સત્તર

હર્ષદ ઊંઘમાં કેમ આવું બબડયો હશે? – આ વિચારથી શાંતાફૈબાને ચેન ન હતું.

‘ભઈ હરસદ.’ શાંતાફૈબાએ હર્ષદની પાસે બેસીનું પૂછયું, ‘નયના તનં નથી ગમતી?’

‘!’

‘ઈની હારેં નથી પૈણવું?’

હર્ષદ ચોંક્યો. પોતાના મનમાં જે કંઈ ચાલે છે એની માને શી ખબર?

હર્ષદ કંઈ જવાબ આપે તે પહેલાં તો દરવાજો ખખડયો. કોઈક મહેમાન આવી ચડયા.

હર્ષદ દૂધ લેવા માટે ‘નેહડે’ ગયો.

નેહડો કેવો લાગતો હતો! હા, નેહડાની એક ચોક્કસ વાસ આવતી હતી. ગાયોના છાણ-મૂત્રની સ્તો. આખી રાતનું છાણ-મૂત્ર સવારે સાફ કર્યું હોય. ગાયોનેય નવડાવી ધોવડાવીને ચરાવવા લઈ ગયા હોય. એ પછી નેહડામાં નાનાં નાનાં વાછરડાંના અવાજો સંભળાય. કોઈ ઘરમાંથી છાશ વલોવાનો મધુર અવાજ આવતો હોય. ગાયને ખીલેથી છોડીને ચરાવવા લઈ જવાની ક્ષણે તો વાછરડાને પકડી જ રાખવું પડે. ચારેય પગે ઊછળી ઊછળીને કેવું તો તોફાન શરૂ કરી દે! સવારથી તે છેક સાંજ સુધી વાછરડાને ગાયથી વિખૂટું પડવું પડતું. આવું રોજ થતું હોવા છતાં વાછરડાં ટેવાઈ જતાં નથી! વિખૂટા પડવાની ક્ષણે તો દરરોજ બૂમ-બરાડા પાડવાનાં જ.

સમુડીના આંગણમાંનું એ વાછરડું તો બાપ કેવું તોફાની હતું!  અરે! એ વાછરડું સમુડીનેય બહાર જતી જોઈ જાય તો ખલાસ! ચારે પગે ઊછળી ઊછળીને એવાં તો બૂમ-બરાડા પાડે!  આથી વાછરડાનું ધ્યાન ન પડે એનો ખ્યાલ રાખીને જ સમુડીને બહાર નીકળવું પડતું. પછીથી, કશુંક ખાવામાં આવી ગયું હશે તે વાછરડું મરી ગયેલું. ત્યારે તો સમુડી ગાયની ડોકે વળગીને કેટલું રડી હતી!

સમુના બાપના મર્યા પછી એ ગાયને કાળીનાં સાસરિયાં લઈ તો ગયેલાં પણ એ ગાય પછી બહુ જીવી નહીં.

નેહડાના ધૂળિયા રસ્તાઓ પરનું છાણ તગારામાં એકઠું કરી લીધા પછીય તે તે જગ્યાઓએ ધૂળમાં ગોળ ગોળ ધાબાં દેખાતાં હોય. નેહડાના મોટા ભાગનાં ઘરોની દીવાલો તો ઘણું ખરું ઈંટોની જ બનેલી. બે ઈંટોની વય્ચેના ભાગમાં જ, ખપ પૂરતો જ સિમેન્ટ કે ચૂનો વાપર્યો હોય. આથી ભીંતો પર ઈંટોની એક ડિઝાઈન દેખાય. આવી દીવાલોને છાણાં થાપીને મઢી હોય. થાપેલાં છાણાં પર થાપનારની આંગળીઓની છાપ પડી હોય.

સમુડી લગ્ન કરીને ચાલી ગઈ ત્યાર પછી હર્ષદ નેહડે ગયેલો ત્યારેય, સમુડીએ ભીંત પર થાપેલાં છાણાં પર એની આંગળીઓની સ્પષ્ટ છાપ હતી. એ આંગળીઓની છાપ ઉપર હર્ષદે પોતાની આંગળીઓ દબાવી હતી, ફેરવી હતી…

હર્ષદ સાવ નાનો હતો ને નેહડામાં પહેલી જ વાર આવ્યો ત્યારે એણે આ જ નેહડામાં સમુડીને ગાળ બોલતાં સાંભળી હતી. ને હૃદયમાં ઊંડે ઊંડે આઘાત લાગી ગયેલો કે સમુડી કોઈને આવી ગંદી ગાળ પણ દઈ શકે છે! સાવ નાનો હતો ને ક્યાંકથી શીખી લાવેલી ગાળ પોતાના મોંમાંથી નીકળી ગયેલી ત્યારે? શાંતાફૈબાએ આખો દિવસ કશું જ ખાવા નહોતું આપ્યું.

