૩૯. ટોપી-પંડિત

કપિનગરનો એક કપિ હતો.

દેહરાદૂનની કૉલેજમાં ભણીને એ પંડિત થયો.

એને પંડિતાઈનો ખાસ ઝભ્ભો મળ્યો અને માથા પર પહેરવાની ચાર ખૂણાવાળી ટોપી મળી. ચાર ખૂણાવાળી ટોપી એવી કે જે એ પહેરે તેનો ચારે ખૂણે વિજય!

વિદાય વખતે ગુરુએ કહ્યું: ‘બેટા, હવે તું પંડિત થયો!’

કપિએ કહ્યું: ‘પંડિત નહિ, મહાપંડિત!’

ગુરુએ ક્ષોભ પામી કહ્યું: ‘હા, મહાપંડિત! હવે તું મહાપંડિત થયો. વિદાય વખતે મારે તને એટલું જ કહેવાનું કે વિદ્યાનો દેખાડો કરતો નહિ! વિદ્યા દેખાડો કરવા માટે નથી.’

કપિએ કહ્યું: ‘મને પૂંછડી હોય અને હું કોઈને એ દેખાડું નહિ એ કેમ ચાલે? તો તો બધા મને બાંડિયો જ સમજે ને?’

હવે ગુરુ કંઈ બોલ્યા નહિ.

કપિ ભણીગણીને ઘેર આવ્યો એટલે સૌ કહે: ‘ગામની શોભા વધી!’

કપિ પંડિત પંડિતાઈનો ઝભ્ભો પહેરી, માથા પર પંડિતાઈની ચાર ખૂણાવાળી ટોપી પહેરી, ખભે ખેસ હલાવતો હલાવતો એ ગામમાં નીકળે ત્યારે સૌ, ‘પધારો ટોપી-પંડિત, પધારો! પધારો!’ કહી ઘરમાં એની પધરામણી કરે અને એને પગે લાગે. ટોપી-પંડિતની પંડિતાઈનો ડંકો વાગી ગયો.

એવામાં એક ઊંટ ભૂલું પડીને ગામમાં આવી ચડ્યું. બીજાં ઊંટને પીઠ પર એક ખૂંધ, પણ આને બે હતી. બે ખૂંધની વચ્ચે જરી લાંબો ખાડો. લોકો કહે કે આ ઊંટ નકામું છે પણ ટોપી-પંડિત કહે કે એ ભારે કામનું છે. એ મારી આરામખુરશી છે. હું એ ખુરશીમાં આરામથી સૂતો સૂતો પુસ્તકો વાંચીશ અને કવિતાઓ લખીશ.

ટોપી-પંડિતે એ ઊંટના બે ઢેકા વચ્ચે ગોદડી નાખી અને પછી લાંબા પગ કરી એ એમાં આડો પડ્યો — આરામખુરશી જ જોઈ લો!

ટોપી-પંડિતની આ બુદ્ધિ જોઈ લોકો એમને વધારે માન આપવા લાગ્યા.

ટોપી-પંડિત હવે આ ઊંટ પર સવાર થઈને જ બધે ફરવા લાગ્યા. પંડિતની સાથે હવે ઊંટને પણ માન મળતું હતું અને હવે એને ભૂખ્યા રહેવું પડતું નહોતું, એટલે એ પણ ખુશ હતું.

એક વાર ગામમાં ગોકળ આઠમનો મેળો હતો. આખું ગામ એક ઠેકાણે ભેગું થયું હતું.

ત્યાં બધાં પંડિતને વળગ્યાં: ‘અમારે તમારું ભાષણ સાંભળવું છે.’

પંડિતે કહ્યું: ‘હું ઊંચા આસનેથી ભાષણ કરીશ, નીચે નહિ ઊતરું.’

લોકોએ કહ્યું: ‘કંઈ વાંધો નહિ!’

ટોપી-પંડિતે ઊંટ પર બેઠાં બેઠાં ભાષણ કર્યું: ફડફડ ફટાકડા ફૂટતા હોય એમ પંડિતના મોંમાંથી જોરદાર શબ્દો ફૂટે. પંડિત શું બોલ્યા એ તો કોઈને સમજાયું નહિ, પણ પંડિતનું જ્ઞાન અગાધ છે એની બધાને ખાતરી થઈ ગઈ. સૌ કહે: ‘આપણા કપિ-કુળમાં આવો વિદ્વાન કદી થયો નથી.’

કેટલાક જુવાન કપિઓને થયું કે આ પંડિતને હાથપગ છે તે આપણા જેવા છે, માથું આપણા જેવું છે, પૂંછડીયે આપણા જેવી છે, તો આટલું બધું જ્ઞાન એ રાખે છે ક્યાં?

તેમણે ભેગા થઈને ટોપી-પંડિતને આ પ્રશ્ન પૂછ્યો.

ટોપી-પંડિતે હસીને પોતાનું માથું દેખાડી કહ્યું: ‘બધું જ્ઞાન આની મહીં ભરેલું છે. ગુરુએ ખોબા ભરી ભરીને આપ્યું અને મેં ખોબા ભરી ભરીને લીધું!’

જુવાનિયાઓ વિચારમાં પડી ગયા કે પંડિતનું માથું તો આવડું અમથું છે, આવડા નાના માથામાં આટલું બધું જ્ઞાન રહે કેવી રીતે? અને પંડિતે એ એમાં ભર્યું કેવી રીતે?

તેમણે એક વૃદ્ધ કપિને પૂછ્યું, ‘દાદા, મૂઠી જેવડા માથામાં પહાડ જેવડું જ્ઞાન માય કેમ કરીને?’

