૧૨. નેમોનું નવું વજ્ર

નેડ સૌથી પહેલો જમીન ઉપર કૂદી પડ્યો. અમે શિકાર માટે સાથે બંદૂકો નો લીધેલી જ હતી. તેને આ બેટમાં શિકાર પૂરતો જ રસ હતો. મને અને કેન્સીલને તેની જમીન, વનસ્પતિ અને પક્ષીઓમાં પણ ખૂબ રસ પડ્યો. કોન્સીલ મોટી નાળિયેરીઓ ઉપર વાંદરાની જેમ ચડી જતો અને નાળિયેરો નીચે પાડતો. તેનું મીઠું પાણી તથા ટોપરું ખાવાની મજા ઓર આવતી. નાળિયેરનો સ્વાદ તો નેડને માંસાહાર ભુલાવી દે તેવો હતો. આવાં થોડાંએક નાળિયેર વહાણમાં ભરી લેવાં એમ પણ અમે નક્કી કર્યું. ચારે તરફ નજર નાખતા નાખતા અમે બેટના જંગલમાં અંદર ને અંદર જવા લાગ્યા. કઈ ઘડીએ અને ક્યાંથી જંગલી માણસ કે પશુ આવી પડશે તેની શી ખબર! રસ્તામાં જાતજાતનાં સુંદર પક્ષીઓ જોવાની ખૂબ મજા પડી. કોન્સીલ એક સુંદર પક્ષી પકડીને મારી પાસે લાવ્યો. પક્ષી જીવતું હતું; લગભગ ૯ ઇંચ લાંબું હતું, રંગની સુંદર મેળવણી તેના આખા શરીર ઉપર હતી. આ પક્ષી કોન્સીલે જીવતું કઈ રીતે પકડ્યું તેની મને નવાઈ લાગી. પણ પાછળથી મને ખબર પડી કે આ પક્ષી અમુક પ્રકારનું ફળ ખાઈને મદમાં ચડે છે; એ જે વખતે મદમાં હોય છે ત્યારે એ પોતાનું ભાન ભૂલી જાય છે; તે વખતે એ ધારે તોય ઊડી શકતું નથી. કોન્સીલે લાગ જોઈને આ પક્ષીને પકડ્યું હતું.

નેડ પણ બે-ચાર પક્ષીઓનો શિકાર કરીને લઈ આવ્યો હતો. સાંજ પડવા આવી હતી. આથમતી સાંજના અમે એક મોટા ઝાડ નીચે ઘડીક વિસામો લેવા બેઠા. રાત્રે તો અમારે વહાણમાં પહોંચી જ જવાનું હતું; કારણ કે રાત અહીં કાઢવી એ જોખમ હતું. પણ જેટલો વખત વધારે જમીન પર રહી શકાય તેટલું રહેવું, પછી વહાણની ઓરડીઓ તો છે જ ને? એમ વિચારી અમે ત્યાં બેઠા. જંગલનાં વૃક્ષોની અંદર સમુદ્ર પરથી આવતો ઠંડો પવન મધુર ગુંજન કરતો હતો. આસપાસ બધે શાંતિ હતી. કિનારાથી દૂર પેલું નૉટિલસ કોઈ આરામ લેતા જળચર પ્રાણીની જેમ પડ્યું હતું. સૂર્ય ધીમે ધીમે આથમવાની તૈયારીમાં હતા. આ દૃશ્ય છોડીને નૉટિલસના કેદખાનામાં જવાનું ગમે તેમ નહોતું.

“ધારે કે આપણે આજની રાત અહીં જ રહીએ અને વહાણ ઉપર ન જઈએ તો?” કોન્સીલે કહ્યું.

“ધારો કે આપણે કાયમને માટે અહીં રહીએ તો?” નેડે ઉમેર્યું.

બરાબર એ જ વખતે એક પથ્થર અમારી પડખે આવીને પડ્યો. વાત તરત અટકી ગઈ; અમે નાસ્તો કરતા હતા તે પણ અટકી પડ્યો અને આશ્ચર્યથી આસપાસ જોવા લાગ્યા.

“આ પથરો કાંઈ આકાશમાંથી તો નથી પડ્યો!” કોન્સીલે કહ્યું.

બીજો પથ્થર બરાબર કોન્સીલના હાથ ઉપર આવ્યો. હાથમાંથી નાળિયેરની કાચલી પડી ગઈ.

