૮. નૉટિલસ

અમે ઊભા થયા. તે ઓરડામાંથી તેની પડખેના બીજા ઓરડામાં કૅપ્ટન નેમો મને લઈ ગયો. તે ઓરડો પુસ્તકાલયનો હતો. મોટા ઊંચા ઘોડાઓ ઉપર એકસરખી બાંધણીનાં પુસ્તકોની કતાર લાગી ગઈ હતી. ચારે ભીંતો પુસ્તકોથી ભરી હતી. ઘોડા ઉપર ચડવા માટે વચ્ચે નાની નાની સીડીઓ, અને ઓરડાની વચ્ચે ટેબલો અને ખુરશીઓ પડયાં હતાં. તેના ઉપર થોડાંએક છાપાંઓ પણ હતાં. છાપાંઓ છેક જ જૂનાં હતાં. ચાર વીજળીની બત્તીઓથી આખો ઓરડો પ્રકાશિત હતો. હું આ બધું જોઈને આભો જ બની ગયો. મને આ બધું સ્વપ્ન જેવું લાગ્યું. થોડી વારે હું બોલ્યો: કૅપ્ટન સાહેબ! દુનિયાના કોઈ પણ રાજમહેલના પુસ્તકાલયને શરમાવે એવું આ પુસ્તકાલય જોઈને મને નવાઈ લાગે છે.”

“પ્રોફેસર! દરિયાની આવી અગાધ શાંતિમાં અને એકાંતમાં અભ્યાસ કરવાની તમારા જેવાને ખૂબ મજા આવે. આ પુસ્તકાલયમાં ઓછાંમાં ઓછાં દસથી બાર હજાર પુસ્તકો છે. દુનિયા સાથેનો મારો જૂનો સંબંધ આ પુસ્તકોમાં જ રહ્યો છે. મેં મારું આ વહાણ જ્યારે દુનિયાથી જુદું પાડીને સમુદ્રમાં હંકાયું, તે દિવસે મારી સાથે આ મારાં પુસ્તકો અને આ છાપાંઓ હતાં, અને અત્યારે પણ છે. અને અત્યારની દુનિયામાં બીજું કાંઈ લખાયું છે એમ માનવાની મારી ઇચ્છા નથી. આ પુસ્તકોનો તમે છૂટથી ઉપયોગ કરી શકશો.”

મેં કૅપ્ટન નેમોને આભાર માનીને બધાંય પુસ્તકો જોવા માંડ્યાં. દુનિયાની દરેકે દરેક પ્રસિદ્ધ ભાષાઓનાં અને દરેક મોટા વિષયનાં પુસ્તકો રીતસર વર્ગવાર ગોઠવેલાં ત્યાં જોયાં. હું બધું જોતો હતો તે દરમિયાન કૅપ્ટને પોતાના ખિસ્સામાંથી એક મોટી સિગાર કાઢીને મારી સામે ધરી. મેં સિગાર હાથમાં લઈને કહ્યું: “આ સિગાર પૂરતો તો તમારે દુનિયા સાથે સંબંધ રાખવો જ પડતો હશે.”

“ના ના, સિગાર પણ મને સમુદ્રમાંથી જ મળી રહે છે. આની તમાકુ એક જાતના દરિયાઈ ઘાસમાંથી થાય છે. જોકે તે બહુ થોડા પ્રમાણમાં થાય છે, પણ તમે તે છૂટથી વાપરી શકશો.”

ત્યાંથી અમે બીજા ઓરડામાં પેઠા. આ ઓરડામાં ભીંતો ઉપર બધે મોટાં મોટાં ચિત્રો ટાંગેલાં હતાં. કેટલાંક ચિત્રો યુરોપના પ્રસિદ્ધ ચિત્રકારોનાં હતાં; કેટલાંક ચિત્ર કૅપ્ટન નેમોનાં પોતાનાં ચીતરેલાં હતાં. કેટલાંક યુરોપના પ્રસિદ્ધ સંગીતશાસ્ત્રીઓનાં હતાં.

