ભાગ પહેલો : ધર્મ અને સમાજ

8. પાંચમું પ્રતિપાદન

પહેલાં ચાર પ્રતિપાદનના વિસ્તાર પછી પાંચમા વિષે વધારે કહેવા જેવું રહેતું નથી. એ ચારેના ઉપસંહાર જેવું છે. એમાં જણાવ્યું છે કે

‘રાખવોપરમેશ્વરનોજઆશ્રય |

નકોઈસર્જિત-કલ્પિતમાંપેગંબર-ઈશ્વરપણાનોનિશ્ચય ||

માનવોતેજવિવેકયુક્તસદાચાર |

જેથીનપોષાયકદીયેઅનાચાર ||

લેવોસત્પુરુષોનાંસત્કર્મોનોજઆધાર |

કરવોકથાઓ-શાસ્ત્રાોનોવિવેકથીત્યાગકેસ્વીકાર ||

નપ્રમાણોકોઈસંશયયુક્તઆચાર |

ભલેગમેતેવોમોટોઆચરનાર |

કેગમેતેવોશાસ્ત્રનોયઆધાર ||

ધર્મોભલેનિત્ય, નૈમિત્તિક, વિશેષકેસાધારણ

કરવુંઘટેસૌએસમાનપણેપાલન ||’

આના ખુલાસામાં થોડીક બાબતો રજૂ કરી શકાય. ધર્મ-અધર્મની વ્યાખ્યા કરવામાં કઈ દૃષ્ટિ હોય, અને તે કોણ ઠરાવે?

