પ્રકરણ ૧૦ : મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારના બીજ

રાણીદ્વારા કરેલો પ્રયત્ન નિષ્ફળ જતાં સામંતે જરાશંકર દ્વારા પ્રયત્ન કર્યો. એક દિવસ જરાશંકરે મલ્લરાજ પાસે વાત ક્‌હાડી. “મહારાજ, સામંતને આપના ઉપર બહુ ખોટું લાગ્યું જણાય છે.

મલ્લરાજ—“શી વાતમાં?”

જરાશંકર—“આપને પુનર્લગ્ન કરવા એણે સંદેશો ક્‌હાવ્યો હશે તેનો આપે બહુ તિરસ્કાર કર્યો ક્‌હેવાય છે.”

મલ્લરાજ—“એ જ કે બીજું કાંઈ! ત્હારી સાથે કોણે ક્‌હાવ્યું?”

જરાશંકર—“સામંતે જ વાત કરી.”

મલ્લરાજ—“કોની સાથે એણે ક્‌હાવ્યું હતું તે કહ્યું?”

જરાશંકર—“રાણીજી સાથે.”

મલ્લરાજ—“એવી મૂર્ખતા કરે તેને તિરસ્કાર નહી તો શું ઘટે?”

જરાશંકર—“રાણીજીની સંમતિ દર્શાવવા એમ કર્યું હતું.”

મલ્લરાજ—“સામંત મને પરણાવવા ઈચ્છે છે તે રાજ્ય-અર્થે કે મ્હારા સંસારને અર્થે? જો મને ફરી એવા સંસારમાં નાંખવાની ઈચ્છાથી સામંતે આ રચના કરી હોય તો એ મ્હારા અતિશય તિરસ્કારને પાત્ર છે. રત્નગરીના રાજાઓ પોતાના સંસારને અર્થે કાંઈ પણ કરતા નથી, અને મ્હારા રાજ્યનો વારસ મને સંસારની વાસનાઓનો પાત્ર ગણે તેમાં એની બુદ્ધિ, અને મ્હારે વીશે એનો અભિપ્રાય, ઉભય મને દુ:ખનાં કારણ થાય છે. જો એની સૂચના હું સ્વીકારું અને એને તિરસ્કાર ન કરું તો હું અને એ ઉભય રાજપદને અયોગ્ય છીએ, અને એ તિરસ્કાર કરીને જ હું એને યોગ્ય થવાને માર્ગ દેખાડું છું, વળી રાણીનું ગળું કાપવાની વાત રાણી પાસે જ કરાવવા પ્રયત્ન કર્યો એ મ્હારા તિરસ્કારનું બીજું કારણ.”

જરાશંકર – “માહારાજ, એણે રાજ્ય-અર્થે આ સૂચના કરેલી છે, અને મને લાગે છે કે ભાયાતોની સહીઓ એને વારસ ગણી એની પાસે મંગાવી ને બનવાથી એના મનમાં આ તરંગ ઉઠ્યો હશે.”

મલ્લરાજ – (વિચાર કરી) “હા! હવે સમજાયું, ત્હારું ધારવું બરોબર છે—આ સૂચના એની રાજભક્તિનું ફળ છે અને એ ભક્તિના બદલામાં મ્હેં એનો બહુ તિરસ્કાર કર્યો. મ્હેં ભુલ કરી. જરાશંકર, ત્હારે એ ભુલ સુધારવી અને સામંતપાસે ખુલાસો કરી એનો ઉપકાર માનવો.”

જરાશંકર હસી પડ્યો. “હા, મહારાજ, રાજાઓ ભુલો કરે અને પ્રધાનોએ તે સુધારતાં ફરવું.”

મલ્લરાજ—“બીજાં રાજ્યોમાં તો એમ નિત્ય કરવું પડે છે. આપણા રાજ્યમાં આજ વારો આવ્યો.”

જરાશંકર—“મહારાજ, પ્રધાનની સાથે મંત્ર થયા વિના જે કાર્ય થાય તેમાં પશ્ચાત્તાપનો પ્રસંગ આવે તે રાજાને; તેના કરતાં પ્રધાનની સાથે મંત્ર કરી તેની જે ઈચ્છાથી કામ થાય તેમાં પશ્ચાત્તાપનો વારો આવે તો તેમાં પ્રધાનને ભાગે પણ કાંઈ આવે.”

મલ્લરાજ—“ત્હારો અધિકાર વધારવા આ વકીલાત કરતો હઈશ?”

જરાશંકર—“હા, મહારાજ!”

મલ્લરાજ—“કબુલ! મ્હારા સ્વતંત્ર અને છાતીવાળા પ્રધાન! મ્હારી પાસે તું આવે પ્રસંગે મ્હારી ભુલ ઉઘાડી કરી બુદ્ધિબળથી જે વાતનો સ્વીકાર કરાવે તેની મલ્લરાજ કેમ ના ક્‌હેશે? પણ ક્‌હે, એ વાત જ કાંઈક મનમાં આવ્યાથી પ્રધાનદ્વારા મને આવી વાત ન કરતાં રાણીદ્વારા આવી ખટપટ કરે તે સામંતનો તિરસ્કાર કરવામાં મ્હેં શું ખોટું કર્યું? તું જ ક્‌હે છે કે રાજ્ય-અર્થે સામંત આ સૂચના કરે છે, ને રાજ્ય-અર્થની વાત પ્રધાનદ્વારા ન કરતાં સ્ત્રીયો દ્વારા કરે તેને ધક્કો મ્હારી બહાર ન ક્‌હાડું તો બીજું શું કરું?”

જરાશંકર—“મહારાજ, હું હાર્યો, પણ આપણે હવે પ્રસ્તુત વાત કરીયે. સામંતના સંદેશાના ગુણદોષ વિચારીયે. રાજબીજનો નાશ ન થાય એ કારણે અનેક ક્ષેત્રનો સંગ્રહ અંત:પુરમાં વિહિત ગણ્યો છે; રાણીજીને ને સામંતને તે વાત ઇષ્ટ હોય તો તે કર્તવ્ય જ.”

મલ્લરાજ—“એનો વિચાર કરી મુક્યો છે-તે ટુંકામાં સાંભળ. પ્રથમ તો એ કે કામમાં જાતે જ અધર્મ હોય તો તે લક્ષમાં રાખજે કે રાણીની અને સામંતની સંમતિથી તે ધર્મ્ય ન થાય. મરનારની સંમતિથી કરેલ તેના બુનમાંથી એ સંમતિને લીધે પાપનો અંશ ઓછો થતો નથી. બીજું, એ સંમતિ આપનારની જેટલી મ્હોટાઈ તેટલી જ તે લેનારની હલકાઈ ને દુષ્ટતા. ત્રીજું, એમાં લાભ હોય તો એ એક લાભને એક ત્રાજવામાં મુક અને તેના સામા ત્રાજવામાં હાનિ મુક—તો હાનિ વધશે. ક્ષત્રિયોને બે ચાર સ્ત્રીઓ વચ્ચે મુકી તે પુરુષોનું સ્ત્રીરૂપ કરવાનું આ કામ મને બહુ હાનિકારક લાગે છે અને આ નવા યુગમાં તે ન કરવું એ તો મ્હેં જ નક્કી કર્યું છે, ને ભાયાતોને તે ન કરવાનું કામ કરવાનો માર્ગ હું રાજા કદી નહી બતાવું.”

જરાશંકર—“પણ મહારાજ, રાજબીજનો નાશ એ ઓછી હાનિ નથી.”

મલ્લરાજ—“સિંહને એક જ સિંહણ હોય છે ને એકાદ બાળક હોય છે; એક ભુંડની આસપાસ અનેક ભુંડણો અને અનેક ભુંડકાં એકઠાં કરવાં એ ક્ષુદ્ર માર્ગથી વીર્યતેજ એકત્ર ન ર્‌હેતાં કડકા કડકા થઈ જાય છે. એક ભુંડનાં અનેક ભુંડકાં કરતાં એક સિંહનો એક સિંહબાળ પિતૃપક્ષનું તેજ વધારે સાચવે છે. શ્રૃંગારવાસના પણ આમાં જ નિર્મળ ર્‌હે છે. જરાશંકર, રત્નનગરીના રાજાઓ સિંહ જેવા છે.”

જરાશંકર—“મહારાજ, આમાં મ્હારા પ્રશ્નનો ઉત્તર ન આવ્યો, કડકા થયેલું પણ રાજબીજ ને રાજાને ઘેર સંસ્કાર પામેલું, તેની ઉત્તમતા સાધારણ ઘરમાંથી ન મળે. વળી હું અનેક પુત્રો ઉત્પન્ન કરવાનું કહેતો નથી. પણ એક પુત્રનો લાભ શોધવા અનેક ક્ષેત્ર રાખવા કહું છું.”

મલ્લરાજ– “એક આખા નિર્મળ અને પ્રસન્ન કાચમાં જેવું શુદ્ધ પ્રતિબિમ્બ પડે છે તેવું ઘણાં પાસાંવાળા કાચમાં કદી પડવાનું નથી. આખો કાચ ને એક પત્ની, એ પાસાં તે અનેક પત્નીઓ, એક પત્નીપર અભિન્ન પ્રીતિથી જે પ્રજા તે જ ઉત્તમ.”

જરાશંકર—“પણ ઉત્તમ ન મળે તો ઉતરતું લેવા પ્રયત્ન કેમ ન કરવો?”

મલ્લરાજ—“જો ઉત્તમ ન મળે તો ઉતરતી પ્રજા તો મ્હારા ભાઈઓમાંથી કેમ નહીં મળે? તેઓ પણ મૂળ રાજબીજ છે—તેમાંથી મૂળ રાજા સાથે વધારેમાં વધારે સંબદ્ધ હોય તે જ રાજાનો વારસ.”

જરાશંકર – “સત્ય, પણ તેને રાજ-કુળના સંસ્કાર પ્રાપ્ત નથી હોતા.”

મલ્લરાજ—“તે ન્યૂનતાનો ઉપાય મ્હારા ભાઈઓ સાથે કરેલા લેખમાં છે. મ્હારા ભાઈઓને રાજસંસ્કાર અને ક્ષત્રિયસંસ્કાર નિત્ય બને તેટલા આપતાં રહેવું એ મ્હારા વારસો અને તેમના પ્રધાનોનું મ્હોટું કર્તવ્ય.”

જરાશંકર—“પણ એવો પ્રસંગ આવે કે વારસ કેવળ અયોગ્ય હોય અને સંસ્કારની યોગ્યતા પણ તેમાં ન હોય?”

મલ્લરાજ—“તો જે આઘેનો બાળક યોગ્ય અને ઉત્તમ હોય તેનું દત્તકવિધાન ક્યાં થતું નથી?”

જરાશંકર—“પણ આમ કરતાં વિરોધ અને ખટપટનો સંભવ. એટલું જ નહી, પણ રાજાની પાછળ દત્તક લેવાનું ઠરે તો સ્ત્રીયો અને બીજાના હાથમાં વાત જાય.”

મલ્લરાજ—“દત્તક લે તો તો રાજા જ—તેના સ્વતંત્ર અધિકારથી તે કામ કરે. તેણે જીવતાં દત્તક ન લીધો હોય તો પાછળ જીવનારે એમ જ જાણવું કે મરનાર રાજાએ વારસને જ યોગ્ય ગણેલો છે. આવા વારસના હાથમાંથી રાજ્ય લેઈ લેવું તે કોઈ માનવીના અધિકારની વાત નથી.”

જરાશંકર—“મહારાજ, હું હાર્યો.”