ત્યાંથી અમે ત્રીજા ઓરડામાં પેઠા. આ ઓરડો જોઈને મારા આનંદનો ને આશ્ચર્યનો પાર ન રહ્યો. ચારે બાજુ કાચના મોટાં મોટાં કબાટોમાં દરિયાની જાતજાતની નવાઈઓ ભરેલી હતી. ખાસ કરીને છીપલીઓ, છોડવાઓ અને નાની માછલીઓ એમાં હતાં. બધું વ્યવસ્થિત ગોઠવેલું હતું; દરેક ઉપર નાની નાની ચિઠ્ઠી ચોડેલી હતી, ને તેમાં તે વસ્તુનું નામ ને ટૂંકી વિગત લખેલી હતી. એક જગ્યાએ જાતજાતના રંગવાળાં મોતી ગોઠવેલાં હતાં. થોડાંક મોતી કબૂતરના ઈંડા કરતાં પણ મોટાં હતાં; તેમની કિમંત વીસથી પચીસ લાખની આંકી શકાય. કૅપ્ટન બહુ આનંદથી અને ઉત્સાહથી મને બધું બતાવતો હતો, અને સમજાવતાં હતાં. હું આ બધું જોતાં ધરાતો, જ નહોતો. ત્યાંથી અમે કૅપ્ટનના પિતાના ઓરડામાં ગયા. ઓરડે સાવ સાદો હતો. એક લોઢાનો ખાટલો, એક નાનું ટેબલ, ખુરશી ને થોડાંએક કપડાં, એટલું જ તેમાં હતું. ઓરડાની છતમાં થોડાંએક યંત્રો નજરે પડતાં હતાં. મેં કુતૂહલથી તેના તરફ જોયું. કૅપ્ટનને હું પૂછું તે પહેલાં જ તેણે કહેવા માંડ્યું: “તમે બેસો. તમને હું બધું સમજાવું. સામે જે યંત્રો તમને દેખાય છે તેના વડે આ મારું વહાણ ચાલે છે. અહીં બેઠો બેઠો હું વહાણ કઈ બાજુ હાંકવું તેની સૂચના આપી શકું છું ને વહાણની દિશા નક્કી કરી શકું છું. તમે થોડુંઘણું તો આમાંથી સમજી શકશો. જે આ ઘડિયાળ જેવું દેખાય છે તે મૅનોમિટર છે. બહારના પાણી સાથે તેનો સંબંધ જોડેલો છે, એટલે તેના વડે વહાણ ઉપર પાણીનું કેટલું દબાણ છે, અને વહાણ કેટલે ઊડે છે તે માપી શકાય છે. તેની પડખે જ જે બીજું યંત્ર દેખાય છે તે થર્મોમિટર છે. તેના વડે પાણીની અંદરની ગરમીનું માપ કાઢી શકાય છે અને તેની પાસેનાં આ જે બીજાં યંત્રો દેખાય છે તેના ઉપર તે આ આખા વહાણનો આધાર છે; તે આ વહાણનો આત્મા છે. તેમાં એક જ શક્તિ રહેલી છે: ‘વીજળી.’ ”

“હા, કૅપ્ટન સાહેબ! એ વાત સાચી; એ વીજળીને લીધે જ તમારા વહાણની તમે આટલી ગતિ રાખી શકો છો. પણ મને લાગે છે કે આ વીજળી ઉત્પન્ન કરવા માટે તો તમારે પૃથ્વી ઉપરની જસત વગેરે ધાતુઓનો ઉપયોગ કરવો જ પડતો હશે.” મેં કહ્યું, 

તેનો પણ જવાબ મારી પાસે તૈયાર છે. પહેલાં તો જાણે એ વાત – કે દરિયાને તળિયે જસત, લોઢું, રૂપું, સોનું વગેરે ધાતુઓની ખાણ હોય છે. પણ મારે તેની જરૂર નથી પડતી. મેં તો એક બીજો સાદો રસ્તો શોધી કાઢ્યો છે. તમે જાણો છો કે દરિયાનાં પાણીમાં સોડિયમ ઘણા પ્રમાણમાં હોય છે. એ સોડિયમને પારા સાથે મેળવવાથી ઝિંક (જસત) જેવો જ પદાર્થ ઉત્પન્ન થાય છે. હું પાણીમાંથી સોડિયમનાં તત્ત્વોને ખેંચી કાઢી તેમાં પારો મેળવું છું. પારો કોઈ દિવસ નાશ પામતો નથી. સોડિયમ જ્યારે ખૂટી જાય છે ત્યારે દરિયા પાસેથી મેળવી લઉં છું. આનાથી ઉત્પન્ન થતી વીજળીનો પ્રવાહ જસતના કરતાં પણ ખૂબ તેજસ્વી હોય છે.” હા “સમજ્યો, વીજળી તો તમે ઉત્પન્ન કરી. અને વીજળીથી તમે વહાણમાં જીવન પણ પૂરી શકો છો; પણ વીજળીથી કાંઈ તમે હવા ન લઈ શકો.”

