ભાગ પહેલો : ધર્મ અને સમાજ

2. ધાર્મિક ક્રાન્તિનો પ્રશ્ન

ઘણાં વર્ષોથી હું કહેતો આવ્યો છું, અને મારી માન્યતા વધારે ને વધારે દૃઢ થતી જાય છે કે આજનો એક પણ ધર્મખ્રહિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરે – માનવસમાજના આ જમાનાના કોયડાઓનો ઉકેલ લાવી શકવાને લાયક રહ્યો નથી. બધા નિષ્પ્રાણ થયેલા છે, અને કોઈનોયે તેના મૂળ રૂપમાં ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવે તોયે આજના પ્રશ્નોને તે ઉકેલી શકે એમ નથી. અને, આ બાબતમાં હિંદુ ધર્મ સૌથી વધારે નિષ્પ્રાણ છે અને ભ્રમોનો ઉચ્છેદ કરવા માટે અયોગ્ય છે.

હું માનું છું કે મનુષ્યના જીવનમાં કે સમાજની રચનામાં અને વ્યવહારની રૂઢિઓમાં સમૂળી ક્રાન્તિ આણવી હોય તો તેની ધાર્મિક માન્યતાઓમાં સૌથી પહેલું પરિવર્તન થવાની જરૂર રહે છે. તમે કોઈ માણસને લગભગ ધાર્મિક લાગતી સામાજિક રૂઢિઓ તોડવા કહો તો તે પોતાના જૂના ધર્મને વળગી રહી તેમ કરી શકતો નથી. પણ એ મુસલમાન કે ખ્રિસ્તી બની જાય, કે કોઈ નવા ગુરુ કે સંપ્રદાયનો શિષ્ય બને તો બીજી જ ક્ષણે તે જૂના વિચારો અને બંધનોને તોડી નાખી શકે છે. જૂના સનાતન ધર્મ વિષે જેટલી આપણી પોતાની અશ્રદ્ધા થઈ છે, તેટલા જ પ્રમાણમાં આપણેયે અસ્પૃશ્યતાનિવારણ, સહભોજન, આંતર-જાતીય, આંતર-પ્રાંતીય કે આંતર-ધાર્મિક વિવાહ વગેરે માટે તૈયાર થઈ શક્યા છીએ. અને જેટલે અંશે તે જ ઘરેડમાં આપણી માન્યતાઓ ચાલે છે, તેટલે અંશે આપણે કોમી એકતા ઉત્પન્ન કરવા વગેરેની બાબતમાં તથા બીજા ઘણા સામાજિક તથા આર્થિક ફેરફારો કરવા બાબતમાં બળવાન પગલાં લઈ શકતા નથી. કેવળ સર્વધર્મસમભાવની કે સર્વવર્ણસમભાવની ભાવના કરી, હું હિંદુ છતાં મુસલમાન પણ છું, ખ્રિસ્તી પણ છું, બ્રાહ્મણ છતાં ભંગી છું, મુત્સદ્દી છતાં વણકર કે ખેડૂત છું  –  એ કેવળ ઉપર ઉપરનો જ પ્રયત્ન રહી શકે છે. એ જ મનુષ્ય જ્યારે સાચે જ મુસલમાન કે ખ્રિસ્તી બની જાય અથવા ભંગીને પરણીને ભંગીનો ધંધો કરવા માંડે, ત્યારે એને ‘જોડો ક્યાં ડંખે છે’ તેનો જે અનુભવ થાય, તે આપણને થઈ શકે નહીં. આપણો બધો પ્રયત્ન આપણું હિંદુત્વ, બ્રાહ્મણત્વ વગેરે સુરક્ષિત રાખી પેલાની જોડે બેસાડવાનો થાય છે. પેલાનું અહિંદુત્વ અને અબ્રાહ્મણત્વ આપણા મગજમાંથી મટી શકતું નથી.

નાગપુર જેલમાં એક દિવસ શ્રી બાબાજી મોઘે પછાત કોમોની સેવા અને ઉદ્ધાર વિષે મારી જોડે ચર્ચા કરી રહ્યા હતા. એમના મોંમાંથી નીચેના અર્થનું વાક્ય મરાઠીમાં ચર્ચા દરમ્યાન નીકળી પડયું : ‘આ લોકોના વહેમો અને અંધશ્રદ્ધાઓ કાઢવા માટે તેમને મુસલમાન થવાની સલાહ આપવી જોઈએ એમ મને ઘણી વાર લાગે છે.’ બાબાજીના મોંમાંથી આ વિચાર નીકળવો એ બહુ વિચારવા જેવી વસ્તુ છે. આનો અર્થ એ થયો કે ભ્રમો અને વહેમોનો ઉચ્છેદ કરવાની હિંદુ ધર્મ કરતાં ઇસ્લામ વધારે શક્તિ ધરાવે છે એવી એમની પ્રતીતિ થઈ છે. અને આ વાત ઘણી સાચી છે. પરંતુ એ પણ સાચો ઉકેલ નથી. કેમ કે તે પણ ભ્રમો-વહેમો-અંધશ્રદ્ધાઓ અને સંકુચિતતાથી પર નથી, અને માણસજાતના આજના પ્રશ્નોનો ઉકેલ લાવી શકે એમ નથી, વળી, સમગ્ર કુરાન જેવું છે તેવું સ્વીકારી શકાય એમ નથી. જો આપણે પોતે ઇસ્લામ સ્વીકારવા તૈયાર ન હોઈએ, તો આપણે બીજાને એ સલાહ કેમ આપી શકીએ? અને ઇસ્લામ સહેલો અને સીધી દૃષ્ટિવાળો છે છતાં એમાં ઘણું એવું છે જે આપણી વિવેકબુદ્ધિ સ્વીકારી શકે એમ નથી. એ જ સ્થિતિ ખ્રિસ્તી વગેરે ધર્મોની છે.

