૩. ટ્રાફિક જામ

મુંબઈથી અમદાવાદ તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સુરત સ્ટેશને ઊભી રહી. પ્રોફેસર અમલેન્દુ ઊતરીને જેવો સ્ટેશનથી બહાર જવા જાય છે ત્યાં એની નજર વ્હીલરના બુકસ્ટૉલ પર પડી. વીસમી સદીના એક મહાન ઇતિહાસવિદ્ અને ચિંતક આર્નોલ્ડ ટૉયન્બીના ફોટા સાથેના એક પુસ્તક પર એની નજર ઠરી. એણે સ્ટૉલ પરથી પુસ્તક ખરીદી લીધું. અને બીજાં નવાં આવેલાં પુસ્તકો જોવામાં એ રોકાયો. પંદર મિનિટ… વીસ મિનિટ… અરધો કલાક… સમયનું એને ભાન ન રહ્યું. પાંચેક પુસ્તકો ખરીદીને એ બહાર નીકળ્યો ત્યારે ટાંગાઓ કે રિક્ષાઓની ભીડ નહોતી. એણે દૂરથી જ રસૂલચાચાનો ટાંગો જોઈ લીધો.

દર શનિવારે અમલેન્દુ કૉલેજમાં વર્ગો લેવા માટે આવતો. એ મુલાકાતી અધ્યાપક હતો. દર શનિવારે રસૂલચાચા એની રાહ જુએ. બંને વચ્ચે ઉંમરનું અંતર ઘણું છતાં દોસ્તી બંધાઈ ગઈ હતી. મુસાફર અને ગાડીવાળા વચ્ચે હોય એવો સંબંધ તે બંને વચ્ચે હવે રહ્યો નહોતો. એક શનિવારે એવું બનેલું કે જેવો એ સ્ટેશનની બહાર નીકળીને કોઈ ટાંગામાં બેસવા જાય છે ત્યાં રસ્તામાં જ ઊભેલા રસૂલચાચાએ એને કહ્યું હતું  ‘ચલિયે સા’બ, કૉલેજ જાઓગે ન?’ અમલેન્દુના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો.આ ચાચાને ક્યાંથી ખબર પડી ગઈ કે પોતે કૉલેજ જવાનો છે? એણે જોયું તો ગાડીવાન ચાચાનો ચહેરો હસી રહ્યો હતો. આંખો કહી રહી હતી કે તમને તો હું જાણું છું! બેત્રણ વખત રસૂલચાચાના ટાંગામાં બેસીને અમલેન્દુ કૉલેજ પર ગયો હશે કે કૉલેજથી સ્ટેશને આવ્યો હશે, પણ રસૂલચાચા એને યાદ રહ્યા નહોતા. વિચારોમાં ખોવાયેલા પ્રોફેસરને આમેય તે એવું બધું ધ્યાનથી જોવાની, યાદ રાખવાની ટેવ પણ ક્યાં હતી? પણ રસૂલચાચાની નજરમાંથી ભાગ્યે જ કોઈ મુસાફર છટકી શકતું. મુસાફર સહેજ જુદી તરી આવે એવી વ્યક્તિ હોય તો તો રસૂલચાચા અચૂક એનું ધ્યાન રાખે જ.

અમલેન્દુને આશ્ચર્ય તો થયું. પણ સાથે જ રસૂલચાચા વિશે કુતૂહલ પણ થયું. ભાડું ઠરાવ્યા વિના જ એ ટાંગામાં બેસી ગયો. પહેલી મુલાકાતે જ એક પ્રકારની આત્મીયતાનો સેતુ બંધાઈ ગયો. રસ્તે થોડીક ખરીદી કરવી હતી એટલે ચોક પાસે અમલેન્દુએ ગાડી થોભાવી. નીચે ઊતરીને શૉપિંગ સેન્ટરમાં જતા પહેલાં સામેની મદ્રાસ કાફે પર એની નજર પડી. એમે રસૂલચાચાને કૉફી પીવાનો આગ્રહ કર્યો. ગાડી નજીકના સ્ટૅન્ડ પર મૂકીને બંને જણા કાફેમાં ગયા.

‘બીબી કે લિયે સાડી ખરીદોગે, ક્યા?’ ચાચાએ પૂછ્યું.

