૧૦. મૃત્યુને

મારા મૃત્યુને ઢંઢોળીને મેં કહ્યું :
ચાલ આપણે ફરવા જઈએ.
પેલી નિશિગન્ધાની સુવાસ
હવે મારાથી
જીરવાતી નથી…
સાગરકાંઠાના ખડકની સાથે
અથડાઈને પાછાં ફરતાં
મોજાંની પેઠે,
પંખીઓનાં ગીતો
હવે મારા મૌનની સાથે
અથડાઈને – અફળાઈને
પાછાં વળી જાય છે.
એ નીરવતા
હવે મારાથી વેઠાતી નથી…
તું એકાદ ગીત ગાજે
જે સાંભળીને પેલાં ગીતોને
પાછાં આવવાનું મન થાય.
— ને એમના આગમનનો
પદરવ સાંભળીને
હું તારા ખોળામાં માથું મૂકીને
ચિરનિદ્રામાં પોઢીશ.
એ વખતે આકાશેથી
એકાદ તારો ખરશે.
આકાશના પથે
એના ખરવાથી
અંકિત થયેલી
પ્રેમની કોઈ અગમ્ય લિપિ
જોતો જોતો હું આંખ મીંચીશ.
નિશિગન્ધા એનાં પુષ્પોનો
અભિષેક કરશે…
એ પુષ્પોની સુવાસમાં
એની એકાદ ગીતપંક્તિ
વણાયેલી હશે…
એના સૂરોમાં હું લીન થઈ જઈશ,
તારા ખોળે વિલીન થઈ જઈશ.
એથી તો કહું છું તને, મારા મૃત્યુ,
ચાલ, આપણે ફરવા જઈએ —
ફરીને વિરમવા જઈએ.

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book