રસ્તાની ધૂળના રંગમાંય છાણ-મૂત્રનો રંગ અને વાસ ભળ્યાં હોય. આ ઉપરાંત ભારામાંથી નીચે વેરાયેલી ચારનાં સોનેરી સાઠેકડાં ને એની ઝીણી કરચોય રેતીમાં ભળી હોય તે તડકામાં ચળકતી હોય.

હર્ષદ સાવ નાનો હતો ને નેહડો આવતો ત્યારે ચારના ભારામાંથી સોનેરી સાંઠેકડીઓમાંથી એ સમુડીને જાતજાતની ચીજો બનાવી આપતો ને સમુડીને બધું બનાવતાંય શીખવતો. ખાટલો તો ખૂબ સરસ બનતો. સુક્કા સાંઠેકડાની સોનેરી છાલ નખની મદદથી ઉખાડી નાખવાની. જરૂર પ્રમાણેની લંબાઈ પહોળાઈ રાખી એની ઈસ બનાવવાની. સાંઠેકડાની સોનેરી છાલ ઉખેડતાં જ અંદરથી સફેદ પોચો માવો નીકળે. જેમાં સોનેરી સુક્કી છાલ સહેલાઈથી ખોસી શકાય. આવા સફેદ માવાના યોગ્ય કદના ટુકડા કરવાના; જેનો ઉપયોગ ઈસ, પાયા વગેરેને જોડવા માટે થાય. દરેક પાયાની નીચેય આવા સફેદ માવાનો એક એક ટુકડો ખોસવાનો. જેથી ખાટલો બરાબર ઊભો રહી શકે. ખાટલા ઉપરાંત ઘોડિયું પણ સરસ બનતું. સાંઠેકડાં ઉપરાંત ચીકણી માટીમાંથી રમકડાંય બનાવતાં. ત્યારે હર્ષદ લગભગ ચોથા-પાંચમા ધોરણમાં હશે, સમુડી માટી ગૂંદી આપે. પછી એ માટીમાંથી હર્ષદ ઓરસિયો, ચૂલો, તવી, વેલણ, પંખી… જેવાં ઘણાં રમકડાં બનાવતો.

એ વખતે તો ગમે ત્યારે નેહડામાં જાવ, દૂધ મળી રહેતું. પણ અત્યારે તો ક્યાંક કોઈકના ઘરે દૂધ મળે તો મળે. એય વેચવા માટેનું નહિ, પણ પોતાના ઘર માટે રાખ્યું હોય એમાંથી કાઢી આપે. ગામમાં ડેરી થયા પછી નેહડાનાં ઘરોનું લગભગ બધું જ દૂધ ડેરી પી જતી. ઘણાં તો પૈસાના લોભે પોતાનાં છોકરાંઓ માટેય પૂરતું દૂધ રાખ્યા વિના બધંુ જ ડેરીમાં આપી આવતાં.

સાંજે નેહડામાં ગાયો પાછી ફરે ત્યારનું દૃશ્ય તો સાચે જ જોવા જેવું. સાંજ પડે ત્યારથી વાછરડાં આખે રસ્તે નજર પાથરીને રાહ જોવા લાગે. દૂ…ર… ગાયોનું ટોળું તો હજી ન દેખાય. પણ અસંખ્ય ખરીઓએ ઉડાડેલી ધૂળના ગોટેગોટ દેખાવા લાગે. પછી ગાયોના ભાંભરવાનો અવાજ આવે ને સાથે સાથે ગોવાળોનો ‘ઈ…હો…’ ‘ઈ… હો…’ ‘ફુ… રાર્…’ – એવા અવાજો આવે. વાછરડાંના કાન ચમકી ઊઠે. આંખો વિહ્વળ થાય. પગ થનગની ઊઠે. ત્યાં તો દૂરથી આવતી ગાયો નજરે પડે. ઊડતી ધૂળના ગોટેગોટને કારણે આવતી ગાયોના ટોળાનું દૃશ્ય ધૂંધળું દેખાય. પણ ગાયોની ડોકમાંની ઘંટડીઓ છેક  બપોરથી સૂતા નેહડાને જગાડે, નેહડાની ચેતનાને ઝંકૃત કરે.