બહુજનસમાજમાં ધન અને ભોગપ્રાપ્તિનો અભિલાષ પ્રગટ કે બીજરૂપે હોવાનો એમ માનીને ચાલવું જોઈએ. કોઈ અપવાદરૂપ વ્યક્તિના તે ન હોય, તો તેનાં અનેક કારણો હોય. તે તેની જન્મસિદ્ધ લોકોત્તરતા કે અંગત સાધના પણ હોય, અથવા શરીરખ્ર્મગજ વગેરેની કાંઈ ખામી પણ હોઈ શકે; કોઈ વાર બંને ભેગાંયે હોય. તેવા માણસેએ સહજ કે સાધનાથી કેળવેલો સ્વભાવ બધાને સિદ્ધ થઈ શકે એવો આદર્શ રાખીને ધર્મના નિયમો ઠરાવવામાં ભૂલ થાય. સાંપ્રદાયિક નિયમોમાં મોટે ભાગે આવા પ્રકારની ભૂલ થયેલી હોય છે. દા.ત. કોઈક પુરુષને ધનસ્ત્રી વગેરેની બાબતમાં અત્યંત ઉદાસીનતા અથવા વૈરાગ્ય સિદ્ધ થયાં હોય, તેથી તેની ચિત્તશુદ્ધિ અને ઉન્નતિ અસાધારણ થઈ હોય એમ બને. એને એ વૈરાગ્ય જન્મસિદ્ધ હોય કે કાંઈક જન્મસિદ્ધ અને કાંઈક સાધનાસિદ્ધ હોય. અનેક માણસોમાં સાત્ત્વિકતાનો કંઈક અંશ તો હોય જ. એ અંશને પોષણ મળે એવું ધર્મોપદેશનું અને ધર્મમાર્ગનું ધ્યેય હોવું સ્વાભાવિક છે. પણ એ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે સાત્ત્વિક અંશને પોષણ મળવું એ એક વાત છે, અને ધનસ્ત્રી કે બીજા ભોગાની વાસના નિર્મૂળ થવી એ બીજી વાત છે. એ એટલી ક્વચિત જ નિર્મૂળ થઈ શકે છે કે તે બિલકુલ નિર્મૂળ થતી જ નથી અને બહુજનસમાજને માટે તો તે ભોગોની તૃપ્તિ માટે યોગ્ય અવકાશ રાખ્યા વિના છૂટકો જ નથી, એમ માનીને ચાલવું જોઈએ. કેવળ સ્થૂળ કડક નિયમોના પાલનથી એમાંથી તદ્દન બચી જવાય એમ બનવું નથી; પણ બનતું હોય તોયે બહુજનસમાજ એ માર્ગે ચાલી શકતો નથી. એટલે એવા કડક નિયમ બહુજનસમાજ સ્વીકારી અને આચરી શકે એવો ધર્મ બની શકતો નથી. આ રીતે શિયળની નવ વાડ, કે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય, સ્ત્રી કે પુરુષનો ફરજિયાત અ-પુનર્વિવાહ કે ફરજિયાત યાવજજીવન બ્રહ્મચર્ય, કે ફરજિયાત કંથાકૌપીન-ધારણ કે અપરિગ્રહવ્રત વગેરેના કડક નિયમો, અથવા વિવાહ એટલે પતન, ગૃહસ્થાશ્રમ એટલે પામર જીવન, ઉદ્યમ એટલે સંસારબંધન વગેરે સંસ્કારો બહુજનસમાજને માટે નકામા અને હાનિકર નીવડે છે. પરિણામે, પહેલાં તો, તે પંથમાં સાધુ અને સંસારી એવા બે પ્રકારના અનુયાયીઓના વર્ગ પડે છે. સંસારી અનુયાયીઓ નિયમોની યોગ્યતા સ્વીકારે છે, પણ પોતે પાળી શકવાની અશક્તિ માને છે અને તેમાં પોતાની સગવડ પ્રમાણે કાટછાંટ કરે છે. પરંતુ નિયમોની યોગ્યતા માનતા હોવાથી તેમનામાંની કોઈક કોઈક વ્યક્તિઓને જીવનની શરૂઆતના અથવા પાછલા ભાગમાં સાધુ થવાની વૃત્તિ થઈ આવે એ સ્વાભાવિક છે. જે પાછલા ભાગમાં સાધુ થાય છે તે ઘણુંખરું સ્થિર થઈ ચૂકેલા હોય તો તેમને બહુ મુશ્કેલી નડતી નથી. પણ શરૂઆતના ભાગમાં થયેલાને જ્યારે વૈરાગ્યમાં ઓટ આવે અને બીજરૂપે રહેલી વાસનાઓ વારંવાર પ્રગટયા કરે ત્યારે મોટી મૂંઝવણ થાય છે. સાધુ થઈ બેઠા, કડક નિયમોનું પાલન પણ કદાચ કરે, પણ વાસનાને લીધે જીવનને શાંતિ ન મળે! શું કરવું? સાધુ-સંઘમાંથી નીકળવામાં શરમ લાગે અને વાસના દબે નહીં. પછી ખોટી રીતે વાસના-શમન કે બળતરાનું સહન બે જ માર્ગ રહે. આમ ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’વાળા ભજનમાં કહ્યા જેવી સ્થિતિ થાય છે. જે બહુજનસમાજનો આદર્શ થઈ શકે નહીં, જેમાં કોઈને પરાણે જોડવા ન ઘટે, કે જોડાવા લલચાવવા ન ઘટે, જે સ્થિતિ પ્રત્યે સહજ વળાય તો જ લાભદાયી થઈ શકે, તેને સર્વે માટે આદર્શ છે એમ સમજાવી તેને માટે ખાસ નિયમો ઘડી તેમાં અનેકને લાવવાનો પ્રયત્ન આવી ફજેતી કરાવે છે.

બીજી બાજુથી નિયમો કરવામાં અતિરેક થયેલો હોય છે, અથવા દેશકાળ તથા વિચારના ફેરફારથી જૂના નિયમો ચાલી શકે એમ નથી, અથવા સ્થૂળ નિયમોના પાલનથી મન શુદ્ધ રહે છે જ એવો અનુભવ થતો નથી. પરિણામે ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ એ કહેવત મુજબ સાચી શુદ્ધિ મનની હોવી જોઈએ, મનની શુદ્ધિપૂર્વક જે નિયમ પળાય તે જ સાચો, બાકી બધો મિથ્યાચાર એવો અભિપ્રાય બંધાય છે. અને તેથી સદાચાર કે સમાજવ્યવસ્થા માટે કોઈ સામાન્ય નિયમો હોય જ નહીં, સર્વે નિયમોની વાડો તોડવા લાયક જ સમજવી, દરેક વ્યક્તિને પોતાને જે ઠીક લાગે તેવો નિયમ બનાવી જ્યાં સુધી ઠીક લાગે ત્યાં સુધી પાળવો, અને ધીમે ધીમે સર્વે નિયમોનાં બંધનોથી પર થવાનો આદર્શ રાખવો. આવા વિચાર પર કેટલાક ઊતરે છે. આ બીજી તરફની ભૂલ છે.