મલ્લરાજ—“તે સામંતને સમજાવજે. સામંતને સમજાવજે કે જ્યાંસુધી એ પોતે મ્હારા રાજ્યને યોગ્ય છે એવો મ્હારો અભિપ્રાય ચળ્યો નથી ત્યાંસુધી હું મલ્લરાજ કોઈને દત્તક લેઉં એમ પણ થનાર નથી, તો પુનર્લગ્ન કરી મ્હારું ક્ષત્રિયપણું, મ્હારું રાજ-અભિમાન, અને મ્હારી રાણીપરની મ્હારી પ્રીતિ—એ સર્વને કલંક બેસે એવું કામ મલ્લરાજ દેહમાં પ્રાણ છતાં કદી કરનાર નથી. ઈશ્વર પુત્ર આપનારો હશે તો એક રાણીને ઉત્તમ પુત્ર ગમે ત્યારે આપશે—નહી આપનારો હોય તો સો રાણીનો સ્વામી અપુત્ર ર્‌હેશે, જરાશંકર, સામંતને તેની રાજભક્તિ સારું ધન્યવાદ આપજે, પણ ક્‌હેજે કે પુત્રની અતિશય કામના કરવી તે બ્રાહ્મણવાણીયાને કપાળે લખી છે—મ્હારે કપાળે નહીં. એક રાણીને પુત્ર થશે તો તેને ભાગ્યે થશે. તેનું તેવું ભાગ્ય નહીં હોય તો મ્હારા ભાઈઓનું સદ્દભાગ્ય કમી કરવા મ્હારું નાક વ્હાડી તેમનું અપમાન કરવા જેવું કામ હું નહી કરું, અને કારણથી વધારે કારણથી એ મ્હારી મેના રાણીની પ્રીતિના બદલામાં તેને અન્યાય આપવાનું કામ, તેમ મ્હારી પ્રીતિ ઉપર ચક્રવર્તી સત્તા વાપરવાનો તેને ઈશ્વરે આપેલો અધિકાર રજ પણ કમી કરવાનું પાપ,—આવા અન્યાયનું કામ અને આ પાપ મ્હારી પ્રજાના ઘરમાં થયેલું જોવાને ન ઈચ્છું તો, હું જે તેમનો રાજા તેના ઘરમાં તે રાજાને જ હાથે થાય એવું હું કદી કરનાર જ નથી. આજસુધી—મંત્ર થતા સુધી—આ વાત કરવાનો તને અધિકાર હતો. હવે મ્હારો સિદ્ધાંત જાણ્યા પછી જે કોઈ આ વાતનો એક શબ્દ મ્હારા કાનમાં પાડશે તેણે મ્હારી આજ્ઞાનો ભંગ કર્યો ગણીશ અને તેને શિક્ષા કરીશ. જરાશંકર, સામંતને, તને, રાણીને, અને સર્વને આ મ્હારી આજ્ઞા છે તે તેમને સર્વને વિદિત કર અને તું જાતે ભુલી જશે તો રામે લક્ષ્મણની વલે કરી હતી તેવી ત્હારી પોતાની થઈ સમજજે.”

જરાશંકર—“મહારાજ–”

મલ્લરાજ—“બસ, એકપત્નીવ્રતવાળો પતિ અને તેની ધર્મપત્ની – તેમની બેની વચ્ચે ત્રીજે કોઈ—પવન પણ – અંતરાય નહીં પાડે. પ્રધાનની સાથે મંત્ર કરી સિદ્ધ થયેલી મ્હારી આજ્ઞાને હું રાજા કે તું પ્રધાન કોઈ નહી તોડે.”

જરાશંકર—“મહારાજ–”

મલ્લરાજ – “એક શબ્દ નહી સાંભળું. હું આજ્ઞા કરી ચુક્યો.”

જરાશંકર– “માન્ય કરું છું—મહારાજ—એ આજ્ઞાને.”

મલ્લરાજ—“ત્યારે પછી શું ક્‌હેવા જતો હતો?”

જરાશંકર—“આપના જેવા ધર્મરાજની સેવા કરતાં થતો આનંદ જણાવવા જતો હતો.”

મલ્લરાજ—“રાજાની સ્તુતિ કરવી એ ભાટચારણોનું કામ છે તે તો હું જાણતો હતો. પણ પ્રધાનનું હશે તે આજ જ જાણ્યું.”

જરાશંકર—“ક્ષમા કરો, મહારાજ, શબ્દફેર થયો. આપની આજ્ઞા જાણી હું અતિ પ્રસન્ન થયો.”

મહારાજ—“ઠીક થયું.”

આ વાર્તા થયા પછી કેટલેક વર્ષે મલ્લરાજ અને મેનારાણીની નિર્મલ પ્રીતિનું ફળ આપવાનો સંકેત ઈશ્વરે જણાવ્યો. રાણી સગર્ભા થઈ. એ ગર્ભને ગર્ભદશામાંથી રાજપદને ઉચિત સંસ્કાર આપવા મલ્લરાજે ચિંતા કરવા માંડી. એક દિવસ રાજગૃહમાંથી અંત:પુર જતાં જતાં વિચાર કરવા માંડ્યા. ગર્ભનું હિત વિચારનાર પિતાએ ગર્ભ ધરનારી સ્ત્રીને પોતાની પત્ની ન ગણતાં ગર્ભની માતા ગણવી, અને ગર્ભાધાનથી તે ગર્ભના મોક્ષસુધી કામવાસના દૂર રાખી સ્ત્રીના શરીરને પવિત્ર ગણી તેને, ગર્ભની સેવામાં અર્પણ કરવું, અને આ સેવા કરવાના કામમાં તેને, પતિએ, બ્રહ્મચર્ય પાળી, દૂર ઉભા રહી, આશ્રય આપ્યાં કરવો. ગર્ભમોક્ષ પછી બાલક સ્તન્યપાન કરે અને માતાના અંગનું સત્વ ચુસે ત્યાંસુધી તે બાલકને પોષવાનું સત્વ ઓછું થાય નહી તેમ વર્તવાનો, તથા તેની માતાનું સત્વ બે પાસથી લુટાય નહીં એમ વર્તવાનો, બાલકના પિતા અને તેની માતાનો પતિ તેવો બેવડો ધર્મ છે. બ્રાહ્મણ–વાણીયાઓમાં આ ધર્મ પાળવાનો માર્ગ વૃદ્ધોએ ઘડી ક્‌હાડેલી રૂઢિએ રાખ્યો છે. તેમની સ્ત્રીઓ પ્રસવકાળ પ્હેલાં અને પછી કેટલાક માસસુધી પીયર ર્‌હે છે. આથી ઉભય કાળે તે સ્ત્રીઓ સાસુના ક્લેશથી અને પતિના કામવિકારથી મુક્ત ર્‌હે છે; અને પોતાની પ્રેમાળ માતાને હાથે સીમંતિની અને બાળકની માતા પોતાનું શરીર, પોતાનો આનંદ, અને ગર્ભ તથા બાળકોના પ્રતિ પોતાના ધર્મ સાચવે છે. પણ રત્નનગરીના રાજાઓના મંદિરમાં જુદો માર્ગ છે. તેમને ગૃહસ્થાશ્રમ કેવળ ભોગાશ્રમ નથી – તેમનું બ્રહ્મચર્ય જ્યારે જોઈએ ત્યારે તેમની પાસે તયાર છે. તેમની માતાઓ તેમની રાણીઓ ઉપર વત્સલ હોય છે.- બીજા લોકની સાસુઓ પેઠે સ્વાર્થી – અને દીકરીઓની પક્ષપાતી હોતી નથી. મલ્લરાજ! હવેથી તું બ્રહ્મચારી થયો અને મેનારાણી ત્હારાં માતાજીને મંદિર ર્‌હેશે અને તેમની ચિંતા માતાજી કરશે.”

મલ્લરાજની માતાં નાગરાજના મરણ પછી છ – સાત માસે ગુજરી ગઈ હતી. બ્રેવ સાહેબ સાથેના યુદ્ધમાં પડેલા પાટવીકુમાર હસ્તિદંતની વિધવા સાસુ સાથે રહી હતી; અને યુદ્ધમાં યશસ્વી થયેલો પતિ: મૃત નથી પણ યશશરીર વડે જીવે છે ગણી, એક હાથે સૌભાગ્ય કંકણ રાખી અને બીજા હાથનું કંકણુ ભાંગી, યશસ્વી સ્વામીના યશસ્વી મરણનું અનુશોચન તજી તેમ જ મૃત પતિની પાછળ આનંદ ભોગનો કેવળ ત્યાગ કરી, પતિવ્રતા સૌભાગ્ય–વૈધવ્ય પાળતી હતી, અને ઈશ્વરની ભક્તિ અને સાસુની સેવામાં તેમ ધર્મવ્યવહારમાં અને ઉદાસીન– દશામાં કાળમાત્ર ગાળતી હતી. મરણકાળે રાજમાતાએ આ વિધવાને અને મલ્લરાજને પોતાની શય્યાપાસે બેલાવ્યાં અને તેમને આજ્ઞા કરી; મલ્લરાજ, આયુષ્ય પહોચ્યું ત્યાં સુધી મ્હારો ધર્મ પાળી હું હવે ત્હારા પિતા અને ભાઈ જે દેશમાં ગયા છે ત્યાં તેમની પેઠે જાઉ છું. મ્હારી પાછળ શોક કરશો માં. ત્હારા મોટાભાઈનું યશશરીર જાળવનારી આ ત્હારી ભાભી, તેને હવેથી મ્હારે સ્થાને રાખજે, એ હવેથી ત્હારી અને ત્હારી રાણીની માતા, અને તમે એનાં બાળક, મ્હારામાં હવે ઝાઝું બોલવાની શક્તિ નથી. પણ સંક્ષેપમાં આ તમારો પરસ્પર ધર્મ કહ્યો તે પ્રમાણે, તમે બે જણ તમારી માતાએ પોતાના મરણકાળે કરેલી આ આજ્ઞા પાળજો. સૂર્યવંશનો અને રત્નનગરીના રાજમંદિરનો આ કુળાચાર છે.” જુવાન વિધવા ભણી જોઈ બોલી, “બેટા, તું હવે મ્હારે સ્થાને છે-હોં! આપણે રાજવંશી ક્ષત્રિયાણીઓને ઉપદેશની જરૂર નથી. બેટા, મ્હારી જીભ બંધ થાય છે.- મને છેલી કોટી દે—મલ, મ્હારા હાથમાં હાથ મુક.” આંખમાં આંસુનાં પૂર સાથે બે જણાંએ વૃદ્ધ માતાની આજ્ઞા પાળી, એક તેને કંઠે ભેટી, બીજાએ તેના હાથમાં વચન આપ્યું, માતાની જીભ બંધ થઈ બોલાતું બંધ થયું. કંઠે વળગેલી વિધવા-વધૂને મરવા સુતેલી રાજમાતા છાતી સરસી બળવિનાને હાથે ડાબતી દેખાઈ, પુત્રના મુખ સામી તેની દૃષ્ટિ ઉઘડી વળેલી લાગી, પુત્રના હાથને સ્પર્શ થતાં માતાનાં આંગળાં તેને ઝાલવા જતાં હોય તેમ વળતાં લાગ્યાં. પ્રાણનો અવસાન આવતાં કાંઈક વિઘ્ન લાગ્યું. મલ્લરાજ બોલ્યો: “માતા, તમારો પુત્ર ને તમારી પાછળ આ એનાં માતા મ્હારા જન્મની જનની! આજ તું આ સંસારમાંના કોઈ માનવીનો વિચાર કરીશ નહી-ત્હારી કુખમાં પાકેલો રજપુત નાગરાજના કુટુંબને અને લોકને તેની જ પેઠે પાળશે. માતા, જેમ વગર ચિન્તાએ મ્હારા શુરવીર ભાઈ રણજંગમાં રોળાયા, જેમ મ્હારા ભાઈનો શોક કે પાછળ ર્‌હેનારાઓની ચિંતા રજ પણ કર્યાવગર મ્હારા પિતાએ આ ધરતીમાતાને ખોળે દેહ મુક્યો તેમ જ આપણ ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓ આ લોકમાંથી પરલોકમાં વગરચિંતાએ અને વગરવાસનાએ જઈએ છીયે. માતા, તમે આ પ્રસંગે માત્ર આપણા કુલગુરુ સૂર્યદેવ અને તે સર્વના દેવ પરમાત્મા જે ભગવાન તેમનું સ્મરણ કરો અને તેમના તેજમાં ભળવાનો આનંદ અનુભવો! રજપુતમાતા! રજપુતમાતા! યમરાજનું તેડું આનંદથી સ્વીકારવું એ આપણો કુલધર્મ છે! રજપુતમાતા! મરણ એ આપણું મંગળ છે.”