અમે ત્રણે ઊભા થઈ ગયા; બંદૂકો ખભા ઉપર ચડાવી.

“વાંદરા તો નહિ હોય?” નેડે કહ્યું.

વાંદરા ન હોય તો પણ તેમના ભાઈઓ તે ખરા જ! અહીંના જંગલી માણસો જ હશે.” કોન્સીલે કહ્યું,

ચાલો, હોડીમાં ચડી જઈએ. અત્યારે બીજો ઉપાય જ નથી.” મેં કહ્યું.

અમે પાછળ મોં ફેરવી જોયું તે લગભગ વીસેક જેટલા જંગલી માણસો ઝાડી આગળ દેખાયા. તેઓ તીરકામઠાં લઈને ઊભા હતા. પથ્થરોનો વરસાદ ત્યાંથી જ વરસતો હતો.

અમે અમારું ખાવાનું જેમતેમ એકઠું કરીને કિનારા પર હોડી બાંધી હતી ત્યાં આવી પહોંચ્યા, અને હોડી મારી મૂકી. હોડી ડેક દૂર પહોંચી ત્યાં કિનારા ઉપર લગભગ સોએક જંગલીઓનું ટોળું હોકારા ને દેકારા કરતું આવી પહોંચ્યું; કેટલાક તો કેડ કેડ સુધી પાણીમાં ઊતરી પડ્યા હતા! મને એમ હતું કે એ બધી ગડબડ જોઈને નૉટિલસ ઉપર પણ થોડીએક ધમાલ થશે, પણ ત્યાં તો કોઈ માણસ તૂતક ઉપર દેખાયું નહિ, વીસ મિનિટમાં અમે વહાણ ઉપર આવી પહોંચ્યા. તૂતક ઉપર ચડીને બારણું ઉઘાડી અમે અંદર ગયા. હું સીધો દીવાનખાનામાં પહોંચ્યો. કૅપ્ટને નમો ત્યાં બેઠો બેઠો ઑર્ગન વાજુ વગાડી રહ્યો હતો. વગાડવામાં તે એટલો તલ્લીન થઈ ગયો હતો કે મેં તેને એક વાર બોલાવ્યો તોપણ તેણે સાંભળ્યું નહિ. બીજી વાર મેં જરા જોરથી બોલાવ્યો એટલે તેણે મારી સામે જોયું. “કેમ પ્રોફેસરસાહેબ! કાંઈ નવી શોધ કરી લાવ્યા કે શું?”

“હા જી, શોધ તે ઘણી કરી. સાથે સાથે એક વિચિત્ર શોધ પણ કરી છે; માત્ર એ શોધ આપણને જરા મોંઘી પડે તેવી છે.”

 “શાની શોધ છે?”

“અહીંના જંગલી લોકોની.”

“ઓહો! ઊલટું એમ કહો કે અહીંના લોકોએ આપણી શોધ કરી છે!”

“હા; એટલું જ નહિ પણ આપણા ઉપર તેઓ હુમલો કરવાની તૈયારી કરે છે. અમે તો તેમના હાથનો થોડોએક સ્વાદ પણ ચાખી લીધો.” મેં કહ્યું.

કાંઈ વાંધો નહિ; પણ આપણે એમની રજા સિવાય અહીં આવ્યા ત્યારે આપણા ઉપર હુમલો કરવાનો તેમનો અધિકાર તો ખરો જ ને? આપણું દેશમાં એ લેકો આવ્યા હોત તો આપણે તેમને કિનારે ઊતરવા દેત ખરા?”

“એ ખરું; પણ આ તો જંગલી લોકો છે.”

દુનિયા પર કોણ જંગલી નથી?’ એમ કહી કૅપ્ટન નેમો તિરસ્કારથી હસ્યો. તેનું કહેવું હું બરાબર સમજો નહિ.

પણ આપણે તેમનાથી ચેતતા તો રહેવું જોઈએ જ ને?” મેં સવાલ કર્યો.

“કાંઈ હરકત નહિ; મારા વહાણને કોઈ આંગળી અડાડી શકે તેમ નથી.”

પણ તેમની સંખ્યા મોટી છે.”

“કેટલાક છે?”

“લગભગ સો જણ.”

