૧૫. સુએઝની છૂપી નહેર

ધીમે ધીમે સિલોનનો બેટ દેખાતો બંધ થઈ ગયો. લકદીવ અને માલદીવના બેટ પણ પાછળ રહી ગયા. અમારું વહાણ કલાકના ૨૦ માઈલની ઝડપે વાયવ્ય દિશામાં જતું હતું. અમે કઈ બાજુએ જઈએ છીએ તેની કાંઈ ખબર પડતી નહોતી. અમે જે તરફ જતા હતા તે દિશામાં એક બાજુ ઈરાનનો અખાત અને બીજી બાજ રાતો સમુદ્ર હતો. બંનેનો આગળ જતાં રસ્તો બંધ થઈ જતો હતો, એટલે વહાણને ત્યાં જવાનું કંઈ પ્રયોજન ન હતું, તો પણ વહાણ તે દિશામાં ધસ્યે જતું હતું. મને થયું કે કદાચ ઈરાનનો અખાત અને રાતો સમુદ્ર જોઈને પાછા ફરવાનું હશે, અને આફ્રિકાની પ્રદક્ષિણા કરીને આટલાંટિક મહાસાગરમાં પહોંચાડે. નેડ ભારે ધૂંધવાતો હતો; ત્રણ ત્રણ મહિનાથી કેદીની જેમ અહીં પુરાઈ રહેવું એ ભારે જુલમ હતો. મને તો અવલોકનના શોખને લીધે આ વસ્તુ નહોતી સાલતી, પણ હું નેડની સ્થિતિ સમજી શકતો હતો.

અમારું વહાણ એમનના અખાતમાં આવી પહોંચ્યું. દૂરથી મસ્કત શહેરની મસ્જિદોના ઘુમ્મટો નજરે પડતા હતા. હેડ્રામાઉંટ અને મહરાહના કિનારાઓની પડખે થઈને અમારું વહાણ એડન પાસેના બાબલમાંડપના અખાતમાં ઘૂસતું હતું. બંને બાજુ કાળા પહાડોની મોટી હારે નજરે પડતી હતી. દરિયાની અદ્ભુતતામાં ખૂબ રસ પડે છતાં જમીન પરની સમૃદ્ધિ કેવી મધુર લાગે છે?

છઠ્ઠી ફેબ્રુઆરીએ એડનના બંદર પાસેથી ડૂબકી મારીને અમારું વહાણ રાતા સમુદ્રમાં પેઠું. એડનને અમે બરાબર જોઈ ન શક્યા; તોપણ દૂર પડેલી નાનીમોટી કલકત્તા, મુંબઈ, સુએઝ, બુર્બોન, મોરેશિયસ વગેરે સ્થળે જવા માટેની સ્ટીમરો ધુમાડા કાઢતી પડેલી દેખાતી હતી, બંદર ઉપર બ્રિટિશ સરકારનો વાવટો ફરકતો હતો.

અમારી સ્ટીમર રાતા સમુદ્રમાં તરતી હતી. આ જ રાતો સમુદ્ર જૂના ઇતિહાસમાં મહા ભયંકર સમુદ્ર તરીકે ગણાઈ ગયો. છે. અનેક નાનાંમોટાં વહાણોને તેણે પોતાના ઉદરમાં સમાવી દીધાં છે. પણ અત્યારે સ્ટીમરો આગળ તેનું તોફાન ચાલી શકતું નથી. અમારું વહાણ ડૂબકીદાવ રમતું હોય તેમ ઘડીક ઉપર ને ઘડીક નીચે તરતું તરતું આગળ ને આગળ ધપ્યે જતું હતું. નૉટિસ આફ્રિકાના કિનારાની બાજુએ વધારે ચાલતું હતું. કારણ કે ત્યાં પાણી ઊંડાં હતાં. આ સમુદ્રનાં પાણી સ્વચ્છ ભૂરાં હોવા છતાં તેનું નામ રાતો સમુદ્ર કેમ પડ્યું હશે તેની મને નવાઈ લાગતી હતી; પણ નેમો તરફથી મને તેનો થોડોએક ખુલાસે મળ્યો. તેણે કહ્યું: “આ સમુદ્રમાં – ખાસ કરીને ટોર નામના અખાતમાં તળિયે પણ વધુ લાલ દેખાય છે તેનું કારણ ત્યાં ઉત્પન્ન થતી એક પ્રકારની વનસ્પતિમાંથી ઝરતો રસ છે.”