પુત્રના સામી એકદૃષ્ટિ કરતી માતાની આંખ મીંચાઈ, આંખ મીંચાતાં મીંચાતાં રજપુતાણીના ઓઠ આનંદથી ઉઘડતા લાગ્યા, તે ઉઘડતાં ઉઘડતાં તેમાંથી પવન નીકળ્યો, તે પવનમાં ઈશ્વરનું નામ સુણાતું હોય એમ પાસે બેઠેલાંને લાગ્યું, અને તે નામ સાથે રાજમાતાના પ્રાણ પ્રાણત્વના ત્યાગી થઈ ગયા.

આ દિવસથી મલ્લરાજ મરનાર જયેષ્ઠ બાંધવની વિધવાને “માતાજી” કહી બોલાવવા લાગ્યો, અને પોતાની રાણીને તેણે આજ્ઞા કરી કે “માતાજીની” સેવા પ્રીતિ અને માન રાખી, કરવી. સગર્ભા રાણીને આજથી “માતાજી” ને મંદિર મોકલવાનો ઉત્સાહી મલ્લરાજ મેનારાણીને મંદિર ચાલ્યો. “આજથી મેનારાણીના ગર્ભઉપર માતાજીની અમીદૃષ્ટિથી મ્હારા શૂર ભાઈ હસ્તિદંતની છાયા પડશે!” પાટવી કુમારે જે સ્થાન સાચવ્યું હતું તે સ્મરણમાં આવતાં, તેના ગુણ સાંભરતાં, મલ્લરાજની ક્ષત્રિય આંખમાંથી પણ એકાંત અશ્રુધારા ચાલી અને મરેલા ભાઈનું અનુશોચન આટલે વર્ષે જાગ્યું. મુખ દુ:ખી થયું, અંતે ભાઈનો શોક તેમ વંશવૃદ્ધિના વિચારનો આનંદ, ઉભયનો ત્યાગ કરી—ન રોતો, ન હસતો, રાજા રાણીને દ્વારે આવ્યો.

દ્વાર વાસેલાં હતાં, અંતર્થી ગોષ્ઠીવિનોદનો સ્વર આવતો હતો. રાજા તે સાંભળતો દ્વાર બ્હાર થંભ્યો. અંતર્ માતાજીની દાસી રાણી સાથે વાત કરતી રાજાએ એળખી, એ દાસીના સ્વભાવ ઉપરથી માતાજીએ એનું નામ મધુમક્ષિકા પાડ્યું હતું – તેને કિંકરવર્ગ મધમાખ કહી બોલાવતો હતો.

મધુમક્ષિકા રાણીને ક્‌હેતી હતી: “રાણીસાહેબ, આપે હવે મહારાજ સાથે દીર્ઘકાળનું રુસણું લેવું.”

રાણી—“પણ મને તે આવડતું નથી.”

મધુ૰— “રાધાજી હરિ ઉપર રીસાયાં હતાં; તે એમ કહીને કે

97“હાવાં નહી બોલું હરિ સાથે રે
“મને ચંદ્રમુખી કહી બોલાવી!”

આપે પણ એમ જ કાંઈ કરવું.”

મલ્લરાજ દ્વાર ઉઘાડી અંતર્ ગયો. રાણી પલંગ ઉપર અને મધુમક્ષિકા સામી જમીન ઉપર, એમ બે બેઠાં હતાં તે ઉઠ્યાં.

મલ્લરાજ—“કેમ, મધુમક્ષિકા, મ્હારા ઘરમાં કલહ ઘાલે છે કે?”

મધુ૰— (હસીને) “મહારાજ, સ્ત્રીપુરુષના શાસ્ત્રમાં પ્રણયકલહ98 કહેલો છે તે ઉત્પન્ન કરવો એ મ્હારા જેવી રંક દાસીઓનું કામ છે.”

મલ્લરાજ—“ત્યારે તું તો દંશ દે એવી જ છે.”

મધુ૰— “આવા દંશ દેઈ, માતાજીએ પાડેલું નામ સાર્થક કરું છું.”

મલ્લરાજ—“માતાજીનું નામ દીધું ત્યારે તો તું ક્‌હે તે સ્વીકારવું પડશે.” મહારાજ પલંગ પર બેઠો. રાણી પલંગની બાજુને અઠીંગી ઉભી.

મલ્લરાજ—“મધુમક્ષિકા, રાધાજીને ચંદ્રમુખી કહ્યાં તેમાં ખોટું શાનું લાગે?”

મધુ૰— “મહારાજ, ચંદ્ર સંપૂર્ણ થયા પછી રાત્રિયે રાત્રિયે ચંદ્રબિમ્બ અને ચંદ્રની કાન્તિ ક્ષીણ થયાં કરે છે, અને રાધાજીના મુખને આ ઉપમા આપી એ તો અપમાન કરવા જેવું થયું – તેમને એવો ક્ષય નથી.”

મલ્લરાજ—“અમારા સૂર્યવંશમાં એવાં રુસણાં ન શીખવવાં.”

મધુ૰— “મહારાજ, રાણીજીનું શરીર ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલું છે અને રાણાજીને હાથ ઝાલ્યો ત્યારથી જ એ ચંદ્રવંશના બુદ્ધિવિલાસમાંથી આનંદ અને ભોગ લેવા આપે સ્વીકાર્યું છે.”

મલ્લરાજ—“એમ? ત્યારે હવે તેમ કરવું પડશે – પણ અમે સૂર્યવંશના જડ જેવા રાજાઓને એવી વાતો નહી આવડે!”

મધુ૰— “મહારાજ, ચંદ્રવંશી રાણીઓમાં ચેતન એવું છે કે તેની દૃષ્ટિથી જ આપ જેવા સૂર્યવંશી ચંદ્રકાંતો સચેત અને રસિક થાય છે.”

મલરાજ—“એ વાત તો ખરી. પણ ક્‌હે, આજ માતાજીની સેવા મુકી તું અંહી ક્યાંથી આવી છે?”

મધુ૰— “માતાજીએ આપને કહાવેલું વિદિત કરવા આવી છું.”

મલ્લરાજ—“માતાજીની શી આજ્ઞા છે?”

મધુ૰— “કાલ રાણીજી માતાજીને મન્દિર આવ્યાં હતાં તે પ્રસંગે માતાજીએ રૂપચેષ્ટાદિની પરીક્ષા કરી જાણી લીધું છે કે રાણીજીને હવે સીમંતિની દશા પ્રાપ્ત થઈ છે. અને તેનું પરિણામ પુત્રરત્નની પ્રાપ્તિ થાય. રાજજોશીએ પણ આવી જ ગણના કરી છે. માટે મહારાજ, આજથી તે જ્યાં સુધી ઈશ્વર આપે તે બાળક સ્તન્યપાનનો ત્યાગ કરે ત્યાંસુધી રાણીજીએ, આપના મંદિરને માત્ર હૃદયમાં રાખી, સર્વદા માતાજીને મંદિર વસવું, અને તેમ કરવા દેવા આપે એમને આજ્ઞા આપવી, એવી માતાજીએ આપને વિજ્ઞાપના કરી છે.”

મલ્લરાજ—“મધુમક્ષિકા, માતાજી મ્હારી આટલી ચિંતા કરેછે તે તેમની વત્સલતાથી હું ઓશીંગણ થયો છું. એમની આજ્ઞા એ મ્હારા ઉપર કૃપા જ છે અમે સમજું છું. આજ સાયંકાળ પ્હેલાં એ આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ અનુવર્તન થઈ જશે.”

મધુ૰— “મહારાજ, મંગળવિયોગનું મુહૂર્ત કાલથી છે માટે જ આજ રાત્રે રચવાના પ્રણયકલહનો માર્ગ હું દેખાડતી હતી.”

મલ્લરાજ—(હસી પડી) “એમ કરો ત્યારે પણ એક ઘડીમાં ત્હેં આટલું શીખવ્યું તો હવે પછીનાં બે વર્ષમાં તો કોણ જાણે તું કેટલું શીખવીશ?”

મધુ૰— “મહારાજ, અમે દાસીઓની શક્તિ તો આવાં માર્ગપર દીવો ધરીયે એટલી; પણ એ દીવા વડે આઘે સુધી એક કટાક્ષવડે જોઈ લેવું એ તો ક્ષત્રિયાણીઓની શક્તિની વાત છે. મહારાજ, આપના કિંકર આપના હાથમાં તરવાર આપે પણ વાપરવાની શક્તિ તે તો આપની જ.”

મલ્લરાજ—“ઠીક. માતાજીની બીજી શી આજ્ઞા છે?”

મધુ૰— “માતાજીએ ક્‌હાવ્યું છે કે રાણીજી મ્હારે મંદિર આવશે ત્યારે પછી તેમના તથા ગર્ભ-બાળના સંસ્કાર માટે જે જે સંકલ્પ કુળાચાર પ્રમાણે નિર્ધારેલા છે તે લક્ષમાં રાખવા આપે પણ વારંવાર એમને મંદિર આવ્યાં જવું કે માતાજીનો દેહ ન હોય ત્યારે ગર્ભવતીની સંભાવનાના આચાર-વિચારનું જ્ઞાન રાજકુળમાંથી નષ્ટ ન થાય. મહારાજ, આમાં બીજો હેતુ એવો છે કે આપણી ક્ષત્રિયાણીઓને સ્વામીનું દર્શન ક્યારે દુર્લભ થઈ પડશે તે ક્‌હેવાય નહી, માટે આ દુર્લભ લાભના પ્રસંગ, યુદ્ધકાળવિના બીજા નિમિત્તે ક્ષત્રિયાણીના ભાગ્યમાંથી ઓછા કરવા ઘટતા નથી; અને વળી પતિવ્રતા ગર્ભવતીને પતિદેવના દર્શનને અને તેના ઉપદેશને આનંદ પામવાનું દોહદ નિરંતર રહ્યાં કરે છે અને તે દોહદ પુરવાથી ગર્ભ ઉપર પિતાની છાયા સંપૂર્ણ થાય છે; માટે મહારાજ, બ્રહ્મચારી છતાં આપે આટલી મર્યાદામાં ગૃહસ્થાશ્રમ રાખવો એ આપનો બીજે કુળાચાર માતાજી આપને જણવે છે.”

મલ્લરાજ—“મધુમક્ષિકા, એ કુળાચાર પણ હું પાળીશ.”

મધુ૰— “મહારાજ, તારાઓ વચ્ચે શુક્ર ઉગી ર્‌હે તે કાળે ચંદ્ર શુક્રની પાસે આવે તેમ દાસીઓ વચ્ચે ગર્ભવતી હોય તે કાળે જ માત્ર આપે જાતે આવી દર્શન આપવું.”

મલ્લરાજ –“એ વિધિ હું સંપૂર્ણ રીતે પાળીશ.”

