૨. શ્યામજી હનુમાન

‘હહરીના ભણેલા ડેખું, તો બી કંઈ હમજતા જ ની મલે. એકેકો આવે તો ટીપી લાખું. મને ગુંડોબુંડો હમજી મેલેલો?’ શ્યામજી બબડતો બબડતો આવતો હતો. થોડે દૂર વિદ્યાર્થીઓનું એક ટોળું ઊભેલું. મેં પૂછ્યું: ‘શ્યામજી, શું થયું?’ તો એણે એ જ વાક્યો દોહરાવ્યાં: ‘હહરીના કંઈ હમજતા જ ની મલે. મને ગુંડો હમજેલા.’ એનો મિજાજ કાબૂ બહાર હતો. ત્રાંસી આંખે આડું જોઈને બબડતો એ ચાલ્યો ગયો. મને થયું કે અત્યારે એ વાત નહિ કરે; એટલે હું થોડે દૂર ઊભેલા ટોળામાં ગયો. જઈને જાણ્યું તો મારા દુ:ખદ આશ્ચર્યનો પાર ન રહ્યો. 

વાત એમ બનેલી કે એક ગુંડો તેર-ચૌદ વર્ષની એક છોકરીને એકાંત રસ્તે ઊંચકીને દોડી જતો’તો, તેની પાછળ દોડીને શ્યામજીએ છોકરીને છોડાવેલી. ગુંડાથી ગભરાઈને દોડેલી છોકરી પડી જવાથી પગ મચકોડાઈ ગયેલો; એટલે શ્યામજી એને ઊંચકીને જ લઈ આવતો હતો. છોકરી ચોધાર આંસુએ રડે; એટલે રસ્તે પસાર થતા વિદ્યાર્થીઓએ એમ જ માની લીધેલું કે કોઈક અસામાજિક તત્ત્વના હાથમાં આ છોકરી ફસાઈ ગયેલી છે. થઈ રહ્યું. શ્યામજીને બધાએ ભેગા થઈને ટીપવા માંડ્યો. છોકરીએ બૂમાબૂમ કરી અને સાચી વાત જણાવી ત્યારે શ્યામજી છૂટી શક્યો! કહો, એનો મિજાજ પછી શાનો હાથ રહે? 

આ બનાવ બન્યાને આજે તો પચીસેક વર્ષ થઈ ગયાં છે. મારી ઉંમર ત્યારે પંદરેક વર્ષની. વડોદરામાં કારેલીબાગમાં ઉનાળાની એક ભૂખરી સાંજે આ બનાવ બનેલો. આજે તો કારેલીબાગમાં રમકડાં જેવાં મકાનોની અનેક સોસાયટીઓ ઊગી નીકળી છે. ત્યારે તો આખા કારેલીબાગ વિસ્તારમાં એકાદ-બે બંગલાઓ અને થોડાંક છાત્રાલયો સિવાય કોઈ મકાન ભાગ્યે જ જોવા મળતું. થોડાંક ખેતરો, બાકીની પડતર જમીન અને વચ્ચે થઈને જતી એક કાચીપાકી ખડબચડી સડક, ઉનાળામાં વિદ્યાર્થીઓ વૅકેશનને કારણે વતનમાં જાય કે પર્યટને જાય એટલે આખો વિસ્તાર સૂમસામ બની જતો. પૅસેન્જર બસના ત્યારે આંટાફેરા શરૂ થયેલા નહોતા. બપોરે તો એકલદોકલ માનવીને રસ્તે જતાં લૂંટાવાનો ય ડર લાગે. કમાટીબાગ પૂરો થાય છે અને કારેલીબાગ શરૂ થાય છે ત્યાં એક નાળું હતું. આજે તો એ નાળું પણ નથી. એ નાળા પાસે ઊભા રહીએ તો એક તરફ ખેતરો દેખાય અને બીજી તરફ નાળાની નીચે થઈને જતો વિશ્વામિત્રીનાં કોતરો તરફનો રસ્તો જણાય. રસ્તો સાવ સૂનો અને ભેંકાર. કમાટીબાગમાંથી આવતી એક કન્યાને આંતરીને ઊંચકીને ગુંડો એ નાળા નીચે થઈને વિશ્વામિત્રીનાં કોતરો તરફ ભાગી છૂટેલ; પણ કન્યાની ચીસ સાંભળીને દૂર ખેતરમાં કામ કરતો શ્યામજી દોડ્યો અને છોકરીને છોડાવી લાવ્યો. શ્યામજીએ કહેલું કે પેલો દુષ્ટ માણસ શ્યામજીને પાછળ આવતો જોઈ છોકરીને મૂકીને વિશ્વામિત્રીમાં કૂદીને સામે પાર ગાયબ થઈ ગયેલો. 