‘શાદી તો…’ અમલેન્દુ હસ્યો.

‘અભી શાદી નહીં કી?’

‘ઉમ્ર બઢ ગયી હૈ, ક્યા?’

‘ઐસા તો નહીં. લેકિન શાદી તો કર લેની ચાહિયે. આમદાની ભી અચ્છી રહતી હોગી. ઘર પર કૌન હૈ?’

‘માં હૈ. અબ્બા ભી હૈ.’

‘ભાઈ-બહન?’ ‘નહીં.’

‘તબ તો શાદી કરની હી ચાહિયે.’ રસૂલચાચા હસ્યા. એમનો નિર્દોષ ચહેરો કરચલીઓથી મઢાઈ ગયો. રસૂલચાચાનાં વાક્યો વચ્ચે કાર્ય-કારણનો દેખીતો સંબંધ ન જોઈને અમલેન્દુને મજા પડી ગઈ. જાતજાતનાં માણસો સાથે પરિચય કેળવીને જીવનને જોવા-સમજવાનું અમલેન્દુને કુતૂહલ હતું. પરિચય કેળવવામાં વર્ગભેદ, વર્ણભેદ કે આર્થિક અસમાનતા કે એવું કશું વચ્ચે આવતું નહોતું. ક્યારેક બૂટપૉલિશવાળા છોકરા જોડે એ ગોઠડી માંડી બેસે તો કોઈ ટ્રેનમાં કોઈ વૃદ્ધ મહિલા સાથે સંસારની તડકીછાંટડીની વાતો આત્મીયતાપૂર્વક કરે. એક સારા અભિનેતા તરીકેની પણ એની ખ્યાતિ હતી. નાટક એને માટે માત્ર શોખનો નહિ પણ જીવંત રસનો વિષય હતો. બિનધંધાદારી રંગભૂમિ પર એણે અનેક પ્રયોગશીલ નાટકો ભજવ્યાં હતાં. સ્ટ્રીન્ડબર્ગના ‘મિસ જુલી’ નાટકમાં ફાધરની એણે કરેલી ભૂમિકા સુરતમાં ખૂબ વખણાઈ હતી. ભાષાની શક્તિ રસૂલચાચા જેવી વ્યક્તિઓ સાથેની વાતચીતમાંથી એ ઓળખવા મથતો.

આ શનિવાર પછી બંને વચ્ચેનું અંતર ઘટતું ચાલ્યું. મૈત્રી બંધાઈ. સાવ નિ:સ્વાર્થ મૈત્રી. કોઈ કોઈ વાર ટાંગામાં બંને જણા ડુમ્મસ તરફ ફરવા નીકળી પડતા. ગણીવાર તો રસૂલચાચાને બાજુએ બેસાડી અમલેન્દુ ઘોડાની લગામ પોતાના હાથમાં લઈ લેતો. ઘોડાગાડી હાંકતા એને આવડતું હતું. એક ઉનાળાના વૅકેશનમાં વલસાડ પાસે તીથલના દરિયાકાંઠે ‘હોલીડે કેમ્પ’માં પોતાની નવી નવલકથા લખવા એ રોકાયો હતો ત્યારે સાંજે ઘોડાગાડીમાં બેસી એ ફરવા નીકળતો. ત્યાં મજીદ નામના એક ગાડીવાન સાથે એણે દોસ્તી બાંધી હતી. મજીદે એને ઘોડાગાડી ચલાવતાં શીખવી દીધું હતું. વલસાડથી તીથલ ફરવા આવનારા સહેલાણીઓ માટે આ પ્રોફેસર આશ્ચર્ય અને કુતૂહલનું કેન્દ્ર બની રહ્યો હતો. એક મોડી સાંજે તીથલથી વલસાડ તરફ બે યુવતીોને ટાંગામાં બેસાડીને એ ટાંગો હાંકી રહ્યો હતો. એની બાજુમાં મજીદ બેઠો હતો. એક યુવતીએ પૂછ્યું

‘ફ્લાઈંગરાણી પકડી શકાશે?’

‘અનિશ્ચિત’ એક જ શબ્દમાં એણે ઉત્તર આપ્યો.