મધુ૰— “મહારાજ, હલકી વર્ણમાં હલકાં દોહદ99 હલકા સહવાસથી થાય છે; આપના કુળમાં ઉચાં દોહદ ઉત્પન્ન કરવાના માર્ગ લેવાય છે. સુન્દરગિરિ ઉપરના મહાત્માઓનાં દર્શન ગર્ભવતીને વારંવાર કરાવવાથી ગર્ભનો આત્મા શુદ્ધ થાય છે; સુરગ્રામમાં રમણીય દેવસ્થાનોનાં દર્શન ગર્ભવતી કરે તેથી ગર્ભની બુદ્ધિ પવિત્ર સુન્દરતાથી સંસ્કારી થાય છે; મહારાજ, ગર્ભવતી સુન્દરગિરિનાં શિખર ભણી દૃષ્ટિ કરે ત્યારે ગર્ભની બુદ્ધિ અભિલાષ ઉંચા કરતાં શીખે છે. ગર્ભવતી શીતળ પવનવાળા રત્નાકર પાસે ઉભી ઉભી આનંદ પામે અને સામેના આકાશ ભણી જુવે તેમ તેમ ગર્ભની બુદ્ધિમાં શાન્તિ અને ગંભીરતા સ્ફુરે છે અને દૂર દૃષ્ટિની સ્થાપના થાય છે; આપના અરણ્યની શોભા ગર્ભવતીના નેત્રમાં જાય ને પુષ્પોનો સુવાસ તેના કાનમાં જાય તેમ તેમ ગર્ભનું પ્રફુલ્લ આનંદ–શરીર બંધાય છે; ત્યાંના સિંહ અને વાઘની ગર્જનાઓ શૂર હૃદયની ક્ષત્રિયાણી સાંભળે તેમ તેમ ક્ષત્રિય પુરુષોનાં જીવન જેવાં શૌર્ય અને ધૈર્ય ગર્ભની નસોમાં માતાના રુધિરદ્વારા ચ્હડે છે. મહારાજ, ગર્ભવતીને આ સર્વ સંસ્કારનો સંપૂર્ણ સહવાસ થાય અને તેને અતિશ્રમ ન પડે એવી વ્યવસ્થા આપે જાતે કરવી, અને રાણાજી એ અર્થે યાત્રાઓ કરે ત્યાં, અવકાશે, આપે એમનું મન પ્રફુલ્લ રાખવા બને તેટલી વાર જવું.”

મલ્લરાજ—“મધુમક્ષિકા, માતાજીની આ આજ્ઞાઓ હું શુદ્ધ ભક્તિ અને આનંદથી પાળીશ, અને એ સર્વ કાળે બને તો તને રાણીસાથે રાખે આવી મ્હારી પ્રાર્થના માતાજીને વિદિત કરજે.”

મધુ૰— “માતાજીએ એ સંકલ્પ તો કરેલો જ છે.”

મલ્લરાજ – “માતાજીની બીજી કાંઈ આજ્ઞા છે?”

મધુ૰— “માતાજીની વિજ્ઞાપના આટલાથી જ સંપૂર્ણ થાય છે. તે ઉપરાંત એમણે પોતે જે વ્યવસ્થા કરેલી છે તે આપની સંમતિ અર્થે આપને વિદિત કરવા મને કહેલું છે.”

મલ્લરાજ—“માતાજીની કરેલી સર્વ ચિન્તાઓ કૃપારૂપ જ હશે માટે હું તે જાણ્યા પ્હેલાં સ્વીકારું છું. એ ચિન્તાઓનો સારાંશ સત્વર કહી દે કે તેનો આનંદ મ્હારાથી વધારે વાર દૂર ન ર્‌હે.”

મધુ૰— “મ્હારા જેવી બે ચાર વાર્તા વિનોદ કરનારી ને બે ગાનારી દાસીઓ, શાસ્ત્રી મહારાજનાં વૃદ્ધ પત્ની, સામંતસિંહનાં અનુભવી ઠકરાળાં, બે ચાર ભાયાતોની યુવાન સ્ત્રીઓ, અને તે ઉપરાંત સેવા અર્થે કેટલુંક દાસીમંડળ: એટલી મંડળી રાણાજીના સહવાસ અર્થે સઉને અવકાશે માતાજી નીમવા ધારે છે; અને માતાજી પોતે તો છે જ, પણ તે આપના મ્હોટાભાઈ શીવાય બીજા પુરુષની કથા કરતાં નથી, પણ અભિમન્યુ ઉદરમાં હતા ત્યારે સુભદ્રા પાસે શ્રીકૃષ્ણે પ્રસવ પ્હેલાં વીરકથા કહી હતી તેમ આપના જયેષ્ઠબંધુનાં સર્વ પરાક્રમનાં કથાકીર્તન માતાજી રાણીજી પાસે વારંવાર કરવા ધારે છે. મહારાજ, પ્રલ્હાદજી ગર્ભમાં હતા ત્યારે તેમની માતા પાસે ઈંદ્રને ઘેર નારદમુનિએ પણ આમ જ પ્રભુની વાર્તાઓ કરી હતી. મહારાજ, ગર્ભવતીની પાસે કરેલી વાર્તાઓથી ગર્ભનો આત્મા બંધાય છે.”

મલ્લરાજ – “મધુમક્ષિકા, માતાજી મ્હારે સારું આટલીબધી ચિંતા રાખે છે તે ઉપકારનો બદલો હું શી રીતે વાળીશ? મને જન્મ આપનાર માતાજીને તો મ્હારે સારું આટલી ચિંતા કોઈ દિવસ કરવી પડેલી મને સાંભરતી નથી. તેમના કરતાં આજ માતાજી જે ચિંતા કરે છે તે તો હજાર ગણી વધે. રાણી! આ દેહ હોય કે ન હોય પણ મ્હારે આ ઉપકાર ભુલવો નહી અને ત્હારાં સંતાન ભુલી જાય એમ થવા દેવું નહી. રાણી! આ ઉપકારના બદલામાં આપણે તે શી સેવા કરી શકીશું? અરેરે! એમને લાખ વસ્તુઓનો ખપ પડતો હશે, આપણે સોંપેલાં માણસ એમને લાખ વાનાંની ન્યૂનતા રાખતાં હશે, એમને કંઈ કંઈ ગુપ્ત દુ:ખ પડતાં હશે, પણ જે ઉદારતાથી અને સહનશક્તિથી મ્હારા છત્રબન્ધુના વિયોગનો અતુલ ભાર એમણે વેઠ્યો છે તે જ ગુણોને બળે આ સઉ ન્યૂનતાઓ પણ વેઠી લેતાં હશે. રાણી! માતાજીની પ્રીતિએ હદ વાળી નાંખી છે.”

મલ્લરાજના નેત્રમાં અશ્રુ ઉભરાયાં અને હાથ વડે તે લ્હોવા લાગ્યો.

મધુ૰— “મહારાજ! આપના મહાન હૃદયની કોમળતા આપના જીવને આ દશામાં નાંખે એ રત્નગરીના રાજકુટુંબના સત્પુરુષોની જગપ્રસિદ્ધ વત્સલતાને ઉચિત જ છે. મહારાજ, આપ જેવા વિરલ સજજનનું જ લક્ષણ કહેતાં કહેલું છે કે,

100“मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा:।
“त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः॥
“परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम्।
“निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥

“મન, વાણી ને કર્મ ત્રણે સ્થાને પુણ્ય અમૃતથી ભરેલા,ઉપકારમાલાથી ત્રિભુવનને પ્રસન્ન કરતા, પરમાણુ જેટલા પારકા ગુણને પર્વતનું રૂપ આપી નિત્ય પોતાના હૃદયમાં વિકાસ પામનારા સજ્જન કેટલા છે? તો ક્‌હે વિરલા છે.”

“મહારાજ! માતાજી આમાં આપના ઉપર કાંઈ ઉપકાર કરતાં નથી – જે ગર્ભરત્નમાં રત્નનગરીના ભાગ્યબીજનો સમાસ રહેલો છે તે રત્નની સંભાળ રાખવી એ તો રાજમાતાનું પ્રથમ કર્તવ્ય છે. મહારાજ! આ રાજમંદિરમાં પગ મુકયા પછી તે આજ સુધી રાણીજી માતાજીની અહોનિશ ચિંતા રાખે છે, અને કલ્પવૃક્ષ તો ચિંતવેલી વસ્તુ આપે છે પણ માતાજી જેની ચિંતા સરખી કરતાં નથી તેની ચિંતાઓ કરી રાણીજી તો માતાજીની પાસે કલ્પવૃક્ષથી પણ અધિક કામ કરે છે તે સર્વ—સેવા ક્‌હો કે ઉપકાર ક્‌હો – માતાજીના હૃદયને સર્વ કાળ નદી પેઠે દ્રવતું રાખે છે તેની આ આંખો સાક્ષી છે. મહારાજ, રાણીજીને માટે માતાજી આજ જે ચિંતા કરે છે તે આજ નદીના શીતળ જળના શીકર101 પાછા નદીમાં પડે છે.”

આવી વાર્તાઓને અંતે રાજાની આજ્ઞા લઈ મધુમક્ષિકા, રાજાને આનંદ-દંશ દેઈ, ગઈ. માતાજીની ચિંતાઓ અને આજ્ઞાઓ ઈશ્વરે સફલ કરી. ગર્ભ-સંસ્કારી પુત્રરત્ન મણિરાજ મલ્લરાજનાં મંદિરમાં રમવા લાગ્યો અને તેની અમૃત-ચિંતાઓનું મંગલચક્ર સ્ત્રીવર્ગને માથેથી ઉતરી પુરુષના શિરપર ફરવા લાગ્યું. માતાજી અને રાણીને મુક્ત કરી મલ્લરાજ એ નવા ભારનો 102ભારવાહી થયો. પોતાના હાથમાંથી રાજાના હાથમાં બાળકને આપવા પ્રસંગે માતાજીએ રાજાને મધુમક્ષિકામુખે સંદેશો ક્‌હાવ્યો:

“મહારાજ, માતાજીએ આ રાજવૃક્ષની સ્તનંધય103 અવસ્થામાં તેના કોમળ દેહનું પોષણ કેવી રીતે કરેલું છે તે આપને જણાવવા ઈચ્છે છે કે તે જ ન્યાયે હવેની બાલ્યાવસ્થામાં તેનો 104વૃદ્ધિગ્રાહ કરવામાં આવે. આ 105સિંહશાવકને સિંહી માતાનું જ 106સ્તન્ય પાવામાં આવેલું છે અને ઈતર વર્ણના હલકા દેહના 107ક્ષીરનો સ્વાદ આપી એના તેજને ભ્રષ્ટ કર્યું નથી. મહારાજ, સિંહનું એક વાર ઉદર તજ્યું તેમ હવે સ્તન્ય તજી આપની પાસે બાળક આવે છે. સિંહના પૌરુષતેજનું બીજ આ બાળકમાં છે તેને વધારી, પોષી, આપના તેજથી અધિક તેજનું ધામ બનાવી દેવું એ હવે આપનું કર્તવ્ય છે તેમાં કોઈ રીતે ન્યૂનતા ન રાખવી એવી માતાજી આપને વિજ્ઞાપન કરે છે.”

“મહારાજ, સંસારમાં પડેલા માનવીને માથે હર્ષશોકના અનેક પ્રસંગો લખેલા હોય છે, તેમાં શોકચક્ર અનિવાર્ય છે અને તેની સાથે પ્રબળ યુદ્ધ કરવામાં યુવાવસ્થાનો ઉત્કર્ષ છે. મહારાજ, કાલના દિવસે ઉદ્યોગનો ઉત્કર્ષ અનુભવવાના ઉત્સાહીએ આજની રાત્રિયે અસ્વપ્ન108 નિદ્રા લેવા પ્રયત્ન કરવો જોઈએ, તેમ યૌવનમાં શોકચક્રની સાથે સફલ યુદ્ધ કરવા જેને તત્પર કરવાનું આપ ધારો છો તે રત્નને બાલ્યાવસ્થામાં આનંદવિના બીજા કોઈ મનોવિકારનું દર્શન કરાવશો માં. મહારાજ, આ બાળકના ક્ષત્રિય નેત્રમાં અશ્રુનું બિન્દુ સરખું આવે નહી અને એના મન્દિરમાં આમ સ્ત્રીજાતિની પેઠે તે રોવાનો પરિચિત થાય નહીં તે વીશે માતાજીએ આજસુધી અહોનિશ ચિંતા રાખી છે અને રાણીજીની તથા 109ધાત્રી-મંડળ પાસે પણ એ જ ચિંતા રખાવી છે. મહારાજ, એથી અધિક ચિંતા રાખી, રખાવી, એ બાલ–વૃક્ષના મુખ-પલ્લવને કરમાવા દેશો નહી. મહારાજ, ચિંતાના સ્વપ્ન વગરનો આનંદ એ બાલકનું ચક્રવર્તી રાજ્ય છે તે રાજ્યની આણ તોડશો નહી.”

