૨૯. રૂપિયાવાળી ચકલી

એક હતી ચકલી.

તે રાજાના મહેલમાં રહેતી હતી.

એક દિવસે એને રૂપિયો જડ્યો. અસલ મુંબઈગરો!

ચકલી કહે: ‘વાહ, હવે હું રૂપિયાવાળી થઈ! દુનિયામાં મારા જેવું તાલેવંત કોઈ નથી!’

ચકલી રૂપિયાને ચાંચમાં ઘાલી ઘેર લઈ ગઈ. પછી રૂપિયો એણે માળામાં સાચવીને મૂકી દીધો. મનમાં કહે: ‘વાહ! હું રૂપિયાવાળી ચકલી છું! રાજાના ખજાનામાં યે આટલું ધન નહિ હોય! છી! રાજા વળી મારી આગળ કોણ?’

આમ કહી એ રાજાની કચેરીમાં આવી ગાવા લાગી:

હું રૂપિયાવાળી ચકલી,
નથી રાજા જેવી નકલી!
હું સોનાનો ખાઉં ભાત,
ને રાજાને મારું લાત!

આમ કહી એણે રાજાની સામે જોઈ લાત મારવાનો ચાળો કર્યો.

રાજા ગાદી પર બેઠો બેઠો હૂકો પીતો હતો. એણે આ જોયું ને સાંભળ્યું. એકદમ એણે બૂમ પાડી: ‘એ…ઈ, છે કોઈ હાજર?’

એક કહેતાં એકસો સિપાઈ હાજર થઈ ગયા.

રાજાએ હુકમ કર્યો: ‘તપાસ કરો, આ ચકલી શું બોલે છે?’

એક સાથે એક સો સિપાઈઓ કાન માંડી સાંભળે છે. ચકલી નાચે છે, કૂદે છે ને ગાય છે:

હું રૂપિયાવાળી ચકલી,
નથી રાજા જેવી નકલી!
હું સોનાનો ખાઉં ભાત,
ને રાજાને મારું લાત!

આમ કહી એણે લાત ઉગામી.

સિપાઈઓએ રાજાને કહ્યું: ‘મહારાજ, ચકલી કહે છે કે રાજા નકલી છે, હું નકલી નથી, હું તો સાચી રૂપિયાવાળી ચકલી છું, ને રો…જ સોનાનો ભાત ખાઉં છું!’

પણ રાજાને લાત મારવાની ચકલીની વાત તેમણે રાજાને કરી નહિ, કારણ કે એવું કહેવા જતાં એમણે જ રાજાની લાત ખાવી પડે તો?

રાજા કહે: ‘ઓહો! ચકલી રૂપિયાવાળી થઈ ગઈ છે! તો તપાસ કરો, એના ઘરમાં કેટલું ધન છે!’

સિપાઈઓએ તપાસ કરી તો ચકલીના ઘરમાં એક રૂપિયો દેખાયો.

રાજા કહે: ‘એ રૂપિયો મારો છે, લઈ લો.’

સિપાઈઓએ રૂપિયો લઈ લીધો.

તોયે ચકલી તો નાચવા લાગી ને ગાવા લાગી, પણ હવે એ આવું ગાતી હતી:

રાજા લોભી થયો!
મારો રૂપિયો ચોરી ગયો!

રાજા કહે: ‘સિપાઈ, સિપાઈ! આ ચકલી શું બોલે છે?’

સિપાઈઓ કહે: ‘મહારાજ! એ કહે છે કે રાજા લોભી છે, ચોર છે, એ મારો રૂપિયો ચોરી ગયા છે.’

રાજાએ બૂમ પાડી: ‘ખબરદાર! મને લોભી કહેવાનો નથી, મને ચોર કહેવાનો નથી. જાઓ, એનો રૂપિયો એને પાછો આપી દો!’

સિપાઈઓએ રૂપિયો પાછો ચકલીના ઘરમાં મૂકી દીધો. હવે ચકલી નાચતી-કૂદતી ગાવા લાગી:

રાજા કેવો ડરી ગયો!
મારો રૂપિયો ભરી ગયો!

રાજા કહે: ‘ચૂપ! આ બકવાસ શાનો છે?’

પણ ચકલી ચૂપ રહી નહિ. એ ગાવા લાગી:

રાજા કેવો ડરી ગયો!
મારો રૂપિયો ભરી ગયો!

રાજાએ સિપાઈને બૂમ પાડી: ‘સિપાઈ! પકડો આ ચકલીને, અને એને ઊંધે માથે લટકાવો!’

એકસાથે બસો સિપાઈઓએ ચકલીને ઘેરી લીધી. પછી એને પકડીે તેમણે ઊંધે માથે લટકાવી — તોયે ચકલી તો ગાવા લાગી:

રાજાને ઘેર જાઉં છું,
લાંબા હીંચકા ખાઉં છું,

ને, મનમાં ગાણાં ગાઉં છું!

વળી રાજા ચિડાયો. તેણે બૂમ પાડી: ‘સિપાઈઓ! ચકલીના પગ નીચે દેવતા કરો, એને જીવતી શેકી નાખો!’

એકદમ બસો સિપાઈઓ દેવતા સળગાવવા બેસી ગયા. ભડકો થયો, તોયે ચકલી તો ગાવા લાગી:

રજાને ઘેર રહું છું,
તાપણાનો તાપ લઉં છું,
ને રાજાને ડામ દઉં છું!

રાજા ખૂબ ખિજાયો. તેણે બૂમ પાડી: ‘સિપાઈ! સિપાઈ! ચકલીને લાવો મારી પાસે. હું એક દો તીન કહી એને છોડું કે તરત તમે એના પર તલવાર ચલાવજો! આજે ચકલી અહીંથી જીવતી જવી ન જોઈએ! હોશિયાર!’

સિપાઈઓએ ચકલી રજાના હાથમાં આપી. રાજાએ તેને બરાબર પકડી. રાજાના ચારસો સિપાઈઓ હોશિયાર થઈ ઊભા! દરેકના હાથમાં ઉઘાડી તલવાર! દરેકે હાથ ઊંચો ઉગામેલો!

‘એક, દો, તી…ન!’ કહી રાજાએ હાથની પકડ ઢીલી કરી કે ચકલી રાજાના નાક પર થઈને ઊડી. એકદમ એક સિપાઈની તલવાર પડી રાજાના નાક પર, અને ખચ કરતું રાજાના નાકનું ટેરવું કપાઈ ગયું! એ જ વખતે બીજા ત્રણસો નવ્વાણું સિપાઈઓની તલવારો તેમની આગળ ઊભેલા સિપાઈઓનાં નાક પર પડી, અને ત્રણસો નવ્વાણું સિપાઈઓનાં નાકનાં ટેરવાં કપાઈ ગયાં. માત્ર એક છેલ્લો સિપાઈ બચી ગયો. એનું નાક આખું રહી ગયું એ રાજવૈદને બોલાવવા દોડી ગયો!

ફરરર કરતી ચકલી ઊડી ગઈ. રાજમહેલ છોડીને એ જતી રહી.

[લાડુની જાત્રા]

License