‘રહી રહીને’

ત્યારે બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિશાળ કૅમ્પસના રસ્તાની એક બાજુએ એકાંતમાં લાગે એવા ગુજરાતભવનમાં મહિનામાસ માટે હતો. ફાગણ-ચૈત્રના દિવસો. આમ્રમંજરીઓની મહેંક વાતાવરણને ભરી દેતી હતી. ગુજરાતભવનના પાછલા આંગણમાં કેસૂડાના ઝાડ પર એક પણ પાંદડું ન હતું. માત્ર લાલ કેસૂડાના ભારથી ઝૂકું ઝૂકું થતી કેસૂડાની લાંબી પાતળી ડાળીઓ વસંતની જયઘોષણા કરતી. ઊડાઊડ કરતા ભમરાઓની અનુગુંજ તેમાં ભળી જતી.

ઋતુ તો વસંત હતી; પણ આ દિવસોમાંય બપોરના અહીં તડકો એકદમ ઉગ્ર થઈ જતો, એટલો ઉગ્ર કે બપોરના આગ કરતા આકાશ નીચે ચકલુંય જાણે ફરકતું નથી. નિર્જન માર્ગ પર કોઈક જણ છત્રી ઓઢી કે માથે ભારે ગમછો નાખી જતું હોય. પણ પછી સાંજ રમણીય ઊતરે. યુનિવર્સિટી દરવાજા બહારના ‘લંકા’ વિસ્તારમાં રોજ એક લચ્છીવાળાને ત્યાં જઈ પહોંચીએ અને જાણે બપોરે વેઠેલી ગરમીનો ઉપચાર કરતા હોઈએ તેમ ભરપૂર મલાઈની ઠંડી લચ્છી પીએ. કોઈ કોઈ બપોરના તો નક્કી જ કરી નાખીએ કે આજે તો જઈ ગંગામાં ડૂબકી લગાવીશું ત્યારે ટાઢક વળશે.

અહીં સવાર ઘણી વહેલી થતી. ઋતુ વસંત, નવાં પર્ણોની કુમળી લાલાશ આંખને સ્પર્શતી, છતાં હજી તો વૃક્ષો પરનાં પીળાં પર્ણો ખરતાં રહેતાં. કેટલાંક વૃક્ષો પર કૂંપળો હજી આવવાની અનુમતિ માગતી હતી. ભવનના એ પાછલા આંગણામાં પાંદડાં ઊડ્યા કરતાં. કવિઓના કહેવા પ્રમાણે તો આ વખતે દક્ષિણનો મલયાનિલ ચંદનનો શીતલ સ્પર્શ લઈ આવવો જોઈએ. અનિલ તો હતો, પણ દક્ષિણ દિશેથી આવતો હતો, કહેવું મુશ્કેલ. ઘણી વાર એ ખરતાં ખરેલાં પાનને ચકરાવે ચઢાવી પોતાનો એક આકાર રચી દેતો. થોડાં વધારે પાંદડાં ખેરવી જતો. ખરતાં અને પછી ભારરહિત થઈ ઊડતાં પાંદડાં અને એ પવન મનમાં એક અનિર્વચનીય વ્યાકુળતા જગાવી દેતાં. સાદી ભાષામાં કહું તો મન કારણ વિના સોરાયા કરે.

ખરેખર સાવ કારણ વિના તો ન જ કહેવાય. એક કારણ તો ઘર-ઝુરાપો. દૂર ઘરની યાદ. કેટલાક ચહેરાની યાદ. એક વહેલી સવારની વિદાયની હથેળી. તારુણ્યના દિવસે હતા. અને અત્યારે આ ઋતુ પણ. મૅકડોનલ્ડ- સંપાદિત ‘વેદિક રીડર’માંથી અગ્નિ ઇન્દ્રનાં સૂક્તોના અર્થઘટન વચ્ચે પાંદડાં ખેરવતા પવનનો સંચાર ધ્યાનભંગ કરાવતો હતો. ત્યાં એકાએક વાતાવરણને આર્ત્તતાથી ભરી દેતો કોઈ અજાણ્યા પંખીનો અવાજ સંભળાયો. વાચનમાંથી ધ્યાન હટી ગયું. કયું પંખી છે આ? ફરી અવાજ. મન કેમ વલોવાઈ જતું લાગે છે?