અનેક અર્ધસત્ય સૂત્રોની જેમ આ ‘મન ચંગા’વાળું સૂત્ર પણ ઘણો અનર્થ કરનારું છે. કારણ, મન કોઈ એવી વસ્તુ નથી કે જેને એક વાર ધોઈને શુદ્ધ કરી નાખીએ તો કદી તે પર મેલ ચડી જ ન શકે. એ તો કપડા જેવું છે. રોજ સારી પેઠે ધોઈ નાખો તોયે પાછું મેલું થાય. અથવા પાણી જેવું છે; એને ઉકાળી, વરાળ કરી, પાછું ઠારો તોયે પાછું હવાના સંસર્ગમાં આવી દૂષિત થાય. પરમપદનું દર્શન કર્યા પછી તે એવું શુદ્ધ થઈ જઈ શકે છે કે પાછું દૂષિત થઈ શકતું નથી એમ શાસ્ત્રવચન છે. પણ જેમની પરમપદનું દર્શન કર્યા બદલની ખ્યાતિ છે, તેમણે જો છેવટ સુધી સમાજની નિયમ-મર્યાદાઓ પાળી હોય, તો તેમને, જેઓએ તે મર્યાદાઓ તોડી હોય, તેઓ પૂર્ણતાને પહોંચેલા માનવા તૈયાર હોતા નથી; અને જેમણે મર્યાદાઓ તોડી હોય તેમને પરમપદની પ્રાપ્તિ થઈ છે એમ મર્યાદામાં રહેનારા બ્રહ્મનિષ્ઠો કબૂલ કરવા તૈયાર હોતા નથી. કેવળ એક પ્રકારની ભીરુતાથી જ શંકર કે કૃષ્ણને તેઓ માનવસમાજથી પર, પૂર્ણાવતારની કોટિમાં મૂકી ચર્ચાના ક્ષેત્રની બહાર રાખે છે. શિવ અને કૃષ્ણ માટે જે અત્યંત ભક્તિ રૂઢ થયેલી છે તેને આઘાત ન પહોંચાડાય માટે જ આમ થયેલું છે. એવાનાં ચરિત્રો તેઓએ અનુકરણીય નથી ગણ્યાં.

જેમ ગતાનુગતિકતામાં એ ક્રાન્તિ કે પ્રગતિ નથી, તેમ અનવસ્થા અને સર્વે નિયમોનો ભંગ પણ ક્રાન્તિ કે પ્રગતિ નથી. ફેરફાર  –  ભલે મૂળમાંથી જ હોય, તોયે તે વિવેકયુક્ત જ હોવો જોઈએ.

વ્યક્તિ અને સમાજની જરૂરિયાતની બાબતમાં એક ફરક યાદ રાખવો જોઈએ. મન કુમાર્ગે ભટકે અને કેવળ શરીર જ બાહ્ય નિયમો અને આચારોનું પાલન કરે, તેથી વ્યક્તિનો નૈતિક ઉત્કર્ષ થતો નથી, એ સાચું છે. પણ સમાજની રક્ષા માટે ઘણી વાર એટલું  જ પૂરતું થાય છે. એક માણસની પાડોશની ઘડિયાળ કે બાળા પર કુદૃષ્ટિ રહેતી હોય, તો તે તેના ઉત્કર્ષની દૃષ્ટિએ ચોર કે વ્યભિચારી બને છે ખરો. પણ જો કોઈ સંયમના સંસ્કારથી તે પોતાની અશુદ્ધ ઇચ્છાનો કશોયે અમલ ન કરે, તો તેનો પાડોશી સુરક્ષિત રહે છે, અને પાડોશીને માટે એટલું પૂરતું છે.

