ભાગ ચોથો : કેળવણી

1. સિદ્ધાંતોનો નિશ્ચય

દેખીતું છે કે છેવટે ક્રાન્તિનો વિષય કેળવણી સાથે જોડાયેલો છે. પ્રજાના ધાર્મિક વિચારો, સામાજિક આચારવિચારો, ભાષાસાહિત્યકળાઅર્થને લગતો પુરુષાર્થ, રાજકીય સંસ્થાઓ કે ગમે તે લઈએ, તે તે ઉદ્દેશીને અનુસરી પ્રજાની વ્યવસ્થિત રીતે તેવી કેળવણી યોજવી જોઈએ. કેળવણીમાં કેવળ લેખન, વાચન અને ગણિતનો જ સમાવેશ કરવામાં આવે, તોયે તેમાં ભાષા અને લિપિનો પહેલો નિશ્ચય થવો જોઈશે. ભાષા એટલે શીખનારની ઘરગથ્થુ ભાષા (માતૃભાષા અથવા સ્વભાષા) લઈએ. અને તેનો જ આગ્રહ રાખીએ તો તેમાંયે અનેક મુશ્કેલીઓ આવે છે. દર પ્રાંતમાં બોલચાલ – વ્યવહારની અનેક ભાષાઓ (બોલીઓ) અને સાહિત્યિક – શીખવવાની ભાષાનો ફરક કરવો જ પડે છે. દૂર દૂરના એકાદ નાનકડા શહેરમાંયે બેચાર ગુજરાતી, બેચાર મારવાડી, બેચાર વિવિધ પ્રાદેશિક બોલીઓ બોલનારાં હિંદી, બેચાર દક્ષિણ ભારતની કોઈક ભાષા બોલનારાં, બેચાર મહારાષ્ટ્રી કુટુંબો રહેતાં હોય એ અશક્ય નથી; અને શહેરની સામાન્ય જનતાની બોલી કોઈ સાહિત્યિક ભાષા ન હોય (જેમ કે, માળવા કે નિમાડ – ખંડવા, બરહાનપુર ઇ# કે ગયા, ભાગલપુર વગેરેમાં) એમ પણ બને. મારવાડી, કોંકણી વગેરે કેટલીક ભાષાઓ આજે એવી વચલી સ્થિતિમાં છે કે જેને સાહિત્યિક ભાષામાં સ્થાન આપવું કે નહીં તે વિશે ચર્ચાનો ગજગ્રાહ ચાલે છે.

વળી વિવિધ ભાષાઓ જુદી જુદી લિપિઓ સાથે સાંકળવામાં આવેલી છે. ભલે લખીવાંચી જાણનારા સેંકડે આઠદશ ટકા જ હોય, અને ક્યાંક તો એટલાયે ન હોય, છતાં જે થોડાક લખીવાંચી શકે છે તેમને જે લિપિનો મહાવરોઅને મમત્વ છે, અને સાહિત્યસંગ્રહ છે તે જ લિપિ તે ભાષા સાથે સાંકળવામાં આવે છે.

આમ કેવળ અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાનને જ કેળવણી સમજીએ તોયે ને ઉદ્દેશના નિશ્ચિય વિના યોજી શકાતી નથી. કઈ ભાષા અને કઈ લિપિને પ્રચલિત કરવી છે એનો નિર્ણય કર્યા વિના એ થઈ શકતું નથી. પછી જીવનની વિવિધ બાજુઓનો વિચાર કરીએ તો જીવનનો એક પણ વિષય એવો નથી જ કેળવણીના ક્ષેત્રમાં આવે નહીં. આમ કેળવણીનો પ્રશ્ન જીવન જેટલો જ વિશાળ બની જાય છે. આમાં અનેક બાબતો પર એકમત ન હોય, કેટલીક બાબતોમાં નિશ્ચિત રીતે આ એક જ સાચું અને એ સિવાયનું ખોટું જ એમ કહી શકાય એમ ન હોય, કેટલીક બાબતોમાં બે પરસ્પર વિરોધી લાગતા વિચારોમાંયે દરેકમાં સત્યાંશ હોય અને કઈની કેટલી મર્યાદા સમજવી એ જ મહત્ત્વનો સવાલ હોય, કેટલીક બાબતોનું મહત્ત્વ સ્થાનિક અને અમુક કાળ માટે જ હોય, છતાં તેટલા સ્થાન અને કાળમાં તેની અવગણના ન કરી શકાય એવું હોય; કેટલીક બાબતો લોકોના રાગદ્વેષો સાથે એવી ઓતપ્રોત થયેલી હોય કે બુદ્ધિનો પ્રવાહ ઊંધા પડેલા ઘડાની ઉપર પાણી નાખીએ તેમ એ પરથી વહી જાય એવું હોય – એમ બનવાનું. આથી આગેવાનોમાંયે મતભેદો રહે. આથી ભાગ્યે જ એવું બનશે કે સૌને સંતોષપ્રદ લાગનારી કેળવણીની કદી યોજના કે પદ્ધતિ ઘડી શકાશે. છતાં, જેમ ગમે તેટલા રાગદ્વેષ કે મમત્વ હોય તો પણ 5 x 3= 15 સ્વીકાર્યે જ છૂટકો, એમાં 14 કે 16 માટે અવકાશ નથી, તેમ જો આપણે વિવેકબુદ્ધિનો નિરાદર ન કરીએ તો કેટલાક મહાસિદ્ધાંતો સર્વમાન્ય થવા જેવા લાગવા જોઈએ.