શ્યામજીની ઓળખાણ વિચિત્ર રીતે થયેલી. એક બપોરે છાત્રાલયમાં એક વૃક્ષની છાયામાં હું વાંચતો બેઠો હતો ત્યાં બાજુની વાડ ઠેકીને એ આવ્યો. ‘બાકસ મલહે?’ – સીધો જ પ્રશ્ન. હું તો એને જોઈ જ રહ્યો. મેલી ચડ્ડી. થીંગડાં મારેલું ખમીસ. બાંયો ચડાવેલી. માથામાં શાહુડીનાં પીંછાં જેવા વાળ, ઉંમર ચાળીસેકની. શરીર કદાવર અને કસાયેલું. દાંત પીળા. હસે ત્યારે આખી બત્રીસી દેખાય. આંખો તેજસ્વી. આંખોમાં એનું ભીતર આખેઆખું ડોકાય. બાકી દેદાર તો બાબરા ભૂતના.

‘તને મારી નઈ લાખા. બાકસ મલહે?’ મેં ઊભા થઈને થોડે છેટે રસોડું હતું ત્યાંથી મહારાજ પાસેથી એને દીવાસળીની પેટી લાવી આપી. બીડી ચેતાવી એણે પેટી મને પાછી આપી. બીડી ફૂંકતો એ મારી પાસે બેઠો. કહે કે ખેતરમાં કામ કરવા આવ્યો છું. મૂળ દક્ષિણ ગુજરાતનો. પૂર્ણાના કાંઠે એનું નાનું ગામ. જાતે હળપતિ. ગામમાં શેઠનાં ખેતર ખેડે અને વાડી જાળવે. એના શેઠની વડોદરામાં એક દુકાન અને જમીન પણ ખરી. શેઠનો નાનો ભાઈ વડોદરામાં દુકાન-જમીન સંભાળે. ખેતી કરાવવા એ શ્યામજીને વડોદરા પણ લઈ આવે. શ્યામજી તન તોડીને કામ કરે.

એના ખેતરના શેઢે એક જાંબુડો. ચોમાસામાં શ્યામજી ઝાડ ઉપર વાંદરાને ઈર્ષા આવે એવી ઝડપે ચડી જાય. એની ચડ્ડીનાં બંને ખિસ્સાં ભરીને જાંબુ લઈ આવે. નીચે આવતાં જ એક જાંબુ અડધું ખાઈને એના વડે મારા બરડામાં સિક્કો પાડી દે! જાંબુના ડાઘ જલદી જાય નહિ; એટલે હું એને વારું, પણ એ માને નહિ. બાળક જ જોઈ લો! મારાથી એ ત્રણગણો મોટો છે એવું મને ત્યારે ક્યારે ય લાગ્યું નહોતું. ક્યારેક વિશ્વામિત્રીનાં કોતરો તરફથી ચણીબોર વીણી લાવે.

એના ખેતરમાં જો ભૂલેચૂકે કોઈનું ઢોર પેસી ગયું તો એનું આવી બન્યું જ સમજવું. ખેતરમાં એણે નાની ઝૂંપડી બનાવેલી. એકલો જ રહે. પરણેલો હતો. એની વહુ એને ગામ શેઠની વાડીમાં રહે અને શેઠના ઘરનું કામકાજ કરે. એક વેળા એની ઝૂંપડીમાં એણે એની પતરાની પેટીમાંથી કાઢીને એની વહુનો ‘ફોટુ’ બતાવ્યો હતો. બાઈ જાજરમાન અને ઠાવકી. મેં શ્યામજીને કહેલું કે આ શાણી સીતા છે ને તું તો તદ્દન હનુમાન! શ્યામજી હી હી હી કરીને હસી પડેલો. એ ઝૂંપડીમાં કામકાજ કરે ને એની બોલીમાં ગીત ગાય:

‘દાદરી ખેતે મોંઠે નબા રે,
ફારમ જુવાઈ ઓરું હું વામા જોડી.
દાદરી ખેતે મોંઠે નબા રે,
પીળિયો જુવાઈ ઓરું હું રામાં જોડી.’