એથી ઊલટું, અતિ શુદ્ધ હેતુથીયે જો તે સમાજની રક્ષા જોખમાય એવું કંઈક કામ કરે, તો તેના હેતુની શુદ્ધિ સમાજ માટે તેને નિર્દોષ ઠરાવવા બસ નથી. દા. ત. ધારો કે એક ગરીબ માણસને ઘડિયાળની બહુ જ જરૂર છે. પેલા પાડોશીને ત્યાં એ વધારે પડતાં ઘડિયાળો જુએ  છે. તેમાંથી એક ઉપાડીને તે પેલા ગરીબને પહોંચાડી દે તો તેમાં એના હેતુની શુદ્ધતા એને ચોર ગણતાં અટકાવી શકે નહીં. એ જ રીતે પાડોશીના ઘરને કે સામાનને તે ઘણા સેવાભાવથી આગ લગાડી દે કે તેની દીકરીનું હરણ કરે કે તેને પોતાની પાસે સુવાડે તો તેના હેતુની નિર્મળતા તેને સમાજદૃષ્ટિએ અપરાધી ગણતાં અટકાવશે નહીં. એની શુદ્ધ દાનતને લીધે સમાજ એને ક્ષમા કરે કે ઓછી શિક્ષા કરે એ જુદી વાત. પણ નિરપરાધી ન ગણી શકે.

કોઈ વાર એમ કહેવામાં આવે છે કે ભગવાન માણસના ભાવની-હેતુને શુદ્ધતાએ જુએ છે. બાહ્ય-સ્થૂળ મર્યાદાઓનાં પાલન કે ઓછાવત્તાપણું એની એને કિંમત નથી. ઘણાં અર્ધસત્ય સૂત્રોમાંનું આ એક સૂત્ર છે. ‘ભગવાન એટલે શું, એનું જોવું-ન-જોવું એટલે શું’ એની તાત્ત્વિક ચર્ચા છોડી દઈએ, અને ભગવાનની લોકમાન્ય કલ્પના જ સ્વીકારીએ તોયે ભગવાનના આવા સિદ્ધાંત પ્રમાણે વર્તે છે એ શી રીતે સમજવું? ‘ભગવાન ભાવનો ભૂખ્યો છે, એ ગરીબનાં ‘પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોય’થી જેવો રીઝે છે તેવો ધનવાનથી લાખો રૂપિયાની ભેટથી નથી રીઝતો. ‘દુર્યોધનકો મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર ખાઅી  –  સબસે અૂંચી પ્રેમ સગાઅી’ વગેરે શાસ્ત્રાો તથા ભક્તોનાં વચનો એ આપણી શ્રદ્ધાનો આધાર છે;  તથા સજ્જન પુરુષ પણ  એ રીતે વર્તતા હોય છે, માટે ભગવાન એમ કરે એમાં કહેવું જ શું, એ ન્યાય એની પાછળ છે.

આ સૂત્રો સાચી રીતે આ પ્રમાણે મૂકવાં જોઈએઃ

1. ભગવાન કેવળ સ્થૂળ વર્તન કે અર્પણને નથી જોતો, ભાવ પણ જોઈએ. વર્તન અને અર્પણની સાથે ભાવ  –  હેતુ પણ શુદ્ધ હોવો જોઈએ.

2. ભગવાન ભાવપૂર્વક ‘સર્વાપણ’ માગે છે. પણ તે સર્વાર્પણની કોઈ ઓછામાં ઓછી મર્યાદા નથી અને ભાવની વધારેમાં વધારે મર્યાદા નથી. જો પત્ર-પુષ્પ જ તમારું સર્વસ્વ હોય અને તે કોઈ પણ જાતની ભાવની કસર વિના આપો તો તેની કદર પાંચ લાખ કે બે લાખમાંથીયે એક લાખ રૂપિયાના દાન કરતાં ભગવાન જ શું  –  મહાપુરુષોયે  –  વધારે કરે છે.

આમ અશુદ્ધ મનથી થયેલું સમાજધર્મનું પાલન સમાજ માટે પૂરતું ગણાય છે તથા શુદ્ધ હેતુથી થયેલો ભંગ દોષરૂપ ગણાય છે. તેથી સમાજના ધારણ-પોષણ અને રક્ષા માટે જે નિયમોનું પાલન આવશ્યક હોય, તેમાં આચરનારના મનની શુદ્ધિ-અશુદ્ધિ ગૌણ બને છે, આચરણ જ મહત્ત્વની વસ્તુ છે. અપવાદરૂપ પ્રસંગો નિયમોમાં આવી જ જાય.