પ્રોફેસર! આખા પાપુઆ બેટની સઘળી વસ્તી એકઠી થઈને આ વહાણ ઉપર હુમલો કરે તોપણ આપણને ઊની આંચ નહિ આવે! તમે નિરાંતે આરામ કરો. થાકી ગયા હશો.” આટલું બોલીને કૅપ્ટને પોતાનું ઑર્ગન પાછું શરૂ કરી દીધું. મારે તેને શું કહેવું? મને થયું: આ માણસ પોતાના વહાણના અભિમાનમાં પોતાના તો ઠીક, પણ અમારા જાન પણ ખોશે!

રાત પડી ગઈ હતી. મને આજે ઊંઘ આવે તેમ નહોતું. ઘડીક વહાણને મથાળે ગયો. આકાશમાંથી તારાઓનું તેજ નીતરી રહ્યું હતું,

હું લગભગ બારેક વાગે સૂતો. રાતમાં કંઈ જાણવા જેવો બનાવ ન બન્યો. સવારે ઊઠીને મેં તૂતક ઉપરથી જોયું તો કિનારા ઉપર લગભગ પાંચસોથી છસો માણસો હાથમાં તીરકામઠાં લઈને પડકારા કરતા ઊભા હતા. તે ખરા પાપુઅન હતા. તેમનાં પડછંદ શરીર, વિશાળ પહોળાં કપાળ, માંસલ અવયવો, ચપટાં નાક, ધોળા દાંત, ગૂંછળાંવાળા વાળ, બધું બરાબર શોભતું હતું. પુરુષોની સાથે સ્ત્રીઓ પણ હતી. તેમનામાંનો એક સરદાર જેવો લાગતો માણસ જરા વધારે આગળ આવીને નૉટિલસને ધ્યાનથી તપાસતો હતો. તેના શરીર ઉપરનાં પાંદડાંનાં તથા લોઢાનાં આભૂષણો શોભતાં હતાં. હું તેને સહેલાઈથી બંદૂક વડે મારી શકત, પણ તેમ કરવામાં હમણાં ડહાપણ નહોતું.

ઘણાં વખત સુધી તે લોકો વહાણથી થોડેક દૂર રહ્યા રહ્યા પાણીમાં ફર્યા કર્યા. હાથના ચાળા કરીને અમને પોતાની પાસે આવવા તેઓ આમંત્રણ આપતા હોય એમ મને લાગ્યું. મેં તેમનું આમંત્રણ સ્વીકાર્યું નહિ એ તો સ્પષ્ટ જ છે.

આજે હોડીમાં બેસીને કિનારે ઊતરાશે નહિ એ જાણીને નેડને બહુ દુઃખ થયું.

લગભગ અગિયાર વાગે પેલા જંગલીઓ પાછા ગયા. અમે એટલે હું અને કોન્સીલ થોડા વખતે તે ખડકો ઉપરનાં શંખલાંઓ વીણવા ઊતરી પડ્યા. હું એક બાજુ શંખલાંઓ વીણતો હતો ત્યાં કોન્સીલ હરખાતો હરખાતો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો “જુઓ; આ જુઓ.”

તેના હાથમાં એક શંખ હતો. શંખમાં તે એવું શું બતાવવા જેવું હશે એમ મને થતું. મને ઘડીક તો તેનું કારણ સમજાયું નહિ; પણ જ્યારે મેં તેને કાળજીથી જોયો ત્યારે જણાયું કે દુનિયામાં જે જાતના શંખને માટે શોખીન માણસ હજારો રૂપિયા ખરચી નાખે છે, તેવો તે શંખ હતો. સાધારણ રીતે કુદરતના દરેકેદરેક બળની ગતિ જમણી તરફથી ડાબી તરફ હોય છે; પૃથ્વી, તારાઓ, ગ્રહ વગેરે સૌ પોતાની જમણી બાજુથી ડાબી બાજુ તરફ જ ફરતા હોય છે; માણસ પણ પોતાના ડાબા હાથ કરતાં જમણો હાથ વાપરતો હોય છે. શંખલાંઓ બનાવવામાં પણ કુદરત સાધારણ રીતે આ જ નિયમને અનુસરતી હોય છે. શંખ ઉપરના આંકાઓ પણ જમણી તરફથી ડાબી બાજુ આવતા હાય એમ દેખાય છે. પણ આ કોન્સીલના હાથમાં શંખ તેથી તદ્દન ઊલટી રચનાવાળો હતો. મારા સંગ્રહસ્થાનમાં આ શંખથી કીમતી ઉમેરો થશે એ વિચારે હું હર્ષમાં આવી ગયો, ત્યાં તો એક પથ્થર ગાજતે ગાજતો આવ્યો અને કોન્સીલના હાથમાંના કીમતી શંખ ઉપર જ અફળાયા. શંખ ફૂટી ગયો.