એ સિદ્ધાંતો નીચે મુજબ :

1. મનુષ્ય મનુષ્ય વચ્ચે જુદાપણું નિર્માણ કરનારાં કારણો કુદરતી હોય કે મનુષ્યકૃત હોય, ટાળી શકાય એવાં હોય કે ન ટાળી શકાય એવાં હોય, કેળવણીનો સિદ્ધાંત કહો કે ઉત્તમ જીવનનો સિદ્ધાંત કહો, એ કારણો તથા ભેદોને ઘટાડવાં પણ એને વધારે જડ અને પાકાં ન કરી મૂકવાં એ છે. જીવનની અનેક બાબતો માટે, ‘અસ્મિતા‘, ‘અભિમાન‘, ‘મમત્વવગેરે રહેવાનાં ખરાં, પણ કેળવણીકારનો પ્રયત્ન એ મમતોને સંકુચિત ક્ષેત્રમાં રૂંધવાનો અને મજબૂત કરવાનો ન હોવો જોઈએ, પણ તેનું ક્ષેત્ર શક્ય તેટલું વિશાળ બનાવવાનો અને તેની પકડ ઢીલી કરવાનો હોવો જોઈએ.

2. જીવનનું ધ્યેય ભૂતકાળને તેવા ને તેવા કે કાંઈક જુદા રૂપમાં ફરીથી લાવવાનું હોવું બરાબર નથી. તેમ ભૂતકાળના કોઈ ભાગની સ્મૃતિ કે ચિહ્ન દ્વેષબુદ્ધિથી ભૂંસી નાખવાનોયે કેળવણીનો પ્રયત્ન ન હોવો જોઈએ. પણ ભવિષ્યમાં નવાં ઉજજ્વળ ચિત્રો નિર્માણ કરવાં અને તેને ધ્યેયરૂપે મૂકવાં એ કેળવણીનો પ્રયત્ન હોવો જોઈએ. માનવજાતિનો બહુ મોટો ભાગ કદીયે સુખશાંતિ અને ઉચ્ચ નૈતિક યુગમાં હતો, કોઈ પણ પ્રજાના બહુ મોટા ભાગે કદીયે રામરાજ્ય કે ધર્મરાજ્ય અનુભવ્યું હતું એ માન્યતા અનેક વહેમી માન્યતાઓ જેવી જ એક છે. ભવિષ્યમાં  સાચેસાચ વિશાળ ક્ષેત્રમાં રામરાજ્ય કે ધર્મરાજ્ય સ્થાપી શકાશે કે કેમ એ ન કહી શકીએ, તોયે માનવજીવનનો ઉત્કર્ષ એ દિશામાં પુરુષાર્થ કરવાનો છે. પણ એ રામરાજ્ય કે ધર્મરાજ્યનું ચિત્ર રામાયણ કે મહાભારત વગેરેમાંથી દોરી શકાય નહીં, એનો આદર્શ આપણી જ સત્ય, શિવ, સુંદરની શ્રેષ્ઠ કલ્પનાઓમાંથી ઘડવાનો છે. આ બાબતમાં આ પછીના પરિચ્છેદમાં થોડીક વધારે ચર્ચા કરી છે.