“મહારાજ, આ બાલક-ઉદ્યાનના110 માળીનો સુંદર અધિકાર માતાજીએ પોતાના અને રાણીજીના હાથમાં આજ સુધી રાખ્યો હતો. અનેક માળીઓના હાથમાં રહેલો ઉદ્યાન બગડે છે, અને અનેક મનુષ્યોની આજ્ઞાનું ધારણ કરનાર બાળક કોઈની આજ્ઞા ધારી શકતું નથી અને તેનું હૃદય છિન્નભિન્ન થાય છે. મહારાજ, આપ પિતા છો અને આપની ઈચ્છાને અનુસરનાર કોઈ પ્રવીણ વત્સલ પુરુષ શોધી ક્‌હાડશો અને તે ઉભય મળી આ બાલકના માળી થજો. મહારાજ, પારકી મા જ કાન વીંધે માટે એ કામ ઉપર આવા અપર પુરુષને રાખજો અને તેનો અધિકાર પૂર્ણ નથી એવી કલ્પના પણ બાલકને થવા દેશો નહીં. પરંતુ માર્જારવર્ગમાં દેખીએ છીએ કે માતા જ બાલકને દાંત વચ્ચે રાખી શકે છે તેમ અન્યથી થવાનું નથી; માટે ગુરુની મુખ-વિદ્યામાં મુકેલા કોમળ બાલક ઉપર ભુલ્યે ચુક્યે ગુરુના દાંત બીડાઈ જાય અથવા બેસી જાય નહી એટલી વાત જાળવજો. તે ઈંડું સેવવા બેઠેલી પક્ષિણી માતાના જેવા જાગૃત રહી જાળવજો. રાજ-બાલકને ગુરુથી પણ ભય છે.”

“મહારાજ, આજ્ઞા ઉપાડવી એ વયમાં વધેલા અને બુદ્ધિમાં પહોંચેલા પુરુષોથી પણ બરોબર બનતું નથી તો તે ગહન સેવાધર્મ પુષ્પ જેવા બાલકથી બનશે એવી દુષ્ટ આશા આપ તો નહી જ રાખો પણ બાલકનો ગુરુ કે બીજું કોઈ પણ એ આશા સ્વપ્નમાં પણ રાખે એવી મૂર્ખતાના પ્રતીકાર સત્વર કરજો. મહારાજ, સાકરમાં સ્વાદ સંતાડી ઔષધ પાવાનો માર્ગ સઉને શીખવજો. બાલકને તો ઉત્સાહમાં રાખી જ કામ ક્‌હાડી લેવું.”

“મહારાજ, આપના બાલકને સાધારણ પુરુષો કે કિંકરોનો સહવાસી ન કરશો – અમે કર્યો નથી અને આપ પણ ન કરશો. પતિસુખની લુબ્ધ સ્ત્રીયો બાલકને વહેલું વીસારે છે અને બાલકને પોતાના હાથમાંથી દાસીઓના હાથમાં ફેંકી દે છે, અને એ દાસીઓની પાસે બાલક અનેક ગુપ્ત કુચેષ્ટાઓ શીખે છે. આ બાલકને માતાજી અથવા રાણીજીને મુકી ત્રીજા મનુષ્ય પાસે સુવાડેલું નથી, અને આપના વિશ્વાસનું પાત્ર હું વગર બીજા જોડે રાખેલું નથી, કે બ્હાર મોકલેલું નથી. મહારાજ, રાજ્યકાર્યના ગ્રસ્ત રાજાથી આટલું બધું તો બનવાનું નથી, પણ જે ગુરુના હાથમાં આ બાલક મુકો તે એ બાલકને ત્રીજાના હાથમાં જવા દે એવું કરશો નહીં. મહારાજ, ઈન્દ્રના બાલકને બૃહસ્પતિની સતત છાયામાં રાખજો, અને બીજું તો અમ સ્ત્રીઓ કરતાં આપ વધારે જાતે જ વિચારી જોજો.”

મધુમક્ષિકાના સોંપેલા રાજકુમારને રાજાએ પોતાની આંગળીયે લીધો અને પ્રધાનને તેડવા મોકલી રાજા બાળકની સાથે ગોષ્ઠિવિનોદ કરી તેની પરીક્ષા કરવા લાગ્યો:

“કુમાર, હવે માતાજી વિના તમને ગમશે કે?”

મણિરાજ—“માતાજી વિના તો નહીં ગમે, પણ આપને માતાજી વિના ર્‌હેવું પડે છે તેમ અમે પણ રહીશું.”

મધુ૰— “મહારાજ, એ ઉત્તરમાં કાંઈ બાકી રાખ્યું નથી. આપ અને માતાજી ઉભય પ્રતિ આ ઉત્તર સધર્મ છે, સર્વ ધર્મ જાળવી બાલકે બાલભાષામાં આપેલો ઉત્તર જ કહી આપે છે કે મ્હોટપણે એ રત્નનગરીના રાજાઓનું ધર્મવૈચિત્ર્ય જાળવશે.”

મલ્લરાજ—(પ્રસન્નમુખે બાલકનો હાથ ઝાલી) “અમારે તો રાજ્ય કરવું પડે છે—તમે શું કરશો?”

મણિરાજ—આપ રાજ્ય કરો ત્યારે દેખાડી દેવાની કૃપા કરજો કે રાજ્ય આમ થાય. આપની સાથે રહીશું, આપ દેખાડશો તે દેખીશું, ને આપ ક્‌હેશો તે કરીશું.”

મધુ૰— “મહારાજ, બાલકે તો રાજવિદ્યાનું માગણું માગી લીધું—તે આપવું એ હવે આપના અધિકારની વાત.”

બાલકે હાથ ઉંચો કરી દાસીનું મુખ ડાબ્યું.–“મધમાખ, અમે રાજાજી જોડે વાત કરીયે તેમાં વચ્ચે ગણગણવાનું તને કોણે કહ્યું છે?—ત્હારે અમારી વાતમાં બોલવું નહી.”

મધુમક્ષિકા નીચી વળી કુમારને છાતી સરસો ડાબવા લાગી! અને તેમ કરતાં કરતાં એની આંખમાં આંસુ ભરાયાં. તેને ડાબતી ડાબતી છોડી દેતી તે બોલી: “ઘણું જીવો, કુમાર!—મહારાજ! પ્રભાતનો સૂર્ય ઉગતો ઉગતો તિમિરને આઘું ધકેલે તેમ આપની પાસે આવતા ઉગતા રાજકુમાર, રાજવિદ્યાનો આરંભ કરતાં – પ્હેલાં આજથી જ, મુજ જેવાનો અધિકાર બંધ કરે છે ને ક્‌હે છે કે મ્હારી પાસે अबला प्रबला નહી થાય.”

મણિરાજ—“મધમાખ, હજી તું ગણગણતી ર્‌હેતી નથી ને કહ્યું કરતી નથી.”

મધુ૰— “તે આપ મને શું કરશો?”

મણિરાજ પિતાભણી જોઈ બોલ્યો: “મહારાજ, માતાજીએ કહ્યું છે કે અવળે રસ્તે ચાલે તેને રાજાજી શિક્ષા કરે માટે હવે આપ જાણો.”

મધુ૰— (હસી પડી) “ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે?”

મણિરાજ– “હું ત્હારી સાથે બોલીશ નહી.”

મધુ૰— “મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની અસહિષ્ણુતા111 બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાલકે કરવા જેવી શિક્ષા મને કરી- મારી સાથે અબોલા લીધા! મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફુટવા લાગે છે.”

મણિરાજ—“મહારાજ, મ્હારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મુકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.”

મધુ૰— “કુમાર, આપ જાતે જ મને ક્‌હાડી મુકો તો હું તરત જાઉં.”

મણિરાજ – “હું કાંઈ તને ક્‌હાડી મુકતો નથી. ત્હારા મધુપુડામાં ભરાઈ જા ને ગણગણીશ નહી એટલે થયું.”

મધુ૰— “લ્યો, ત્યારે હું આ છાની રહી.”

મણિરાજ -“હવે ઠીક.”

સઉ બોલતાં બંધ રહ્યાં. કુમાર મધુમક્ષિકા ભણી જોઈ રહ્યો, ત્હોયે એ બોલી નહી.

મણિરાજ—“મધમાખ, બોલતી કેમ નથી?”

મધુમક્ષિકા બોલી નહી. હસતી હસતી જોઈ રહી.

મણિરાજ—“કેમ બોલતી નથી?”

મલ્લરાજ—“તમે બોલવાની ના કહી તે શી રીતે બોલે?”

મણિરાજ—“હું બોલાવું ત્યારે તો બોલે.”

મલ્લરાજ—“તમારે એની પાસે શું બોલાવવું છે?”

મણિરાજ—“માતાજીએ ક્‌હાવેલું બધું એણે આપને કહ્યું, પણ કાલ રાત્રે રાણીજીએ ને મધમાખે પોતે મને કહેલું હતું તે આજ કહેતી નથી.”

મલ્લરાજ—“શું કહ્યું હતું?”

મણિરાજ—“એ વાત મધમાખ કહે.”

મધુ૰— “હું તો ભુલી ગઈ છું.”

મણિરાજ – “ભુ…….લી….જા…ય! બોલી દે – રાણીજી રોજ તને જુઠી કહે છે.”

મધુ૰— “એ તો એમનું જુઠું ખાઉં માટે જુઠી ક્‌હે છે.”

મણિરાજ—“વારું, બોલ તો ખરી!”

મધુ૰— “શું બોલું? જરા સંભારી આપો તો બોલું.”

મણિરાજ—“પેલું – લાકડાના ઘોડાને ઠેકાણે ખરો ઘોડો ને એવું બધું.”

મધુમક્ષિકા હસવા લાગી.—“હા, હા, મહારાજ, કુમારને આપની પાસે બોલી કરી આણેલા છે.”

મણિરાજ—“તે બોલી શી તે ક્‌હે ને?”

જરાશંકર એટલામાં આવ્યો અને પાસે બેઠો. કુમારને ખોળામાં લીધો.

જરાશંકર—“મહારાજ, કુમારશ્રીને શું પુછવા માંડ્યું છે?”

મલ્લરાજ—“કુમાર આજથી માતાજીનું મન્દિર છોડી આપણી પાસે આવ્યા છે તે બોલી કરીને આવ્યા છે.”

જરાશંકર—“હે કુમાર! શી બોલી કરી છે?”

મણિરાજ—“આજથી મ્હારા લાકડાના ઘોડાને ઠેકાણે હવે મને ખરો ઘોડો આપવાનો.”

જરાશંકર—“બીજું કાંઈ?”

મણિરાજ—“હવે મ્હારે રમવાનું મુકી દેઈ ઘોડે ચ્હડવાનું, પટા રમતાં શીખવાનું, ને બઈરાંને મુકી મહારાજની અને પ્રધાનજીની સાથે ફરવાનું ને દરબાર ભરાય તેમાં આવવાનું.”

જરાશંકર—“કેમ મધુમક્ષિકા, આવી બોલી કરી છે?”

મધુ૰— “હ! જી.”

મણિરાજ—“હવે હું મહારાજની સાથે જમવાનો.”

જરાશંકર—“એમાં તો મહારાજની આજ્ઞા જોઈએ.”

મણિરાજ—“તે તમે અપાવો કે મધમાખ અપાવે. હું નહીં માગું.”

જરાશંકર—“પિતાજીની પાસે તો માગવી પડે.”

મણિરાજ—“માતાજીએ કહ્યું છે કે ક્ષત્રિયો માગે નહીં.”

જરાશંકર—“ત્યારે જોઈતું હોય તે શી રીતે મેળવે?”