પછી તો જાણે રોજનો ક્રમ થઈ ગયો. બપોરની સ્તબ્ધતાને એ અજાણ્યા પંખીનો સ્વર ભરી દેતો. ચોપડીમાંથી આંખ ઉત્કર્ણ થઈ જતી. અક્ષરો આકૃતિઓ દેખાતા. આ કયું પંખી બોલે છે? એક-બે વખત તો બહાર આવી વૃક્ષઘટામાં જોવાનો પ્રયત્ન કર્યો. વૃક્ષઘટા ગાજતી હોય, પણ પંખી દેખાય નહિ. રોજ અવાજ સંભળાય, બપોર મધુર ધ્વનિ-આવર્તોથી ગુંજરિત થઈ ઊઠે અને એ આવર્ત છેક હૃદયના ઊંડાણને પણ અડકી જાય. રવિ ઠાકુરની કોઈ પંક્તિમાં આવે છે એવા ‘અચેના પાખીર ડાક’–અજાણ્યા પંખીની વાણી.

શું કોઈ આ અજાણ્યા પંખીને નહિ ઓળખાવે? મને થતું કે આપણી બાજુ આ પંખી કદી સાંભળ્યું નથી. ગામડાગામમાં વર્ષો વિતાવ્યાં છે, ઘણાં પંખીઓના શુદ્ધ-સ્વચ્છ અવાજ સાંભળ્યા છે; પણ આ પંખીનો અવાજ સાંભળ્યો નથી, વિહ્વલ અવાજ કદાચ સાંભળ્યો હોય, ધ્યાનમાં ન આવ્યો હોય. તો શું આ ઘરથી સેંકડો માઈલ દૂરના નગરમાં આ વાસંતી દિવસોમાં મારું મન એવું બની ગયું છે કે આ પંખીના અવાજની આટલી બધી નોંધ લે છે? કોઈ ઓળખાવી દે એ પંખીને તો એની સાથે આત્મીયતા કેળવું. એટલે પંખીનો અવાજ સંભળાય ત્યારે અહીંનાં ઘણાં લોકોને પૂછું: કયું પંખી છે આ? એ લોકો પણ ધ્યાન દઈને સાંભળે, પછી કહે, ખબર નથી. પછી તો એ ‘અચેના પાંખી’ સાથે રાગ થઈ ગયો. એના નામની શોધ છોડી દીધી.

બનારસથી આવ્યા પછી થોડાક સમયમાં એને ભૂલી પણ ગયો. થોડાંક વરસ વીત્યાં હશે. ત્યાં એક દિવસ એવી જ એક બપોરની વેળાએ એ પંખીનો અવાજ નગરપ્રાંતે એક વૃક્ષઘટામાં સંભળાયો. બનારસનો આખો માહૌલ મનમાં ઊભો થઈ ગયો. હું ચાલતો અટકી ગયો. ન તો પંખી દેખાયું, ન અહીં પણ એનું નામ મળ્યું. પણ થયું, આ પંખી અહીં અમદાવાદમાં પણ બોલે છે ખરું!

યુનિવર્સિટી-વિસ્તારમાં ઘણાં વૃક્ષો છે. એક વખતે વર્ષાકાળનો આરંભ હતો. એકાદ વરસાદ તો થઈ ગયેલો. ત્યાં યુનિવર્સિટીરસ્તે પસાર થતાં વાતાવરણને ગુંજરિત કરી દેતો એ જ પેલો અવાજ. ખબર પડતી નથી, પણ આ પંખીના અવાજમાં એવું તે શું હતું, જે કોઈથી વિખૂટા પડ્યાનો ભાવ અચૂક જાગે? શું એ પંખી પોતાના મિતવાને સાદ દેતું હશે? મેટિંગ કૉલ? જાણે એ અવાજની વ્યાકુળતાથી જ એ ખેંચાઈ આવશે. મનમાં જાગતા વિરહભાવનું વિશ્લેષણ કરવા જાઉં તો કોઈ વ્યક્તિવિશેષ યાદ આવે એવું થાય—ન થાય છતાં પંખીના ગળામાંથી નીકળેલો આ અવાજ સાંભળતાં હિન્દીમાં જેને કહે છે ‘ટીસ’ એવી એક મધુર ‘ટીસ’થી હૃદય સોરાવા લાગે અને એ ગમે પાછું.

