૪. લીલી વાડી

‘લખો. અમારી મિલકતના બે ભાગ પાડવા. એક મારો અને બીજો મારા નાના ભાઈ કીકુનો. બંનેઉ ભાગ સરખા. કીકોનો ભાગ એના દીકરાઓને સરખે ભાગે મળે અને મારો ભાગ મળે સઈતાને.’

સાંભળીને આજુબાજુ બેઠેલા સડાક થઈ ગયા. બેઠેલાઓ પણ જે તે નહિ, ગામનું પંચ હતું. ભાઈજીની તબિયત બગડેલી. વૃદ્ધાવસ્થા એમને જરા વહેલી આવી. જુવાનીમાં વલસાડની સડકે ચાલતા નીકળે ત્યારે એમની ચાલ જોનાર કહેતું કે ભાઈજી સોવર્ષ તો રમતાં રમતાંમાં કાઢી નાખશે. પણ કુટુંબના બોજાએ અને પછી કીકુના અવસાને તેમ જ કીકુના છોકરાઓમાં જોયેલી નાદાનિયતે ભાઈજીનાં મન અને શરીર પર અસર કરી. શરીર લથડતું ચાલ્યું એની એમને જાણ હતી અને આ વખતની માંદગીમાંથી પોતે ઊભા નહિ થઈ શકે એની પણ જાણે કે એમને પ્રતીતિ થઈ ગઈ હતી. એમને થયું કે ‘વીલ’ કરી નાખવું જોઈએ. એટલે રિવાજ મુજબ ગામનું પંચ ભેગું કરેલું અને શહેરમાંથી એક વકીલ પણ બોલાવેલા.

ભાઈજી અને કકુજી બંને ભાઈઓ, એટલે મિલકતના બે સરખા ભાગ પડે એ તો સમજાય એવું હતું. જોકે આમ જોઈએ તો બધી મિલકત ભાઈજીની જ હતી અને કીકુ તો એની ભેગો રહેતો હતો. એનામાં જુદા રહેવાની હામ જ નહોતી. ભાઈજી કહે તે પ્રમાણે કરે અને પાછળ પાછળ ફરે. એકલાં ક્યાંક ઉઘરાણીએ જવાનું હોય તોય એનું ગજું નહિ. એના પગ જ પાછા પડે. મોટો થયો તો પણ એનું વ્યક્તિત્વ ખીલી ન શક્યું. નાનો હતો ત્યારે માની સાડીનો છેડો પકડીને પાછળ પાછળ ફર્યા કરતો. મોટો થયા પછી ભાઈજીની પાછળ પાછળ ફર્યો! કીકુ બોલે ઘણું ઓછું. બોલે ત્યારે ભાઈજીએ જે કહ્યું હોય તેની જ પુનરુક્તિ કરે. કોઈની સાથે વાડી વિશે વાત નીકળી હોય અને ભાઈજી કહે કે આ વર્ષે ફાલ સારે ઊતરશે તો તરત કીકુ બોલી ઊઠે  ‘આ વરહે ફાલ હારો ઊતરહે!’ ભાઈજી કહે કે આજે વરસાદના કારણે ‘સત્તર ડાઉન’ મોડી પડવાની તો કીકુ એ વાક્યને દોહરાવે  ‘આજે વરહાદને કારણે હત્તર ડાઉન મોડી પડવાની જો!’ શરૂશરૂમાં તો લોકો હસતાં પણ ભાઈજીને ગમતું નથી એવું જાણ્યા પછી ભાઈજીની હાજરીમાં કોઈ હસતું નહિ. કોઈને એમ લાગે કે ભાઈજીની છાયામાં કીકુ ખીલ ન શક્યા, પણ એવું નહોતું. એની માનસિક શક્તિઓ શરૂઆતથી જ ઠીંગરાયેલી હતી. આને કારણે માને એ ખૂબ વહાલો હતો.