“તે પણ તમને સમજાવું. મારા પૂરતી તો હવા ઉત્પન્ન કરવાનાં પણ મારી પાસે યંત્રો છે; પરંતુ તેનો ઉપયોગ કરવાની જરૂર જ નથી, કારણ કે મારી મરજી પડે ત્યારે હવા માટે હું મારા વહાણને દરિયાની સપાટી પર લઈ જઈ શકું છું. અને મારી વીજળી ભલે મને હવા ન આપી શકતી હોય, પણ તે વીજળીના પંપ વડે હું હવાને તેને માટે ખાસ બનાવેલી ટાંકીઓમાં ભરી રાખી શકું છું. સમુદ્રને તળિયે ઘણા લાંબા વખત સુધી એમાંથી હવા મળ્યા કરે છે.”

“કૅપ્ટન! તમારી બુદ્ધિ ઉપર ફિદા થઈ જવાય છે! દુનિયાને જે શોધતાં વર્ષો લાગશે તેનો તમે અત્યારે ઉપયોગ કરી રહ્યા છો. પણ દુઃખની વાત એક જ છે કે દુનિયા તમારી શોધ જાણી શકશે નહિ. દુનિયાને આ શોધને લાભ મળે તે કેવું સારું! બેશક, તે બધે આધાર તે તમારા ઉપર જ છે.” મેં કહ્યું.

“એ બધી વાત પછી કરીશું. તેમાં મારો નિર્ણય ફરી શકે તેમ નથી. પણ અત્યારે તો આપણે આ વહાણનાં યંત્રો જોઈશું. જુઓ આ ઘડિયાળ. તે વીજળીની શક્તિથી જ ચાલે છે. એની ગતિમાં એક ક્ષણનો પણ ફેર પડતો નથી. જે આ ગોળ ચગદું દેખાય છે, તે વહાણની ગતિ માપવાનું યંત્ર છે. જુઓ, અત્યારે આપણું વહાણ કલાકના પંદર માઈલની ગતિએ ચાલે છે.”

અહીંથી અમે વહાણના પાછળના ભાગમાં ગયા, ત્યાંથી એક લોઢાની સીડીએ થઈને ઉપર ચડ્યા.

મેં પૂછ્યું, “અહીંથી ક્યાં જવાય છે?”

કૅપ્ટન નેમોએ કહ્યું: “આ વહાણની સાથે અમે એક આ નાની હોડી રાખી છે. આ હોડી કદી ડૂબે નહિ તેવી છે, અને ખૂબ હલકી છે. આ હોડીમાં બેસીને હું કોઈ કોઈ વાર દરિયાની સપાટી ઉપર ફરવા નીકળું છું. તમને થશે કે એ હોડી પાણીની સપાટી ઉપર કઈ રીતે આવતી હશે? પણ તેમાં બહુ કારીગરી નથી. જેવી રીતે હું દરિયાનો પોશાક પહેરીને પાણીમાં ઊતરી શકું છું, તેવી જ રીતે મારી હોડી પણ આ વહાણની બહાર તેના ખાસ પોશાક વડે નીકળી શકે છે.” એ લોઢાના દાદરની પડખે વહાણનું રસોડું હતું. રસોડામાં ચૂલાઓ વીજળીથી ચાલતા હતા. પડખે નહાવાની ઓરડીઓમાં વીજળીથી ગરમ થતું પાણી નળ વાટે આવતું હતું. પીવાનું પાણી પણ દરિયાના ખારા પાણીને વીજળીનાં યંત્રો દ્વારા શુદ્ધ કરીને વાપરવામાં આવતું હતું. રસોડાની પડખે વહાણના ખલાસીઓને રહેવા માટેનો ઓરડો હતો, પણ તે બંધ હતો એટલે તેમાં શી સગવડ છે અને કેટલા માણસોનો સમાસ થઈ શકે તેવું છે, તે હું જોઈ શક્યો નહિ. મને લાગ્યું કે આ વહાણ ઉપર કેટલા માણસો છે તે અમે ન જાણીએ, તે માટે કૅપ્ટન બહુ સંભાળ રાખતો હતો.