મારા દિલમાં જ જાણે આ પથ્થરનો ઘા લાગ્યો હોય એવો મને આઘાત થયો. કોન્સીલે મારા હાથમાંથી બંદૂક આંચકી, ને હું તેને અટકાવું તે પહેલાં તો તેણે ગોળી છોડી. એક બૂમ પડી ને પથ્થર ફેકનાર જંગલી જમીન ઉપર ઢળી પડ્યો.

“અરે, અરે! આ તેં શું કરી નાખ્યું? એક શંખને માટે કાંઈ માણસનો જાન લેવાય?”

“હરામખોરે આના કરતાં તો મારો હાથ ભાંગી નાખ્યો હતો તો કાંઈ નહોતું!” કોન્સીલના ક્રોધનો પાર નહોતો.

પેલા માણસના મરવા સાથે જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. લગભગ વીસ નાની નાની હોડીઓ કિનારા ઉપરથી છૂટી. આ હોડીઓ ઝાડના મોટા થડમાંથી કોતરી કાઢેલી હતી. હોડીઓ હથિયારબંધ માણસથી ભરેલી હતી. હજુ તે લોકો આ વહાણ એ શી ચીજ છે તે ઓળખી શક્યા નહોતા, એટલે મૂંગા મૂંગા તેનાથી થોડેક દૂર રહીને ફર્યા કરતા હતા.

મેં આફતનાં વાંદળાં ઘેરાતાં જોયાં. શું કરવું તેનો વિચાર કરતો હતો ત્યાં તો પેલી હોડીઓ વહાણની સાવ નજીક આવી ગઈ અને નૉટિલસના લોખંડના દેહ ઉપર બાણોનો વરસાદ વરસવા માંડ્યો.

હું તરત જ દીવાનખાનામાં ગયો પણ કૅપ્ટન નેમો ત્યાં નહોતો એટલે હું તેના પિતાના ઓરડામાં પહોંચ્યો. કૅપ્ટન પિતાના સાદા ટેબલ ઉપર બેઠો બેઠો કંઈક ગણિતના દાખલા ગણતો હતો.

આપને મેં જરા અડચણ કરી; ખરું?” મેં કહ્યું.

“હા; પણ તમારે અગત્યનું કામ હોવું જોઈએ.’ કૅપ્ટને કહ્યું.

“ઘણું જ અગત્યનું અને ગંભીર. લગભગ છસો માણસો થોડા જ વખતમાં આપણા વહાણની અંદર ઘૂસી જશે.”

તે લોકો નજીક આવી ગયો, એમ?”

“હા.”

“તો આપણે ઉપરનાં બારણાં બંધ કરી દઈએ.”

“હા. એ જ કહેવા હું આવ્યો છું.”

“એમાં કાંઈ મુશ્કેલી નથી.” કૅપ્ટને કહ્યું. તરત તેણે પોતાના ટેબલ પાસેની વીજળીની ઘંટડી દાખી અને મને જણાવ્યું: “બસ, હવે પતી ગયું.”

“ના, હજુ મુશ્કેલીનો અંત નથી આવ્યો. આવતી કાલે સવારે તાજી હવા લેવા માટે વહાણનાં ઉપરનાં બારણાં તો ખોલવાં જ પડશે અને તે વખતે હવાની સાથે જ પેલાઓ અંદર ઘૂસી જશે; તો?”

“તો પછી તેમને કાંઈ ના પડાશે? મારે એક પણ માણસનો જાન નથી લેવો.”

મારી પાસે કાંઈ જવાબ નહોતો. હું ત્યાંથી મારા ઓરડામાં ગયો. “કોન્સીલ! આમાં આપણું કાંઈ ચાલે એમ નથી. કૅપ્ટન નેમો જેમ કરે તેમ કરવા દીધા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આપણે તો સૂઈ જવું એ જ ઠીક છે.”

“મારી આપને જરૂર પડશે?”

“ના ના.”

કોન્સીલ પોતાની ઓરડીમાં ચાલ્યો ગયો.