3. અનેક ઠેકાણે હું કહી ગયો છું તેમ મનુષ્ય કેવળ પ્રાકૃત (પ્રકૃતિ – કુદરતને ખોળે રહેલું) પ્રાણી નથી. એ પ્રાકૃત, સંસ્કૃત તથા વિકૃત એમ ત્રિવિધ પ્રાણી છે, અને રહેવાનું. એનો એકેએક પુરુષાર્થ પ્રકૃતિને બદલે છે. અને દરેકથી કાંઈક સંસ્કૃતિ અને કાંઈક વિકૃતિ બંને નિર્માણ થાય છે. ચારે પુરુષાર્થમાંથી એકે પુરુષાર્થ, કે એકે પુરુષાર્થમાંથી કૃત્રિમપણે (એટલે મોહથી બળાત્કારે) આણેલી નિવૃત્તિ કે એનો સંકોચ કે વિકાસ, સંસ્કૃતિ અને ઇષ્ટ પરિણામો જ ઉપજાવે, અથવા વિકૃતિ અને અનિષ્ટ પરિણામો જ લાવે, અથવા પ્રકૃતિથી એને બિલકુલ અલગ કરી મૂકે એવું થઈ શકતું નથી. કેટલાક પુરુષાર્થનું અનિષ્ટ પરિણામ આજે ન દેખાય તો પાછળથી માલૂમ પડે છે; તેમ જ ઇષ્ટ પરિણામો વિશે. માટે પુરુષાર્થ ચાહે અધ્યાત્મજ્ઞાનના કોઈ ક્ષેત્રનો હોય, ધર્મ (એટલે પ્રાકૃતિક વિજ્ઞાન અને માનવવ્યવહારોની વ્યવસ્થા)ને લગતો હોય, અર્થનો હોય, કે કામ-(સુખ)નો હોય, દરેક જો કોઈ એક જ દિશામાં અને એક જ રીતે વધે તો તેમાંથી કેટલીક વિકૃતિઓ નિર્માણ થયા વિના રહેતી નથી. પણ અનિષ્ટ પરિણામો ઉત્પન્ન થયાં માટે તે દિશાના પુરુષાર્થને સાવ છોડી દેવામાં આવે અથવા ઊલટી દિશા આપવામાં આવે તોયે કેટલીક વિકૃતિઓ નિર્માણ થાય છે. એવી કોઈ દિશા નથી કે જેને પકડીને નિરાંતે કોઈ તે જ માર્ગે આગળ ચાલ્યા કરે તેને માત્ર સંસ્કૃતિ, સુખ, ઉન્નતિ જ મળ્યા કરે. અમુક દિશાનો પુરુષાર્થ બેશક છોડી દઈ શકાય એવુંયે કહી શકાય નહીં. જેટલો વખત એક મોટર ચલાવનાર ગતિનિયામક પાવડી અને દિશા બદલનાર ચક્રને છોડી દઈન નિરાંતે મોટર દોડાવ્યા કરી સલામત રહી શકે, તેટલો વખત જ માનવપુરુષાર્થ એક જ દિશામાં વધતો રહી સલામત રહી શકે. કેળવણીકારનું કર્તવ્ય માનવપુરુષાર્થની દિશા અને ગતિને વારંવાર તપાસતા રહી એને માર્ગ પર રાખવાનું અને અનિષ્ટોથી બચાવવાનું છે. પાછળચારિત્રનાં સ્થિર અને અસ્થિર અંગોના પ્રકરણમાં (2-5) માનવના પૂર્ણ વિકાસને અંગે જે જુદાં જુદાં લક્ષ્યો રજૂ કર્યાં છે તે બધાં મળીને માનવપુરુષાર્થની મોટરની પાવડીઓ, ચક્રો અને ચાવી છે. કેળવણીથી એ લક્ષ્યો યોગ્ય પ્રમાણમાં સિદ્ધ થવાં જોઈએ, અને એટલે અંશે થાય છે તે તપાસતા રહી, તેના વિવિધ ગતિ વધારનરા અને રોકનારા દાબો વગેરેનો ઉપયોગ કર્યા કરવો જોઈએ. એ વિના એકે પુરુષાર્થ સુરક્ષિત નથી.