અહીંથી અમે વહાણના એંજિનના ઓરડામાં ગયા. આખો ઓરડે પ્રકાશિત હતાે. ઓરડો લગભગ ૬૫ ફૂટ ઘેરાવાવાળો હતો. તેના બે ભાગ હતા; એક ભાગમાં ફક્ત વીજળી ઉત્પન્ન કરવાનું જ કામ ચાલતું હતું, અને બીજા ભાગમાં તે વીજળીના બળથી પંખો ચલાવવાનું કામ ચાલતું. સોડિયમને લીધે તેમાંથી નીકળતા ગૅસની વિચિત્ર વાસ ઓરડામાં આવતી હતી. કૅપ્ટનના કહેવા પ્રમાણે આ વાસ દૂર કરવા માટે રોજ સવારમાં આખું વહાણ ધોવામાં આવતું હતું. વહાણનાં યંત્રો જોવામાં મને રસ પડ્યો. તેણે મને પંખો બતાવ્યો. ઓગણીસ ફૂટના ઘેરાવાવાળો આ પંખો સેકન્ડમાં ૧૨૦ ચક્કર લેતા હતા.

મેં કૅપ્ટનને પૂછ્યું: “આ પંખાને લીધે તમે વહાણની કેટલી ઝડપ રાખી શકો?”

કૅપ્ટને કહ્યું: “કલાકના વધારેમાં વધારે પચાસ માઈલ.”

પાણીમાં આટલી ઝડપથી વહાણ ચલાવવું એ કઈ રીતે બનતું હશે તે મને સમજાયું નહિ. બીજી શંકા મને એ થઈ કે આ વહાણ દરિયાને તળિયે કઈ રીતે પહોંચતું હશે?”

હું શંકા પૂછું તે પહેલાં કૅપ્ટન બોલી ઊઠ્યો: “આપણે ઘણુંખરું તો જોઈ લીધું. હજુ જે જોવાનું બાકી છે તે માટે આપણી પાસે પુષ્કળ વખત છે, કારણ કે આપણે બંને કદી આ વહાણ છોડીને જવાના જ નથી. ચાલ, હવે આપણે મારા ઓરડામાં બેસીએ.’

અમે એક મોટા ટેબલ પાસે ખુરશી પર બેઠા. કૅપ્ટને ટેબલ ઉપર વહાણ પોતે દોરેલો નકશો પાથર્યો, અને સિગાર પીતાં પીતાં તેણે આગળ ચલાવ્યું: “જુઓ, આ વહાણની લંબાઈ ૨૩૨ ફૂટની છે. તેની વધારેમાં વધારે પહોળાઈ ૨૬ ફૂટની છે. તેનું વજન ૧૫૦૦ ટન છે, અને તે કુલ ૫૦૦૦ ઘનફૂટ જગ્યા રોકે છે. આ વહાણની રચના એવી જાતની છે કે જ્યારે તે સામાન્ય રીતે તરતું હોય ત્યારે તેનો ૯/૧૦ ભાગ પાણીની અંદર રહે અને ૧/૧૦ ભાગ જ બહાર રહે. આ વહેણની મજબૂતી માટે તેના ઉપર પતરાંનાં બે પડ જડવામાં આવ્યાં છે અને તેને એવી મજબૂત રીતે રિવેટ મારવામાં આવ્યા છે કે દરિયાના ગમે તેવા તોફાનમાં તેને જરાયે આંચ ન આવે. હવે જ્યારે આ વહાણને મારે સાવ સપાટી ઉપરથી નીચે લઈ જવું હોય ત્યારે આ વહાણની નીચે રાખેલું એક પાણીનું ટાંકું હું ખોલી દઉં છું, અને એ થોડુંક પાણી ભરવાથી વહાણ નીચે ઊતરે છે. આ જ પ્રમાણે જ્યારે મારે વહાણને વધારે નીચે ઉતારવું હોય છે, એટલે કે ઠેઠ દરિયાના તળિયા સુધી લઈ જવાનું હોય છે, ત્યારે બીજા રાખેલાં ટાંકાંએ હું પાણીથી ભરી દઉં છું અને જ્યારે પાછું ઉપર આવવું હોય છે ત્યારે વીજળીના પંપથી એ બધાં ટાંકાંઓ ઉલેચી નાખું છું. વહાણનું વજન હલકું થવાથી વહાણ તરત ઉપર આવે છે.”