આપણે હિંદુઓ જીવનભર એક વિચિત્ર પ્રકારની બુદ્ધિની કસરત કરવાની ઘરેડમાં પડી ગયા છીએ. એક બાજુથી આપણી ફિલોસૉફી ઠેઠ અદ્વૈત વેદાંતની છે. એ ચીલામાં બુદ્ધિને રાખીને વિચાર કરીએ છીએ, ત્યારે જગત મિથ્યા, દેવ મિથ્યા, ગુરુ-શિષ્ય મિથ્યા, વિધિનિષેધ મિથ્યા, પાપ-પુણ્ય મિથ્યા, નીતિ-અનીતિ, હિંસા-અહિંસા, સત્ય-જૂઠ બધું મિથ્યા મિથ્યા કહી નાખીએ છીએ. અને એ ચીલામાંથી નીકળી બીજા ચીલા પર ચડીએ છીએ, ત્યારે ગોત્રદેવતા, ગ્રામદેવતા, ગુરુદેવતા, પિતૃપૂજા, ગ્રહપૂજા, અવતારભક્તિ, જુદા જુદા તહેવારોની જુદી જુદી દેવપૂજા, શ્રુતિ-સ્મૃતિ પુરાણ-અગમ-નિગમ-મંત્ર-તંત્ર-કુરાન-બાઇબલ વગેરે બધાનું સમર્થન કરવા માંડીએ છીએ. એમાં માત્ર પરમતસહિષ્ણુતાથીયે આપણને સંતોષ નથી થતો. સર્વમતસમભાવ  –  અને કાકાસાહેબ કાલેલકરની ભાષામાં તો સર્વમતસમભાવ – સુધી પહોંચીએ છીએ. અનેક દેવતાઓવાળા સમાજને અનેક જાતિઓ અને જિલ્લા જેટલા નાના નાના દેશોમાં વહેંચાઈ રહેવું સ્વાભાવિક છે. બહુ વિચાર કરતાં મને લાગ્યું છે કે આપણા સમભાવ કે મમભવાનો અર્થ ‘શ્રદ્ધાળુ નાસ્તિકતા’ એટલો જ થાય છે. એક વસ્તુના સદ્ભાવ-અસ્તિત્વમાં શ્રદ્ધા ન હોય, એને મનુષ્યકલ્પિત  –  કૃત્રિમ રચના માનતા હોઈએ, છતાં તેને છોડવામાં ડર કે તેની પરંપરા સાચવવા કે કળાની કદર કરવા પકડી રાખવાનો મોહ એ આપણી ઉપાસનાનું સ્વરૂપ થયું છે. આમાં સત્યની ઉપાસના નથી, કે નિષ્ઠાની સરળતા અને અનન્યતા નથી.

જો આપણે હિંદુ સમાજને અને જનતાને ઊંચે ચડાવવી હોય તો નીચેના સિદ્ધાંતો સ્વીકારવાની આપણે હિંમત કરવી જ જોઈએ :

1. એક સર્વવ્યાપક, સર્વનિયંતા પરમેશ્વર સિવાય બીજા સર્વ દેવદેવતા, ગ્રહ, પિતૃ, અવતાર, ગુરુ વગેરે કે તેની પ્રતિમા કે પ્રતીકની ઉપાસના-પૂજા-મંદિરસ્થાપના વગેરેનો નિષેધ, પરમેશ્વર સાથે કોઈ બીજા નામરૂપાત્મક સાચા કે કાલ્પનિક સત્ત્વને બેસાડી શકાય જ નહીં એવો આગ્રહ.

2. કોઈ પણ શાસ્ત્ર – વેદ, ગીતા, કુરાન કે બાઇબલ પણ – ઈશ્વરપ્રણીત કે ઈશ્વરવાણી નથી. વિવેકબુદ્ધિ પર જેનાં વચનોની કસોટી કરી શકાય નહીં, એવી રીતે કોઈ વચનને પ્રમાણરૂપે સ્વીકારવું કે બતાવવું નહીં.