અહીં અગાઉ ક્યાંયે નહિ જોયેલી એવી ચીજે અમને ખૂબ જોવા મળી. આ ચીજ તે વાદળી. જાતજાતના આકારની આ વાદળીઓ આંખને ખૂબ આનંદ આપતી હતી. આ વાદળી સબંધે મેં જે થોડું ઘણું વાંચ્યું હતું, તે મને ઠીક ઉપયોગી થઈ પડ્યું. વાદળી એ વનસ્પતિ છે કે જીવડાં છે એ વિશે હજુ પૂરો નિર્ણય થયો નહોતે; પણ વાદળી એ જીવડાં છે અથવા તો એ જીવડાંએ ઉત્પન્ન કરેલ પદાર્થ છે એમ મોટો પક્ષ માનતો હતો. કોન્સીલને મેં આનો પદાર્થપાઠ મારી કેબિનની બારી પાસે બેઠાં બેઠાં આપ્યો.

ધીમે ધીમે સુએઝની ખોદાતી નહેર નજીક આવતા જતા હતા. કૅપ્ટન નેમો હવે ક્યાંથી પોતાનું વહાણ પાછું ફેરવવા માગે છે તે મને કાંઈ સમજાતું નહોતું. એક દિવસ વહાણના તૂતક ઉપર અમે ભેગા થઈ ગયા. હું તેને પૂછું તે પહેલાં તો તે બોલવા લાગ્યું: “પ્રોફેસરસાહેબ! જે કામ દુનિયાના કોઈ ઇજનેરે માથે ન લીધું તે તમારા ફ્રાન્સના વતની લેસેપ્સે હાથ ધર્યું! જોતજોતામાં દુનિયાનો વેપાર બદલાઈ જશે, પહેલાંના કાળમાં લોકો અહીંથી આફ્રિકાને કિનારે નાઈલ નદીની નહેર વાટે ભૂમધ્ય સમુદ્રમાં પહોંચતા; પણ કોઈને આ નહોતું સૂઝતું; અને સૂઝે તોય માથે કોણ લે? આખરે તમારા દેશમાંથી હિંમતવાળો આદમી નીકળ્યો! આ ખાડીનો આપણે લાભ લઈ શકીએ એમ નથી. પણ જ્યારે આપણે પરમ દિવસે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ કરશું ત્યારે પોર્ટ સૈયદનું બંદર તો જોઈ જ શકીશું.”

“ભૂમધ્ય સમુદ્રમાં?” મેં આશ્ચર્ય પામીને પૂછ્યું.

“કેમ, એમાં નવાઈ કેમ પામો છો?”

“પરમ દિવસે આપણે ભૂમધ્ય સમુદ્રમાં તે કેમ પહોંચી શકીએ? વહાણને ગમે તેટલી ઝડપ હોય તોયે પાછો આખો રાતો સમુદ્ર વટાવી આફ્રિકાની પ્રદક્ષિણા કરીને ઠેઠ ભૂમધ્ય સમુદ્રમાં આવવું એ કાંઈ એક-બે દિવસમાં બને? એ તો મહિનાઓ લાગે. હા, એમ બને કે તમારું નૉટિલસ વહાણ જેમ દરિયાની સપાટીની નીચે તરે છે તેમ જમીનની ઉપર પણ તરવા એટલે કે ઊડવા માંડે!”

“પ્રોફેસર! ત્યારે તમને ખબર નથી. સુએઝની સંયોગીભૂમિ ઉપર ચાલવાની જરૂર નથી. તેની નીચે થઈને મારું વહાણ ખુશીથી ભૂમધ્ય સમુદ્રમાં પહોંચી શકશે.”

“નીચે થઈને?”

“હા, હા, નીચે થઈને. નીચે થઈને મારા વહાણને જવા માટેનો રસ્તો તૈયાર છે.”

“પણ સુએઝની સંયોગીભૂમિ ઉપર તો રેતી જ છે!”

હા. પણ તે પ૦ ફૂટ સુધી જ છે. તે પછી તો કઠણ ખડકે આવે છે. અને એ ખડકોની નીચે એક મોટી કુદરતી નહેર છે. મેં આનું નામ ‘અબ્રાહમ નહેર’ રાખ્યું છે.”

“તમને તે આ રસ્તો અકસ્માત જ મળી ગયો કે?” મેં પૂછ્યું.

“એમાં અરધા અકસ્માત અને અરધી અટકળ. હું કેટલીયે વાર એ રસ્તેથી ભૂમધ્ય સમુદ્રમાં ગયો છું; આ પહેલી જ વાર નથી.”

“આ માર્ગ તમે કઈ રીતે શોધી કાઢ્યો?”

“જુઓ, તમને એ કહેવામાં વાંધો નથી, કારણ કે આપણે બંને ઠેઠ સુધી સાથે જ રહેવાના છીએ. મેં જોયું કે ભૂમધ્ય સમુદ્રની અંદરની માછલીઓ અને રાતા સમુદ્રની અંદરની માછલીઓ ઘણીખરી એક જ જાતની છે. મેં એક વાર બે-ત્રણ માછલીઓને પકડીને તેમને વીંટીઓ પહેરાવી હતી; જે માછલીઓને મેં વીંટી પહેરાવી હતી તેમને જ મેં પાછી રાતા સમુદ્રમાં પણ જોઈ! આથી મને દરિયામાં નીચે કોઈ માર્ગ હોવાની ખાતરી થઈ.”