એ બોલે દક્ષિણ ગુજરાતની બોલી; પણ એના શબ્દભંડોળમાં ભૈયાઓના શબ્દો ઘણા આવી ગયેલા. સાંજે કમાટીબાગમાં કામ કરતા ભૈયાજી સાથે એ ગપાટા મારતો હોય. બીડી ઉપરાંત ચૂનો અને તમાકુની એને આદત.

એક વાર વાડ કૂદીને આવ્યો. મને હાથ પકડીને ઉઠાડ્યો. ‘ચલ, તાલ દેખવા.’ મને થયું શું ય હશે. એણે એના ખેતરમાં પેસી ગયેલી બે બકરીઓને બાંધેલી અને એક વૃદ્ધા બીબી ત્યાં ઊભી રહેલી. બીબી કરગરે પણ શ્યામજી બકરીઓને છોડે નહિ. ઝૂંપડીમાંથી એ તપેલી લઈ આવ્યો અને બકરી દોહવા બેઠો. બીબીની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. શ્યામજીએ બકરી દોહવાનું માંડી વાળ્યું અને ઝૂંપડીમાંથી એક ધારિયું લઈ આવ્યો. બીબી ગભરાઈ ગઈ કે આ તો મારી નાખશે. બીબી પાસે આવીને એને ધારિયું આપતાં કહે ‘જો… સાંભે પેલો બાવળ ભળાય તીનાં ડાતણ પાડી લાવ, જા…’ ડોસીમા ધારિયું લઈને ગયાં અને એક સોટી પાડી લાવ્યાં ત્યારે શ્યામજીએ બકરીઓને છૂટી કરી! પછી ઝૂંપડી પાછળથી એક મરેલો સાપ લઈ આવ્યો અને ડોસીમાને બતાવીને કહે કે જો હવે બકરીઓ મારા ખેતરમાં ઘાલી છે તો આ તારી ડોકમાં પહેરાવી દેવા! ડોસીમા ગયાં તે ફરીથી દેખાયાં નહિ! પછી એણે સાપને અગ્નિદાહ દીધેલો.

એક વેળા એક વછેરો એના ખેતરમાં મેં જોયો. શ્યામજી કહે કે શેઠ ખરીદી લાવ્યા છે અને મારે એને પલોટવાનો છે. મને થયું કે વછેરાનું આવી બન્યું! ગળે દોરડું બાંધીને શ્યામજી વછેરાને લઈ આવે અને પછી ઠેકડો મારીને ચડી બેસે. વછેરો ભડકીને ભાગે અને કૂદે એટલે શ્યામજી નીચે! શ્યામજીના વજનથી વછેરાની કરોડ વાંકી વળી જાય, એના પગ રાંટા થઈ જાય; પણ શ્યામજીએ તો એને દોડાવ્યે જ છૂટકો. એનો એક જ જવાબ: ‘શેઠે કીધેલું.’ કોઈક વાર વછેરો હઠીને ઊભો રહે અને ચાલવા ના પાડે ત્યારે શ્યામજી એને ખેંચીને દોડવા માંડે! છેક ભૂતડી ઝાંપા સુધી દોડીને પાછા આવે ત્યારે બંને હાંફતા હોય! ચોકડું નાખ્યા પછી વછેરાનું જોર નરમ પડ્યું. વછેરાને પલોટવાનું કામ મળ્યું એટલે શ્યામજી બીજું બધું ભૂલી ગયેલો. એ આ કામનો જાણકાર નહિ; એટલે શ્યામજીની અણઆવડતના જેટલું વછેરાને ભોગ બનવું પડેલું એટલું જ શ્યામજીને પોતાને પણ બનવું પડેલું. પણ જે કામ હાથમાં લીધું તે પૂરું કર્યે જ છૂટકો.

