ભાગ પહેલો : ધર્મ અને સમાજ

3. ક્રાન્તિની મુશ્કેલીઓ

છેલ્લા પરિચ્છેદમાં દર્શાવેલા વિચારોના માર્ગમાં જે ઘણી ભારે મુશ્કેલીઓ છે, તેનોયે ખ્યાલ કરી લેવાની જરૂર છે.

પહેલાં તો, જે પાંચ પ્રતિપાદનો છેવટે રજૂ કર્યાં છે, તેની સત્યતા અને યોગ્યતા વિષે આપણી પોતાની ખાતરી થવી એ સહેલું નથી. કેટલાકને એમાં ‘તત્ત્વમસિ’ વગેરેમાં મહાવાક્યોનો નિષેધ લાગશે; કેટલાકને યથારુચિ ઉપાસના-સ્વાતંત્ર્ય પર આઘાત થતો લાગશે; વિવિધતામાં એકતાની ઉદાર દૃષ્ટિનો એમાં વિરોધ જણાશે; સગુણ-નિર્ગુણ, અદ્વૈતસિદ્ધિ, સમદૃષ્ટિ વગેરેના અનેક વાંધાઓ રજૂ કરી શકાશે. આ બધી બાબતો લોકોને સમજાવવી અને સ્પષ્ટ કરવાની રહેશે.

એમ માની લઈએ કે આ સમજાવવામાં ફાવીએ તોયે પછી આચારની મુશ્કેલી ઊભી થાય છે. હજારો કબાટ ભરાય એટલું આપણું વિશાળ દેવગુરુપૂજા અને ભક્તિનું સાહિત્ય, પૂજા અને યજ્ઞોની આકર્ષક વિધિઓ, હજારો મંદિરો, તેની અઢળક સંપત્તિ વગેરેનું વિસર્જન કરવાનું કહેવાની આ વાત છે. આ બધામાં રહેલો મોહ, તેના વિષે પોષાયલી શ્રદ્ધાની, કળાની, સુંદરતાની ભાવના કેમ છૂટે? પોતાને હાથે પોતાની ચામડી ઉતરડી કાઢવા જેવી આ કઠણ વસ્તુ છે. પં. જવાહરલાલ જેવા બુદ્ધિથી ઈશ્વર વિષે નાસ્તિકભાવ રાખનારનેયે કમળા નેહરુ ઈસ્પિતાલના ખાતમુહૂર્ત વખતે તથા ઇંદિરાના વિવાહમાં બધો વૈદિક કર્મકાણ્ડ કરાવવામાં રસ લાગ્યો. મક્કાની મસ્જિદમાંથી 360 દેવોનું વિસર્જન કરાવતાં મહમ્મદને પડેલી મુશ્કેલી કરતાં આ હજારોગણી વધારે મુશ્કેલ વસ્તુ છે.

છતાં, જ્યારે માણસની ધર્માન્તરમાં શ્રદ્ધા થાય છે, ત્યારે તેમ કરવાની તેનામાં શક્તિ આવી જાય છે.

પણ એ તો થાય ત્યારે. આવા વિચારોનો જે જોરથી પ્રથમ પ્રચાર કરે તેણે તો ભારે સામાજિક કલહનો સંભવ કલ્પી લેવો રહ્યો. ઈશુએ કહ્યું છે તેમ માતાપિતા અને પુત્રો વચ્ચે, પતિપત્ની વચ્ચે, ભાઈભાઈ વચ્ચે ક્લેશ થાય. ક્રાન્તિકારી અહિંસક રહે, ક્ષમાવૃત્તિથી બધું સહન કરે, પણ જેને સ્વાર્થની હાનિને કારણે કે પ્રચલિત માન્યતા વિષે તીવ્ર સત્યપણાની શ્રદ્ધાને કારણે એ વાત ગળે ન ઊતરે તે અહિંસક રીતે જ વિરોધ કરે એમ ખાતરી ન રખાય. બૌદ્ધ, ઇસ્લામી, ખ્રિસ્તી કે આપણા દેશના એથી ઓછી કોટિના ક્રાંતિકારી સંપ્રદાય પ્રવર્તકોને જેવા જુલમો અને હાડમારીઓનો સામનો કરવો પડયો તેવો કરવો પડે.

ક્રાંતિકારના નસીબમાં આ લખેલું જ છે, એમ સમજાય તો જ આ ઘૂંટડો ગળે ઊતરી શકે.

પણ મુશ્કેલી એટલેથી જ અટકતી નથી. બધી વિટંબણાઓનો મુકાબલો કરવા છતાંયે, આવો પ્રયત્ન હિંદુસ્તાનમાં કદી સફળ થઈ શકે એમ છે કે કેમ, એ શંકા પણ લઈ શકાય એમ છે.

