઈ લીધું છે ને પુસ્તક વંચાઈ ગયું છે. ‘બાપ રે, કામૂએ તો માથું ફેરવી નાખ્યું!’

‘કેમ?’

‘જિંદગી સાવ આવી હોય?’

‘જિંદગીના અર્થની એમાં શોધ છે.’

‘એવા અર્થ-બર્થ તમને લેખકોને પાલવે. આપણે તો જીવી જાણીએ.’

‘જીવવાની ક્રિયામાં જ જિંદગીને આપણે અર્થ આપતા જઈએ છીએ.’

‘એક માણસનું ન હોવું એ જ અર્થની શોધોને શૂન્યમાં ફેરવી નાખે છે એવું તમને નથી લાગતું?’

‘એ જ અર્થની શોધ માટે આપણને પ્રેરે છે. માનવીના મૃત્યુની સાથે જ એને માટે દુનિયા મરી જાય છે. પણ દુનિયાને માટે એ મરતો નથી.’

‘મારે માટે મારા પિતાજી મૃત્યુ પામેલા નથી. પણ એ નથી પણ એટલું જ સાચું છે.’

ચાલતાં ચાલતાં બસસ્ટૅન્ડ આવી ગયું ને એ ‘જાઉં?’ બોલીને બસમાં ચડી ગઈ. મેં હાથ ઊંચો કરી એને વિદાય આપી.

એક સાંજે ‘શ્રીમતી હંસા મહેતા લાઇબ્રેરી’માંથી નીકળીને હું પાછળના રસ્તે થઈ હૉસ્ટેલ્સ તરફ જતો હતો ત્યાં પાછળથી ટીકુ આવી કહે કે  ‘કમાટી બાગ ચાલો, એક વાત પૂછવી છે.’ મેં એની આંખમાં આંખ પરોવીને જોયું  પ્રેમની વાત તો નહિ કરવી હોય? પણ એવું કંઈ દેખાયું નહીં. અમે ચાલતાં ચાલતાં સંગ્રહસ્થાનની પાસેના ફુવારા પાસે એક બાંકડી પર બેઠાં. એણે પર્સમાંથી એક કાગળ કાઢી મારા હાથમાં મૂક્યો. ‘મારી જન્મકુંડળી છે.’

‘મને જોતાં નથી આવડતું.’

‘નીચે લખ્યું છે તે વાંચો.’

મેં વાંચવા માંડ્યું  શરીરસુખ સારું, ભણવામાં હોશિયાર વગેરે વિગતે લખ્યું હતું. આગળ વાંચતાં હું થંભી ગયો. લખ્યું હતું કે લગ્ન થશે પણ લગ્ન પછીનાં ત્રણેક વર્ષમાં પતિનું અવસાન થશે!

‘આ બધું તું સાચું માને છે?’ મેં પૂછ્યું.

‘સાચું નહિ જ પડે એવી કોઈ ખાતરી છે?’

‘જીવ્યે જ ખબર પડે.’

‘બોલ્યા, જીવ્યે જ ખબર પડે!’

‘બીજો કોઈ માર્ગ મને દેખાતો નથી.’

‘હું લગ્ન નહિ કરું.’

‘એની ચિંતા અત્યારે શા માટે? ભવિષ્યનાં વર્ષો જ એ બધું નક્કી કરશે.’

‘આ કુંડળી પિતાજીએ મને બતાવેલ જ નહીં, પણ એમના અવસાન પછી મારા હાથમાં આવી ગઈ. હવે આ ભવિષ્યવાણી હું ભૂલી શકતી નથી.’

‘આપણે આપણું કામ કરતા રહેવું. જેમાં રસ પડે એવું કાર્ય કરતા રહીએ એ જ જીવન. ચિંતામાં જીવન ટૂંકું થતું જાય.’

‘મારે ઉપદેશ નથી જોઈતો.’

‘ઉપદેશના મૂળમાં સહાનુભૂતિ છે.’

‘લગ્ન કર્યા વિના કોઈની સાથે ન રહેવાય?’

‘વિધિ ન કરી તેથી શો ફેર પડે? લગ્ન એ માત્ર વિધિ નથી. એનાથી ઘણું બધું વધારે છે એટલે એવા વિચાર ન કરવા. કોઈ યોગ્ય વ્યક્તિ મળે તો ખુશીથી એની સાથે લગ્ન કરવું.’

‘એને ત્રણ વર્ષમાં મારી નાખવા?’

અમારી ચર્ચા ત્યાં આવીને અટકતી. એ પછી તો વર્ષમાં અનેકવાર એને મળ્યો છું, એણે ફરીફરીને એ જ ચર્ચા છેડી છે, પણ ત્યાં આવીને ચર્ચા અટકતી. પછી તો એ વાતછેડે એટલે એને હું બીજા રસ્તે વાળી લેતો.