ગાડીમાં બેઠેલી યુવતીનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું અને ધીમેથી એ બોલી  ‘અનિશ્ચિત!’ ગાડી હાંકનાર પ્રત્યેના કુતૂહલથી એણે ડોક ત્રાંસી કરીને જોયું, પણ ગાડી હાંકનાર ક્યાં પાછળ ફરીને જુએ એમ હતો? સ્ટેશને ટાંગો પહોંચ્યો ત્યારે ‘ફ્લાઈંગરાણી’ આવવાને થોડી જ વાર હતી.

‘હવે તો ટ્રેન પકડી શકાશે, નહિ?’ અમલેન્દુએ હસીને યુવતીને પૂછ્યું.

‘અનિશ્ચિત’ સહેજ આડું જોઈને, હસીને એ બોલી.

પાછા વળતાં મજીદે અમલેન્દુને પૂછ્યું હતું  યે અનિશ્ચિત ક્યા હૈ? અમલેન્દુ ખડખડાટ હસી પડ્યો હતો. મજીદે એને એ વખતે કહ્યું હતું  ‘અબ ભાઈજાન, શાદી કર ડાલો.’

રસૂલચાચા પણ એ જ કહેતા હતા! મજીદના મુખમાંથી નીકળેલું વાક્ય એકાદ વર્ષ પછી રસૂલચાચાના મોંએથી નીકળતું હતું. એ ઘટના પછી તો ઠીક ઠીક શનિવારો વહી ગયા, લગભગ સોળેક જેટલા. અને આ શનિવારે સ્ટેશનની બહાર નીકળીને રસૂલચાચાનો ટાંગો અમલેન્દુએ જોયો તો એક યુવતી એમાં બેઠેલી હતી અને ટાંગો ઊપડવાની તૈયારીમાં હતો.

‘રસૂલચાચા…’

‘ચલિયે સા’બ, અબ તક કહાં ગયે થે?’

‘કિતાબ કી દુકાન પર ઠહરા થા.’

અમલેન્દુ ટાંગાની પાછળની બેઠક પર યુવતીની પાસે બેઠો. ‘ડચ ડચ’ કરીને જેવા રસૂલચાચા ટાંગો હાંકવા જાય છે ત્યાં જ યુવતીએ કહ્યું  ‘સાંભળો, આમને તમારી બાજુએ બેસાડી લો.’

રસૂલચાચાએ ટાંગો ઊભો રાખ્યો. અમલેન્દુ વિચારમાં પડી ગયો. આધુનિક દેખાતી યુવતી પોતાની પાસે કોઈ યુવક બેસે તે પસંદ કરતી નહોતી! આમ તો એને વાંધો ન હોત, જો એ વડોદરામાં કે અમદાવાદમાં આ રીતે બેસીને જતી હોત, પણ આ તો સુરત હતું, પોતાનું વતન હતું અને ટાંગો નાતવાળાઓના મહોલ્લામાં થઈને પસાર થવાનો હતો!

‘બહેનજી, બસમેં તો પુરુષ કે સાથ બૈઠતી હો, તો ફિર ટાંગેમેં…’ રસૂલચાચાએ અચકાતાં અચકાતાં કહ્યું.

‘મૈંને જો કહના થા, કહ દિયા.’ યુવતીએ પૂરી અકડાઈથી કહ્યું.

શું કરવું કે કહેવું તે તરત તો અમલેન્દુને સૂઝ્યું નહિ. એને સ્વમાન ઘવાતું લાગ્યું.

‘મૈં ઊતર જાતા હૂં, ચાચા.’ મૈં દૂસરે ટાંગેમેં આઉંગા.’ કહીને અમલેન્દુ ઊતરી પડ્યો. રસૂલચાચાને આંચકો લાગ્યો. યુવતીના મનમાં એમ કે હવે ટાંગો ચાલવા લાગશે. પણ રસૂલચાચાએ ડચકારો ન કર્યો તે ન જ કર્યો!

‘બહેનજી, યે તો બડે શરીફ આદમી હૈ. મૈં ઉનકો જાનતા હૂં.’ રસૂલચાચાએ આજીજીભર્યા અવાજે કહ્યું.

