પરિચય

યોગેશ જોષી

ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-5-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.

સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.

હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક પરબના સંપાદક તરીકે પણ કાર્યરત છે.

 

કૃતિ-પરિચય

આધુનિકતાના ધસમસતા પ્રવાહની સમાન્તરે કોઈ નીતર્યું સ્વચ્છ ઝરણું દોડી આવતું હોય – એ રીતે આ લઘુ નવલકથા સમુડી ગુજરાતીમાં અવતરેલી છે. 1984માં પ્રગટ થયેલી આ કૃતિ છેક 2017 સુધી ઘણી આવૃત્તિઓ પામતી રહી છે, એટલે કે સાહિત્યરસિક ભાવકોને સતત ગમતી રહી છે, યુનિવર્સિટીઓમાં ભણાવાતી રહી છે.

ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામની એક સાદી-સીધી કામવાળી છોકરી સમુડી એના રમતિયાળ, બોલકા, ઉમંગી, કામગરા સ્વભાવથી હર્ષદ, શાંતાફઈ, તેજો, વગેરે પાત્રોનાં – અને વાચકોનાં પણ –મનને જીતી લે છે. સમુડી-હર્ષદ-નયના એવી એક રેખા દોરાય છે પણ એ પ્રણયત્રિકોણની કોઈ ચીલેચલુ રેખા નથી. સાદી, સરળ કથા અને પ્રવાહી શૈલી છતાં, નવલકથામાં હર્ષદના સંવેદન-વિચારનાં, તો સમુડીના ગામડેથી મુંબઈ સુધી જતાં થતા ફેરફારોનાં, ને સમયની બે સમાન્તર ધારાઓનાં કેટલાંક સંકુલ વલયો ઊપસે છે જે આ કથાને નવલકૃતિની કલાત્મકતાનો સ્પર્શ આપે છે.

પહેલે પાનેથી જ રસપ્રદ બનતી આ નમણી કથામાં હવે પ્રવેશીએ…

(પરિચય – રમણ સોની)

License

સમુડી Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.