ખરીઓએ ઊડાડેલી પીળી કેસરી મુલાયમ ધૂળથી નેહડો આખોય નખશિખ રંગાઈ જાય. નરભેરામ વૌદ્યના કેટલાક દરદીઓ પણ ગૌમૂત્ર લેવા માટે આવ્યા હોય. ઝીણી ઝીણી ઘંટડીઓના મધમીઠા રણકારથી, ઊડતી ધૂળથી, ગાયોના ભાંભરવાના અવાજથી, છાણ-મૂત્ર-ધૂળ ને ઘાસથી, માંજેલા બોઘરણાઓના ચકચકાટથી, વાછરડાંઓના બૂમ-બરાડા ને થનગનાટથી નેહડો આખોય થનગની ઊઠે, રણકી ઊઠે!

પણ અત્યારે તો નેહડો આખો સાવ સૂમસામ લાગ્યો; ભીંત પરનાં ઊખડી ગયેલાં છાણાંઓનાં ધાબાં જેવો! હર્ષદે સમુડીના બંધ ઘર સામે જોયું. ઈંટોની રાતી દીવાલ પર સમુએ થાપેલાં છાણાંના ગોળ ગોળ ધબ્બાનાં નિશાન દેખાયાં ને હર્ષદને જાણે કશેક જબરદસ્ત અભાવ વરતાયો. અંદરથી અસહ્ય ખાલીપણું ઊભરાવા લાગ્યું; પ્રલયના અગ્નિની જેમ! ને પોતે અગ્નિના ઘોડાપૂરમાં તણાવા લાગ્યો. અગ્નિની લપેટમાં આવીને પૃથ્વી આખીયે ભડ ભડ કરતી સળગી ગઈ. છતાંય પોતાનો તો નાશ થતો નહોતો. બસ, તણાયા કરતો હતો… સળગ્યા કરતો હતો ભડ ભડ… આંખો સખત બળતી હતી. એ જોરથી આંખો મીંચી દેતો ને આંખ સામે જ સમુડીની બે કાળી કાળી આંખો તરવા લાગતી! ને પોતે જાણે ઊગરી ગયો હોય એવી લાગણી થતી; જાણે વહેતી ગંગાના હિમ જેવા પ્રવાહમાં સ્નાન ન કરતો હોય!

કોઈકના ઘરેથી દૂધ લઈને હર્ષદ પાછો ફર્યો, વધુ ઉદાસ અને વધારે અસ્વસ્થ થઈને. ઘરમાં પ્રવેશતાં જ પાછા વિવાહ તોડવાના વિચારો તેનું લોહી ચૂસવા લાગ્યા – પોતે વિવાહ તોડવા ઇય્છે છે એની માને શી રીતે ખબર પડી? ! શું માએ બાપુને કશું કહ્યું હશે?! પણ ખબર પડી એ તો સારું જ થયું, એમાં ચિંતા કરવા જેવું શું છે? પણ અસ્વસ્થતા ઓછી નહોતી થતી.

સાંજ પડવાની હર્ષદ રાહ જોઈ રહ્યો. સાંજે જમ્યા પછી મહેમાન જવાના હતા. મહેમાન જાય પછી જ ખુલ્લા દિલે મા સાથે વાત થઈ શકે. મહેમાનને આવતાંવેંત કહેલું, ‘હરસદનું રોંમભૈની સોડી હારે કર્યું નં? એ બઉ હારું કર્યું, હોં! કુળવોંન ઘર. નં સોડીય ભણેલી-ગણેલી. તમારઅષ ઘર ઉપાડી લે. કોંય બતાવું નોં પડઅષ. દેખાવમોંય ચેવી? અપસરા જ જોઈ લ્યો! આપડા હરસદ હારે શોભશે. જોડું જોઈનું આપડુંય કાળજુ ઠરઅષ…’

હવે તો હર્ષદ આવું બધું સાંભળી સાંભળીને એવો તો કંટાળી ગયેલો કે ન પૂછો વાત. હર્ષદ સતત રાહ જોયા કરતો –

સાંજ ક્યારે પડે? મહેમાન ક્યારે જાય? ક્યારે એ હૈયું ઠાલવીને બધીય વાત કહી દે માને? ક્યારે? ક્યારે?