મણિરાજ—“જાતે મેળવે, બળે મેળવે, તરવાર વડે મેળવે.”

જરાશંકર—“ત્યારે—આપ પણ તેમ મેળવો.”

મણિરાજ—“મેં બોલી કરી છે તે મધમાખ નહી અપાવે તો એના ઉપર રીસાઈશ એટલે એ એની મેળે અપાવશે.”

મધુ૰— “કુમાર, મ્હારે તો આપની પાસેથી હવે જવાનું.”

મણિરાજ—“જાય ક્યાં? બોલી પાળ્યા વગર જાય તો બારણા વચ્ચે ઉભો રહી રોકું.”

જરાશંકર—“કુમાર, હવે તમારી બોલી મહારાજ પાળશે.”

મણિરાજ—“મહારાજ આપને આજ્ઞા કરે તો બોલી પળાઈ સમજું.”

જરાશંકર—“તે આજ્ઞા કરી જ સમજો.”

મણિરાજે મલ્લરાજ સામું જોયું. મલ્લરાજને હસવું આવ્યું.

મણિરાજ—“રાણીજીએ કહ્યું છે કે આપની આજ્ઞા વગર કોઈથી ચલાય નહીં ને પ્રધાનજી આમ કેમ પોતાની મેળે કહે છે?”

મલ્લરાજ—“એમને જ પુછો.”

જરાશંકર—“કુમાર, મહારાજ પ્રસન્ન થાય ત્યારે એમની આજ્ઞા થઈ સમજવી.”

મણિરાજ—“ત્યારે અમે પણ એમને પ્રસન્ન જ કરીશું એટલે અમારી મરજી પ્રમાણે થશે.”

જરાશંકર—“એમ જ.”

મધુ૰— “મહારાજ, કુમાર સોંપી હું હવે રજા લેઉં છું.”

મણિરાજ—“મધમાખ, માતાજીએ કહ્યું છે કે રાજાએ અને કુમારોએ સેવકોની ચાકરી જાણવી. માટે ઉભી ર્‌હે.”

સઉ જોઈ રહ્યાં.

મણિરાજ – “મહારાજ, આપની આજ્ઞા હોય તો મ્હારાં રમકડાં મધમાખના દીકરાને આપવાનાં છે તે હું માતાજીને મન્દિર જઈને એને આપું.”

મલ્લરાજ પુત્રની કૃતજ્ઞતાથી પ્રસન્ન થયો અને તેને ખોળામાં લેઈ બોલ્યો, “કુમાર, માતાજીએ જે જે કહ્યું છે તે સરત રાખજો ને એમને મન્દિરે જઈ મધમાખને ખુશી કરો. મધુમક્ષિકા, કુમારને વાસ્તે યોગ્ય વ્યવસ્થા કરતા સુધી માતાજીની પાસે જ થોડા દિવસ રાખજે ને હું બોલાવું એટલે લાવજે.”

મણિરાજ – “મહારાજ, હું હવે રમકડાં રમવાનો નહીં.”

મલ્લરાજ હસીને બોલ્યો: “ના, કુમાર, નહી. હવે તમારે બેસવાને ઘોડો ને રમવાને પટા ને બાણ આવશે – પ્રધાનજી સત્વર. મોકલાવશે.”

મણિરાજ—“તે શીખવશે કોણ?”

મલ્લરાજ—“તે પણ આવશે.”

મણિરાજ—“મને આપ ક્યારે બોલાવશો?”

મલ્લરાજ—“સાંજે કીલો જોવા લેઈ જઈશું.”

મણિરાજ—“હા! મધમાખ, હવે ચાલ ને ઘેર જઈ ત્હારા દીકરાને લાવ તે હું તેને રમકડાં આપી દેઉં.”

મધુ૰— “તે મને આપજો એટલે હું એને આપીશ.”

મણિરાજ—“ના. તું તો ઘરમાં રાખી મુકે ને ત્હારા દીકરાને આપે નહીં. એ તો હું જ એને આપીશ તે મ્હારી પાસે લાવજે, ને જો પાછાં એની પાસેથી ખુંચી લીધાં તો જોજે ત્હારી વલે.”

મધુ૰— “એમ કરજો. ચાલો હવે મહારાજની રજા લેઈયે.”

મણિરાજે એનું મ્હોં ફરી ડાબ્યું.

મધુમક્ષિકા કુમારનો હાથ ખસેડતી બોલી: “કેમ મ્હોં ડાબો છો?—જવાની ઈચ્છા નથી?”

મણિરાજ—“અંહી ઉભી રહે. મહારાજ જશે ત્યારે જઈશું.”

મધુ૰— “ત્યાં સુધી શું કરીશું? મહારાજને હવે કામ હશે.”

મણિરાજ—“મહારાજ પ્રધાનજી જોડે બોલશે તે સાંભળીશું.”

મધુ૰— “મહારાજની ખાનગી વાતો આપણાથી સંભળાય નહી.”

મણિરાજ– “ત્યારે રજા લે.”

આટલી વાર રાજાપ્રધાન પરસ્પર વાતોમાં ભળ્યા હતા તેને મધુમક્ષિકા ક્‌હેવા લાગી:

“મહારાજ, હું ત્યારે આજ્ઞા માગું છું ને કુમારને સાથે લેઈ જાઉ છું—પણ જતાં જતાં માતાજીના સંદેશા ઉપરાંત હું રંક કાંઈ વિજ્ઞપ્તિ મ્હારા ભણીથી કરું તે સાંભળવી જોઈએ.”

મલ્લરાજ—“બોલ.”

મધુ૰— “મહારાજ! સામાન્ય મનુષ્યોને પણ પુત્ર રત્ન મૂલ્યવાન હોય છે તો રાજાને હોય તેમાં કાંઈ નવાઈ નથી. શ્રુતિ પુત્રને પિતા પાસે ક્‌હેવડાવે છે કે –

“अंगादंगात्संभवसि ह्रदयादधिजायसे।
“आत्मा चै पुत्रनामाऽसि स जीव शरदः शतम्॥

-પુત્ર, મ્હારા પ્રત્યેક અંગમાંથી તું સંભવ પામ્યો છે અને હ્રદય પાસેથી ઉત્પન્ન થએલો છે તે પુત્રનામે મ્હારો આત્મા જ તું છે તે સો શરદ્ઋતુ વટાવી જીવજે, – મહારાજ, પુત્રમાં પિતાના અંગનો આવિર્ભાવ તો થતાં થાય, પણ પિતાના હૃદયનો આવિર્ભાવ તો અવશ્ય થાય છે: તેનું કારણ એવું છે કે વડમાંથી વડવાઈઓ લટકી નવાં વૃક્ષ થાય છે તેમ માતાપિતામાંથી સંતાન થાય છે, તે જનક—જાતના દેહ એક જ છે; એટલું જ નહીં પણ પિતાના દેહની પેઠે એ દેહમાં રહેનારો આત્મા પણ આ ન્યગ્રોધચેષ્ટા કરે છે અને ઉભયનો આત્મા પણ એક જ છે. અને રાજાના કુમારમાં રાજાનો આત્મા સ્ફુરે છે ને વંશપરંપરાથી ઉતરી આવેલો આવો આત્મા પ્રજાનું પરમ ધન છે. માટે તે સમજનારે સમજવાનું છે કે:-

“यीजस्यान्तरवस्थितस्तरुपतिः काले पुनर्जृम्भ्ते।
“आव्योन्मस्तनुते च देहदहरं स्वात्मानमन्तर्हितम्॥
“तश्चेष्टः शिशुरेष् भुप जगतां वृद्ध्यै विभर्ति स्वकम्।
“ओजः सत्वसमुद्धिमत्प्रततां तत्सिद्धये त्वात्मवान्॥

મહારાજ, આ શ્લોકમાં બહુ ગંભીર વાત કહી છે. દેહથી આત્મા જુદો છે. છતાં દેહ આત્માને લીધે જ છે. આત્મા દેખાતો! નથી, દેહ દેખાય છે. એ દેહ વધે ઘટે છે તે સર્વ આત્માના જ બળથી; જડ બીજને વધવાની શક્તિ નથી. પણ એ બીજ—દેહમાંથી મહાન વૃક્ષ નીકળે છે તેનું કારણ—એ બીજમાં અને વૃક્ષમાં રહેલો – બેને સાંધનાર એક—તેનો આત્મા છે. તેમ જ આ શિશુ કાળે કરીને મહાન અવસ્થાને પ્રાપ્ત થશે. મહારાજ, બીજને વૃક્ષથી જુદો માનશો માં અને શિશુને યુવાનથી જુદો માનશો માં. જે વૃક્ષ બીજમાં અવસ્થિત છે તે જ યોગ્ય કાળે મહાન રૂપ ધારે છે ત્યારે તેના અંતર દેહમાં અંતર્હિત રહેલો, એ દેહથી દહર ક્‌હેતાં સૂક્ષ્મ એવો તેનો આત્મા શું કરે છે તે પુછશે, તો ક્‌હે છે કે આકાશ સુધી પ્હોંચતી શાખાઓ—અને એથી આઘેના આકાશ સુધી પ્હોંચતા તેનાં પુષ્પના સુવાસ – અને તેથી આઘે જઈ મનુષ્યના ઉદરમાં જઈ મનુષ્યપણું પામનાર તેનાં ફળ – એ સર્વમાં આ આત્માના બળનું સ્ફુરણ છે. તે વિકાસ પામે છે. આવી જ રીતે, હે ભૂપ, આ આપના બાળકની ચેષ્ટા સમજવી. એ બાળકનો આત્મા બાળક નથી—મહારાજ, આપનો અને તેનો આત્મા એક જ છે અને એ આત્માનું ઓજસ આપની પાસેથી ન્યગ્રોધની શાખાઓ પેઠે આ બાળક દેહમાં આવેલું છે. બીજમાં રહેલા આત્માનું બળ શાખાઓમાં, પુષ્પોમાં, સુગંધમાં અને ફળોમાં સ્ફુરી મનુષ્યમાં આવે છે; તેમ આ બાળકમાં રહેલું ઓજસ્ જગતની વૃદ્ધિ કરવાને અને આપની અખિલ પ્રજામાં સ્કુરવાને યોગ્ય છે અને આપના રાજવંશનું અને એનું પોતાનું સર્વ સત્વ આ ઓજસ્‌માં સમૃદ્ધ થયેલું છે—જેવી રીતે વૃક્ષની તેમ પોતાની સત્વસમૃદ્ધિ પુષ્પાદિમાં સ્કુરે છે. મહારાજ, આ બીજને, આ શિશુને, આ ઓજસ્‌ને, તેમની કાચી અવસ્થામાંથી સિદ્ધ કરવાં—પકવવાં એ આત્મવાનનો ધર્મ છે. બ્રાહ્મણે પોતાના અને શિષ્યમાત્રના દેહમાંથી ઉભયના એક બ્રહ્માત્માને છુટો કરી વિશ્વરૂપમાં સિદ્ધ કરે છે તેમ રાજપિતા પોતાના અને પોતાના રાજકુમારના દેહમાંથી ઉભયના એક જ રાજાત્માને છુટો કરી રાજ્યદેહના આત્મા સાથે એકરૂપ કરે તો રાજાત્મા સિદ્ધ થાય. એ સિદ્ધિ આપ જેવા મહાશય આત્મજ્ઞ આત્મવાન્ રાજાઓ કરી શકે એમ છે. માટે તે રીતે પ્રયત્ન કરશે એવી હું રંકની આપને વિજ્ઞપ્તિ છે. મહારાજ, આ શિશુબીજમાં રહેલો તરુરાજ હું સ્પષ્ટ જોઈ શકું છું—એ તરુરાજ: પ્રકટ સિદ્ધ કરવો એમાં આપના આત્મોજસ્‌ની એક સિદ્ધિ છે. મહારાજ, હું બહુ બોલું છું—તે આ મહાન બીજના ઓજસ્ ઉપરની મ્હારી પ્રીતિ બોલાવે છે તેથી બોલું છું. બાકી આપની પાસે આટલું બોલવા જેટલી હું રંકમાં ધૃષ્ટતા નથી. મહારાજ, હું બાળકને લેઈ માતાજીને મંદિર જવાની આજ્ઞા માગું છું.”