‘મૈં ઊતર જાતી હૂં.’ કહીને યુવતીએ ઊતરવા માંડ્યું.

‘નહીં નહીં બહેનજી, તુમ તો પહિલે આયી હો.’ રસૂલચાચાની જીભ થોથવાતી હતી. ગાડીમાં પહેલાં આવીને બેઠેલા ઉતારુ વ્યક્તિને ઊતરી જવું પડે એમાં અન્યાય હતો, એ અનુભવી ગાડીવાનની નજર બહાર નહોતું.

‘અચ્છા, ચાચા, આપ અપીછે બૈઠ જાઈએ, મૈં ગાડી ચલાતા હૂં. કહીને અમલેન્દુએ ઘોડાની લગામ પકડી લીધી અને રસૂલચાચા યુવાનની ત્વરાથી યુવતીની પાસે પાછલી સીટ પર બેસી ગયા! યુવતી કંઈ બોલે તે પહેલાં તો ટાંગાએ ગતિ પકડી. યુવતી સમસમી ઊઠી. આવું બની જશે તે એની કલ્પના બહાર હતું.

‘કહાં જાના હૈ આપકો?’ અમલેન્દુએ યુવતીને પૂછ્યું.

એ ન સાંભળે તેમ ધીમેથી યુવતીએ ચાચાને કંઈક કહ્યું,

‘ઘોડા તો તુમ્હારા, કોઈ ખાનદાન કી લડકી જૈસા બડા તેજ હૈ ચાચા.’ અમલેન્દુએ ચાચાને કહ્યું.

એણે ધોરી માર્ગ છોડીને ટાંગો બીજા રસ્તે લીધો. યુવતીને ફાળ પડી  નક્કી ટાંગાવાળો અને આ યુવક મળી ગયેલા છે અને પોતાને ફસાવવાનો એમનો મનસૂબો હશે!

‘ટાંગાએ આ રસ્તો શા માટે લીધો? થોભો, હું ઊતરી જાઉં છું.’ યુવતીએ ગુસ્સામાં આવીને કહ્યું.

‘ક્યાં જવું છે એ તો તમે મને કહેતાં નથી.’

‘મેં ટાંગાવાળાને કહ્યું છે. તમે ટાંગાવાળા નથી.’

અમલેન્દુ શું બોલે? તેણે ટાંગો મુખ્ય માર્ગ પર લીધો. ટ્રાફિક પોલીસ કદાચ હેરાન કરે એવી આશંકાથી એણે બાજુનો રસ્તો લીધો હતો.

‘ચાચા, તુમ્હારા ખાખી દે દો.’

રસૂલચાચાએ ખભે નાખેલો ખાખી ડગલો કાઢીને અમલેન્દુને આપ્યો. કીમતી વસ્ત્રોમાં સજ્જ અમલેન્દુએ જ્યારે ડગલો ચડાવ્યો ત્યારે યુવતીથી હસ્યા વિના ન રહેવાયું. અમલેન્દુએ ટાંગાનું છાપરું – શેડ માથા પર ઢાળી દીધું. ચૉક વટાવીને ટાંગો નાનપુરા તરફ આગળ વધ્યો ત્યારે રસૂલચાચાએ અમલેન્દુને રસ્તો બતાવવા માંડ્યો. એક સોસાયટીમાં ટાંગો પ્રવેશ્યો ત્યારે અમલેન્દુએ ડગલો ઉતારી નાખ્યો. યુવતીએ કહ્યું  ‘પેલા આસોપાલવવાળા બંગલા પાસે.’

ટાંગો બંગલા પાસે થોભ્યો કે તરત અમલેન્દુ નીચે ઊતરી પડ્યો અને ચાચાએ એની જગ્યા લઈ લીધી. બપોરના સમયે સોસાયટીનાં મકાનોનાં બારીબારણાં બંધ હતાં તે ટાંગો ઊભો રહેવાના અવાજથી થોડાંક ખૂલ્યાં અને વળી વાછાં બંધ થઈ ગયાં. યુવતીએ દરવાજો ખોલી બંગલામાં પ્રવેશ કર્યો ત્યારે મેડી પરની બારી ખૂલી અને એક આધેડ ઉંમરના પુરુષનું ડોકું દેખાયું.