સાહિત્ય એનો સાચો શોખ. પિતાનો વારસો પુત્રીમાં ઊતરેલો. કાલિદાસ અને રવીન્દ્રનાથ એના આરાધ્ય દેવો. ‘મેઘદૂત’ના અનેક શ્લોકો એને મોંએ. એક વેળા મને પૂછે  ‘મારું નામ શું, કહો તો!’

‘ટીકુ.’

‘એ તો હુલામણું નામ.’

‘તો?’

‘સાંભળીને ખુશ થઈ જશો.’

‘…નથી કલ્પી શકતો.’

‘તન્વી. એ મને ભેટમાં મળેલું નામ છે. મુંબઈમાં ભણતી ત્યારે એફ. વાયમાં ‘મેઘદૂત’ ચાલતું. એની પેલી પંક્તિ યાદ છે? તન્વી શ્યામા શિખરિદશાના પક્વબિમ્બાધરોષ્ઠી…’

‘તેનું શું?’

‘એક શ્લોકપઠનસ્પર્ધામાં હું આ શ્લોક બોલેલી. ત્યારથી આપણને ઇનામમાં નામ મળી ગયું – તન્વી!’

‘તને તન્વી નામ ઇનામમાં આપનારને હું આજેય ઇનામ આપવા તૈયાર છું.’ એ ખડખડાટ હસી પડી. સાચે જ એ તન્વી હતી. ચાલે ત્યારે કમરના તો કટકા થાય. ચાલે ત્યારે લયબદ્ધ હાલતા ચોટલા પીઠનું સૌંદર્ય વધારતા. પણ એના સૌંદર્યની એક અદ્ભુત છટા તો મેં ત્યારે જોઈ જ્યારે સવારે પૂજાની થાળી લઈ એ ઘરમાંથી નીકળી મહાદેવના મંદિરનાં પગથિયાં ચડતી. સાડીનો છેડો માથે ઓઢ્યો હોય. ‘વર હર સમો’ની પ્રાર્થના માટે એ જાય. તારની વાટ ઓળંગી હું એકવાર જોવા ગયો તો એ મહદેવના લિંગ પાસે ઘૂંટણિયે પડી હતી, હું મંદિરનાં પગથિયાં પર બેઠો. પૂજા કરીને પાછાં ફરતાં મને જોઈને એ હસી. કહે  ‘આપણામાં શ્રદ્ધા હોય તો ભાગ્યની રેખાઓ ન ફરે?’

‘ફરી પાછી એ જ વાત?’

‘ભૂલવા તો મથું છું.’

‘કોઈનું ભાગ્ય પણ જોર તો કરતું હશે ને?’

‘આપણે કશું જ જાણી ન શકીએ એ કેવું!’

‘એ જ તો જીવન. જીવ્યા પછી જ જાણી શકાય.’

‘અખતરો કરવાની હિંમત ક્યાંથી લાવું?’

‘હમણાં તો કહ્યું કે શ્રદ્ધા હોય તો…’

‘સ્થિરતા નથી આવી. મન ડગમગે છે.’ કહીને એ પૂજાપાની થાળી લઈને ચાલી ગઈ.

એમ.એ. થયા પછી મેં વડોદરા છોડ્યું. બિલિમોરામાં પ્રોફેસરી સ્વીકારી. વડોદરાનું મકાન કાઢી નાખ્યું. કોઈ કોઈ વાર વડોદરા જવાનું થતું પણ ટીકુને મળાતું નહીં. સાંભળેલું કે બી.એ. થતાંની સાથે જ એણે કોઈકની સાથે લગ્ન કરી લીધું હતું અને દાહોદ-ગોધરા તરફ ક્યાંક રહેતી હતી.

એક વેળા રાતના લગભગ બે વાગ્યા હસે ને મુંબઈ જતાં દહેરાદૂન એક્સપ્રેસમાંથી હું બિલિમોરા સ્ટેશને ઊતર્યો. સ્ટેશનની બહાર નીકળીને જોઉં તો રસૂલ એની ઘોડાગાડી પાસે પાયજામાના ખિસ્સામાં હાથ નાખીને થોડો વાંકો વળીને ઊભો રહેલો. સ્ટૅન્ડમાં આ એક જ ઘોડાગાડી હતી. રાતના બે વાગ્યે કોણ પેસેન્જર હોય? જે અમદાવાદ-સુરત તરફથી આવનારાં હોય તે મોટે ભાગે મુંબઈ લોકલ કે ગુજરાત ક્વીનમાં આવી ગયાં હોય. મુંબઈ લોકલ લગભગ અગિયારેક વાગ્યે અને ક્વીન લગભગ બારેક વાગ્યે આવતી. એ પછી સ્ટેશન સૂનસામ થઈ જતું.