હર્ષદ  ફરવા નીકળી પડયો. પગ એને ટેકરી તરફ લઈ ગયા. પાછો ફરશે ત્યાં સુધી મહેમાન ચાલ્યા ગયા હશે. પાદરનો ‘વલ્લો’ (વડલો) વટાવ્યો. તળાવ વટાવ્યું. પાકા રોડનો રસ્તો વટાવ્યો. સમુડી સાથે એક વાર અહીંથી જતો’તો ત્યારે કોક મુસાફરે પૂછેલું –

‘ભગવોંન છનાનું સેતર ચ્યોં આયું?’

સમુડીએ જવાબ આપેલો, ‘બસ, આ રોડ પર રાગં રાગં હેંડયા જૉવ. એક ખેતરવા હ.’

હર્ષદને થયું – કેમ આવી સાવ અમસ્તી વાતેય અત્યારે યાદ આવે છે?

ગીચ ઝાડી વય્ચેથી જતી નાનકડી કેડીય વટાવી. ટેકરી આવી પહોંચી. સીધો ઢાળ ચઢતાં વળી સમુડી યાદ આવી. નાનાં હતાં ત્યારે કેવાં એકમેકનો હાથ પકડીને ટેકરી ચઢતાં! એ સ્પર્શ અત્યારેય જાણે હર્ષદની હથેળીમાં સળવળ્યો. સમુડીએ તેજાને પોતાના ઘરે બોલાવ્યો ત્યારે મેડી ઉપર થયેલો સમુડીના હાથનો સ્પર્શ યાદ આવ્યો અને એ ચુંબન પણ…

એમ તો એણે નયનાને ય ઘણીવાર ચુંબન કર્યું છે. પણ સ્પર્શ અને સ્પર્શ વય્ચેય કેવો તફાવત! સમુડીનો સ્પર્શ થતાં લાગતું કે જાણે પોતાની અંદર હજાર હજાર કળીઓની અસંખ્ય પાંખડીઓ હળવે હળવે ઊઘડી રહી છે! જ્યારે નયનાનો સ્પર્શ થાય તો યે શું અને ન થાય તો યે શું?

મન કેમ આવી સરખામણી કરવા લાગે છે? આમ આવી સરખામણી કરવાનો શો અર્થ?

ટેકરી પર ચઢીને હર્ષદ પેલા લીમડા નીચે ગયો. આ જ લીમડા નીચે ઊભા રહીને, તો ક્યારેક લીમડાની ડાળે ચડીને હર્ષદ અને સમુ બેય સૂર્યાસ્ત જોતાં. લીમડા પર મંજરી બેઠી હોય ત્યારે તો કેવી ઠંડી મધુર સુગંધ આવતી! પણ અત્યારે તો લીંબોળીઓ પાકી થઈને ખરી પડેલી. પીળી પીળી લીંબોળીઓનો પગ તળે કચડાવાનો ફૂટવાનો પટષ પટષ અવાજ પણ કેટલો મોટો લાગે છે!

સાંજ કેવી સૂમસામ છે! ‘સાત બહેનો’ ય આજે મૂંગી થઈને ક્યાં સંતાઈ ગઈ  છે? પોતાના ચાલવાના અવાજથી ચમકીને, નીચે પડેલાં પાંદડાંઓમાં થઈને સડસડાટ દોડતો કાચિંડો પસાર થઈ ગયો ને થોડે દૂર જઈને ઊભો રહ્યો; આગલા પંજા પર ઊંચો થયો ને પૂંછડી અદ્ધર જ રાખીને સ્થિર ઊભો રહ્યો. બસ, એના ગળા નીચેનો ભાગ સહેજ હાલતો હતો.

ફરી નિ:સ્તબ્ધતા છવાઈ ગઈ.

હર્ષદ લીમડાની ડાળે ચડયો. હા, હર્ષદને ઝાડ ઉપર ચઢતાંય સમુએ જ તો શીખવેલું. આ જ લીમડાની ડાળે, ખીચોખીચ પાંદડાંઓની ઓથે હર્ષદ અને સમુ બેઠેલાં ત્યારે લીમડાની ટોચે જે દૃશ્ય જોવા મળેલું એ હર્ષદ ક્યારેય ભૂલી નથી શક્યો. ને સમુડીના શબ્દોય –

‘ના, ના, ઝઘડતોં કોંય નહ! હું કરઅષ હ એ થોડીવાર જુઓ ક બોલ્યા વના. એકઅષ (એટલે) બધી ખબેર પડસે.’