‘આવો, આવો, અમલભાઈ, તમે ક્યાંથી?’ કાકાએ બારીમાંથી મોટા અવાજે આવકાર આપ્યો. અરે આ તો પરાગજી! પરાગજી અને અમલેન્દુ નાટ્યમહોત્સવમાં કે સાહિત્યિક મેળાવડાઓમાં ભેગા થઈ જતા. પરાગજીકાકા હતા તો વેપારી, પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એમને જીવંત રસ હતો. અમલેન્દુની વાક્છટાથી, એના ચિંતનશીલ સ્વભાવથી, એની અભ્યાસનિષ્ઠાથી તેમ જ એની કલાસૂઝથી પરાગજીકાકા આકર્ષાયા હતા. એને પોતાના ઘરના બારણામાં ઊભેલો જોયા પછી તો પરાગજી એને જવા જ કેમ દે? અમલેન્દુને લાગ્યું કે બપોરના આરામના સમયે જવું યોગ્ય તો ન ગણાય, પણ પરાગજીના આગ્રહે અને યુવતીએ જગવેલા કુતૂહલે એને ઘરમાં જવા પ્રેર્યો.

‘આ મારી નાની દીકરી નમિતા. મુંબઈમાં મેડિકલમાં છે.’ પરાગજીએ યુવતીની ઓળખાણ કરાવી. ‘અને આ અમલેન્દુ. ગયા વૅકેશનમાં આપણે એમને કિંગ લિવરની ભૂમિકામાં જોયા હતા તે.’

યુવતીએ નમસ્તે કર્યા. એક સ્મિત એના ચહેરા પર રમી રહ્યું, સાથે જ ચહેરાની લાલીમાં અલપઝલપ દેખાઈ ગઈ એ મૂંઝવણ. આ કલાકાર ટાંગો હાંકીને પોતાને ઘર સુધી પહોંચાડે એ ઘટના એની કલ્પના બહારની હતી. એના સાથે પોતે કેવું વર્તન કર્યું હતું! એને લાગ્યું કે ક્ષમા માગી લેવી જોઈએ. કોણ જામે કેમ, ક્ષમા-આદર વગેરેથી આ યુવક એને સંબંધની એક જુદી જ ભૂમિકા પર ઊભેલો લાગ્યો. રસોડામાં જઈને એ ચા બનાવી લાવી. બે કપ ટિપૉઈ પર મૂકી, સડસડાટ દાદર ઊતરી. એક કપ ટાંગામાં બેઠેલા રસૂલચાચાને એ આપી આવી. ચાનો ઘૂંટડો અમલેન્દુ જ્યાં ભરવા જાય છે ત્યાં એના રૂંવાડાં ઊભાં થઈ ગયાં. યુવતીને હસવું આવી ગયું. ના, આ ચા પી શકાશે જ નહીં એમ અમલેન્દુને લાગ્યું. પણ તો પછી પરાગજી શું ધારશે? એક ક્ષણમાં એણે નિર્ણય કરી લીધો. ચા ઠંડી પડવા દીધી અને ત્યાં સુધી એણે પરાગજી સાથે વાતો કર્યે રાખી. નમિતાનાં બા પણ આવીને બેસી ગયાં હતાં.

‘લાવો બહુ ઠંડી થઈ ગઈ હશે, થોડી ગરમ કરી લાવું.’ કહીને યુવતીએ જેવો કપ ઉઠાવવા માંડ્યો કે અમલેન્દુએ કપ એના હાથમાંથી લઈ લીધો. અને લગભગ એક જ ઘૂંટડે ચા ગટગટાવી ગયો!

રસૂલચાચા દાદર ચડીને કપ મૂકી ગયા.

‘ચલેંગે?’ અમલેન્દુએ પૂછ્યું.

‘હાં, ચલિયે.’