આ નિયમો ઠરાવવામાં નીચેની દૃષ્ટિ હોવી જોઈએઃ

1. સમાજનો ઘણો મોટો ભાગ મન અને ઇદ્રિયોના ભોગો અને તેને પ્રાપ્ત કરવાના સાધનરૂપે અર્થના, વંશવર્ધનના અને કાંઈક કરી બતાવવાના અભિલાષોથી બિલકુલ ખાલી હોય નહીં, બલકે તેથી ભરેલો હોય. ખાલી હોવું એ માનવસમાજના ધારણ-પોષણ અને અભ્યુદયને માટે હાનિકર પણ ગણાય. માટે નિયમો એવા હોવા જોઈએ કે જે તે અભિલાષોની સિદ્ધિ માટે અનુકૂળ હોય.

2. તે સાથે જ જો એ અભિલાષો નિરંકુશ થાય, તો તે પણ સમાજના તેમ જ વ્યક્તિના અભ્યુદયને અને અંતે ધારણ-પોષણને હાનિકર થાય. એ અભિલાષોની સિદ્ધિ આવશ્યક છે છતાં એ જ માનવજીવનનું અંતિમ સાધ્ય નથી. એનું સાધ્ય તો માનવમાં રહેલી ઉદાત્ત ભાવનાઓનો વિકાસ અને ઉત્કર્ષ છે. માનવસમાજને દુઃખમાં રગદોળનારાં કારણો  –  જેવાં કે અજ્ઞાન, ભૂખમરો, દરિદ્રતા, રોગ, લડાઈ, ઈર્ષા, વેર, વિષમતાઓ ઈત્યાદિ  –  નો નાશ થાય, અને માનવનું જ્ઞાન તથા પ્રવૃત્તિઓ માનવ માનવ વચ્ચે સંપ, સહયોગ, પ્રેમ, યોગ્ય સમૃદ્ધિ, સમાનતા, ભ્રાતૃભાવ વગેરે વધારવા માટે વપરાય, તથા દરેક વ્યક્તિને તેની શક્તિઓનો સારી દિશામાં વિકાસ કરવા અને સમાજને અર્પણ કરવા અવકાશ મળે  –  તે એ વિકાસ અને ઉત્કર્ષના દેખીતાં પરિણામો છે. જો આને જ વ્યક્તિ તથા સમાજનાં ધારણ-પોષણ અને સત્ત્વસંશુદ્ધિ કરાવનારો ધર્મ કહીએ, તો આ ધર્મની સિદ્ધિ એ માનવજીવનનું અંતિમ ધ્યેય છે. તે માટે અભિલાષાઓનું વિવેકપૂર્વક નિયમન પણ જોઈએ. જેમ મોટર ચલાવવાને એન્જિન જોઈએ, તેમ તેની ગતિને ઓછીવત્તી કરવાના અને જરૂર પડે ત્યારે ઊભી રાખવાના નિયામકો અને દાબો પણ જોઈએ.

3. કેટલાક નિયમોની બાબતમાં બેવડી મર્યાદા હોય : ઓછામાં ઓછું અમુક હોવું જોઈએ, અને વધારેમાં વધારે આટલું હોઈ શકે : જેમ કે ઓછામાં ઓછાં આટલાં કે આવાં કપડાં પહેર્યાં હોય, અને વધારેમાં વધારે આટલાં કે આવાં. ઓછામાં ઓછો દરેક આટલો પરિશ્રમ કરવો ઘટે, અને આટલાથી વધુ કોઈ પાસે લઈ શકાય નહીં. કેટલાક નિયમોમાં નીચેની મર્યાદા હોય, કેટલાકમાં ઉપરની હોય : જેમ કે, મજૂરી ઓછામાં ઓછી આટલી હોય, આવક વધારેમાં વધારે આટલી. સ્વાસ્થ્ય, નીતિ અને સભ્યતા ત્રણે દૃષ્ટિઓ નિયમ ઠરાવવામાં હોય.