લીમડાની ટોચે બે ગીધડાં ઝઘડતાં હતાં. ખૂબ ઝનૂની બનીને, જીવ પર આવી જઈને એકમેકને ચાંચો ભોંકતાં. પાંખોની જોરદાર ઝાપટો મારતાં. આખીય ટેકરી ધ્રૈજી ઊઠે એવા મરણતોલ ચિચિયારીઓ પાડતાં. લીમડાનાં પાંદડાં ખીચોખીચ હોવાથી નીચેની ડાળે બેસીને સ્પષ્ટ જોઈ શકાતું નહોતું. લીમડાનાં ડાળ-પાંદડાં આડે આવતાં તથા સૂરજનાં કિરણોય સીધાં જ આંખમાં પડતાં ને ધૂંધળા છાયાચિત્રની અલપઝલપ જ દેખાતી. આથી લપાતાં લપાતાં સમુડી અને હર્ષદ બેય, જઈ શકાય એટલી ઊંચેની ડાળે ગયાં. એ પછીય માથા પરનાં થોડાં ડાળ-પાંદડાં હટાવીને જોવું પડતું. તોય થોડાંક ડાળ-પાંદડાં તો ક્યારેક ક્યાંક સહેજ સહેજ નડતાં. લીમડાની મંજરીની સરસ મજાની સુગંધ આવતી હતી. પણ હવે તો એમાં કશીક તીવ્ર ગંધ ભળી હતી. હર્ષદ ધ્યાનથી સૂંઘતો ને મથતો કે આ શેની  ગંધ હશે? ત્યાં તો મોટા ગીધડાએ જોરથી બીજાના માથા પર આખીયે ચાંચ ભોંકી દીધી ને એક ભયંકર ચિચિયારીથી આખું વાતાવરણ વીંધાઈ ગયું! પણ નાનું ગીધ હાર સ્વીકારીને નાસી જવાનો કે છટકવાનો પ્રયત્ન સુધ્ધાં નહોતું કરતું! એય જીવ પર આવી જઈને ઝઝૂમતું હતું!

હવે લીમડાની મંજરીની સુગંધ આવતી બંધ થઈ ગઈ! ને કશીક અજાણી તીવ્ર ગંધ આખાયે લીમડા પર ઢોળાતી હતી.

‘સમુ,’ હર્ષદે સમુડીને પૂછેલું, ‘આ ગીધડાં કેમ આટલું બધું ઝઘડઅષ સ? નાનું ગીધ કેમ નાસી નથી જતું? આ આટલી બધી ગંધ શેની આવઅષ સ?!’

‘જુઓ ક સોંનામોંના અવ; બોલ બોલ કર્યા વના.’

થોડીવાર પછી હર્ષદને ખબર પડી કે ગીધડાં તો રતિક્રીડા કરતાં હતાં! રતિક્રીડા દરમ્યાન ખરેલાં પીછાંય, હર્ષદ અને સમુ જે ડાળ પર ખીચોખીચ પાંદડાંમાં સંતાઈને બેઠેલાં એમની વય્ચે થઈને પડતાં હતાં!

અત્યારેય એ લીમડા નીચે ગીધડાંનાં ઘણાં પીછાં પડેલાં.

આજે સૂર્યાસ્ત જોયા વિના જ હર્ષદ પાછો ફર્યો, વધુ ઉદાસ અને વધારે અસ્વસ્થ થઈને. પહેલાં તો હર્ષદ જ્યારે જ્યારે ઉદાસ થતો, ત્યારે વગડામાં આવતો. ટેકરી પર જતો. ઊડતા પંખીઓ નીરખતો, સૂર્યાસ્ત જોતો. મુગ્ધ બનીને સંધ્યાના રંગોને માણતો ને પ્રફુલ્લિત બનીને પાછો ફરતો. પણ હવે તો ત્યાં જવાથી એ વધુ ઉદાસ, વધુ અસ્વસ્થ, વધુ બેચેન બની જાય છે.

ઘણીવાર એમ લાગે છે કે જાણે કોક શૂન્યતા પોતાને આખેઆખો ગળી જવા ઇય્છે છે ને પોતે શૂન્યતાના ગળામાં અટકી ગયો છે ને ઝઝૂમે છે. ક્યારેક એને વિચાર આવી જાય છે કે આ ટેકરી, આ વગડાના અભાવથી સમુડીના શા હાલ થતા હશે?