હું સૂતો; પણ જરાય ઊંઘ ન આવી. બહાર જંગલી લોકોના અવાજો આવ્યા જ કરતા હતા. નૉટિલસનો લોઢાનો કિલ્લો તે બિચારાઓથી તૂટે તેમ નહોતો, તોયે મને થતું હતું કે હમણાં જ બારણું ઉઘાડીને બધા અંદર આવશે.

છ વાગે હું ઊઠ્યો. હજુ બારણાં ઊઘડ્યાં ન હતાં; પણ હવાનાં ટાંકાં ભરેલાં હતાં એટલે તાજી હવાની ખોટ જણાતી ન હતી. આજે દરિયામાં પૂરી ભરતી ચડવાની હતી. બપોરના અઢી વાગે અમારું વહાણ ઊપડવાનું હતું, પણ હજુ કશી તૈયારી દેખાતી નહોતી. હું દીવાનખાનામાં ગયો.

અઢી વાગ્યા; દસ મિનિટ પછી વહાણ ઊપડવું જ જોઈએ. બીજી જ ક્ષણે વહાણમાં જેમ જીવ આવ્યો હોય એમ અવાજે થવા લાગ્યા. આસપાસના પરવાળાંના ખડકો સાથે વહાણ ઘસાતું હોય એમ લાગવા માંડ્યું.

થોડી વારે કૅપ્ટન નેમો દીવાનખાનામાં આવ્યો.

આપણે હવે ઊપડીએ છીએ, તેણે કહ્યું.

“એમ?”

“હા. અને વહાણનાં બારણાં પણ ખોલી નાખવાનો મેં હુકમ આપી દીધો છે.”

“પેલા જંગલીઓનું શું થયું? તે લકે અંદર નહિ ઘૂસી જાય?”

તમને ખબર નથી લાગતી. આ વહાણનાં બારણાં ઉઘાડાં હોવા છતાં તેની અંદર મારી રજા સિવાય કંઈ ન આવી શકે, એવી આ વહાણમાં શક્તિ છે!”

“હું સમજ્યો નહિ.”

“ચાલો ઉપર; તમને સમજાવું.”

અમે ઉપર જવા નીકળ્યા, કોન્સીલ અને નેડ બંને તેમની ઓરડી આગળ ઊભા હતા, તેમનેય અમે સાથે ઉપાડ્યા. અમે ઉપર પહોંચ્યા. જતાંવેંત લગભગ ૫૦ થી ૬૦ ભયંકર ચહેરાઓ મારી નજરે પડ્યા. પણ તેમનામાંથી પહેલાએ વહાણના તૂતકના કઠેડા પર જે હાથ મૂક્યો કે તેના આખા શરીરને જોસબંધ એક આંચકો લાગ્યો અને તે પાણીમાં દૂર જઈને પછડાયો. તેની પાછળ તેના થોડાએક સાથીઓ પણ ચડવા લાગ્યા; તેમની એ જ વલે થઈ. અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. નેડે અખતરો કરવા માટે પોતાનો હાથ તે કઠેડા પર મૂક્યો; તેને પણ એવો સખત આંચકો લાગ્યો કે ધડધડ કરે તો તે દાદરા પરથી નીચે ગબડી પડ્યો. “ઓ માર્યા, માર્યા!” તે બૂમ પાડી ઊઠ્યો, “આ તો વીજળીને આંચકે લાગે છે!”

હું સમજી ગયો. એ કઠેડો નહોતો પણ વીજળીના તારવાળું એક હથિયાર જ હતું! કૅપ્ટન નેમોએ અત્યારે તેમાં વીજળી ચાલુ કરી દીધી હતી. આ વીજળીનો કઠેડો ઓળંગીને અંદર કોણ આવી શકે?

દરમિયાન આ ચમત્કારથી પાપુઅન લોકો ખૂબ ગભરાયા અને ડરી ગયા. બૂમો પાડતા પાડતા તેઓ કિનારા તરફ નાસવા લાગ્યા. અમારું હસવું સમાતું નહોતું. 

એ જ ઘડીએ અમારું વહાણ પૂરી ચડેલી ભરતીને લીધે ખડકમાંથી ઉપર ઊંચકાઈ આવ્યું; વહાણનો પંખો ચાલુ થઈ ગયો. થોડી વારમાં તો નૉટિલસ ટૉરસની સામુદ્રધુનીનો જોખમી રસ્તો પસાર કરી ખુલ્લા સમુદ્રમાં હીંચોળા લેવા લાગ્યું.

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book