3. કોઈ મનુષ્યને પરમેશ્વર કે પેગંબર (પરમેશ્વરે ખાસ મોકલેલા)ની કોટિમાં મૂકવો નહીં. કોઈને અસ્ખલનશીલ, જેના વિચાર કે વર્તનમાં ભૂલ હોઈ જ ન શકે એવો માનવો નહીં, અને તેનું એકેએક ચરિત્ર શુદ્ધ, દિવ્ય, શ્રવણ-કીર્તનયોગ્ય જ છે એમ સમજવું નહીં. સામાન્ય જગતના હિતમાં જે કમમાં કમ સદાચારના નિયમો માન્ય હોય, તેને ભંગ કરવાનો અધિકાર કોઈને ન હોય. તે વ્યક્તિની વિશેષ પવિત્રતાના સબબસર તો ન જ હોય. અશુદ્ધ વૃત્તિના મનુષ્યો સદાચારના નિયમોનો ભંગ કરે એમાં નવાઈ નથી. એ માટે સમાજ પોતપોતાની રીતે એનો નિષેધ કરવાનો અને તેને શિક્ષા પણ કરવાનો. શુદ્ધ વૃત્તિના મનુષ્યો તે નિયમોનું વધારે ચીવટથી પાલન કરે, તેમાંથી નીકળવાની ઇચ્છાયે ન કરે. માટે મહાત્મા પુરુષોએ સમાજહિતવિરોધી આચારો કર્યા હોય તો તેને છાવરવાનો પ્રયત્ન ન કરવો; તે એમની ઊણપો જ હતી એમ સ્પષ્ટ કહેવું. તેથી એવાં ચરિત્રોની પ્રશંસાનાં કીર્તનપદ-ભજન વગેરે ન કરવાં; એવાં રૂપકો પણ ન યોજવાં. જેમ કે, કૃષ્ણની શૃંગારલીલા વગેરે.

4. છેવટે તે જ સમાજ અને તે જ કુટુંબો પેઢી-દર-પેઢી ઉત્કર્ષ અને સુખ પામે છે, જે નિરલસ અને કંચનકામિનીની બાબતમાં સંયમ-નિયતા-ચારને સેવે છે અને આહાર તથા શૌચના નિયમો પાળે છે. રાજનીતિના સામાદામાદિક ઉપાયો, ધર્મનાં વ્રતતપો અને ઉપાસના, સમાજના વિવાહાદિકના અને વારસના નિયમો, આર્થિક રચના અને લેવડદેવડના કાયદાઓ  –  સર્વેનું અંતિમ લક્ષ્ય પ્રજાને નિરલસ, નિયતાચારી, નીરોગી અને પવિત્ર જીવતરવાળા બનવાને અનુકૂળતા કરી આપવાનું હોવું જોઈએ. એ જ ધર્મનો પાયો છે. એ ગુણોને પોષનારા નિયમો, સંસ્થાઓ અને સંજોગો નિર્માણ કરવા, એને લગતાં સત્યોને ખોળવાં એ જ સર્વ પ્રવૃત્તિઓનું ધ્યેય હોવું જોઈએ. એને લગતા નિયમોના પાલન દ્વારા પછાત કોમો આગળ આવશે, અને એ વર્ગમાંથીયે જેટલી વ્યક્તિઓ જેટલી પેઢી સુધી તેને પાળશે તેટલી જ ઉત્કર્ષ પામશે. ભૂતકાળમાં આગળ વધેલી કોમોની પડતી તેના ભંગમાંથી જ થઈ છે. જે પેઢીઓ એ ગુણોનો હ્રાસ નહીં થયો હોય તેના હાલહવાલ થવાના નથી.

5. બુદ્ધે ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ, ધર્મં શરણમ્ ગચ્છામિ અને સંઘમ્ શરણમ્ ગચ્છામિ’ કહ્યું. હું એમ કહીશ કે એક પરમેશ્વરનો આશ્રય (વિશ્વાસ) રાખવો, ધર્મનો આશ્રય (સેવન) કરવો, અને અન્ય મનુષ્યોના સદાચાર – ધર્મયુક્ત કર્મો – નો આશ્રય (આધાર-પ્રમાણ) લેવો. પરમેશ્વર સિવાય બીજા સર્વ દેવ-દેવતા-દૈવતનો અનાશ્રય રાખવો. કોઈ પણ પેદા થયેલ કે મનોકલ્પિત ગુરુ, માતા કે પિતા કે બીજા પૂજ્ય જન કે પ્રાણીઓમાં પરમેશ્વરબુદ્ધિ કે પરમેશ્વરના પુત્ર – પેગંબરપણાની બુદ્ધિ ન કરવી; અધર્મનો અનાશ્રય કરવો; અને કોઈ પણ પુરુષના (ગમે તેવા મોટાના) સંશય પેદા કરનાર આચારોનો આશ્રય(આધાર) ન લેવો અને બચાવ પણ ન કરવો.

આપણે વિચાર કરી લેવાનો છે તે એ કે આપણે કેવળ હિંદુ ધર્મમાં મરામત કરવા – સુધારવા – ઇચ્છીએ છીએ, કે માનવધર્મનું નવસંસ્કરણ – હિંદુ સમાજની ક્રાન્તિ ઇચ્છીએ છીએ.

10/11-8-’47

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.