વૃદ્ધે કહ્યું: ‘એનો ઝભ્ભો જોયો? કેટલો મોટો છે! ઝભ્ભાનાં ખિસ્સાં જોયાં? કેટલાં મોટાં છે! મને તો લાગે છે કે એનાં ખિસ્સાંમાં જ એ બધું રાખે છે, અને તમે ચોરી ન જાઓ એટલા માટે કહે છે કે માથામાં રાખું છું.

જુવાનિયાઓએ કહ્યું: ‘અમે એનાં ખિસ્સાં ચારવાર તપાસ્યાં છે — એમાં કશું જ નથી.’

વૃદ્ધે કહ્યું: ‘તો તો પછી એ કહે છે તેમ બધું એના માથામાં છે. માથું ખોલીને જોવું પડે!’

હવે એવું બન્યું કે એક દિવસ ટોપી-પંડિત નદીએથી નાહીને ઊંટ પર સવાર થઈને આવતા હતા, ત્યાં અચાનક એક ગધેડો ભૂંક્યો. ઓચિંતાનો આ મહા રવ સાંભળી ઊંટ ભડક્યું અને પંડિતજી એમની આરામખુરશીમાંથી ઊછળીને નીચે પડ્યા. એમની ચાર ખૂણાવાળી ટોપી ઉકરડા પર જઈ પડી અને પંડિત પોતે એક શિલા પર પછડાયા. એમને માથમાં ઘા થયો અને લોહી નીકળ્યું.

પંડિત હવે ઘરમાં પથારીવશ થયા.

કપિઓને ખબર પડી કે પંડિતને માથામાં વાગ્યું છે, એટલે રિવાજ મુજબ બધા એમની ખબર કાઢવા આવ્યા. કપિસમાજમાં સૌને એકબીજા પ્રત્યે ભારે લાગણી, કોઈ પડેઆખડે અને એને વાગેકરે તો આખો સમાજ એની ખબર કાઢવા જાય અને દરેક જણ એને ક્યાં વાગ્યું છે ને કેવું વાગ્યું છે તે કાળજીપુર્વક ખણીખોતરીને જુએ.

એક કપિએ ટોપી-પંડિતના માથાનો ઘા પોતાના હાથે ખણીને જોયો — ઘાની બરાબર પરીક્ષા કરવા તેણે ખોતરીને એને જરી પહોળો કર્યો. તે પછી બીજો કપિ ઘા જોવા ઊઠ્યો. તેને લાગ્યું કે ઘા બરાબર દેખાતો નથી, એટલે એણે જોરથી નખ માર્યો — ઘા ઠીક પહોળો થયો. એને ખાતરી થઈ કે આને વાગ્યું છે એ વાત સાચી છે.

આમ એક પછી એક કપિ ટોપી-પંડિત પ્રત્યે લાગણી બતાવવા એમના માથાનો ઘા તપાસવા લાગ્યા અને ખણીખોતરીને પહોળો કરવા લાગ્યા.

ટોપી-પંડિત કહે: ‘અરે, અરે, મને પીડા થાય છે!’

ત્યારે ઘા તપાસતો કપિ કહે: ‘ક્યાં પીડા થાય છે, અહીં? કે અહીં? કે અહીં?’

આમ કહેતી વખતે ઘાને પહોળો ને ઊંડો કરવાનું તો ચાલુ જ હતું.

એક વૃદ્ધ કપિ કહે: ‘હટો બધા બાજુએ! મને ઘા તપાસવા દો! મેં આવા કેટલા ઘા મટાડ્યા છે, આ યે મટાડી દઈશ — ચપટી વગાડતામાં!’

એ વૃદ્ધે પંડિતના માથાનો કબજો લીધો; બીજા પણ બે વૃદ્ધો એની મદદમાં રહ્યા. એક વૃદ્ધે જોરથી ઘા ખોતરી કાઢી બીજા વૃદ્ધને કહ્યું: ‘દેખાય છે કંઈ?’

બીજાએ કહ્યું: ‘શું?’

‘શું તે જ્ઞાન! ગુરુએ ખોબે ખોબા ભરીને આપ્યું છે અને પંડિતે ખોબે ખોબા ભરીને લીધું છે તે! અહીં — અહીં —આમાં એણે એ ભર્યું છે એમ એ કહે છે.’

‘જુઓ. આ દેખાય!’ કહી બીજા વૃદ્ધે પંડિતની ખોપરી ચીરી નાખી.

પંડિતે ચીસ પાડી: ‘ઓ મા! મરી ગયો!’

બીજા કપિઓએ પંડિતના હાથપગ પકડી રાખ્યા, બધાએ એક અવાજે કહ્યું: ‘ગરબડ નહિ. ઑપરેશન ચાલે છે. હમણાં દરદ કાયમ માટે મટી ગયું જાણો! તમારી વિદ્યા જબરી છે, તો અમારી પણ જબરી છે હોં!’

‘જ્ઞાન પકડાયું! જ્ઞાન પકડાયું!’ ની બૂમો સાંભળી કપિ જુવાનિયાઓ બધા દોડી આવ્યા ને પંડિતને ઘેરીને ઊભા. પંડિત હવે બેભાન હતા. 

પણ ઘાની સારવાર હજી ચાલુ હતી. ઘાની પરીક્ષા અને સારવાર બે સાથે ચાલતાં હતાં. આનું જ નામ ઑપરેશન.

પરીક્ષા પૂરી થઈ. ઑપરેશન સફળ થયું. પંડિતજી ગુજરી ગયા.

વૃદ્ધ કપિએ હતાશ સ્વરે કહ્યું: ‘મેં ખણીખોતરીને બરાબર જોયું— આના માથામાં કંઈ જ નથી — બધું ખાલીખમ છે.’

[ટોપી-પંડિત]

License