‘બઉ લેટ આઈવો, શાએબ?’ રસૂલે મને જોતાં જ પૂછ્યું. હું સમજી ગયો કે એ મારી રાહ જોઈને જ ઊભો હતો. હું એક ટ્રેનમાં ન આવું તો એ બીજી ટ્રેને મારી રીહ જુએ. જેવો હું ગાડીમાં બેસું છું ને હાંકવા માટે એ બેસવા જાય છે ત્યાં જ સ્ટેશનના પગથિયાં પરથી અવાજ આવ્યો

‘એ ગાડીવાળા ભાઈ, ગણદેવી આવવાનો?’

મેં જોયું તો એક આધેડ વયનો પુરુષ અને એક યુવતી પગથિયાં પાસે ઊભાં રહેલાં. પાસે એક પતરાનો ટ્રંક અને રેક્ઝિનની બે બૅગ પડેલી. યુવતી સગર્ભા હતી.

‘આ ટો ચાચો ડેખું’ કહીને રસૂલ એની પાસે ગયો. બંને વચ્ચે કંઈક વાતચીત ચાલી. હું ગાડીમાંથી ઊતરીને ત્યાં ગયો. જઈને જોઉં તો ટીકુ! એને જોઈને મારું લોહી ઊડી ગયું. એ વિધવા હતી. એણે નમસ્કાર કર્યા. એનું ગાંભીર્ય મારાથી જીરવાયું નહીં. મારા પગ નીચેથી ધરતી સરકતી હતી. એણે મારી ઓળખાણ સાથેના ભાઈને કરાવી અને મને કહ્યું  ‘મારા મામા છે.’

‘મારે ત્યાં જ ચાલો. સવારે જ્યાં જવું હશે ત્યાં જઈ શકાશે.’

‘ગણદેવી લખી દીધું છે. એ લોકો રાહ જોશે. સવારે ગામ જઈશું.’

રસૂલ ગાડી લઈ આવ્યો. વિક્ટોરિયા ગાડી. ટીકુ અને એના મામા મુખ્ય બેઠક પર બેઠાં. મને કહે કે તમને ઘરે મૂકીને અમે ગણદેવી જઈએ. મેં કહ્યું કે હું પણ ગણદેવી આવું છું. તમને મૂકીને પાછો ફરીશ. રસૂલને પાછો વળતાં કંપની રહેશે.

ગાડી ચાલી. શું બોલવું તે મને સૂઝતું નહોતું. ટીકુએ ધીમેથી કહ્યું  ‘ભવિષ્યવાણી સાચી પડી.’ એણે પછી ધીમે ધીમે બધી વિગતો કહી. એના પતિનું કાર-અકસ્માતમાં અવસાન થયું. આઠેક મહિના થયા હશે. હવે પ્રસૂતિ માટે એ ગામ જતી હતી – મા પાસે. આવું કંઈ થશે એમ હું માની જ શકતો નહોતો. ઘણા કિસ્સાઓમાં ભવિષ્યવાણી ખોટી પડતી મેં જાણી છે.

મને થયું કે હમણાં એ પૂછી બેસશે  ‘આવા જીવનનો અર્થ શો?’ પણ એણે એ પ્રશ્ન ન પૂછ્યો તે ન જ પૂછ્યો. એક પ્રકારની સ્વસ્થતા એનામાં મેં જોઈ તેથી મારા મનનો ભાર કંઈક હળવો થયો. મને મૂંગો થઈ ગયેલો જોઈને એ ધીમેથી બોલી  ‘તમારી વેદના હું સમજી શકું છું.’ પણ મેં તો ટીકુનું આ રૂપ આજથી વર્ષો પહેલાં જોઈ લીધું હતું.

ગાડી વેંગણિયા નદીના પુલ પરથી પસાર થતી હતી. ચંદ્રનાં કિરણો મેં પાણીમાં ગૂંચળાતાં જોયાં. ગણદેવી આવી ગયું હતું. આવી રીતે આવી રાતે ગણદેવીમાં મારે પ્રવેશવાનું આવશે તેની મને ક્યાં કલ્પનાયે હતી?

‘તબિયત જાળવજે અને મને ખબર આપજે.’ મેં કહ્યું, પણ જાણે કે આ મારો અવાજ જ નહોતો. પાછા ફરતાં રાત્રિની સ્તબ્ધતા વધુ ઘેરી બની હતી. પ્રકૃતિનાં બધાં જ તત્ત્વો જાણે કે મને મારામાં ધકેલી દેતાં હતાં. ઘોડાના ડાબલા સાથે મારા મનમાં શબ્દો પડઘાતા હતા. તન્વી… તન્વી તન્વી…ને એક સવાલ મારી સામે સાપની ફણાની માફક ઊંચકાઈને ધસી આવતો હતો  જિંદગી સાવ આવી હોય?

(અખંડ આનંદ, ડિસેમ્બર ૧૯૭૭)

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book