4. કેળવણીમાં ભાષા અને લિપિનો પ્રશ્ન મહત્ત્વનો છે. તે વિશે વધારે ચર્ચા અન્ય પરિચ્છેદોમાં છે. અહીં એ વિશે એટલું જ કહેવા ઇચ્છું છું કે ભાષા અને લિપિ – કેળવણી કે જ્ઞાન નથી, તેનાં વાહન છે. કેળવણી અથવા જ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે શીખનારાઓની ભાષા અને જે લિપિમાં તે ભાષાનું સાહિત્ય ઉપલબ્ધ હોય તે લિપિ સારામાં સારું વાહન બની શકે છે. ખરું જોતાં, માણસની કોઈ કુદરતી સ્વભાષા (માતૃભાષા કે પિતૃભાષા) છે જ નહીં. બચપણમાં એ જેટલી ભાષાઓ વચ્ચે ઊછરે છે તે બધી ભાષાઓ એને સ્વભાષા જેવી થઈ શકે છે, અને તેમાંથી કોઈ પણ દ્વારા એની કેળવણી વગર મુશ્કેલીએ ચાલી શકે છે. એમાંથી એક ભાષા એનાં માતપિતાની ભાષા ન હોય એમ બને. આપણા વિશાળ દેશમાં સાચી સ્થિતિ તો એ છે કે અનેક બાળકો જે સાહિત્યિક ભાષા દ્વારા કેળવણી લેવાની શરૂઆત કરે છે તે એની ઘરમાં બોલાતી ભાષા કરતાં જુદી જ જાતની હોય છે. બિહારનો માણસ જે હિંદી શીખે છે તે ઘરમાં કદી બોલતો નથી; તેમ જ માળવાનો. સાહિત્યિક મરાઠી નાગપુર કે બિહારની જનતાની મરાઠી નથી. તેમ જ ગુજરાતી વિશે. એની એક નિશાની એ કે શહેરના સારા વિદ્વાન લોકો જો સાહિત્યિક ભાષામાં ગામડાંના લોકો સાથે વાતો કરે છે, અને સ્થાનિક ભાષા જાણતા નથી હોતા તો એકબીજાનું બોલવું પૂરેપૂરું સમજી શકતા નથી. વ્યાકરણ, રૂઢિપ્રયોગ, ઉચ્ચાર અને શબ્દભંડાર પણ જુદા પડી જાય છે. કાંઈક મળતાપણું હોવાથી સાર સમજાય છે એટલું જ. એટલે સાવ સ્વભાષા દ્વારા કેળવણી અપાય તોયે સ્વભાષાની કેળવણી અપાતી નથી, અને ઘણી વાર સ્વભાષા દ્વારા કેળવણી આપવી જ અશક્ય થાય છે.

આનો અર્થ એ નથી કે સ્વભાષા દ્વારા કેળવણીને મહત્ત્વ નથી, કે એની માગણી ખોટી છે. પણ એનો અર્થ એ છે કે (1) આપણે શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન અથવા પુસ્તકો દ્વારા જ્ઞાનપ્રાપ્તિ) અને કેળવણી (એટલે મૌખિક અને કર્મો દ્વારા જ્ઞાનપ્રાપ્તિ) વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. (આ બાબત નીચે વધારે સ્પષ્ટ કરી છે). (2) શિક્ષણ (= પુસ્તકજ્ઞાન)ના ક્ષેત્રમાં ભાષાઓની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવો ઠીક નથી. (3) સ્વભાષા દ્વારા શિક્ષણ મળે તે કરતાં (પરદેશમાં જઈને શીખવાનો પ્રશ્ન ન હોય તો) બાળપણથી છેવટ સુધી એક જ ભાષા દ્વારા શિક્ષણ મળે એ વધુ મહત્ત્વનું છે. શિક્ષણનું વાહન વારંવાર બદલાય એ ઇષ્ટ નથી. પ્રાથમિક શિક્ષણ એકમાં, માધ્યમિક બીજીમાં અને ઉચ્ચ ત્રીજીમાં એ બરાબર નથી. તે કરતાં સ્વભાષા ન હોય તોયે જે ભાષામાં શિક્ષણ પૂરું થવાનું હોય તે ભાષાથી જ શરૂઆત કરવી વધારે સારી. (4) જો શિક્ષણ સાર્વત્રિક કરવાનો વેગ વધે તો આખા પ્રાંતનેયે કોઈ પ્રચલિત બોલ કે ભાષા ભૂલી જવાનો પ્રસંગ આવે અને શિક્ષણના વાહનરૂપે યોજાયેલી ભાષા બોલનારા થઈ જવું પડે, તે જો એ પ્રજા રાજીખુશીથી સ્વીકારવા તૈયાર થાય તો દોષ નથી. (5) કમમાં કમ એક પ્રાંતમાં એક જ ભાષા દ્વારા શિક્ષણ અપાય તે ઇષ્ટ છે.