‘ભાઈજી’નું મૂળ નામ વસનજી. વસનજી અને કીકુજી એ બે સંતાનોને નાનાં મૂકીને પિતા પરલોકવાસી થયેલા. વિધવા માતાએ દુ:ખ વેઠીને દીકરાઓને મોટા કર્યા. કુટુંબે ભારે ગરીબી વેઠેલી. પિતાની માંદગી લાંબી ચાલી એટલે સારવારનો ખર્ચ કાઢવામાં ઘર અને વાડી બંને ગીરવે મૂકવાં પડેલાં. નાનપણમાં વસનજી અને કીકુજીએ લોકનાં ઢોર ચારેલાં, ખેતરોમાં મજૂરી કરેલી અને પારકી વાડીઓ સંભાળેલી. દક્ષિણ ગુજરાતનો કેરીની વાડીઓમાં મોસમ આવે એટલે ધંધો ધમધોકાર ચાલે. વસનજીએ કામ કરતાં કરતાં ધંધો જાણી લીધો. કુટુંબની પરિસ્થિતિને કારણે બે ભાઈઓમાંથી એકેય ભણી ન શક્યો. કીકુને ભણવા મૂક્યો હોત તોય ભણી શકત કે કેમ, તે પ્રશ્ન હતો. એને કશી ગતાગમ જ નહોતી પડતી.

વસનજીમાં શક્તિઓ ઘણી. ભણ્યા હોય તો નામ કાઢત. પણ સંજોગો જ જુદા. છતાં ગામની પાઘડીનું ફૂમતું બની શક્યા. જિંદગીના આરે પહોંચ્યા ત્યાં સુધીમાં એમનો બોલ કોઈએ ઉથાપ્યો નહોતો. કડપ પણ એવો. ઉંમર વધતાં અને શરીર ઘસાતાં પગ ઢીલા પડ્યા ત્યારે કામકાજ છોડ્યું; પણ એમની સલાહ લેવા ગામલોક આવતું. ભાઈજીની સલાહ સોનાની ગણાતી. જે યોગ્ય હોય તે જ કહે. અભિપ્રાય પાછળ કોઈ ખોટી ગણતરી ન મળે. આને કારણે ફરતાં ગામોમાં આબરૂ ઘણી. ‘ભાઈજી’ના હુલામણા નામે લોક એમને બોલાવતું તે એમની આ સાખને કારણે. નાનાંમોટાં સૌ એમની આમન્યા જાળવે. ભાઈજી સામે આવતા હોય ત્યારે ગામમાં નવી આવેલી વહુવારુ, માથે બેડું હોય તોય, મોં ફેરવી લઈને રસ્તાની એક કોરે ઊભી રહી જાય.

કેરીનો ધંધો જાણી લીધા પછી વસનજીએ નસીબ અજમાવવા માંડ્યું. કોઈની વાડી રાખીલે ને વેપાર કરે. વાડીમાં ઝાડની ગણતરી કરે, પાલો જુએ અને કેરી કેટલી પાકશે એનો અંદાજ પકડે. એક ગામથી બીજે ગામ ફરે. ખબર પડે કે ભાઈજી આવ્યા છે એટલે લોક સામેથી દોડતું આવે અને સામે ચાલીને વાડી આપી જાય. વાડી રખાય માગશરમાં અને વાડીમાં ફળ બેસે ફાગણમાં. વસનજી જબાનના ઈમાનદાર. વાડો ફળે કે ન ફળે, મોસમ વીતતાં ધણીને પૈસા ગણી આપે. કોઈ વાડીમાં ખોટ પણ જાય, પણ કસર માગે તો વસનજી નહિ. કરકસરથી રહીને વસનજીએ પૈસો બચાવ્યો, ગીરવે મૂકેલાં ઘર અને વાડી છોડાવ્યાં. પોતાની વાડીને એવી તો ઉછેરી કે આવતાં-જતાંની નજર ઠરી રહેતી. નખશિખ મહેનતુ જીવ.