બૌદ્ધ ધર્મને કેવી તિલાંજલિ મળી તે જાણીતું છે. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનો બહુ પ્રચાર થયો એમ ન કહેવાય; અને હિંદુ ધર્મના સહવાસમાં એનું સ્વરૂપ થોડેઘણે અંશે પણ હિંદુ ધર્મમિશ્રિત બની ગયું. ખોજા વગેરે સંપ્રદાયો તો એક પ્રકારના ખીચડી સંપ્રદાયો જ ગણાય. બધાનાં એક જાતનાં મહાયાન સ્વરૂપો નિર્માણ થયાં. શીખ ધર્મનીયે એ જ ગતિ થઈ છે. એ એક જાતનો ન્યાતજાતના ભેદોથી ભરેલો હિંદુ ધર્મનો જ પંથ છે. કબીર વગેરેના પ્રયત્નોના નાના નાના પંથો બનીને રહ્યાં; અને તેય એના શુદ્ધ રૂપમાં નહીં. હિંદુ ધર્મ એવો મહાન સાગર છે કે સેંકડો મીઠા જળની નદીઓ પણ એની ખારાશ દૂર કરી શકતી નથી, ઊલટું મુખ આગળ પહોંચતાં પોતે જ ખારાશ પ્રાપ્ત કરે છે, અને ‘સબ નદિયાં જલ ભર ભર રહિયાં, સાગર કિસબિધ ખારી!’ એવો આશ્ચયોદ્ગાર કાઢવાનું પ્રાપ્ત થાય છે.

એવો એક નાનકડો નવો પંથ જ નીકળીને રહે એવું પરિણામ આવે તે કરતાં જે ચાલે છે તેમ ચાલવા દેવું અને નાનીમોટી દુરસ્તી કરવાનો જ ઉદ્દેશ રાખવો એમાં વધારે ડહાપણ હોય તેમ સંભવ છે.

પણ એમ માનનારે પરમતસહિષ્ણુતાની વૃત્તિથી સંતોષ માનવો. સર્વધર્મસમભાવ, મમભાવ, વગેરે મોટાં સૂત્રો ન રજૂ કરવાં, તેમ બીજા ધર્મીઓ પાસે અપેક્ષા ન રાખવી. જુદા જુદા ધર્મોનાં થોડાં વાક્યો લઈ તેનો પાઠ કરી ખીચડી ઉપાસના કરવાનોયે પ્રયત્ન કરવો. તેની જરૂર જ નથી. તેણે કમમાં કમ એટલું તો કરવું કે એક દેવ, એક ગુરુ અને એક શાસ્ત્રનો આશ્રય રાખવો. બીજાની ભાંજગડમાં ન પડવું. ‘એકો દેવઃ કેશવો વા શિબો વા.’ ‘એક ગુરુકા આસરા, એક ગુરુ સે આસ’ ‘ચાહે કોઊ ગોરે કહો, ચાહે કોઊ કારે, હમ તો એક સહજાનંદ રૂપકે મતવારે’ – એવી વૃત્તિ રાખવી. બીજાનો સ્વીકાર નહીં, નિંદા પણ નહીં. જેને જે ફાવે તેને માને; મને આ ફાવે છે, એટલું જ. વૈષ્ણવાચાર્યોની આ અનન્યોપાસનાની વિચારસરણી સનાતની ખીચડી ઉપાસના કરતાં વધારે સારી છે, એમ મને લાગે છે.

એની મર્યાદાઓ પણ સમજી જ લેવી ઘટે. એની સાથે કોઈ ને કોઈ રૂપમાં જ્ઞાતિસંસ્થાનાં મૂળ રહેશે જ. જ્ઞાતિભાવનાવિરહિત સમાજ સ્થાપી નહીં શકાય. ઢીલું તથા બહુ બળવાન નહીં એવું એક સમૂહતંત્ર (Federation) એ એનું વધારેમાં વધારે એકીકરણ થશે. જે બહુ બળવાન કેદ્રીય સત્તામાં માનતા નથી – અને બાપુજીનો તેમાં સમાવેશ કરી શકાય – તેમની દૃષ્ટિએ આ ઈષ્ટાપત્તિ ગણાય. પણ તો પછી જ્ઞાતિ તોડવાની વાત છોડી દેવી જોઈએ. આજની જ્ઞાતિઓ તોડી નવી જ્ઞાતિઓ રચવાનું ભલે કહો. પણ હિંદુ સમાજ કોઈ ને કોઈ પ્રકારનાં જ્ઞાતિતંત્ર રાખીને જ રહેવાનો છે એમ સમજી રાખવું જોઈએ. અને તે સ્થિતિમાં કોઈ ને કોઈ  પ્રકારના ધર્મ અને જાતિભેદ પર રચાયેલા રાજકીય પક્ષો અને પ્રતિનિધિત્વનો સ્વીકાર પણ કરવો પડશે, અને કોઈ ને કોઈ જાતનાં પાકિસ્તાનો માટે પણ તૈયાર રહેવું પડશે.

એટલે શરૂઆતમાં કહ્યું તેમ આપણે બે વિકલ્પો પૈકી એકને સ્થિર ચિત્તે સ્વીકારી લેવો જોઈએ. પહેલો વિકલ્પ રાખીએ તો બીજાથી નીપજનારાં ફળો નહીં મળે; અને બીજાનું ફળ ઇચ્છીએ તો પહેલાને સાચવી નહીં શકીએ.

હિંદુ સમાજે અને સેવાભિલાષી એવા આપણે આનો વિચાર કરી જે યોગ્ય લાગે તે સ્વીકારવાનો નિર્ણય કરવો જોઈએ, અને તેમાં પછી ડામાડોળ વૃત્તિ રાખવી ન જોઈએ.

12-8-’47

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.