આવું થયું એક વાર વર્ષો પછી. શાંતિનિકેતનમાં.

એ વખતે વિશ્વભારતી, શાંતિનિકેતનના આચાર્ય ચાન્સેલર હતા આપણા કવિ ઉમાશંકર જોશી. ત્રણેક અઠવાડિયાં હું જાદવપુર યુનિવર્સિટી કલકત્તામાં હતો. કવિ કલકત્તા આવેલા, અને એમણે મને શિવકુમાર જોષીને ત્યાં બોલાવી આચાર્યની હેસિયતથી શાંતિનિકેતન એમની સાથે જવા નિમંત્રણ આપ્યું. ત્યારે હું તનમનથી કંપી ઊઠ્યો. કવિની સાથે શાંતિનિકેતનમાં! ઓહ! જીવનમાં વિરલ એવો ધન્ય અવસર.

શાંતિનિકેતનમાં રતનકુઠિમાં અમારો નિવાસ હતો. એ વખતે કવિની સર્જકતામાંથી શિશુકાવ્યો ફૂટતાં હતાં. રાતે વાતો કર્યા પછી સૂવા જઈએ, સવારમાં કવિતાથી જાણે કવિ અભિવાદન કરે! શાંતિનિકેતનમાં ત્યારે રજાઓ નહોતી. પાઠભવનના વર્ગો સવારના સૂર્યોદય પહેલાં શરૂ થઈ જાય. પહેલાં એના પ્રલંબિત સૂર સાથેના ઘંટનાદ સંભળાય. પછી પ્રાર્થના થાય. અમે એક પ્રાર્થનામાં હાજર રહેવા વહેલી સવારે ઝટપટ તૈયાર થઈ રતનકુઠિમાંથી આમ્રકુંજમાં જતા હતા. પ્રાર્થના શરૂ થયાનો એક ટકોરો ગુંજરિત થયો અને પ્રાર્થના શરૂ થઈ ગઈ. અમે ઊભા રહી ગયા. પ્રાર્થના પછી છાત્ર-છાત્રાઓ વૃક્ષ નીચે ભણવા દૂર દૂર સુધી વિસ્તરી ગયાં. વૃક્ષો નીચે વર્ગો શરૂ થઈ ગયા. તપોવનની સંસ્કૃતિમાં શ્વાસ લેતા હોવાનો અણસાર આવે. કુમળા કાચા તડકામાં અમે બકુલવીથિમાં થઈ પાછા ફરતા હતા, ત્યાં એકાએક પેલા પંખીનો અવાજ, અનેક પંખીઓના અવાજોમાં ગુંજરિત થઈ ઊઠ્યો. હું ઊભો રહી ગયો. આગળ ડગલાં મૂકતા કવિને પાછળથી મેં પૂછ્યું, આ કયું પંખી બોલે છે?

ચાલતાં ચાલતાં કવિ ઉમાશંકર ઊભા રહી ગયા. પંખીઓના મિશ્ર કલકલાટમાં ફરી બોલતા પેલા પંખીનો અવાજ જુદો તરી આવ્યો. બોલ્યા — આ પંખી? આ તો ભારદ્વાજ છે. ફરી પંખીનો અવાજ. કવિ કહે, ના, આ ભારદ્વાજ નથી. અમે વૃક્ષઘટામાં એ પંખીને જોવા મથ્યા, પણ ક્યાંય ન દેખાય. બપોરના શાંતિનિકેતનની શાંતિમાં રતનકુઠિની વૃક્ષઘટામાં એ અવાજ ફરી ગુંજરિત થઈ ઊઠ્યો પાછો. મનમાં મધુર બેચેની જાગી, એ વાતની પણ બેચેની કે કેમ આ પંખીનું નામ મળતું નથી! પણ એવી કે કોઈ અન્ય બેચેનીની વાત કવિને કંઈ કરાય? આ અજાણ્યા પંખીનો અવાજ એમના મનમાં શો ભાવ જગાડતો હશે?