કૅપ્ટનની બુદ્ધિ ઉપર શાબાશી આપ્યા સિવાય રહેવાય તેવું ન હતું.

કૅપ્ટને તો ચાલુ જ રાખ્યું: “વળી વહાણનો સુકાની પોતાનું સુકાન લઈને વહાણના ઉપરના ભાગમાં કાચની બનાવેલી એક નાની એવી ઓરડીમાં બેસે છે. પાણીના ગમે તેવા દબાણમાં ન તૂટે તેવો એ કાચ છે. એવા જાડા કાચમાંથી પાણીમાં સ્પષ્ટ ન જોઈ શકાય; એટલા માટે તેની સાથે એક ખૂબ પ્રકાશિત વીજળીની બત્તી મૂકવામાં આવી છે, જેનો પ્રકાશ પાણીમાં અરધા માઈલ સુધી પડે છે.”

“કૅપ્ટનસાહેબ! ખરેખર, તમારું વહાણું અદ્ભુત છે!” મેં કહ્યું. 

“હા, પ્રોફેસરસાહેબ! અને તેને હું મારા જીવની જેમ ચાહું છું. આ જ મારો આશ્રય છે, આ જ મારો સાથી છે; દુનિયાનાં ઉત્તમમાં ઉત્તમ વહાણે કરતાં પણ મારું વહાણ ઉત્તમ છે. દુનિયામાં કોઈ તેને આંગળી અડાડી શકે તેમ નથી. એને આંગળી અડાડવાનું પરિણામ શું આવે છે તેની તમારી સ્ટીમર અબ્રાહમ લિંકનને અને તમને પણ ખબર પડી ગઈ છે. મારા વહાણમાં મને અપાર શ્રદ્ધા છે. હું તેનો માલિક છું, તેને બનાવનાર છું, અને તેનો કૅપ્ટન છું.” બોલતાં બોલતાં કૅપ્ટનની આંખો પ્રકાશી ઊઠી. એક પિતાનો પોતાના બાળક ઉપરને પ્રેમ તેના ચહેરા ઉપર ઊભરાતો હતો.

“પણ આવડું મોટું વહાણ તમે છૂપી રીતે કઈ રીતે બનાવી શક્યા?”

“મેં આ વહાણના જુદા જુદા ભાગો જુદાં જુદાં કારખાનાંઓમાં બનાવરાવ્યા હતા. દરેક કારખાનામાં મેં જુદા જુદા નામથી એ ભાગે બનાવવાનો ઑર્ડર આપ્યો હતો. પછી સમુદ્રના એક ઉજ્જડ બેટ ઉપર મેં નાનું એવું કારખાનું ખોલ્યું, મારા ખાસ વિશ્વાસુ માણસો જે જીવનપર્યંત મારા સાથીઓ છે, તેમને સાથે રાખીને આ બધા જુદા જુદા ભાગો મેં બંધબેસતા કર્યા. જ્યારે વહાણ સંપૂર્ણ બની ગયું ત્યારે એ બેટ ઉપરના કારખાનાના મકાનને મેં આગ મૂકી દીધી. માણસની વસ્તીનું કંઈ પણ ચિહ્ન ત્યાં ન રહે માટે ફક્ત આખો બેટ ઉડાડી મૂકવા સિવાયનો દરેકે દરેક ઉપાય મેં લીધો હતો.” 

“આ વહાણની તમને લગભગ કેટલી કિંમત પડી?”

“બધું થઈને લગભગ બે લાખ પૌંડ થયા હશે.”

“ત્યારે તો તમે બધા ખૂબ પૈસાદાર હશો?”

“ખૂબ જ. જો હું ધારું તો ઇંગ્લાંડ આખાનું દેવું પતાવી દઉં.” કેટન મારા સામું જોઈને જરાક હસ્યો.

તેના એ હાસ્યમાં કેટલો તિરસ્કાર ભરેલો હતો!

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book