મેં મારા સાથીઓને આ વાત કરી ત્યારે તેઓ કૅપ્ટન નેમોની બુદ્ધિ ઉપર તાજુબ થઈ ગયા. “દરિયાની અંદર થઈને એક દેશમાંથી બીજા દેશમાં જવાનો માર્ગ શોધનાર આ માણસનું ભેજું કેવું હશે?”

તે દિવસે સાંજે અમે અરબસ્તાનના કિનારા બાજુ આવ્યા. ત્યાંથી જેડાહ બંદર સ્પષ્ટ દેખાતું હતું. આ બંદર મોટું વેપારનું સ્થળ હતું. તેનાં મકાનો તેમજ બંદર ઉપર લંગર નાખીને પડેલાં નાનાંમોટાં વહાણો અમે જોયાં. સૂર્ય આથમ્યો ને દરિયાનાં કાળાં પાણી વધારે કાળાં થયાં. અમારું વહાણ અંધારાનો લાભ લઈને સપાટી ઉપર જ તરતું હતું.

બીજે દિવસે સવારે વળી નેડને મજા આવે એવો એક બનાવ બન્યો. અમે બધા તૂતક ઉપર ઊભા હતા, ત્યાં દૂર મોટા તરતા ખડક જેવું દેખાયું. અમે તેને દૂરથી ઓળખી ન શક્યા, પણ પાસે આવતાં જોયું તો તે ડ્યુગોંગ નામનું દરિયાઈ પ્રાણ હતું. નેડ તે હારપૂન લઈ તૈયાર જ હતો. તેણે કહ્યું: “હજુ આવા કોઈ પ્રાણીના પેટમાં મારું હારપૂન નથી ગયું.”

કૅપ્ટન નેમો પણ ઉપર આવી પહોંચ્યો હતો. તેને પણ નેડના શિકારમાં ખૂબ રસ હતો. તેના બળ ઉપરની શ્રદ્ધા પેલી શાર્ક માછલી સાથેના યુદ્ધ પછી ખૂબ વધી ગઈ હતી. ડ્યુગોંગ જો છંછેડાય તો ભયંકર હોય છે, પણ નેડના હારપૂનનો એક જ ઘા તેને જીવલેણ ઘા થઈ પડ્યો. થોડા જ વખતમાં નૉટિલસના રસોડામાં તે પ્રાણી પહોંચી ગયું. નેડને આજે ખૂબ ભૂખ લાગી ગઈ – ઘણે વખતે આવું ખાણું તેને મળ્યું હતું!

રાતના વખતે અમારું વહાણ સુએઝની ખોદાતી નહેર પાસે આવી પહોંચ્યું. દૂરથી ઝાંખી દેખાતી દીવાદાંડી તારાની જેમ ચમકતી હતી. અમને બધાને તૂતક ઉપરથી અંદર જવાનું કહેવામાં આવ્યું કારણ કે અહીંથી અમારી પાણીની અંદરની મુસાફરી શરૂ થવાની હતી. નેમોએ શોધી કાઢેલી નહેરમાંથી અમારે પસાર થવાનું હતું. નૉટિલસની પાણીની ટાંકીઓ ભરાઈ અને અમારું વહાણ દરિયામાં ઊંડે ઊતરવા લાગ્યું.

કૅપ્ટન નેમો મને સુકાનની કૅબિનમાં લઈ ગયો; સુકાન ઉપર કૅપ્ટન પોતે ધ્યાન રાખતો હતો. એક પડછંદ માણસ ત્યાં બેઠો બેઠો મૅનોમિટર તપાસી રહ્યો હતો. વહાણ નીચે ને નીચે ઊતરતું ગયું. અહીંથી કૅપ્ટનની સૂચના પ્રમાણે વહાણ પોતાની દિશા ફેરવ્યા કરતું હતું. આખરે લગભગ ૧૦ વાગે અમારી સામે મોટી ગુફા જેવું દેખાયું. અહીં સુકાન કૅપ્ટને પોતે હાથમાં લીધું. અમારું વહાણ અબ્રાહમ નહેરમાં પેઠું. આ નહેર આખી ઢોળાવવાળી હોવાથી રાતા સમુદ્રનાં પાણી ખૂબ જોરથી વહેતાં હતાં. અમારું વહાણ અથડાઈ પડે એવો તે સાંકડો માર્ગ હતો. મારું હૃદય આ દેખાવ જોઈને જોરથી ધડકી રહ્યું હતું. ૨૦ મિનિટ પછી કૅપ્ટને સુકાન છોડી દીધું અને મારા તરફ ફરીને બોલ્યો: “ભૂમધ્ય સમુદ્ર!”

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book