ઘર અને વાડી છોડાવ્યાં ત્યારે વસનજીની ઉંમર બત્રીસેકની ખરી. એ પછી પ્રતિષ્ઠા વધી અને ‘ભાઈજી’નું માનભર્યું ઉપનામેય મળ્યું. ત્રીસ વર્ષની ઉંમર હતી ત્યાં સુધીમાં કોઈ કન્યા દેનાર મળ્યું નહિ. ઘર-વાડી વિનાના ગરીબ છોકરાનો ભાવ કોણ પૂછે? પણ જેવી મિલકત થઈ અને પ્રતિષ્ઠા આવી તેની સાથે લોકો પૂછતા થયા. માને એમ કે હવે તો દીકરો કોઈ સારા ઘરની કન્યા જોઈ પરણી જાય તો સારું, પણ દીકરો તો હસીને કહેતો  ‘મારે તો ગ્રૅજ્યુએટ છોકરી જોઈએ! હું અભણ માણસ વેપાર કરી જાણું, પણ હિસાબ રાખવાવાળું કોઈ જોઈએ ને?’ લોકો મશ્કરીનો સૂર પામી જતાં અને વાત ત્યાં અટકી જતી. બિલિમોરા કે ચીખલીમાં કૉલેજ થાય એવું તો ત્યારે કોઈને સ્વપ્નુંય નહોતું. એક અભણ યુવાન એ વખતે ગ્રૅજ્યુએટ કન્યાને પરણવાની વાત કરે એનો અર્થ જ એ કે વાત ટાળવાનો આ એક મજાનો કીમિયો હતો!

વસનજીની શક્તિઓ જોઈ માતાનો જીવ કૉળતો, પણ નાના કીકુને જોઈ ડોશી અંતરમાં ઊંડે ઊંડે ડૂબી જતાં. ડોશીને મોટી ચિંતા તો એ હતી કે પોતાની આંખ મીંચાશે પછી કીકુને જાળવશે કોણ? મોટાનું લગ્ન થશે પછી કીકુની શી હાલત થશે? આવનારી અને બરોબર જમાડશે? એને જુવારના રોટલાની સાથે રીંગણની કઢી બહુ ભાવે છે તે કરી આપશે? એનાં માન અને મન સચવાશે? વસન પણ આવનારીના કહેવાથી ફરી નહિ જાય? બંનેને એ જુદા રહેવાનું થયું તો તો કીકુ… ડોશી અમંગલ કલ્પનાથી ધ્રૂજી ઊઠતાં, એમના ગળે ડૂમો ભરાઈ આવતો. કોઈ કોઈ વાર તો શરીર ઠંડું પડી જતું અને ડોશી શિંગડું થઈ જતાં. એક વેળા વસનજીને પાસે બેસાડીને ડોસીએ કહ્યું

‘મોટા, કીકુની ચિંતા રહે છે.’

‘જરાય ચિંતા ન રાખશો, બા!’

‘મારી હૈયાતી પછી…’

‘મારા પર ભરોસો નથી?’

‘એવું નથી દીકરા, પણ…’

‘બોલી નાખો.’

‘આવનારી એને કેવોક જાળવશે?’

‘એની ચિંતા મને નહિ હોય?’ કહીને વસનજી ઊઠ્યા. સાંજ પડી ગઈ હતી. ઊઠતાં ઊઠતાં માને કહ્યું  ‘હું દરસન કરી આવું.’

‘ભલે, દીકરા.’

વસનજી આમ તો ધંધાતી જીવ, પણ કોઈ કોઈવાર સાંજે લાંબી ડાંફો ભરતા મહાદેવના મંદિરે જાય. મહાદેવનું સેંકડો વર્ષો જૂનું ખખડધજ મંદિર. લોકો ‘મલકાજન’ના નામે એને ઓળખે. મૂળ નામ ‘મલ્લિકાજુન.’ મંદિરની આજુબાજુ મંદિર જેટલાં જ જૂનાં તોતિંગ વૃક્ષો. પાસે એક તળાવ. તળાવમાં કમળ થાય. સવારે-સાંજે જગ્યા ખૂબ રળિયામણી લાગે. મંદિરમાં પ્રવેશ્યા પછી પગથિયાં ઊતરીને નીચે જવાનું. નીચે અંધારામાં શિવલિંગ. પુજારીએ દીપ પેટાવ્યો હોય તેનું અજવાળું અને અંધકાર બંને રહસ્યમય લાગે. દુનિયાની ચહલપહલથી આપણે કોક જુદા જ લોકમાં ઊતરી પડ્યા છીએ એવો અનુભવ થાય. વસનજી આંખ મીંચીને ત્યાં બેસે. કીકુજી આવ્યો હોય તો પગથિયાં પર બેઠો હોય. વસનજી બહાર નીકળે એટલે કીકુજી અંદર જઈ ડોકું નમાવી આવતો રહે.