કદાચ એ દિવસોમાં એમના પ્રસિદ્ધ કાવ્ય ‘પંખીલોક’ની રચના ચાલતી હતી. પંખીઓના અવાજ ભણી એમના કાન બહુ સરવા રહેતા. આ કયું પંખી હશે, એ જાણવાનો એમને વિચાર આવ્યો હશે? હશે જ.

પછી તો ‘પંખીલોક’ કવિતામાં અનેક પંખીઓના વૃંદગાનની વાત આવી. વહેલી સવાર ત્યાં:

કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે.
પો ફાટતાં પહેલાં અધ ઊંઘમાં સ્વરો ચમકે
તમિસ્રા વીંધી,
ઘેઘૂર વૃક્ષઘટા આખી–પ્રકાશનાં છાંટણાંથી ચૂએ
જાણે.
પર્ણઝુંડમાંથી ટપકે ‘…પચ મુચિ રિચ વચ વિચ…’
ક્રિયાપદોની ત્વરિત હારમાળા પંખી પઢી જાય
એક્કે શ્વાસે.

કોકિલ, કાકકુલ, બુલબુલ, લીલા પોપટ, તપખીરિયો ભારદ્વાજ, આર્ત્ત બપૈયો, મયૂર ને કંઈ કેટલાંય.

પણ આ પંખી? શું એ વખતે કવિને આ પંખીનો વિચાર આવ્યો હશે? નામ જાણ્યા વગર બેચેન કરતા પંખી માટે કેવું વિચારતા હશે કવિ? ‘પંખીલોક’ પ્રકટ થયું, એમાં જવાબ મળ્યો નહિ. શાંતિનિકેતનમાં આમ્રકુંજમાં સાંભળેલો અવાજ, એ પંખીનું શું નામ? જવાબ મળ્યો નહિ.

પછી એક દિવસ ‘પંખીલોક’ પછી લખાયેલી ‘વિદેશ’માં નામની કવિતામાં જોઉં છું, તો એ જવાબ છે:

રહી રહીને પેલું પંખી બોલે છે.
ઉન્મન થાઉં હું રહી રહીને.
દેહ અહીં, મન મારું સ્વદેશ દોડે,
પંખીનાં નામ સૌ શોધે ફંફોસે.
અહીં ઓળખું બેચાર કપોત ને કાગ
કાબર ચકલી બુલબુલ હંસરાજ.
પણ આ કોણ બોલે રહી રહીને?
ભીતર કોરાય જાણે રહી રહીને?
નામ ન જાણું એને કેવી રીતે માણું?
હૈયાને સ્પર્શી જાય નવતર ગાણું.
ક્યાંયથીય એ ઊભરાય રહી રહીને
લાવ, એને આપું નામઃ ‘રહી રહીને.’

ઓહ! તો આ કવિને પણ કોઈ અજાણ્યા પંખીના ગાનથી આપણા જેવું થાય છે ખરું, એ પણ ઉન્મન બને છે. ભલે આ પંખી પરદેશી હોય, અને કવિ વિદેશમાં હોય અને ત્યાં એ સાંભળ્યું હોય, પણ એ અજાણ્યા પંખીને તો પછી કવિએ નામ આપી દીધું ‘રહી રહીને.’ તો એ પરદેશી પંખીનું નામ ‘રહી રહીને.’

પણ મારે બનારસના પેલા તરુણાઈના દિવસોથી જેનું ગાન સાંભળતાં ‘ઉન્મન’ થતો રહ્યો છું, અજાણ્યા એ પંખીનું શું નામ આપવું? હવે એને ‘અજાણ્યું’ પણ શી રીતે કહેવું? પણ નામ જાણ્યા વિનાય તે…? કવિ હોત તો કદાચ એમને ફરી પૂછત, જેમ ઘણીબધી બાબતે એમને પૂછતા, મારે શું નામ આપવું એ પંખીનું?

અત્યારે તો આ પ્રશ્ન સાથે શાંતિનિકેતનની બકુલવીથિમાં ચાલતાં ચાલતાં ‘આ કયું પંખી છે?’ — એવા મારા પ્રશ્નથી ઊભા રહી ગયેલા કવિની એક છબિ મનમાં ચીતરાય છે—રહી રહીને.

૧૬-૧-૮૯
૮-૧૨-૮૯

License

શાલભંજિકા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book