એક વેળા મારાથી બોલાઈ જવાયેલું: ‘શ્યામજી, ધાર કે આ વછેરો તારો દીકરો થઈને અવતર્યો હોત તો તેને તું આવી રીતે પરેશાન કરત?’ મેં ત્યારે રવીન્દ્રનાથનું એક કાવ્ય તાજું જ વાંચેલું. એમાં એક બાળક એની માતાને કહે છે કે ‘મા, જો હું પોપટ થઈને તારે ત્યાં આવ્યો હોત તો તું મને પાંજરે જ પૂરી દેત ને? મા, જો હું કૂતરું થઈને આવ્યો હોત તો તો તું મને હડેહડે કરીને બારણાની બહાર જ કાઢી મૂકત ને? તો મા, તું મને ખોળામાંથી નીચે ઉતારી દે.’ મારા મન પર આ કાવ્યની ઘેરી છાપ તે મારાથી પૂછતાં શું પુછાઈ ગયું. ને વછેરા પ્રત્યેનું શ્યામજીનું વર્તન બદલાઈ ગયું. શ્યામજીને સંતાન નહિ. એનો એને ભારે વસવસો. ત્યારે તો એને સમજ આપવા જેટલાં કે સાંત્વન આપવા જેટલાં મારાં ઉંમર અને અનુભવ નહિ; એટલે એની વ્યગ્રતા જોઈને હું ખૂબ મૂંઝાઈ ગયેલો. કોઈક વાર તો જાણે પાછલી ભૂલોની માફી માગતો હોય એમ શ્યામજીને વછેરા પાસે ઊભેલો હું જોઉં. મોડી સાંજે ઊતરતા અંધારામાં મેં શ્યામજીની આંખ ભીની થઈ ગયેલી જોઈ છે.

પછી તો શ્યામજી ગયો એના શેઠના કહેવાથી એને ગામ – શેઠની વાડીએ. અને મેં પણ છાત્રાલય છોડ્યું. વર્ષો વીત્યાં. એને મળવાનું ઘણું યે મન થાય; પણ હું નીકળી શક્યો નહિ. એ વાતને દસેક વર્ષ ગયાં હશે ને મેં બીલીમોરાની કોલેજમાં પ્રોફેસરી સ્વીકારી. નવસારી પાસે ટ્રેન પૂર્ણાનો પુલ ઓળંગતી હોય ત્યારે મને શ્યામજી યાદ આવે. આ જ પૂર્ણાને કાંઠે કો’ક નાનકડા ગામમાં શ્યામજી હશે. પણ…

એક દિવસે કોલેજમાં વર્ગ લઈને હું બહાર નીકળું અને એક વિદ્યાર્થીએ આવીને કહ્યું કે કોઈક માણસ તમને મળવા માગે છે. નીચે જઈને જોઉં તો મેલું ધોતિયું અને કધોણ પડેલું ખમીસ પહેરીને એક માણસ પગથિયાં પાસે ઊભો રહેલો.

ધીરેથી એ બોલ્યો: ‘અનુ…ભાઈ…’

‘શ્યામજી?’

‘હા…’

હું એને મેડા ઉપર મારી ચૅમ્બરમાં લઈ ગયો. બંને બેઠા. બેમાંથી કોઈ કશું બોલી ન શક્યા. મૌન આટલું બધું મુખરિત હોઈ શકે એનો આ મારો પહેલો જ અનુભવ હતો. મેં મૌન તોડ્યું અને એના ખબરઅંતર પૂછ્યા. એની વાતમાંથી જાણ્યું કે તેના કુટુંબમાં કોઈ વ્યક્તિનો ઉમેરો નહોતો થયો. શ્યામજીની વેદના હું સમજી શકતો હતો. નિ:સંતાન અવસ્થાની સાથે પાપ-પુણ્યનો કોઈક ખ્યાલ એના મનમાં બંધાઈ ગયો હતો. એ કહેતો: ‘ગયે જનમ પાપ કીધાં ઓહે!’ આવી માન્યતાઓએ ઘણાં ભોળાં શ્રદ્ધાળુ માનવીઓને દુ:ખી કર્યાં છે.

છૂટાં પડતાં મારાથી બોલી જવાયું: ‘મને તારો દીકરો જ માનજે, શ્યામજી…’ને એણે મારા માથે હાથ ફેરવ્યો. એ સ્પર્શ મારા જીવનની એક મહામૂલી સ્મૃતિ છે.

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book