મણિરાજ આ સર્વ વાત સાંભળી રહ્યો હતો, ધાત્રીના મુખ સામું જોઈ રહ્યો હતો અને મધ્યે પિતા અને પ્રધાનનાં મુખ સામું જોયાં કરતો હતો તે, મલ્લરાજ ઉત્તર આપે તે પ્હેલાં, ધાત્રીનો પાલવ ઝાલી બોલી ઉઠયો.

“મધમાખ, ગણગણી રહી?”

મધુ૰— “હા. આપને કાંઈ ક્‌હેવું છે?”

મણિરાજ—“એક બોલી તું કરે તે વગર હું આવવાનો નથી.”

મધુ૰— “શી બોલી?”

મણિરાજ—“ભરતે સિંહના દાંત ગણવા માંડ્યાં ને શકુંતલા આવી ત્યારે ભરતને મુકી રાજા સાથે એ વાતો કરવા મંડી ગઇ ને ભરતને ન બોલાવે શકુંતલા ને ન બોલાવે દુષ્યંત!”

મધુ૰— “તેનું આજ શું છે?”

મણિરાજ—“રાણીજીને ત્હારે ક્‌હેવું કે મ્હારે આમ ભરતના જેવું ન થાય, મ્હારી સાથે તો આખો દ્‌હાડો ને રાત ભરતની ને લવકુશની વાતો કર્યા કરે તો આવું.”

સઉ હસી પડ્યાં.

મધુ૰— “તે રાણીજી કાંઈ મ્હારા હાથમાં? આપ એમને ક્‌હેજો.”

મણિરાજ—“હું આવ્યો ત્યારે રાજા ત્હારા હાથમાં ખરા ને હવે જતી વખત રાણીજી નહીં. આવ્યો ત્યારે કેમ બોલી કરી હતી?—જા, નહીં આવું ત્હારી સાથે.”

સર્વ હસી પડ્યાં.

મલ્લરાજ—“કુમાર, જાવ રાણીજીને ક્હેજો.”

મણિરાજ – “હું રાણીજી પાસે માગવાનો નહીં, હમે રાજકુમારો તો બળે કરી લઈએ—તે આવો તાલ નહી ચુકું. આપ દુષ્યંત રાજા જેવું કરશો તો મને નહી ગમે. મ્હારી સાથે તો વાતો કર્યા કરશો તો મને ગમશે.” રાજા પ્રધાન ફરી હસી પડ્યા. મધુમક્ષિકા મ્હોં મલકાવી શરમાઈ ગઈ.

મધુ૰— “કુમાર બોલી કરી બાંધશે. માગવાના નહી. ચાલો ત્યારે એમ કરીશું.”

મણિરાજ- “જોજે હાં! ફરી જઈશ તો પછી જોજે: હું ખુશી નહી રહું ને તને કાયર કરીશ.”

એ બે જણ વાતો કરતાં કરતાં ગયાં. તેમની પાછળ રાજાની દૃષ્ટિ ગઈ. કુમાર આગળ ચાલી ધાત્રીને હાથ ઝાલી ખેંચતો હતો અને ઉતાવળી ચલાવતો હતો. એ બે અદ્રશ્ય થતાં રાજાની દૃષ્ટિ પાછી વળી. સૂર્યમાંથી કિરણ ફુટે તેમ રાજાના મુખમૂર્યમાંથી પુત્રાભિમાનનો આનંદ ભભુકતો હતો.

રાજાને રાજકુમાર પાછળ જોતો જોઈ પ્રધાન આનંદથી મનમાં બોલ્યો:

“निवातपद्मस्तिमितेन चक्षुषा।
“नृपस्य कान्तं पिबतः सुताननम्॥
“महोदधेः पूर इवेन्दुदर्शनात्।
“गुरुःप्रहर्षः प्रवभूव नात्मानि॥112

“પુત્ર દર્શનનો આનંદ એવો જ છે.”

જરાશંકરને પોતાને પુત્ર ન હતો તે સાંભરતાં કાંઈક ખેદ થયો. પુત્રસ્થાને તેનો ભાણેજ વિદ્યાચતુર હતો તે ગુણવાન વિદ્વાન હતો—તેનો યોગ મણિરાજની સાથે થાય તે વિચાર ઉત્પન્ન થતાં એ શોક ભુલી ગયો ને આનંદચિંતામાં પડ્યો. પણ જાતે પોતાના ભાણેજની વાત શી રીતે ક્‌હાડવી? મધુમક્ષિકાના ઉપદેશનો પ્રસંગ ક્‌હાડી આ વાતનો પ્રસંગ ક્‌હાડવા તેણે વિચાર કર્યો—પણ વિચાર થતાં માંડી વાળ્યો. મનમાં તે બોલ્યો:– “ધર્મશાસ્ત્ર પ્રમાણે ધર્મ પાળનાર મહારાજની સેવામાં રહી સ્વાર્થને વિચારે સૂચના કરું તો હું રાજ્યદ્રોહી થાઉં—હું એ વિચાર નહી કરું.”

“મહારાજને વિદ્યાચતુરનો અર્થ હશે ત્યારે જ આ યોગ કરીશ; એ વિના નહીં.”

મલ્લરાજ – “જરાશંકર, માતાજીની આજ્ઞા અને મધુમક્ષિકાનો સુબોધ, એ ઉભયનું મર્મ ભુલવાનું નથી. જે પિતાને પુત્ર, તેને શિર નવા ધર્મની ચિંતા છે. કુમારને શી રીતે રાજતત્વમાં સિદ્ધ કરવો એ ચિંતા મ્હારા શિરને ભમાવે છે.”

જરાશંકર—“મહારાજ, રાજપુત્રોને વિદ્યા આપવાના માર્ગ આપણા શાસ્ત્રમાં અને આપના કુળમાં પરિચિત છે.”

મલ્લરાજ – “હા. પણ કાળવિવર્તનો વિચાર ભુલવો નહી એ પણ શાસ્ત્રનું વચન છે તે સાધવાનું છે.”

જરાશંકર—“મહારાજ, આજસુધી મુસલમાનો ચક્રવર્તિ હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઈ.”

મલ્લરાજ—“ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જુની ભાષા! જ ન સમજવી. વિદુરજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિરના યજ્ઞપ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ કર્યો હતો. ભીમસેન રાક્ષસીને પરણ્યો હતો અને અર્જુને નાગકન્યાને

પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ લોક અને સર્વે દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.”

જરાશંકર—“આ સર્વનો મર્મ આપના મનમાં શો છે?”

મલ્લરાજ—“ઈંગ્રેજ સાર્વભૌમ થયા તે કાળે તેમની વિદ્યાને વરવી—એ આપણું કર્તવ્ય એ આપણી વિદ્યા ભણી પ્રજાને સુખી કરે; ઈંગ્રેજ વિદ્યા ભણી પરવશ ન રહે—એ હવે રત્નનગરીનાં રાજાઓના ધર્મ.”

જરાશંકર વિચારમાં પડ્યો.

મલ્લરાજ—“કેમ વિચારમાં પડ્યો?”

જરાશંકર માથું ખંજવાળવા લાગ્યો.

“મહારાજ, રાજનીતિ બહુ ગુંચવારા ભરેલી છે.”

મલ્લરાજ—“શી રીતે?”

જરાશંકર—“ઈંગ્રેજી ભણશે તે કુલાચારને નહીં ગાંઠે, ઉદ્ધત થશે.”

મલ્લરાજ– “રજપુતોને સ્વધર્મ એ કે જયાચાર સાધવો ને તે અર્થે કુલાચાર કાલોચિત ન હોય તો ફેરવવો. જરાશંકર, રજપુતો કોઈના નહીં તે કુલાચારના થશે એટલે દાસપણું પામશે. મોઘલ બાદશાહોનાં ઝનાનામાં, રજપુતોએ કન્યાએ મોકલી તે બાદશાહોને જીતવા માટે. આપણા રાજાઓ દીલ્હી નગરનાં પરાઓમાં સેનાઓ લેઈ ર્‌હેતા હતા અને બાદશાહો ઉપર અમલ ચલાવતા હતા. તો રજપુતો અને હીંદુઓ આજ હયાત છે.”

જરાશંકર—“એ તો શિવાજીનો પ્રતાપ—શિવાજી ન હોત તો સુનત હોત સબકી.”

મલ્લરાજ—“બેનો પ્રતાપ. સામ દામ ભેદ અને દંડ ચાર જુનાં અને બીજાં નવાં – સર્વ સાધન આ કાળમાં સાધશે તે જીતશે. એક સાધન ઓછું રાખ્યું તો રજપુતો પાછા હઠ્યા, બીજું સાધન શિવાજીએ ન રાખ્યું તો એની પાછળ બ્રાહ્મણો થયા અને બ્રાહ્મણોની પાછળ ઈંગ્રેજ થયા. જરાશંકર, રાજવિદ્યાના લોભી પુરુષો સર્વ જાતનાં અસ્ત્રશસ્ત્ર વસાવે છે ને પ્રસંગે કામ લાગે તે વાપરવા સજ્જ રહે છે”

જરાશંકર – “પણ પ્રાચીન માર્ગ ત્યજવાના આ માર્ગની મર્યાદા દેખાતી નથી. મહારાજ! આ દિશામાં નદીનું પૂર વાળો તો મર્યાદાનો માર્ગ રાખજો. નીકર સઉ ડુબીશું ને જગતમાં ભસ્માસુર ઉભા થશે.”

મલ્લરાજ—“રાક્ષસોના સામાં વાનરો અને રીંછ ઉભાં કરીશું તો અમો સૂર્યવંશી ફાવીશું – શિવાજી પણ એમ જ ફાવ્યા હતા.”

જરાશંકર—“આ રીંછ ને વાનર ખોળશો ત્યારે આપના ક્ષત્રિયો શું કરશે?”

મલ્લરાજ—“મ્હારા દેવયોનિ ક્ષત્રિયો વાનરનો વેશ લેશે માટે વાનર નહીં થાય. તેમની વિદ્યાથી મ્હારા વંશજો સમુદ્ર પર સેતુ બાંધશે ને પરગૃહમાં પેસશે. બસ, જરાશંકર, એ વિચાર મ્હેં સિદ્ધ કર્યો.”

જરાશંકર—“પણ આપે પાણી પ્હેલાં મર્યાદાની પાળ બાંધવી ઘટે છે.”

મલ્લરાજ – “હા, પ્રજાનું હિત જાળવવાની બુદ્ધિ ર્‌હેશે એ પાળ ને એ મર્યાદા. પ્રજામાં યુગવિવર્ત થાય ને રાજાનામાં ન થાય તો એ કજોડાનો ક્લેશ ભારે થાય. માટે મ્હારા ઘરમાં ને રાજ્યમાં સઉ ઈંગ્રેજી ભણે ને ઈગ્રેજનાં મર્મદ્વાર પકડવાના હેતુથી આ વિદ્યા ભણવાનું અભિમાન રખાવીશું તો કોઈ ઈંગ્રેજ નહીં થાય. આ આપણી એક પાસની પાળ અને આપણા જુના આચારમાંનાં જે પદાર્થ વડે ઉત્તમ જય થાય એવા પદાર્થપર દૃષ્ટિ નંખાવી તેનો લોભ રખાવવો એ બીજી પાસની પાળ. એ બે પાળો શીવાય ત્રીજી મર્યાદા નહી. જરાશંકર, બસ! હવે મ્હારો વિચાર પુરો થયો. મણિરાજને આ વિદ્યા આપવાના માર્ગ હવે બતાવ—એમાં ત્હારું કામ. ચારપાસની વિદ્યાઓ ભણ્યાવિના રત્નગરીના રાજાઓ અંધારે ડુબી મરે એ નહીં થાય.”