અમલેન્દુએ પરાગજીની, નમિતાનાં બાની અને નમિતાની હસતે મોંએ નમસ્કાર કરીને વિદાય લીધી અને થોડીક ક્ષણોમાં તો ટાંગો અદૃશ્ય થઈ ગયો. નમિતા ઘરમાં કામે વળગી. પણ એનું મન કામમાં ચોંટ્યું નહીં. એક વિલક્ષણ અતિથિ તારે ત્યાં આવ્યો ને તેં, નમિતા… લીલા રંગના પડદાને ખસેડીને એણે તડકાને ખંડમાં આવતો રોક્યો. પલંગમાં પડી ત્યારે એને લાગ્યું કે દરિયામાં હોડી સરી રહી છે અને પોતે એક સાવ અજાણ્યા મુલક તરફ જઈ રહી છે. દરિયામાં જાતજાતના રંગની અને આકારની માછલીઓ સપાટી પર આવી-આવીને પાણીમાં અદૃશ્ય થઈ જાય છે. પોતાને મનગમતી માછલી જ સપાટી પર આવે એવું ઓછું છે? અને ન જ આવે એવું પણ થોડું છે?

સાંજે તૈયાર થઈને એ નીકળી, આજે એની ચાલ જુદી હતી. કૉલેજના દરવાજા સામેના બસસ્ટૅન્ડ પાસે એ ઊભી રહી. અમલેન્દુને નીકળવાનો આ સમય હતો. રસૂલચાચાનો ટાંગો થોડે છેટે ઊભો હતો. અમલેન્દુને આવતો જોઈ નમિતા એની પાસે પહોંચી ગઈ, ‘ચાલો ઘરે.’

‘ફરીથી ખારી ચા પિવડાવવી છે?’ અમલેન્દુ હસ્યો.

‘ખાંડ અને મીઠા વચ્ચેનો ભેદ પારખી શકો છો ખરા?’

‘ચા તો ખારી કરી પણ ભવિષ્યમાં કોઈનું જીવન…’

‘મીઠું ઓછું હોય તો નાખવું યે પડે!’

બંનેને વાતચીત કરતાં હસતાં ઊભેલાં જોઈને રસૂલચાચા ટાંગો હંકારીને પસાર થઈ ગયા! એમના ચહેરા પરનું સ્મિત બંનેએ જોઈ લીધું. નમિતાથી છૂટા પડ્યા પછી અમલન્દુ ઝડપથી નાનપુરા તરફ ચાલવા લાગ્યો. રસ્તે રસૂલચાચાનો ટાંગો ઊભો હતો!

‘કુછ તય કિયા?’

‘અનિશ્ચિત.’

રસૂલચાચાને સમજ ન પડી. ‘યે અનિશ્ચિત ક્યા હૈ?’

અમલેન્દુ ભડકી ગયો. મજીદનો જીવ તો રસૂલચાચાના ખોળિયામાં નથી ભરાઈ ગયો? અમલેન્દુ થોડીવાર સુધી કશું બોલી ન શક્યો. એની હાલત એવી હતી કે જાણે બિયાં કાઢી લીધા વિનાનું તડબૂચ એને કોઈએ ખાવા આપ્યું હતું.

‘ક્યા હો ગયા?’

‘ચાચા, કલકત્તેમેં એક બડા પુલ હૈ – હાવડા બ્રિજ. કભી કભી વહાં ઈતના ટ્રાફિક જામ હો જાતા હૈ કિ બ્રિજ ક્રોસ કરને કે લિયે દો-ઢાઈ ઘંટે નિકલ જાતે હૈ. કલકત્તે શહરસે હાવડા સ્ટેશન પહૂંચતે હો તો માલૂમ હોતા હૈ કિ ટ્રેન તો નિકલ પડી! વૈસા હી અનુભવ એક વ્યક્તિ કો દૂસરી વ્યક્તિ તક પહૂંચનેમેં કભી કભી હોતા હૈ. જબ લગતા હૈ કિ તુમ સ્ટેશન તક પહૂંચ ગયે, ટ્રેન અભી પકડ લી, લેકિન પ્લૅટફૉર્મ ખાલી હોતા હૈ ઔર આપ અકેલે શૂન્યતામેં ખડે રહતે હૈ. આયા સમજમેં?’

‘હાં, કભી કભી ટ્રાફિક ઐસા જામ હો જાતા હૈ કિ…’ ચાચાના શબ્દો ઘોડાના ડાબલાના અવાજોમાં ધીરે ધીરે ડૂબતા જતા હતા…

(અખંદ આનંદ, એપ્રિલ ૧૯૮૧)

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book