લિપિ તો કેવળ સગવડની જ વસ્તુ છે. એ પૂર્ણ હોય, એટલે કે ઉચ્ચારોમાં ગોટાળો ન થાય એવી રીતે લખી શકાય એવી હોય તો  જે સહેલી સગવડભરી હોય તે જ સારી ગણવી જોઈએ. કોઈ લિપિ જગતમાંથી લુપ્ત થઈ જશે તેથી ડરવાની જરૂર નથી. જગતમાંથી ઘણીયે ભાષાઓ અને લિપિઓ આજ સુધીમાં લુપ્ત થઈ ગઈ છે, ઘણાં ગ્રંથો લુપ્ત કે ન ઉકેલી શકાય એવા થઈ ગયા છે, વાંચીનેયે સમજાય નહીં એવું ઘણું પ્રાચીન સાહિત્ય છે, આખી માનવજાતિઓ પણ નામશેષ થઈ ગઈ છે, – અથવા નામશેષ પણ નથી રહી. તો ભાષા, લિપિ, સાહિત્યનું શું કહેવું? ઘણા ઓછા માણસો પોતાના બાપાના દાદાથી પહેલાંના પૂર્વજોનાં નામઠામ જાણતાં હોય છે. તેઓ કેવા હતા, ક્યાંથી આવ્યા હતા, કેવી ભાષા બોલતા હતા, શું પહેરતા હતા વગેરે કશું જાણતા નથી હોતા. વચલા કાળમાં આપણે ગુજરાતી, મહારાષ્ટ્રીય, બંગાળી, બિહારી વગેરે બન્યા. પણ આપણી  પાસે સંસ્કૃત સાહિત્ય રહ્યું છે, અને તેમાં આ દેશના પ્રાચીન રહીશોની વાતો છે. હવે આપણને આપણા સાચા પૂર્વજો કરતાંયે એ પૌરાણિક કે ઐતિહાસિક પુરુષો અને જે ભાષામાં તે વાતો જળવાઈ છે તે જ વધારે સાચા લાગે છે. દરેક હિન્દુને લાગે છે કે પોતે રામ, કૃષ્ણ, પાંડવો, રાણ પ્રતાપ, શિવાજી વગેરેનો વંશજ છે, મુસલમાનને લાગે છે કે પોતે અરબસ્તાન અને ઈરાનની સંસ્કૃતિના પ્રતિનિધિ છે. ગુજરાતીને લાગે છે કે વનરાજ ચાવડો અને સિદ્ધરાજ સોલંકી જોડે એનો સંબંધ છે! વળી, આપણે ન્યાતજાતના ભેદો ભૂલવાની, લોહીમાં સંકરતા આવે તેની ઉપેક્ષા કરવાની વાતો કરીએ છીએ; પણ આપણી ભાષામાં અરબી કે ફારસી કે અંગ્રેજીનો સંકર ન થાય તેની ચિંતા કરીએ છીએ, તે માટે અંદર ને અંદર ઝઘડવાયે તૈયાર છીએ, અને જૂનાને નવજીવન આપવા ઇચ્છીએ છીએ.

કુદરતી કારણોથી કે માણસે માણસ પર કરેલા અત્યાચારથી ભાષા, લિપિ વગેરેનો લોપ કે સંકર થાય તે કરતાં માણસ જો ઈરાદાપૂર્વક એકતા અને જ્ઞાનવૃદ્ધિ માટે એમ થવા દે તો તે ડહાપણ ગણાશે. ધર્મની જેમ કેળવણી માણસને માણસથી જુદો પાડનારી નહીં પણ એક કરનારી હોવી જોઈએ; એ માણસોને પોતાના વચલા પૂર્વજોનું સ્મરણ એ મમત્વ રખાવનારી નહીં, પણ સૌના એકમાત્ર પૂર્વજ અથવા આદિકારણ – પરમેશ્વરનું સ્મરણ અને મમતા કરાવનારી હોવી જોઈએ.

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.