જરાશંકર—“મહારાજ! આપણું બાળક પારકા માણસ પાસ રહે તો આપણા હાથમાંથી જાય અને પારકું થાય, પારકી મ્લેચ્છ ભાષાને ખોળે ગયેલું બાળક આપની અને આપના આચાર વિચારની મર્યાદા નહી પાળે.”

મલ્લરાજ—“ક્ષત્રિયોનાં બાળક શત્રુઓની ભૂમિનાં, શત્રુઓની ઢાલોના તેમ જ તેમની તરવારોનાં ભોમીયાં થાય તો શત્રુઓની ભાષા અને તેમના આચારવિચારનાં ભોમીયાં થાય તે પણ યોગ્ય જ છે. બઈરાં અને બ્રાહ્મણોને સોંપ્યાં ઘર અને ક્ષત્રિયોને સોંપ્યાં ઘરનાં બારણાં.”

જરાશંકર—“તે યોગ્ય છે. પણ શત્રુઓના આચારનું દાસપણું ક્ષત્રિયોને વિહિત નથી?”

મલ્લરાજ—“ના, નથી, પણ સામાના ભેદ જાણતાં તેમના બંધનમાં આવવું પડે, તેમ સામાની રાજનીતિ સમજવાનું સાધન તેમની ભાષા તે જાણતાં જાણ્યે અજાણ્યે તેનો ચેપ ના વળગે તો તેટલું જોખમ વ્હોરવું એ નય-યુદ્ધને અંગે લાગેલું છે. યુદ્ધમાં જાય તે જીતે કે હારે કે મરે કે ઘવાય. જરાશંકર, વિચાર સંપૂર્ણ થયો ને હવે આજ્ઞા થઈ સમજ. કુમારને પરભાષાનાં શસ્ત્રાસ્ત્ર સમજાવવાં છે. મ્હારા અર્જુનનો દ્રોણાચાર્ય શોધી ક્‌હાડ.”

જરાશંકર—“મહારાજની આજ્ઞા થઈ તો તે પાર ઉતારવી એ મ્હારું કામ છે. પણ ઈંગ્રેજી વિદ્યા શીખવવા દ્રોણાચાર્ય બ્રાહ્મણને શોધવા જવામાં – વાંઝણીનો પુત્ર શોધવા જેવું છે.”

મલ્લરાજ હસ્યો. “જરાશંકર, રોતો જાય તે મુવાના સમાચાર લાવે. ત્હારા અભિપ્રાય વિરુદ્ધ આજ્ઞા થાય એટલે તે કેમ પાળવી તે તને સુઝવાનું નહીં.”

જરાશંકર—“મહારાજ, એ આરોપથી મને ખેદ થાય છે. પણ મ્લેચ્છવિદ્યાનો ગુરુ આપણાં શાસ્ત્રનો સંસ્કારી હોય એમ ધારી તેને શોધવાની આજ્ઞા આપો છો પણ તે અસાધ્ય છે તે આપ સ્વીકારશો.”

મલ્લરાજ—“કૌરવના દ્રોણાચાર્ય, તેની પાસેથી પાણ્ડુપુત્ર શસ્ત્રવિદ્યા ભણ્યો, એ જ, રીતને શોધ કરતાં મ્હારા પ્રધાનને આવડવું જોઈએ.”

જરાશંકર—“સત્ય છે, મહારાજ, આપનું હાર્દ ઉત્તમ છે; પણ શત્રુની વિદ્યાને રસિકજન આ રાજ્યમાં અસ્થાને પદ પામશે. રાજકુમારની કોમળ અવસ્થામાં—તેના ઉગતા પ્રભાતકાળે – દૂર દેશની પરવિદ્યાનો આભાસ આ બાળ–કમળને પોતાના રંગથી રંગે એ આપને ઈષ્ટ હોય તો ઈચ્છા. દ્રોણાચાર્યની વિદ્યા ચોરી લેવા અર્જુનનું વય હતું, દ્રોણાચાર્યને અર્જુનના મનનો પરાભવ કરવાનો અવકાશ ન હતો. મહારાજ, મણિરાજ, કેવળ બાળક છે અને સીતાજીને સોનાના મૃગની રઢ લાગી હતી તેમ આપ રાજા છો અને રાજરઢ પણ દુસ્તર છે.”

મલ્લરાજ – “જરાશંકર, જે સ્વતંત્રતાથી તું ત્હારા રાજાને અટકાવે છે તેથી, અને જે વચન બોલી મ્હારા ઉપર આ આક્ષેપ કરે છે તે વચન સાંભળી, મને આજ આનંદ થાય છે. હું ત્હારા ઉપર પ્રસન્ન છું—મરજી પડે તે માગ.”

જરાશકર—“મહારાજ, સિંહ પોતાના દાંતનો ભંગ થવા દેતા નથી અને ક્ષાત્ર ઉદ્રેકના ભરેલા રાજ આજ્ઞાનો ભંગ વેઠતા નથી, એવું અનુભવી પુરુષનું વચન છે:

“दंष्ट्राभंगं मृगाणामधिपतय इव व्यक्तमानावलेपाः।
“नाज्ञाभंगं सहन्ते नृवर नृपतयस्त्वादशाः सार्वभौमाः॥”113

“મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો – આજ આપ આજ્ઞાભંગ થવા દ્યો છો – તે આપની મ્હારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.”

મલ્લરાજ—“એ શ્લોક ત્હેં મને ઘણીવાર કહેલો છે. એ આજ્ઞાભંગ થવા ન દેવો એ સાર્વભૌમ રાજાનું કામ. આપણે માથે સાર્વભૌમ બીજો થયો તેની આજ્ઞા ઉપાડવાનો પ્રસંગ ત્હારા અભિપ્રાયથી મ્હેં સ્વીકાર્યો છે તે આજ્ઞાભંગનું અસહન પણ સાર્વભૌમ પદને મ્હેં સોંપ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ ત્હારા વિના બીજું કોણ કરાવે?”

જરાશંકર—“ક્ષમા કરો, મહારાજ, ક્ષમા કરો. આપનો સેવક આપની આજ્ઞાનો ભંગ કરી આપને ઓછું આણવા જેવું સ્મરણ નહીં કરાવે.”

મલ્લરાજ—“ત્યારે મ્હારી આજ્ઞા સ્વીકાર. જરાશંકર, મ્હારા કુમારને ઘરકુકડી વિદ્યાનો ભોગી જોઈ સંતોષ નહી પામું, જે ઈંગ્રેજનો આસંગ ત્હેં આ રાજ્યને પ્રાપ્ત કરાવ્યો છે તે ઇંગ્રેજની વિદ્યા તેમને દેશ જવાનાં કાળાં પાણી જેવી હોય તોપણ તે પાણીપર આ કુમારને મોકલ. એ પાણીને પેલે પાર ઉતરી મ્હારો કુમાર આ ઈંગ્રેજોની લંકાના મર્મભાગમાં પેંસશે અને તેમ કરતાં – ત્યાં જતાં—એ કુમાર ડુબવાનો હો તો ડુબે ને તરવાનો હો તો તરે. ન ડુબે તેની સાવચેતી રાખીશું એમ કરતાં તે ડુબે તો તેનું ભય રત્નગરીના રાજાઓના કુળધર્મમાં નથી. શત્રુઓના ગુરુ પાસેથી મ્હારો મણિરાજ તેમની વિદ્યા શીખશે.”

જરાશંકર—“મહારાજ, હું હાર્યો. આપની આજ્ઞા સિદ્ધ કરવી અને આપની ઈચ્છેલી સાવચેતી રાખવી એ ઉભય કામ સિદ્ધ કરવાનું સાધન શોધવા હું પ્રયત્ન કરીશ.”

મલ્લરાજ—“તને તો સુઝે કે ન યે સુઝે. પણ જો ત્હારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.”

જરાશંકર—“આપને કાંઈ સાધ્ય વસ્તુ સુઝે તો તો ઉત્તમ જ વાત.”

મલ્લરાજ—“ત્હારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. ઇંગ્રેજી ભણેલો છે, ને ત્હારા અંકુશમાં ર્‌હેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.”

જરાશંકરને બે રીતનો સંતોષ થયો. વિદ્યાચતુંરનું અને મણિરાજનું કલ્યાણ થાય ને મલ્લરાજની આજ્ઞા સિદ્ધ થાય – એ સર્વ સાધવાનું આ એક જ સાધન.

જરાશંકર—“જેવી મહારાજની કૃપા, મહારાજ, આનું નામ તે આપની આજ્ઞા માનવી ક્‌હેવાય કે આપની કૃપા સ્વીકારવી ક્‌હેવાય તે મને સુઝતું નથી. પણ આપની આજ્ઞાના પાલનમાં હું શિથિલ ન રહું એટલા માટે આ કૃપા કરી હોય તો આપની કૃપા પાછી ખેંચી લ્યો અને કૃપા વિનાની આજ્ઞા હું કેમ પાળું છું તે વીશે સેવકની પરીક્ષા કરો.”

મલ્લરાજ – “રાજાની અને શાસ્ત્રની આજ્ઞા થઈ એટલે તર્કવિતર્ક ન કરવા એવું શાસ્ત્રવચન, તું પાળતો નથી.”

“બહુ સારું મહારાજ.” જરાશંકર ગયો.

માણસની પાછળ માણસ તૈયાર રાખવું એ રાજાનો એક આવશ્યક ધર્મ છે. જરાશંકર પાછળ બીજો પ્રધાન તૈયાર જોઈએ. જે કારણથી મણિરાજને ઈંગ્રેજી ભણાવું છું તે જ કારણથી હવે પછીના પ્રધાનો પણ ઈંગ્રેજી ભણેલા જોઈએ. જરાશંકરની વિદ્યા, એના અનુભવ, અને જો એની બુદ્ધિ—દુધમાં સાકર ભેળીયે તેમ—એનો ભાણેજમાં ભેળીશું તો ભળશે – પરભારામાં નહી ભળે. વિદ્યાચતુર ઈંગ્રેજી ને સંસ્કૃત ભણેલો છે તે જરાશંકર જેવો ગણેલો થતાં વાર નહીં લાગે. જુના દિવસ જાય છે ને નવા આવે છે, તેના આ સંધિમાં એવો માણસ જોઈએ કે જતા દિવસની નોંધ રાખે ને આવતાને ઝીલી લે, હું, જરાશંકર અને વિદ્યાચતુર – ત્રણ જણ મળી એ કામ કરીશું. અમે ત્રણ જણ મળી જે સડક પાડીયે એ સડક ઉપર મણિરાજ ઘોડાની રવાલથી ચાલ્યો જાય ને અમારા કરતાં સવાઈ બુદ્ધિ ચલાવે એટલું હવે આમાં કરવાનું છે.” આવા વિચારો કરતાં કરતાં મલ્લરાજ પોતાના નિત્યકાર્યમાં ભળ્યો.

97 કોઈ કવિની રચેલી કડી છે!

98 પ્રીતિને કલહ

99 અભાવા

100 ભર્તૃહરિ

101 છાંટા.

102 ભાર ઉચકનાર મજુર, હેલકરી.

103 ધાવનાર.

104 વૃદ્ધિનું ગ્રહણ, Development.

105 સિંહનું બચ્ચું

106 ધાવણ.

107 દુધનો.

108 સ્વપ્નરહિત.

109 દાઈ, આયા.

110 બાળકરુપી વાડી-બાગ

111 સહી જવાની અશક્તિ

112 રઘુવંશ:– “પવન વિનાના કમળ જેવા નિશ્ચલ નેત્રવડે રાજાએ પુત્રનું કાન્તવદન પીવા માંડયું ત્યારે તેનો મહાન હર્ષ પોતાનામાં રહી ન શકતાં બ્હાર નીકળવા લાગ્યો – ચંદ્રદર્શનથી મહાસાગરનું પૂર નીકળે તેમ.”

113 મુદ્રારાક્ષસ

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૩ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.