આજે વસનજી બહાર નીકળ્યા ત્યારે મુખરેખાઓ જુદી હતી. લગ્ન નહતું કર્યું, નહોતું કરવું અને હવે તો નથી જ કરવાનો એવી મક્કમતા ચાલમાં હતી. પણ કીકુજીનું અજબ રીતે ઠેકાણું પડ્યું. ત્રીસેકની ઉંમરે એક ગરીબ ઘરની કન્યા સવિતા સાથે એનું નક્કી થયું. કોમ એવી કે ગરીબની કન્યા કોઈ લે નહિ. કન્યા કરતાં પૈસાની જ વધારે કિંમત! વાંકડાનો રિવાજ એવો કે દીકરીના ગરીબ બાપના તો પગ જ ભાંગી જાય. સવિતાના નિર્ધન પિતા માટે બીજો કોઈ વિકલ્પ નહોતો. ગરીબ ઘરની સવિતા કીકુની વહુ થઈને સાસરે આવી ત્યારે કીકુની માના હરખનો તો પારેય નહોતો પણ એ આનંદ લાંબો સમય ટક્યો નહિ. સવિતા કીકુને રીતભાત જોઈ મનમાં ને મનમાં સોસવાતી જતી હતી. મનથી એ કીકુની ક્યાંથી આદર આપી શકે? પણ સંસ્કારી ઘરની છોકરી એટલે ભીતર લોકને કળાવા ન દીધું. ડોશીએ તો જન્મારો જોયેલો એટલે એમનાથી કશું છાનું ન રહે. સવિતા કોઈ કોઈ વાર તો ઘરને ખૂણે એકલી એકલી રડતી હોય. આ આઘાતમાં ડોશી વહેલાં ચાલ્યાં ગયાં.

વખત વખતનું કામ કર્યા કરે છે. સવિતાને એક પછી એક ચાર સંતાનો થયાં. ચારે દીકરા. ચોથાના જન્મ પછી કીકુજીનું અવસાન થયું. છોકરાઓને વસનજીએ બાપની જેમ કાળજી રાખીને ઉછેર્યા. છોકરાઓ મોટા થતાં વેપાર-ખેતી સંયુક્ત રીતે ચલાવે પણ ચારેયમાં મનમેળ ઓછો. મોટો ગુલાબ સમજુ ખરો, પણ નાનાઓ પાસે એનું ઝાઝું ઊપજે નહિ. આખી પરિસ્થિતિનો વિચાર કરીને જ ડોસા ‘વીલ’ કરાવતા હતા. ભાઈજી પોતાનો ભાગ દાનમાં આપી દેશે એવી ગામલોકની ગણતરી હતી, કારણ કે પોતે સાવ ‘એકલા’ હતા અને સાધુપુરુષ જેવા હતા. કોઈ કશું બોલે તે પહેલાં તો ડોસા આગળ બોલ્યા  ‘જેણે સઈતાની ચાકરી કરી હશે તેને સઈતાનો ભાગ, તે ઇચ્છે તે મુજબ, એના અવસાન પછી મળે.’ વકીલ કંઈક બોલવા જતો હતો પણ વસનજીને તો સૌના દેખતાં સવિતાના દીકરાઓને ચીમકી આપવી હતી કે હવે એની ચાકરી કરજો!