હર્ષદ ઘરે પહોંચ્યો. મહેમાન ચાલ્યા ગયેલા. હાથપગ ધોઈ ખાવા બેઠો. બાકી બધાંએ જમી લીધેલું. કારણ બધાં જાણતાં જ હોય કે હર્ષદ વગડામાં રખડવા ગયો એટલે એનું કંઈ ઠેકાણું જ નહિ.

‘ભઈ હરસદ,’ હર્ષદ જમી રહ્યો પછી શાંતાફૈબાએ પૂછયું, ‘બેટા, કેમ તારા શરીરમાંથી જાેંણે જીવ જ ઊડી ગ્યો સ? એવું તે શું બન્યું’તું, ભઈ? તાર હાચેહાચ નહિ પૈણવું નૈના હારે?’

જવાબમાં હર્ષદ એક શબ્દ પણ બોલી ન શક્યો. ગળામાં જાણે ડચૂરો જ બાઝી ગયો. મોંમાં જાણે જીભ જ નહિ! શાંતાફૈબાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયો.

શાંતાફૈબાનો હાથ એના બરડામાં ફરતો રહ્યો.

રડી રહ્યા પછી હર્ષદે સાસરામાં જે કંઈ બનેલું તે બધી જ વાત કહી દીધી.

શાંતાફૈબાએ બધી વાત સાંભળ્યા પછી કહ્યુંય ખરું, ‘બેટા હરસદ, તું કેમ આટલો મૂંઝાય સ? હું બેઠી સું ન! તાર ઈંની જોડે નોં જ પૈણવું હોય તો હું તારા બાપુનં હમજાએ.’  પછી સહેજ અટકીને, કંઈ વિચાર્યા પછી ઉમેર્યું, ‘જોકે પૈણ્યા પસઅષ, ઑય આયા કેડી નૈના સુધરીય જાય… પસઅષ તારી મરજી.’

આ પછી હર્ષદ કેવો તો હળવો ફૂલ થઈ ગયો! જાણે કે તેનું બાવન કિલો વજન અચાનક જ શૂન્ય ન થઈ ગયું હોય! આટલી હળવાશ એણે ક્યારેય ન’તી અનુભવી.

થોડીવાર પછી બધાં સૂવાના ઓરડામાં ગયાં.

હર્ષદ પણ પથારીમાં પડયો. બાપુજી હજી એમના ઓરડામાં ધ્યાનમાં જ બેઠેલા હતા. આવતીકાલે જ મા બાપુને બધીય વાત કરશે ને બાપુ જ વિવાહ તોડવાની સંમતિ આપી કહેશે, ‘કશો વાંધો નહિ, બેટા.’ હર્ષદ સાવ હળવો થઈ ગયેલો ને ખૂબ જ ખુશ હતો એ કારણેય મોડા સુધી ઊંઘ ન આવી.

સવારની ટપાલમાં જ ઇન્ટરવ્યૂ માટેનો એક પત્ર આવ્યો. એ આજે જ મુંબઈ જવું પડે એમ હતું. પત્ર ટપાલમાં છ-સાત દિવસ મોડો થયેલો. સારું નસીબ કે આજેય મળી ગયો. હિન્દી ફિલ્મની વારતા જેવો એક વિચાર હર્ષદના મનમાં ઝબક્યો –

મુંબઈમાં સમુડી ક્યાંક મળી જાય તો!

પણ આવડા મોટા મુંબઈમાં એ ક્યાંથી મળવાની હતી! કહે છે કે અત્યંત તીવ્રતાથી ઝંખેલી ચીજ તો મળે જ . પણ… પણ પોતાની ઝંખના ક્યાં હોવી જોઈએ એટલી તીવ્ર છે?! અત્યારે તો બસ, એકમાત્ર ઝંખના છે – નયના સાથેના વિવાહ તોડવાની. આવડા મોટા મુંબઈમાં સમુડી નહીં જ મળે એવા વિચારમાત્રથી જ હર્ષદ ખૂબ હતાશ થઈ ગયો. શરીર ઢીલું પડી ગયું. ઇન્ટરવ્યૂ માટે મુંબઈ જવાનું પણ માંડી વાળવાનું મન થયું, ત્યાં જ ઓચિંતાનું જ એને યાદ આવ્યું – અરે ! ભૂલી કેમ ગયો? મુંબઈથી તેજાનોે પેલો ભાઈબંધ આવેલો એ સરનામું તો આપીને ગયો છે!

ને હર્ષદનું હૃદય ઝૂમી ઊઠયું.

License

સમુડી Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.