જ્યાં ઓછામાં ઓછું અમુક પાળવું જોઈએ એવો નિયમ હોય, ત્યાં એથી વધારે કડકાઈથી પાલન કરવાની વ્યક્તિને છૂટ હોઈ શકે, પણ ઢીલો કરવાની નહીં. જેમ કે, કોઈ જગ્યાએ સ્ત્રી અને પુરુષ માટે જુદી વ્યવસ્થા રાખેલી હોય અને તે બંધનકારક ઠરાવી હોય, તો તેનો ભંગ કોઈ ન કરી શકે. જ્યાં એવી વ્યવસ્થા કેવળ સ્ત્રીની સગવડ માટે જ રાખી હોય, પણ પુરુષની જગ્યામાં સ્ત્રીને જવાની છૂટ હોય, ત્યાં કોઈ સ્ત્રી આગ્રહપૂર્વક પુરુષની જગ્યામાં ન જવાનો નિયમ રાખી શકે.

આમ પરિગ્રહ તથા જીવનનાં અનેક ક્ષેત્રોમાં સંયમ વધારવા માટે નિયમોમાં વધારોઘટાડો કરવા સામાન્યપણે વ્યક્તિને અધિકારી હોય, સંયમ તૂટે એવી સગવડ ઉત્પન્ન થાય એવો વધારોઘટાડો કરવાની છૂટ ન હોય.

આવા નિયમો કોણ ઠરાવે, એ બીજો સવાલ છે. મને લાગે છે કે જેને સામાન્ય કાયદાઓ ઘડવાનો અધિકાર હોય, તેનો નિતિધર્મનાયે કાયદાઓ ઘડવાનો અધિકાર સમજવો જોઈએ. એ બધા ધર્મચિંતક, સ્થિતપ્રજ્ઞ નહીં હોય, અને હાથની સંખ્યા ગણવાથી કાંઈ શાણપણનું માપ નીકળી શકતું નથી, એ વાત સાચી, છતાં, જો આપણે એ લોકોને ભયંકર યુદ્ધ જેવા સમાજના જીવનમરણનાં અનેક ગંભીર કામો કરવાનો અધિકાર આપીએ છીએ, તો આ કાયદાઓ ઘડવાનો અધિકાર પણ આપી શકાય. અંતે તઓ પણ વિવિધ કામોમાં પોતાની મર્યાદા સમજતા હોય છે, અને જે કામ માટે જે લાયક મનાયા હોય તેમની સલાહને અનુસરીને જ આવાં કામો કરે છે. એટલું એમનામાં રહેલું ડહાપણ પૂરતું છે. અનુભવથી સુધારાવધારા કરવાનો અવકાશ રહે છે જ.

નીતિધર્મ અને સંસાર-વ્યવહારના કાયદા વચ્ચે ફરક પાડી શકાય એવી કોઈ સ્પષ્ટ મર્યાદાઓ નથી. જીવનનું કોઈ પણ કાર્ય એવું નથી કે જેને નીતિધર્મથી સંબંધ ન હોય, અને સંસારના જીવન સાથે સંબંધ ન હોય એવો કોઈ નીતિધર્મ કે ધર્મની સાધના સાચી રીતે હોઈ શકતી નથી. કાલ્પનિક જીવન સાથે સંબંધ રાખનારી કેટલીક સાધનાઓ કે નીતિધર્મના નિયમો હોય છે, એ ખરું. જો તે સંસારના જીવનને માટેના નીતિધર્મને તોડનારાં હોય તો તે ખોટાં જ સમજવાં જોઈએ.

સમાજે ઠરાવેલા નિયમોમાંથી કેટલાક કોઈકને પ્રતિકૂળ લાગે, કોઈકને પ્રામાણિકપણે ખોટા લાગે એમ બનવાનું જ. તેઓ સત્યાગ્રહવૃત્તિથી કે બળાત્કારથી તેનો ભંગ કરશે. ભંગ કરવાનાં પરિણામ પણ ખમશે. તેમના ભંગ પાછળ તથ્ય હશે, તો સમાજને તે નિયમો મોડાવહેલા સુધારવા પડશે. સમાજની સર્વે વ્યવસ્થામાં સુધારાનો એ જ માર્ગ છે. તે અનિવાર્ય છે.

26-8-’47

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.