વસનજીના અવસાનને પંદરેક દિવસ થયા હશે ત્યારે એક સાંજે દિવેલના દીવાના આછા તેજમાં મેડી પર બેઠેલી સવિતાને મોટા દીકરા ગુલાબે પૂછ્યું  ‘સૈતા, ભાઈજીને હમારા પર ભરોસો જ નંઈ કે તેની મિલકત તને સોંપી? અમે તારા દીકરા નહિ? હવે હમારે જુદા રહેવું હોય તોય…’

‘એવું નથી, દીકરા.’

‘તો શું કામ આવું લખાણ કર્યું?’

‘એ તો ડોહાને મારી ફિકર રહે એટલે આવું લખાણ કીધેલું, બાકી મારે મિલકતને શું કરવી છે?’

‘પણ ડોહો જાણતો ન’તો કે હમે તો તારા છોકરા છીએ ને એ ગો તમે તેમ તોય…’

‘ગુલાબ દીકરા, તું તો સમજદાર છે. શી વાત કરું? હું આ ઘરમાં આવી ત્યારે મારી ઉંમર સોળ વરહની. તારો બાપ ભલો માણહ, પણ બોલવાનાય હોશ ની મલે. મેં રોઈરોઈને ધરા ભર્યા. ભાઈજી ની હોય તો આ ઘરેય ની હોય ને લીલી વાડીય ની હોય…’ બોલતાં બોલતાં સવિતાની આંખમાં આંસુ આવી ગયાં.

‘ગુલાબ, ઓ ગુલા…બ…!’ કોઈએ નીચેથી સાદ દીધો. ગુલાબ નીચે ગયો અને અંધારામાં અદૃશ્ય થઈ ગયો. પાંચેક દિવસો વીત્યા પછી એકાએક એના મનમાં ‘લીલી વાડી’ શબ્દો ઝબક્યા  ‘એનો અર્થ શો?’ તો શું અમે ચારેય ભાઈ ડોહાનાં સંતાનો? એવું તે હોય કદી? ભાઈજી ડોહો ગમે તેમ તોય લાખેણું માણહ ગણાય. કદી એના કડે ડાઘ પડ્યો જાણ્યો નથી; અને સૈતા બિચારી… પણ તો લીલી વાડી… તે લીલી વાડી જ કહે ને! તું આ આંબા નીચે ખાટલામાં પડ્યો છે ને લીલી વાડી નથી તો શું છે? એના જેવી લીલી વાડી બીજે જોઈ ક્યાંય તેં, ગુલાબ…?’ પણ એના મનને ચેન ન પડ્યું. ઊભો થઈને એ વાડીમાં બાંધેલા ઘરમાં ગયો. અરીસો કાઢીને મોં જોયું…’ મોંકળા ભાઈજી ડોહાની કે કીકુની? અલ્યા ગુલાબ, તારુંય છટક્યું છે કે શું? ના, તું ભાઈજીનો દીકરો નથી જ. એવા પવિત્ર માનવી વિશે એવું વિચારીએ તો નરકે જવાય. સમજ્યો?’ એણે મનમાંથી વિચાર ખંખેરી નાખવા પ્રયત્ન કર્યો. પણ માનવીનું મન… થોડા દિવસ પછી એને શબ્દો યાદ આવ્યા  ‘ભાઈજીની હોય તો આ ઘરેય ની હોય ને લીલી વાડીય ની હોય… સૈતા, તું શું બોલી? એનો અરથ શો? પૂછું જઈને સૈતાને. પણ આવું તે કંઈ પુછાય? ને સૈતા કહે પણ ખરી? પણ એવું હોય જ ની. સૈતા ભોળી પણ ભાઈજી તો ગાંગેય જેવો હતો કે ની? પણ તો આ લીલી વાડી…’

થોડા દિવસ પછી ગુલાબે સવિતા પાસે આવીને કહ્યું  ‘સૈતા, હું જુદો રહેવા જવા માગું છું!’

(અખંડ આનંદ, સપ્ટેમ્બર ૧૯૮૦)

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book